Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > UPI પેમેન્ટની સુવિધાના ઉપયોગમાં પણ સજગતા અને સાવચેતી જરૂરી

UPI પેમેન્ટની સુવિધાના ઉપયોગમાં પણ સજગતા અને સાવચેતી જરૂરી

Published : 30 October, 2026 03:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

UPI પેમેન્ટ સિસ્ટમ આપણા માટે કેટલો મોટો આશીર્વાદ છે. આપણી રોજિંદી જિંદગીમાં એનો ઉપયોગ આપણને ઘણી બધી ઝંઝટ અને સમયની બરબાદીથી બચાવે છે.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


UPI પેમેન્ટ સિસ્ટમ આપણા માટે કેટલો મોટો આશીર્વાદ છે. આપણી રોજિંદી જિંદગીમાં એનો ઉપયોગ આપણને ઘણી બધી ઝંઝટ અને સમયની બરબાદીથી બચાવે છે. મોબાઇલમાં આંગળીનાં ટેરવાં ફેરવીને ગણતરીની પળોમાં ડિજિટલ પ્લૅટફૉર્મ્સ કે ઍપ પરથી શાકભાજી, ફ્રૂટ કે દૂધ-દહીંથી માંડીને કપડાં, પુસ્તકો, ફર્નિચર કે ઇલેક્ટ્રૉનિક્સ પણ ઘેરબેઠાં આપણે મેળવી લઈએ છીએ. કેટલીક વસ્તુઓ તો રિટર્નેબલ એટલે કે ન જોઈએ તો પાછી મોકલવાની પણ સગવડ હોય છે. આ બધી બાબતોએ આ સર્વિસને લોકોમાં માનીતી બનાવી દીધી છે. 
અમેરિકા જેવા વિકસિત દેશો પણ હજી પોતાને ત્યાં નથી લાવી શક્યા એવી આ પેમેન્ટ પદ્ધતિ વિશે અમેરિકાથી આવેલા એક સ્નેહીએ આ સગવડ પોતાને ત્યાં ન હોવાનો અફ્સોસ કરતાં કહેલું : ‘લે, આમાં તમે અમારાથી આગળ નીકળી ગયા!’
પરંતુ આ સુવિધાજનક વ્યવસ્થા આપણા જેવા સામાન્ય વપરાશકારો માટે કેવી અસુવિધા ઊભી કરી શકે છે એ વિશે તેઓ જાણે તો તેમનો અફસોસ ઓસરી જશે.
હવે તમે મને એક સવાલનો જવાબ આપો : ધારો કે તમે કોઈ ડિજિટલ પ્લૅટફૉર્મ કે ઍપ પરથી ઑનલાઇન કોઈ વસ્તુ મગાવો અને એ વસ્તુની ગુણવત્તા બરાબર ન હોય, ફળ કે શાક સડેલું હોય, પૅક્ડ વસ્તુનું રૅપર અડધું ફાટેલું હોય અને વસ્તુ ખુલ્લી દેખાતી હોય કે પ્રવાહી હોય એ પૅકિંગમાંથી લીક થતું હોય તો તમે શું કરો? આ સવાલના બે જવાબ હોઈ શકે. કાં તો તમે કંઈ ન કરો અથવા તમે એ વસ્તુ માટે જે ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી એ મગાવી હોય એને ફરિયાદ કરો. સામાન્ય રીતે જાગૃત ગ્રાહકો આ બીજો વિકલ્પ અજમાવે છે. થોડા દિવસ પહેલાં બૅન્ગલોરની એક મહિલાએ ગ્રોસરી, શાકભાજી અને એવી અન્ય ચીજો ચપટી વગાડતાંમાં ઘરે પહોંચાડતી ક્વિક કૉમર્સ સર્વિસ અૅપમાંથી ઑનલાઇન પેમેન્ટ કરીને મગાવી. ડિલિવરીમૅને ૧૦ મિનિટમાં તો તેણે મગાવેલી ચીજો તેના ઘરે પહોંચાડી દીધી. તેમાં એક દહીંનો ડબ્બો પણ હતો. એ હાથમાં લેતાં જ મહિલાનું ધ્યાન ગયું કે દહીં તો લીક થઈ રહ્યું છે. તેણે ડિલિવરી આપવા આવેલા માણસને કહ્યું. પેલો કહે, તમે કંપનીમાં ફરિયાદ કરો. હવે મહિલાએ ગૂગલ પરથી બ્લિન્કિટનો કસ્ટમર કૅર નંબર શોધીને એના પર ફોન કર્યો. ફોન પર આવેલી વ્યક્તિએ તેને દહીંના તૂટેલા પૅકનો ફોટો તેને વૉટ્સઍપ કરવા કહ્યું. મહિલાએ એમ કર્યું. એ પછી તરત જ એક અજાણ્યા માણસનો તેને ફોન આવ્યો. તેણે કહ્યું કે તમારું રીફન્ડ પ્રોસેસ થઈ રહ્યું છે. તમે ગૂગલપે પર ચેક કરો, તમને મળી ગયું કે નહીં. તે સ્ત્રીએ ફોન મૂકીને ગૂગલપે ખોલ્યું અને તરત તેના બૅન્કના ખાતામાંથી ૯૮,૦૦૦ રૂપિયા ઊપડી ગયા! 
એ કિસ્સો વાંચીને મને યાદ આવી ગયું કે મેં તો ઘણી વાર આ રીતે ઑનલાઇન મગાવેલાં ફળો કે શાકભાજી હલકી ગુણવત્તાનાં હોય તો એ વિશે ફરિયાદ પણ કરી છે અને એના ફોટો પાડી અપલોડ કરીને વૉટ્સઍપ પણ કર્યા છે, પણ મેં હંમેશાં જે-તે કંપનીની ઍપ પર જઈને ફરિયાદ કરી છે અને ફોટો મોકલ્યા છે. પરિણામે આવા દરેક કિસ્સામાં મને રીફન્ડ પણ મળ્યું છે.
બૅન્ગલોરની મહિલાએ સર્વિસની ઍપ પર હેલ્પ વિભાગમાં જઈને ફરિયાદ કરવાને બદલે ગૂગલ પરથી કંપનીનો કસ્ટમર કૅર નંબર શોધ્યો એમાં તે ફર્જી સાઇટનો ભોગ બની ગઈ. આવી અગણિત બનાવટી સાઇટ્સ ઇન્ટરનેટ પર છે. અનેક લોકો એનાથી છેતરાયા છે અને લાખો રૂપિયા ગુમાવ્યા છે. અનેક બનાવટી સાઇટ્સ પર લક્ઝરી ટ્રાવેલ અને રોકાણનાં અત્યંત આકર્ષક પૅકેજિસ તદ્દન રીઝનેબલ દરે ઉપલબ્ધ દર્શાવ્યાં હોય છે. પ્રવાસીઓ આકર્ષાઈને આવી સાઇટ પરથી ફ્લાઇટ કે હોટેલ બુક કરે અને પ્રવાસના દિવસે ઍરપોર્ટ પર પહોંચે તો તેમને ખબર પડે કે તેમના નામની કોઈ ટિકિટ બુક જ નથી થઈ. હોટેલનું બુકિંગ પણ આવું જ બનાવટી હોય. આ રીતે હજારો–લાખો રૂપિયા ગુમાવનાર વ્યક્તિઓના મોઢે તેમના અનુભવ સાંભળ્યા છે. એ ભલે જુદો વિષય છે, પણ UPI દ્વારા ઝડપથી પહોંચતા પેમેન્ટની ભૂમિકા તો એમાં છે જને. 
UPI જેવી સહૂલિયતનો ઉપયોગ પણ સાવચેતી અને સજગતાથી કરવો જરૂરી છે. બૅન્ગલોરની જે મહિલા આ ફ્રૉડનો શિકાર બની તેનું ગૂગલપે અકાઉન્ટ તેના જે બૅન્ક-અકાઉન્ટ સાથે લિન્ક થયેલું હતું એમાંથી ૯૮,૦૦૦ રૂપિયા ઠગોએ ઉપાડી લીધા. આવી છેતરપિંડીથી બચવા એક બાહોશ વકીલે સરસ રસ્તો સૂચવ્યો હતો. તેઓ કહે છે કે UPI સાથે લિન્ક અકાઉન્ટમાં અમે મામૂલી રકમ જ રાખીએ અને રોજિંદી નાની-નાની ખરીદીનાં પેમેન્ટ એમાંથી કરીએ. ક્યારેક મોટું પેમેન્ટ કરવાનું હોય તો એ વખતે એ ખાતામાં જરૂર મુજબનાં નાણાં ટ્રાન્સફર કરી દઈએ. વિચારો બૅન્ગલોરની મહિલાના UPI સાથે લિન્ક્ડ અકાઉન્ટમાં પણ થોડા જ રૂપિયા હોત તો તે મોટા નુકસાનથી બચી ગઈ હોત.
એક મિત્ર ગૂગલપે કે Paytm જેવી પેમેન્ટ સેવાઓ વાપરતી નથી. પોતાની બૅન્કમાંથી સીધો UPI સેવાનો ઉપયોગ કરે છે. જોકે તેને વકીલમિત્રે સૂચવેલો વિકલ્પ અપનાવવા જેવો લાગ્યો એટલે તેણે UPIના વૉલેટમાં નાની રકમ ટ્રાન્સફર કરી અને એમાંથી પેમેન્ટ કરવાનું શરૂ કર્યું. હેતુ એ જ હતો કે કદાચ કોઈ ફ્રૉડ કરે તો પણ મોટું નુકસાન વેઠવું ન પડે. થોડા સમય પહેલાં તેણે એક રીટેલ સ્ટોરમાંથી મગાવેલી પોતાની ગ્રોસરીનું ઑનલાઇન પેમેન્ટ UPI વૉલેટમાંથી કર્યું. તેના ફોનમાં પેમેન્ટ સક્સેસફુલનો મેસેજ આવી ગયો. વૉલેટના બૅલૅન્સમાં એટલી રકમનો ઘટાડો પણ થઈ ગયો. આમ છતાં સ્ટોરવાળો કહે કે અમને પેમેન્ટ નથી આવ્યું એટલે તમારે ફરી કૅશથી પેમેન્ટ કરવું પડશે, તમારું ઑનલાઇન પેમેન્ટ આવશે ત્યારે અમે તમારાં નાણાં પાછાં આપી દઈશું. ફ્રેન્ડે એમ કર્યું, પણ પછી ૧૫ દિવસ સુધી સ્ટોર પાસેથી પૈસા પાછા આવ્યા જ નહીં. તે ફોન કરે તો કહે કે અમારા અકાઉન્ટ વિભાગને પેમેન્ટ નથી મળ્યું. આખરે તે પોતાની બૅન્કમાં ગઈ અને બધી વાત કરી. બૅન્કના અધિકારીએ તેને કહ્યું કે મૅડમ, UPI વૉલેટમાંથી થયેલા પેમેન્ટને ટ્રૅક કરવાનું બહુ મુશ્કેલ છે. અને ખરેખર તે અધિકારીએ બે કલાક મહેનત કરીને એ જ કહ્યું કે પેમેન્ટ તો સક્સેસફુલ હતું. તેણે ખાનગીમાં ફ્રેન્ડને સલાહ આપી કે તમારે ક્યારેય UPI વૉલેટમાં પૈસા ન રાખવા, કેમ કે વૉલેટનાં પેમેન્ટ ટ્રૅક કરવાનું બૅન્ક માટે પણ બહુ કપરું છે.

- પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK