અમદાવાદનું એક અનોખું સ્ટોર એસી, પંખા અને લાઇટ વગર પણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. કુદરતી પ્રકાશ અને શાંત વાતાવરણમાં ગ્રાહકો નિરાંતે ખરીદીનો આનંદ માણી રહ્યા છે.
જ્યાં નથી લાઇટ, નથી પંખો એવી અમદાવાદની અનોખી હાટડી
ગ્લોબલ વૉર્મિંગના આજના સમયમાં ઍરકન્ડિશનર હવે એક જરૂરિયાતની મૂળભૂત જરૂરિયાત ગણાવા લાગી છે ત્યારે અમદાવાદના એક સ્ટોરમાં એસી તો નથી જ, પણ એ સ્ટોરમાં લાઇટ કે પંખો પણ નથી. એમ છતાં કસ્ટમર્સ નિરાંતે અને શાંતચિત્તે તેમની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓની ખરીદી કરીને જાય છે. કેટલાક લોકો અનાજ, મસાલા, કાપડ કે વાસણની ખરીદી કરીને એક પ્રકારના સંતોષની લાગણી સાથે બહાર નીકળતા હતા.
આ સ્ટોર એટલે અમદાવાદમાં આવેલી ‘અસલ’ નામની હાટડી.
ADVERTISEMENT
આ સ્ટોરમાં એન્ટર થાઓ એટલે તમને સદીઓ જૂની પરંપરાગત જીવનશૈલીનો અનુભવ કરવા મળે. અહીં લાઇટ નથી પણ સાંજ પડ્યે રોજ દિવેલના દીવા થાય છે. ભીંત પર સિમેન્ટનું નહીં પણ ચૂનાનું પ્લાસ્ટર કરેલું છે અને સ્ટાઇલિશ ફ્લોરિંગના સ્થાને છાણથી ફ્લોરિંગ કરેલું છે. અહીં ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરમાં ઘરઘરાટી કરીને ઝટપટ ગ્રાઇન્ડ થતા મસાલા નહીં પણ હાથેથી ખાંડેલા ગરમ મસાલા મળે છે. બળદની ઘાણીએ પીલેલું તેલ, કુદરતી ખાતરથી પકવેલું અનાજ-કરિયાણું, હાથવણાટ કરેલું કાપડ, કાંસા-પિત્તળનાં વાસણો સહિત જીવનજરૂરિયાતની પરંપરાગત ચીજવસ્તુઓ અહીં મળે છે.
આ સ્ટોરને કોઈ સ્પેશ્યલ સ્ટોર બનાવવાની કવાયત નથી કરવામાં આવી. બલકે હાલના સમયમાં ફૂડ-હૅબિટ બદલાઈ છે ત્યારે પહેલાંના જમાનાની આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાગત જૂની વ્યવસ્થા, ચીજવસ્તુઓ અને વાસણોથી લોકો અવગત થાય તેમ જ તંદુરસ્ત જીવનશૈલી તરફ વળે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુનિ હિતરુચિવિજયજી મહારાજસાહેબના વિચારોથી પ્રેરિત થઈને અમદાવાદમાં આ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે.
સ્ટોરની શરૂઆત કઈ રીતે?
અમદાવાદમાં ‘અસલ’ નામથી પરંપરાગત સ્ટોર શરૂ કરવાના મૂળમાં મુનિ હિતરુચિવિજયજી મહારાજસાહેબનું વિચારબીજ રોપાયેલું છે એ વિશે વાત કરતાં ‘અસલ’ સ્ટોરના માલિક શ્રીપાલકુમાર શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારું મૂળ વતન ઉત્તર ગુજરાતના ડીસા પાસે આવેલું રાજપુર ગામ છે. હું બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા ગુરુ મુનિ હિતરુચિવિજયજી મહારાજસાહેબના પરિચયમાં આવ્યો હતો. તેઓ એક સમયે મુંબઈના ડાયમન્ડ મર્ચન્ટના દીકરા હતા. એ સમયે તેઓ હાથની ઘંટીમાં દળેલા લોટનો ઉપયોગ કરતા હતા અને કાંસાના વાસણમાં જમતા હતા તથા કેમિકલ વગરનો ગોળ, શાક અને બળદની ઘાણીના તલના તેલનો ઉપયોગ કરતા હતા. મહારાજસાહેબની એક ભાવના હતી કે જૂની વ્યવસ્થાઓને શીખી લેવાની અને આગળ કામ કરવાનું. એક સમયે હું મુંબઈના ડાયમન્ડ માર્કેટમાં કામ કરતો હતો, પણ મહારાજસાહેબ પાસે અવરજવર રહેતી. એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘ક્યાં સુધી આવું કરીશ? જેમાં મન છે એ પ્રવૃત્તિ કર.’ મારા મગજમાં આ વાત બેસી ગઈ અને મુંબઈ છોડીને અમદાવાદ આવી ગયો. ૨૦૦૦–૨૦૦૧માં મારા મિત્ર શૈલેશભાઈ સાથે ભાગીદારીમાં એક જૂનું મકાન લઈને અનાજ-કરિયાણા સહિતની પરંપરાગત ચીજવસ્તુઓના વેચાણનું કામ શરૂ કર્યું.’
વિચારને આચારમાં મૂકવો
પરંપરાગત ચીજોની દુકાન શરૂ કરવાનું ફાઇનલ થઈ ગયું એ વખતે ગુરુજીનું સમજાવ્યું હતું કે તમે જે વિચાર સાથે કામ કરવાના હો તો એ વિચાર મુજબનું ઇન્ટીરિયર હોવું જોઈએ. શ્રીપાલકુમાર કહે છે, ‘ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરવો જોઈએ, લીંપણ-ચૂનાનું બાંધકામ, દીવાનું અજવાળું આ બધી બાબતે મુનિ હિતરુચિવિજયજી મહારાજસાહેબે જ્ઞાન આપીને મને સમજાવ્યો અને કહ્યું હતું કે ૬ મહિના પછી ન ફાવે તો મને પૂછ્યા વગર ઇલેક્ટ્રિસિટી નખાવી દેજે. મહારાજસાહેબની વાત માનીને આગળ વધ્યો અને દુકાનમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનું ટાળ્યું. મારે ત્યાં વીજળીનો એક પણ પૉઇન્ટ નથી, કેમ કે ઇલેક્ટ્રિસિટીના જે તરંગો છે એ પણ માણસના મગજને એકચિત્ત નથી થવા દેતા. એનો પણ ઘોંઘાટ હોય છે. જેમ રેડિયેશન છે એમ આના પણ તરંગો ચાલતા હોય છે. તમે ભલે ઇલેક્ટ્રિસિટી ચાલુ ન કરો, પણ એના તરંગો તો ચાલુ જ હોય છે એટલે દુકાનમાં વીજળી રાખી જ નહીં.’
લાઇટ વગરની દુકાનનું ઍટ્રૅક્શન
વીજળી વગર પરંપરાગત ચીજવસ્તુની દુકાન શરૂ કરી ત્યારે એ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મુદ્દે વાત કરતાં શ્રીપાલકુમાર શાહ કહે છે, ‘દુકાનનું ઓપનિંગ રાખ્યું ત્યારે રોડ પર ૫૦૦થી વધુ દીવા કર્યા હતા અને દુકાનમાં ૫૦થી વધુ દીવા કર્યા હતા એટલે પહેલા જ દિવસથી આવનારા લોકોને કુતૂહલ થયું હતું. લાઇટ વગરની દુકાન એ જ લોકો માટે તો ઍટ્રૅક્શન થઈ ગયું હતું. અમે દુકાનની ઉપર રહેતા અને રસોડું ચાલતું હતું જેમાં ગૅસ નહીં પણ સગડી અને ચૂલા પર રસોઈ બનાવતા હતા. ૨૦૦૦–૨૦૦૧માં દુકાન ચાલુ કરી ત્યારે ઑર્ગેનિક ફૂડ કોને કહેવાય એ બાબતે લોકોમાં એટલી અવેરનેસ નહોતી. કસ્ટમર્સ આવે તો તેમને ઑર્ગેનિક અનાજ વિશે સમજાવતા અને કહેતા કે ઉપરના માળે જાઓ અને જે જમવાનું બન્યું હોય એનો ટેસ્ટ કરો. ધીરે-ધીરે એવું થતું ગયું કે લોકો અમારે ત્યાં ઑર્ગેનિક અનાજમાંથી બનાવેલી રસોઈનો ટેસ્ટ કરવા માટે મિત્રો અને ફૅમિલી સાથે આવતા. ધીરે-ધીરે લોકોને ઑર્ગેનિક અનાજ-કરિયાણું અનુકૂળ આવવા લાગ્યું અને એની ખરીદી કરતા થયા. અમે લોકોને સમજાવતા કે અહીં અમે જે ફૂડ બનાવીએ છીએ એમાં બેઝિક આયુર્વેદના સિદ્ધાન્તથી ચાલીએ છીએ. ઑર્ગેનિક એ ફાર્મિંગની એક મેથડ છે, પણ જો એમાં બીજ ખોટું હોય તો નુકસાન કરે. આપણી ફૂડ-હૅબિટ બદલાઈ છે એટલે બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. જે આપણે ત્યાં પહેલાં સુવ્યવસ્થિત આયોજન હતું, જે નૉલેજ હતું એ જતું રહ્યું છે. એટલે અમે અહીં ટ્રાય કરીએ છીએ, લોકોને કન્વે કરીએ છીએ કે આપણી જૂની પરંપરાનાં અનાજ-કરિયાણું, કાપડ, વાસણોનું કેટલું મહત્ત્વ છે.’
જૂની વ્યવસ્થાથી અવગત થાય લોકો
આપણી જૂની વ્યવસ્થા સુદૃઢ હતી. આજના સમયે લોકો એના વિશે જાણે એ બાબતે વાત કરતાં શ્રીપાલકુમાર શાહ કહે છે, ‘અમે લોકોને પ્રોડક્ટ આપીએ છીએ, પણ પ્રોડક્ટ વેચવી એ અમારી પ્રાયોરિટી નથી. અમારી ઇચ્છા લોકોને આપણી જૂની વ્યવસ્થાથી અવગત કરાવવાની છે. લોકોમાં
ધીરે-ધીરે અવેરનેસ આવી છે. અમારા સ્ટોરમાં લાઇટ નથી. દુકાનમાં ચૂનાનું પ્લાસ્ટર જોઈને કે છાણનું ફ્લોરિંગ જોઈને તેમ જ વરસાદી પાણીના સંગ્રહની ટાંકી જોઈને લોકોમાં અવેરનેસ આવી છે. હું જો મારી એક દુકાનમાં લાઇટ નહીં વાપરું તો આખું અમદાવાદ લાઇટ બંધ નથી કરી દેવાનું. મારો ટાર્ગેટ એ નથી, પણ હું લાઇટ નહીં વાપરું એ જોઈને ક્યારેક કોઈ માણસ તેના ઘરે વર્ષમાં એક દિવસ લાઇટ નહીં વાપરે એવું કદાચ થશે અને તેના મનમાં વિશ્વાસ જાગશે કે લાઇટ વગર પણ જીવન શક્ય છે. લોકોને કૉન્ફિડન્સ આપવો જરૂરી છે. પહેલાંના સમયમાં લોકોમાં સહનશક્તિ હતી. લોકો ગમે એ પરિસ્થિતિમાં ચલાવીને પણ જીવન જીવતા હતા જે અત્યારે ધીરે-ધીરે ઓછું થઈ ગયું છે. અત્યારે પહેલાંની એ માનસિકતા લાવવી છે, કૉન્ફિડન્સ લાવવો છે કે આપણી જે વ્યવસ્થા હતી એ ટાઇમ-ટેસ્ટેડ હતી અને એ જ સૌથી સસ્ટેનેબલ છે જેને આપણે કેવી રીતે અપનાવી શકીએ. એટલે અમે આ પ્રયત્ન કર્યો છે.’
ચૂનાનું પ્લાસ્ટર, છાણનું ફ્લોરિંગ અને દીવા
‘અસલ’ સ્ટોર એની બાંધણીને લઈને અનોખો છે. આ રીતની બાંધણી કરવા પાછળનું કારણ જણાવતાં શ્રીપાલકુમાર શાહ કહે છે, ‘અમે દુકાનમાં વીજળીનો ઉપયોગ કરતા નથી, પરંતુ અજવાળા માટે દિવેલના દીવાનો ઉપયોગ કરીએ છીએ. ફ્લોરિંગમાં છાણનો ઉપયોગ કર્યો છે. આખા મકાનમાં સિમેન્ટનો ઉપયોગ નથી કર્યો પણ ચૂનાનું પ્લાસ્ટર કર્યું છે. ચૂનાની લાઇફ ૪૦૦–૫૦૦ વર્ષની હોય છે. ચૂનાના પથ્થરો લાવીને એને પાણીમાં પલાળીને બળદના કોહલા પર પીસતા. એમાં ગૂગળ, મેથી, ગોળ, બબૂલ નાખીએ જેથી એની મજબૂતાઈ વધે અને પૉઝિટિવ એનર્જી આપે. આ રીતે ચૂનો તૈયાર કરીને એનાથી ચણતર અને પ્લાસ્ટર કર્યું છે. આખું મકાન ગ્રાઉન્ડ પ્લસ ટૂ ફ્લોર છે એ આખું ચૂનામાં બનેલું છે એટલે અમારે પંખાની જરૂર પડતી નથી. ચૂનાનું મકાન હોય એટલે ગરમીમાં આ મકાનમાં બહાર કરતાં અંદાજે ૧૦ ડિગ્રી જેટલો ટેમ્પરેચરમાં ફરક પડે. ચૂનો ટેમ્પરેચરને ઠંડું રાખે છે. બીજું, સ્ટોરમાં હવાની અવરજવર રહે એ મુજબ બાંધકામ કર્યું છે એટલે તમને અહીં ઠંડકનો અહેસાસ થશે.’
લોકો બદલી રહ્યા છે જીવનશૈલી
પરંપરાગત ચીજવસ્તુઓના સ્ટોરમાંથી ખરીદી કરીને લોકો તેમની જીવનશૈલીમાં બદલાવ લાવી રહ્યા છે એ વિશે શ્રીપાલકુમાર શાહ કહે છે, ‘આ સ્ટોર ૨૦૦૧થી ચલાવી રહ્યો છું અને ઘણા લોકોએ આ જીવનશૈલી અપનાવી છે. ગ્રાહકોની અવરજવર રહે છે. અમારું કામ આપણી જૂની પદ્ધતિ અને ચીજવસ્તુઓથી તેમને માહિતગાર કરવાનું છે. પ્રોડક્ટ લઈ જવી કે નહીં એ તેમનો નિર્ણય છે. જો ગ્રાહક કોઈ વસ્તુ નહીં લઈ જાય તો વિચાર તો લઈ જશેને! એ જરૂરી છે. અહીં આવનારા લોકોને હવે આ વસ્તુઓ ગમવા લાગી છે અને તેઓ અપ્રિશિએટ કરે છે. આમાં અમારું કોઈ ઇનોવેશન નથી. બંધ થયેલી આપણી ચીજવસ્તુઓ અને પરંપરાને પુનર્જીવિત કરવાનો અમારો પ્રયત્ન છે. સ્ટોર શરૂ કર્યા પછી લોકોને સંતોષ થાય છે એટલે લોકો અહીં આવતા થયા છે અને મારે ત્યાં વર્ષેદહાડે ૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે.’
કઈ-કઈ ચીજવસ્તુઓ છે સ્ટોરમાં?
પરંપરાગત જીવનશૈલી મુજબની કઈ-કઈ ચીજવસ્તુઓ સ્ટોરમાં રાખે છે એની વાત કરતાં શ્રીપાલકુમાર શાહ કહે છે, ‘સ્વસ્થ જીવન જીવવા માટે જે જોઈએ એવી અમે બેઝિક વસ્તુઓ રાખીએ છીએ. કુદરતી ખાતરથી બનેલા ચોખા, ઘઉં, જવ, બાજરી, જુવાર, મગ, ચણા, રાજમા સહિતનાં દેશી બિયારણનાં અનાજ-કઠોળનું હાથથી પ્રોસેસિંગ કરીએ છીએ. મરચાં અને ગરમ મસાલા હાથથી ખાંડવામાં આવે છે. તલનું તેલ બળદની ઘાણીએ પિલાયેલું હોય છે. બધી દાળોને હાથઘંટીમાં પીસીએ છીએ. ગાયનું ઘી, ગુલકંદ, મુરબ્બો, ભીંડી, કોકમ, ગુલાબ, વરિયાળી, ખસ સહિતનાં જુદાં જુદાં શરબતો ઉપરાંત આયુર્વેદ મુજબનાં બૉડીકૅર અને હાથવણાટની ખાદીનું ફૅબ્રિક, સાડી, ધોતી, ખેસ, હાથરૂમાલ રાખીએ છીએ. આ સિવાય કાંસા-પિત્તળનાં વાસણો છે. લાકડાના કાંસકા, માથામાં નાખવાનું તેલ, સાબુ, બાળઉછેરની વસ્તુઓ પણ રાખીએ છીએ.’
અમદાવાદના પાલડીમાં અસલ નામની આ દુકાન પરંપરાગત ભારતીય જીવનશૈલી માટેની ચીજવસ્તુઓ માત્ર વેચતી જ નથી, જીવે પણ છે. ભીત પર ચૂનાનું પ્લાસ્ટર, છાણનું ફ્લોરિંગ, દિવેલના દીવાનું અજવાળું અને કુદરતી હવાઉજાસ ધરાવતી આ શૉપમાં હાથથી ખાંડેલા ગરમ મસાલા, બળદની ઘાણીએ પીલેલું તેલ, ઑર્ગેનિક અનાજ, કરિયાણું, હાથવણાટ કરેલું કાપડ, કાંસા-પિત્તળનાં વાસણો સહિત જીવનજરૂરિયાતની પરંપરાગત ચીજવસ્તુઓ મળે છે
સાચું તેલ કોને કહેવાય?
રોજિંદા ખોરાક સાથે અલગ-અલગ તેલનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ તેલ વિશે દાવો કરતાં શ્રીપાલકુમાર શાહ કહે છે, ‘સિંગ ઑર્ગેનિક હોય તો પણ અમે સિંગતેલ નથી વેચતા, કેમ કે સિંગતેલ આપણે ત્યાં ખવાતું નથી. સિંગ એ બ્રાઝિલથી આવેલું બિયારણ છે. સિંગનું તેલ ત્રણેય દોષોને ઇનબૅલૅન્સ કરે છે. આપણે ત્યાં તલનું નીકળે એને ‘તેલ’ કહેવાય, સરસવનું નીકળે એને ‘સરસિયું’ કહેવાય, એરંડાનું નીકળે એને ‘એરંડિયું’ કહેવાય, દીવા માટે વપરાય એને ‘દિવેલ’ કહેવાય, કોપરાનું નીકળે એને ‘કોપરેલ’ કહેવાય. જેની પાછળ ‘તેલ’ લખવું પડે એવાં કોઈ તેલ હતાં નહીં, કેમ કે તલનું નીકળે એને જ ‘તેલ’ કહેવાય. ખાવા માટે આખું વેસ્ટ ઝોન તલનું તેલ વાપરતું. નૉર્થ ઝોનમાં જુઓ તો સરસવ વાપરે છે, સાઉથમાં જુઓ તો કોપરેલ વાપરે છે. આ રીતે આખી વ્યવસ્થા હતી. વેધર પ્રમાણે અહીં બધું થતું, પણ એ જ હવે આપણે ત્યાં બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. કોઈ કપાસિયા તેલ ખાય છે, કોઈ સિંગતેલ ખાય છે, કોઈ પામોલિન ખાય છે, કોઈ રાઇસબ્રાન ખાય છે એટલે હેલ્થના ઇશ્યુ સૉલ્વ કરવા અઘરા પડી ગયા છે.’
