હરિયાણાના સબ-ઇન્સ્પેક્ટર સમર સિંહ બાઘપુરિયા પોલીસની ફરજ બજાવવાની સાથે ફિટનેસના પણ જબરા ઉપાસક છે. પત્ની સુદેશ સાથે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયેલા સમર સિંહના કસરતના દાવ જોઈને યુવાનોને પણ પરસેવો છૂટી જાય છે
પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે પણ કાઠું કાઢી ચૂક્યા છે સમર સિંહ બાઘપુરિયા, પતિ તો પતિ, પત્ની ભી માશાલ્લા
સામાન્ય રીતે ૫૦-૫૫ની ઉંમર પછી આપણી માનસિકતા શું હોય છે? જવાબદારીઓમાંથી મુક્ત થઈને હવે રિટાયરમેન્ટ લઈએ. ઘરે રહીને નિવૃત્તિનો સમય માણીશું, પરિવાર સાથે સમય વિતાવીશું અને જો કોઈ સદ્ભાગ્યે ગામમાં ઘર અને જમીન હોય તો ખેતી કે ગાર્ડનિંગ કરીશું! ટૂંકમાં, આખી જિંદગી બહુ દોડધામ કરી, હવે જીવન આરામથી પસાર કરવું છે એવો વિચાર કેન્દ્રસ્થાને હોય, ખરુંને? પણ દિલ્હીના એક પોલીસ-અધિકારી ૫૬ વર્ષની ઉંમરે એવી-એવી કસરતો સ્ફૂર્તિથી કરી દેખાડે છે કે યુવાનોને પણ પરસેવો છૂટી જાય છે.
સમર સિંહ બાઘપુરિયા, દિલ્હી પોલીસમાં SI (સબ-ઇન્સ્પેક્ટર) તરીકે ફરજ બજાવતા આ આધેડ વયના યુવાન એવા ફિટ છે કે આ ઉંમરે પોલીસની ફરજ બજાવવાની સાથે જ સોશ્યલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર તરીકે નામ કમાઈ રહ્યા છે. પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગુરુકુળમાં રહીને આચાર્ય પાસે વ્યાયામ અને યોગની શિક્ષા પ્રાપ્ત કરી અને શરૂઆત થઈ ચુસ્તદુરુસ્ત જિંદગીના સંસ્કારની. મજાની વાત એ છે કે ગુરુકુળમાં જે કંઈ શીખવા મળ્યું એટલામાત્રથી સંતોષ અનુભવે એવા સમર સિંહ નહોતા. તેમણે પોતાની રીતે વ્યાયામ અને યોગમાં પણ અનેક વૈવિધ્ય લાવવાનો પ્રયત્ન કર્યો અને આજે હવે ૫૬ વર્ષની ઉંમરે તેઓ અને પત્ની સુદેશ એવાં તો ફિટ ઍન્ડ ફાઇન છે કે સુદેશ સમર સિંહજીને ખભે ઊંચકીને ઝપાટાભેર દોડી જાય છે અને સમર સિંહજી વિના કોઈ અડચણ ૧૦૦-૧૫૦ દંડ અને ઊઠકબેઠક સ્ફૂર્તિ સાથે કરી જાણે છે.
ADVERTISEMENT

ફિટનેસ તો એવી કે જાતજાતના સ્ટન્ટ્સ કરી શકે છે સમર સિંહ.
સોશ્યલ મીડિયામાં એન્ટ્રી
સમર સિંહ તેમના હરિયાણવી લહેકામાં એક બહુ સુંદર વાત વારંવાર કહેતા હોય છે કે બધું આપણી સોચ પર નિર્ભર છે, મારાથી આ નહીં જ થાય કે હું આમ તો નહીં જ કરી શકું એ આપણો વિચારમાત્ર છે, વાસ્તવિકતા નહીં. જોકે સમર સિંહજી અને સોશ્યલ મીડિયા આ બન્નેનો ભેટો કઈ રીતે થયો? વાત કંઈક એવી છે કે ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં સમર સિંહજીનો દીકરો અને તેના કેટલાક મિત્રો ગપ્પાં મારતા બેઠા હતા. દીકરાએ તેના પપ્પાની ફિટનેસ વિશે વાત કરતાં કહ્યું કે પપ્પા, તમે આ ઉંમરે પણ આટલા ફિટ છો અને આટલા બધા અઘરા વ્યાયામ સરળતાથી કરી શકો છો તો તમારે અમારા જેવા દેશના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે કશુંક કરવું જોઈએ. એમાં એક મિત્રએ સજેસ્ટ કર્યું કે અંકલ, તમારે તમારા વ્યાયામ કરતા વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા જોઈએ. સમર સિંહજીને આ વિચાર ગમી ગયો અને તેમણે શરૂ કર્યો સોશ્યલ મીડિયાનો સદુપયોગ.
બહાદુર બંકા પણ
સમર સિંહજીને પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા હવે તો ૩૬ વર્ષ ૯ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. આપણે બધા જાણીએ છીએ કે આમ જનતા જ્યારે ઘરમાં કે ઘરની બહાર અનેક પ્રસંગો અને તહેવારોની રંગેચંગે ઉજવણી કરી રહી હોય છે ત્યારે પોલીસના જવાનો પોતાનું ઘર અને પ્રસંગ-તહેવાર છોડીને આપણા માટે ફરજ બજાવતા હોય છે. તો આવી જિંદગીમાં મહદંશે પોલીસના જવાનોની જિંદગી એક હૅપનિંગ લાઇફ હોય છે. પોલીસ તરીકે ફરજ બજાવતા આ યુવાનોએ એટલી બધી ઘટનાઓ અને કિસ્સાઓ જીવી નાખ્યાં હોય છે કે કદાચ દરેક પોલીસ પોતાનું એક-એક પુસ્તક લખી શકે. સમર સિંહજીની જિંદગી પણ કંઈક આવી જ ખાસ રહી છે. બધા નહીં તો કેટલાક મહત્ત્વના કિસ્સા પણ ટાંકીએ તો ૧૯૯૭ની ૧૩ જૂનની જ વાત યાદ કરીએ. દિલ્હીના ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. આ આગ એટલી ભયંકર હતી કે લગભગ ૫૯ લોકો શ્વાસ રૂંધાઈ જવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં. આવી ભયંકર આગમાં સમર સિંહજી પોતાના જીવની ચિંતા કર્યા વિના કૂદી પડ્યા હતા. તેઓ દોરડાથી લટકીને થિયેટરની અંદર ગયા અને લગભગ ૧૭ લોકોને એક રૂમમાં ફેલાઈ રહેલી ભડભડતી આગમાંથી બહાર કાઢીને સિનેમાગૃહની છત સુધી પહોંચાડ્યા. ત્યાર બાદ પોતાની ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાનો ઉપયોગ કરીને સિનેમાગૃહની બીજી તરફની છત પર ફસાયેલા અંદાજે ૨૦ લોકોને નીચે ઉતાર્યા હતા. આ રીતે સમર સિંહજીએ લગભગ ૩૭ લોકોનો જીવ એ ગોઝારી આગની ઘટનામાં બચાવ્યો હતો.
સમર સિંહ જો ફિટનેસ ઇન્ફ્લુએન્સર છે તો તેમની પત્ની સુદેશ પણ કમ નથી. ક્યારેક કોઈ વિડિયોમાં તમને પતિને પોતાની પીઠ પર ઊંચકી દોડતાં સુદેશ નજરે ચડશે તો ક્યારેક દંડ પેલતાં અથવા ઊઠકબેઠક કરતાં. સમર સિંહ વર્ષોથી કસરતનો નિયમ પાળે છે તો સુદેશ પણ નાનાં હતાં ત્યારથી રોજ સવારે ૪ વાગ્યે જાગી જવાની આદત ધરાવે છે. તમે માનશો કે સુદેશની કુખે જ્યારે દીકરો જન્મ્યો ત્યારે ડિલિવરી માટે તેઓ ડૉક્ટર પાસે અને હૉસ્પિટલ ગયાં હતાં. એ જ છેલ્લી વારની તેમની ડૉક્ટરની વિઝિટ છે. આજે તેમનો દીકરો ૩૨ વર્ષનો થઈ ચૂક્યો છે. તેમણે આ ૩૨ વર્ષ દરમ્યાન ક્યારેય કોઈ પણ ફરિયાદ કે બીમારી લઈને ડૉક્ટર પાસે જવું નથી પડ્યું.

બહાદુરી અને ડેડિકેશનની હજી એક ઘટના આ ફિટનેસ ઇન્ફ્લુએન્સરના જીવન સાથે સંકળાયેલી છે. ભારતની પાર્લમેન્ટ પર આતંકવાદી હુમલો થયો હતો યાદ છે? એ હુમલાની ઘટના પછી કેટલાક હરામખોરો એવા પણ હતા જેઓ ‘અફઝલ તેરી કુરબાની...’ના નારા લગાવી રહ્યા હતા. હા, એ જ ઘૃણાસ્પદ આતંકી ઘટના સમયે સમયસિંહ ત્યાં જ ડ્યુટી પર તહેનાત હતા. આતંકવાદીઓનો ખાતમો બોલાવવા પોતાના જીવના જોખમે લડનાર પોલીસ જવાનોમાંના એક હતા સમર સિંહ. આ ઘટના દરમ્યાન તેમને પગમાં ગોળી પણ વાગી હતી.

સમય ક્યારે મળે છે રોજિંદી કસરતનો
પોલીસની ફરજ બચાવવાની સાથે જ સમર સિંહ ફિટનેસ માટે પણ ખૂબ જ જાગૃત છે. રોજિંદી કસરત તેમના જીવનનો ભાગ બની ગયો છે. જોકે પડકારજનક ફરજની વચ્ચે કસરતનો સમય ક્યાંથી કાઢો છો? એવું પૂછતાં સમર સિંહ કહે છે, ‘હા, સમય કાઢવો આમ તો મુશ્કેલ છે, પરંતુ આ માટે મને સૌથી મોટી મદદ મળે છે બાળપણથી પડેલી આદતની. નાનો હતો ત્યારથી જ રોજ સવારે જાગ્યા બાદ કસરત કરવાનો નિયમ પડી ગયો છે. આજે આટલી ઉંમરે પણ એ નિયમ મેં જાળવી રાખ્યો છે. ક્યારેક ડ્યુટી પરથી રાત્રે આવતાં મોડું થયું હોય તો પણ કસરત ચુકાતી નથી, કારણ કે હવે એ મારા રોજિંદા જીવનનો જ ભાગ થઈ ચૂક્યો છે. ક્યારેક એવું બનતું હોય છે કે અત્યંત વ્યસ્તતાને કારણે ત્રણ-પાંચ દિવસ માટે આ ક્રમ તૂટ્યો પણ હશે, પરંતુ લાંબા સમય માટે હું એ નિયમથી દૂર રહી શકતો નથી. હું ક્યારેય દવાઓ લેતો નથી. જોકે દવાઓ લેવી પડે એવો બીમાર જ પડતો નથી, પણ ધારો કે ક્યારેક થોડી ઘણી કંઈક બીમારી જેવું લાગ્યું તો પણ ઘરગથ્થુ ઇલાજથી ફરી સાજા થઈ જવાય છે. બહારનું ખાવાની પણ આદત રહી નથી. કદાચ આવી સરળ અને ચુસ્ત દિનચર્યા જ મને કસરતને કારણે મળી છે.’
આજ સુધી અનેક લોકોને પ્રોત્સાહિત કરી ચૂકેલાં સમર સિંહ અને સુદેશને રોજ કંઈકેટલાય મેસેજ અને કમેન્ટ્સ સોશ્યલ મીડિયા પર મળતાં રહે છે. કેટલાક લોકો હજી વધુ પ્રોત્સાહિત કરતા વિડિયો મૂકવા કહે છે તો કેટલાક કહે છે કે સમર સિંહજી અને સુદેશ જેવાં દેખાય છે તેમની ઉંમર એટલી લાગતી નથી. કેટલાક પૂછે છે કે આ ઉંમરે પણ આવી બધી કસરતો કઈ રીતે કરી જાણો છો તો કેટલાક પૂછતા હોય છે કે તમે કસરત હજી કેટલાં વર્ષો સુધી કરી શકશો? ફૉલોઅર્સ અનેક છે તો પ્રશ્નો પણ અનેક અને સમર સિંહ-સુદેશના વિડિયો પણ અનેક.
