રાજકોટનો ઉત્તમ મારુ જન્મ્યો ત્યારે જોઈ નહોતો શકતો એટલું જ નહીં; હાડકાંની વચ્ચે બ્રેઇન દબાઈ ગયું હતું, ઉપલો હોઠ-નાક-તાળવું હતાં નહીં, બાળપણમાં ૧૧ જેટલાં ઑપરેશન થયાં, મોટો થઈને ચાલી-દોડી શકે એવી સ્થિતિમાં નહીં રહે એવી સંભાવના ડૉક્ટરોએ વ્યક્ત કરી હતી
શારીરિક મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધેલો ઉત્તમ મારુ અને કૉલેજમાં લેક્ચર આપી રહેલો ઉત્તમ મારુ.
જોઈ ન શકતો હોવા ઉપરાંત મલ્ટિડિસેબિલિટી સાથે જન્મેલા બાળકને ડૉક્ટરોએ ‘શાંત’ કરી દેવાની વાત કરી, પરંતુ દાદાએ ઘરના સભ્યોનો સાથ લઈને આધ્યાત્મિકતાની સાથે સંસ્કારોનું સિંચન કરીને દુનિયાદારીના પાઠ ભણાવી પૌત્રને એવો તો કાબેલ બનાવ્યો કે આજે ૨૪ વર્ષનો ઉત્તમ મારુ જામનગરના લાલપુરની કૉલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસર બનીને સ્ટુડન્ટ્સને સંસ્કૃત ભણાવી રહ્યો છે
નાનપણમાં જ ભગવદ્ગીતા, ઉપનિષદ સહિતનાં શાસ્ત્રો અને શ્લોકો જેણે કંઠસ્થ કરી લીધાં હતાં એ ઉત્તમ ગાયન, વાદનમાં નિપુણ છે, કર્યા છે અનેક મ્યુઝિકલ કાર્યક્રમો
ADVERTISEMENT
ડિસેબલ્ડ પૌત્ર અને દાદાના સ્નેહ, સંઘર્ષ અને સમર્પણની સલામી આપવી પડે એવી લાગણીસભર પ્રેરણાત્મક વાત દુનિયા માટે છે ઉદાહરણીય અને ઘોર અંધકારમાં આશાના કિરણ સમાન
રાજકોટમાં રહેતા ઉત્તમ મારુને જામનગર જિલ્લામાં આવેલા લાલપુરની કૉલેજમાં થોડા દિવસ પહેલાં જ સંસ્કૃત વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જૉબ મળી. કૉલેજમાં જૉબ મળે એટલે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યો ખુશ થાય પરંતુ ઉત્તમને નોકરી મળી એનાથી તેના પરિવારમાં ડબલ ખુશી છવાઈ ગઈ કેમ કે આ નવયુવાન અન્ય યુવાનો કરતાં કંઈક જુદો છે, કંઈક વિશેષ છે. જન્મતાંની સાથે જ જોઈ નહીં શકવા ઉપરાંત મલ્ટિડિસેબિલિટી સાથે જન્મેલા આ દીકરાને એક સમયે ડૉક્ટરોએ ‘શાંત’ કરી દેવાની વાત પરિવારના સભ્યોને કરી હતી, પરંતુ તેના દાદા કુંવરજીભાઈ મારુએ પૌત્રને દુનિયામાં કાબેલ બનાવવા માટે મનમાં ગાંઠ વાળી લીધી. દાદાએ સમજદારીપૂર્વક ઘરના સભ્યોનો સાથ લઈને આધ્યાત્મિકતા સાથે સંસ્કારોનું સિંચન કરીને દુનિયાદારીના પાઠ ભણાવી પૌત્રને એવો તો કાબેલ બનાવ્યો કે આજે ઉત્તમ સર્વોત્તમ થઈને દુનિયા સમક્ષ હિંમતભેર ઊભો છે. રાજકોટની શેરીઓના ફૅમિલી-ડૉક્ટરોથી લઈને મુંબઈ–હૈદરાબાદ સુધીના ડૉક્ટરો અને હૉસ્પિટલોમાં હડિયાપાટી કરીને પૌત્રની તકલીફ ઓછી કરવા દાદાએ ઘરના સભ્યોના સાથસહકારથી જબરદસ્ત સંઘર્ષ કર્યો. પૌત્ર પર ૧૧ જેટલાં ઑપરેશન થયાં. મોટો થઈને ચાલી-દોડી નહીં શકે એવી સંભાવના પણ ડૉક્ટરોએ જેના માટે વ્યક્ત કરી હતી એ પૌત્રને દાદાએ એવો તો લાયક બનાવ્યો કે આજે એ પૌત્ર કૉલેજમાં ઊભો રહીને લેક્ચર લઈ રહ્યો છે.

ઑર્ગન વગાડતો ઉત્તમ મારુ. સંગીતના કાર્યક્રમમાં પર્ફોર્મ કરતો ઉત્તમ મારુ.
મલ્ટિપલ ડિસેબિલિટી સાથે જન્મ
ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારે પરિવારજનોમાં ખુશીની લહેરખી દોડી જાય એમ રાજકોટના મારુ પરિવારમાં પણ દીકરાનો જન્મ થતાં ખુશીનો માહોલ છવાઈ ગયો. જોકે આ ખુશી મારુ પરિવાર માટે કંઈક અંશે નિરાશા લઈને પણ આવી. ઉત્તમના પિતા જિતેન્દ્ર મારુ ‘મિડ-ડે’ને આ વિશે વાત કરતાં કહે છે, ‘મારા પરિવારમાં ઉત્તમ સૌથી મોટો દીકરો. હજી હમણાં જ તેને ૨૪ વર્ષ પૂરાં થયાં, પણ તેનો જન્મ ઘણીબધી તકલીફો સાથે થયો હતો. તેને બાય બૉર્ન મલ્ટિપલ ડિસેબિલિટી છે. તે માત્ર જોઈ નથી શકતો એવું નથી, તે નહીં જોઈ શકવા ઉપરાંત જન્મ્યો ત્યારે ઉપલો હોઠ, નાક, તાળવું કંઈ નહોતું. આખો હોલ હતો. માથું આગળથી દબાયેલું હતું. મુંબઈના ડૉક્ટરોને બતાવ્યું અને ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટરોએ કહ્યું કે તેનું બ્રેઇન હાડકાની વચ્ચે દબાઈ ગયું છે એટલે એ કદાચ વર્ક પણ ન કરી શકે એવી શક્યતા ખરી. થોડા મણકામાં પ્રૉબ્લેમ હતો એટલે ઑર્થોપેડિક સર્જ્યને કહ્યું હતું કે તે ચાલી-દોડી નહીં શકે. અમુક ડૉક્ટરોએ તો એટલે સુધી કહ્યું હતું કે ઇન્જેક્શન મારીને ‘શાંત’ કરવાની પરમિશન માગો તો કદાચ આપી દે, કેમ કે આ છોકરો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પોતે દુખી થશે અને તમને પણ દુખી કરશે. જોકે અમે ઉત્તમની જન્મથી જ સારવાર ચાલુ કરી દીધી. આંખના તેમ જ પ્લાસ્ટિક સર્જરી સહિતનાં ૧૧ ઑપરેશનો થયાં. મુંબઈની હૉસ્પિટલમાં પણ ઑપરેશન થયાં. આંખમાં પ્રેશર ઘટાડવા માટે તેમ જ ઝામર ને ફુલુ માટે પણ ઑપરેશન કર્યાં હતાં, પણ કંઈ ન થયું એટલે પથ્થરની આંખ બેસાડી દીધી.’

કૉલેજમાં લેક્ચર આપી રહેલો ઉત્તમ મારુ.
રેગ્યુલર શાળામાં અપાવ્યું શિક્ષણ
ઉત્તમ ભલે જોઈ શકતો નહોતો પરંતુ તેનો અભ્યાસ રેગ્યુલર બાળકોની શાળામાં જ કરાવ્યો હતો. એની વાત કરતાં જિતેન્દ્ર મારુ કહે છે, ‘ઉત્તમ ૧૦૦ ટકા જોઈ શકતો નથી છતાં તેને રેગ્યુલર સ્કૂલમાં ભણાવ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરવા ગયો ત્યારથી જ તેને ટેક્નિક શીખવી હતી. શાળામાં શિક્ષક જે કંઈ શીખવે એ આઇપૉડમાં ઉત્તમ રેકૉર્ડ કરતો. ઘરે આવીને તે સાંભળતો હતો. એનું રિવિઝન કરતો હતો અને પરીક્ષા આપીને પાસ થયો છે. સંસ્કૃત વિષય સાથે કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન પણ કર્યું છે. હાલ તે ‘માનવજીવનમાં આવતી દરેક સમસ્યાનો ઉપાયઃ શ્રીમદ ભગવદ્ ગીતા’ વિષય પર PhD (ડૉક્ટર ઑફ ફિલૉસોફી) કરી રહ્યો છે.’
ઉત્તમ પાછળ દાદાનો ફાળો
ઉત્તમ મારુ આજે જે લેવલે પહોંચ્યો છે એ માટે તેના દાદાનો ફાળો અને સંઘર્ષ સવિશેષ છે એમ જણાવીને જિતેન્દ્ર મારુ કહે છે, ‘ઉત્તમને આગળ લઈ જવામાં મારા પિતા કુંવરજીભાઈનો ફાળો છે. ઋષિમુનિઓએ ૧૬ સંસ્કાર આપ્યા છે એ મુજબ તેનો ઉછેર કર્યો છે. ઉત્તમ જ્યારે ગર્ભમાં હતો ત્યારથી ભગવદ્ ગીતા અને શાસ્ત્રીય સંગીત વધારે સાંભળ્યાં છે. ઉત્તમ જન્મ્યો ત્યારથી જ્યાં સુધી સવા વર્ષનો ન થયો ત્યાં સુધી અમને રમાડવા દીધો નથી. પિતાજી કહેતા કે આટલોબધો પ્રૉબ્લેમ છે તો હવે તેને રમાડીને આડોઅવળો અવાજ નહીં સંભળાવવાનો, તેને જે આપવાનું છે એ જ આપવાનું. આમ જોઈએ તો માતા-પિતા તરીકે ઉત્તમ પાછળ અમારો સંઘર્ષ ઓછો, પરંતુ મારા પિતાજી અને મારાં મમ્મીએ સંઘર્ષ વધુ કર્યો છે. મારા પિતા કહેતા કે આ છોકરાને ભગવાને મારા ઘરમાં મોકલ્યો છે, તેને હું આગળ લઈ જઈશ, આ છોકરાને વર્લ્ડ બેસ્ટ કરીને દેખાડીશ, ભલે ડૉક્ટરો તેને ગમેએમ કરવાનું કહેતા હોય. આમ કહીને પિતાએ ઉત્તમની જવાબદારી લીધી હતી. ઉત્તમ આજે ૨૪ વર્ષનો થયો, પણ મારા પિતાજીએ ક્યારેય ઉત્તમને તેમનાથી દૂર નથી કર્યો. મારાં મમ્મી પણ પિતાને સપોર્ટ કરે છે. મારા પિતા કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા પરંતુ ઉત્તમના જન્મ પછી તેમણે કામકાજ છોડી દઈને ઉત્તમની પાછળ જિંદગી ખર્ચી નાખી અને ઉત્તમની બધી જવાબદારી લઈ લીધી. થોડા દિવસ પહેલાં જામનગર જિલ્લાના લાલપુરની કૉલેજમાં ઉત્તમને અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી મળી એટલે મારા પિતા અને મમ્મી ઉત્તમ સાથે લાલપુર ગયાં છે. ત્યાં ઘર ભાડે રાખીને ઉત્તમને સાચવે છે.’

દાદા કુંવરજીભાઈ અને દાદી પુષ્પાબહેન સાથે પૌત્ર ઉત્તમ મારુ અને પ્રિન્સિપાલ કમલેશ શાહે ઉત્તમ મારુને કૉલેજમાં આવકાર્યો હતો.
પૂછવાથી કાંઈ ન થાય
અનેક મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષ વેઠીને પૌત્રનું જીવન નંદનવન જેવું કરનાર દાદાને ઉત્તમના ઉછેરની જવાબદારી લઈ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો એ મુદ્દે વાત કરતાં ૭૪ વર્ષના દાદા કુંવરજી મારુ ‘મિડ-ડે’ને કહે છે, ‘ઉત્તમના જન્મ બાદ જ્યારે તેની મુશ્કેલીઓ વિશે જાણ્યું ત્યારે બધું કામકાજ મૂકી દીધું અને તેની પાછળ જીવન વિતાવવાનું નક્કી કર્યું. આની પાછળ પ્રભુની કૃપા હશે. માણસ સ્વાર્થી છે એટલે ભગવાન કૃપા કરે તો બધું થાય. પૌત્રને આ સ્થાને પહોંચાડવાની કોઈ કલ્પના નહોતી કે વિચાર નહોતો, પણ ભગવાને તેને જેવો મોકલ્યો ત્યાંથી કામ શરૂ કરી દીધું. જો કોઈ પણ રસ્તે જવું હોય તો પૂછવાથી કાંઈ ના થાય, ચાલવાનું શરૂ કરી દેવું પડે. ઉત્તમ અહીં સુધી પહોંચ્યો એ પ્રભુની કૃપા અને તેની કલ્પના છે, કારણ કે સર્જન તેનું છે. સર્જન કરનારે ખામી આપી છે તો એની દવા પણ મૂકી છે. ઉત્તમનો જન્મ થયો ત્યારે ઘણાએ મને કહ્યું હતું કે તમે આને શું કરશો? તો મેં કહ્યું હતું કે એ ભગવાનનું સર્જન છે. ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. ભગવાન મને પ્રેરણા આપશે. પ્રભુએ પ્રેરણા આપી એમ અમે કરતા ગયા. ભગવાનની ૮૪ લાખ યોનિમાં તેણે ઘણી કૃતિઓ આવી બનાવી છે. ભગવાને ઉત્તમનો અંગત મને ગણ્યો છે. મને બોલાવીને તેને આપ્યો છે એટલે ઉછેર કરી રહ્યો છું.’
ગર્ભસંસ્કાર, અધ્યાત્મજ્ઞાન
હિન્દુ સંસ્કૃતિમાં ગર્ભસંસ્કારનું મહત્ત્વ રહેલું છે. અનેક શારીરિક વિટંબણાઓ વચ્ચે પણ એક લેવલે પહોંચનાર ઉત્તમના કિસ્સામાં પણ ગર્ભસંસ્કારોનું એટલું મહત્ત્વ રહ્યું છે, કેમ કે તેણે ગર્ભમાંથી જ આધ્યાત્મિકતાના પાઠ ભણ્યા હતા. કુંવરજી મારુ આ મુદ્દે કહે છે, ‘ઉત્તમની સારવાર માટે નાની શેરીના દવાખાનાથી લઈને મુંબઈ–હૈદરાબાદની મોટી હૉસ્પિટલોમાં અમે ગયા છીએ. રાજકોટ, મુંબઈ અને હૈદરાબાદની હૉસ્પિટલોમાં ઉત્તમનાં ઑપરેશન કરાવ્યાં. હૈદરાબાદમાં તો ડૉક્ટરોએ કહી દીધું કે આને દૃષ્ટિ નહીં આવે. એટલે અમે એ વાત પડતી મૂકી દીધી. અમે વિચાર્યું કે એ નહીં થાય તો બીજું ઘણું થશે. ભગવાને જે પ્રેરણા આપી એ કરવા લાગ્યા, કેમ કે બેઠા રહીએ તો કંઈ ન થાય. ઘોડિયામાં રાખવાથી કે તેની સેવા કરવાથી કંઈ ન થાય, પ્રૅક્ટિકલ કરવું પડે. ઉત્તમ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની મમ્મીને ભગવદ્ ગીતાના શ્લોક, ઉપનિષદો આવું બધું સાંભળવાનું કહેતા. અમે ઉત્તમની મમ્મીને કહેતા કે તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે આ બધું સાંભળવાનું અને પેટમાં રહેલા બાળકને કહેવાનું કે તું સાંભળે છેને, તને કહું છું. વહુ એમ કરતી હતી. ગર્ભમાં બાળક અંદર સંસ્કાર લે છે. એટલે જે આકાર કરવો હોય એ થાય. કાચી માટી છે ત્યાં સુધી જે આકાર કરવો હોય એ થાય. ઉત્તમનો જન્મ થયો ત્યારે પણ અમે ઘરના હૉલમાં ઉત્તમને ઘોડિયામાં સુવડાવીને ભગવદ્ ગીતાના શ્લોક, ઉપનિષદ સહિતનાં શાસ્ત્રો અને શ્લોકો સંભળાવતા કેમ કે તેને કાન તો હતા જ. એટલે તે શ્રવણ કરી શકતો. માણસનું અર્ધજાગ્રત મન બધું કૅચઅપ કરતું હોય છે. જે મૂકો એ સાંભળી- સાંભળીને અંદર સ્ટોર થતું હોય છે. બધા ના પાડતા હતા કે આમાં તો કંઈ ન થાય, શું કામ આવું કરો છો? પણ ઉત્તમને ગીતા અને ઉપનિષદો સંભળાવતો હતો.’
દાદાની પાઠશાળા
જે ઘરમાં દાદા-દાદી કે નાના-નાની હોય એ ઘરમાં બાળક માટે તેઓ જીવન જીવવાની પદ્ધતિની પાઠશાળા સમાન હોય છે. લાડ લડાવવાની સાથે-સાથે પુસ્તકોનું જ્ઞાન કે પછી દુનિયાની રીતરસમોથી તેઓ બાળકોને વાકેફ કરતાં રહેતાં હોય છે. ઉત્તમને પણ દાદાની મસ્તીની પાઠશાળામાં જ્ઞાનની સાથે-સાથે દુનિયાદારીના પાઠ શીખવા મળ્યા. કુંવરજી મારુ કહે છે, ‘ઉત્તમ થોડો મોટો થયો એટલે રોજ સવારે દોઢ કલાક તેને ભણાવતો હતો. ઉત્તમને સામે બેસાડીને હું ભગવદ્ ગીતાના શ્લોક, ઉપનિષદનો પાઠ ભણાવતો હતો. ઘણી વાર કૅસેટ મૂકતો હતો. એમ કરીને ઉત્તમે ગીતાજીને મોઢે કરી છે. મારે જ્યાં બાંધકામનું કામ ચાલતું ત્યાં સાઇટ પર ઉત્તમને લઈને જતો હતો. સ્કૂટર પર તેને બેસાડીને ગીતાજી અને ઉપનિષદના પાઠ-શ્લોકો ગૂગલમાં સર્ચ કરીને તેને સાંભળવતો. એનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ જ્યારે સાડાપાંચ વર્ષનો થયો ત્યારે તેને ભગવદ્ ગીતા મોઢે થઈ ગઈ હતી. આજે તમે ઉત્તમને ભગવદ્ ગીતાના કોઈ પણ પેજ પરનો કોઈ એક શબ્દ કે વાક્ય કે કોઈ શ્લોકનો પહેલો શબ્દ બોલો તો તે આખો શ્લોક કે વાક્ય બોલી જશે. એ કયા પેજ પર છે એ પણ કહેશે અને કયા ચરણમાં છે એ પણ કહેશે. ઉત્તમ મારો ઉદ્ધાર કરવા આવ્યો છે. તે ન આવ્યો હોત તો હું આ ઉપનિષદો, ભગવદ્ ગીતા કે અન્ય પાઠ શ્લોક રોજ કરવા ન બેસતો હોત; પરંતુ તેના કારણે અત્યારે મને ગીતાજી, ઉપનિષદો વિશે ભણવા, સમજવા અને જાણવા મળ્યું. ભગવદ્ ગીતા કે ઉપનિષદો વિશે પહેલાં જાણતો હતો પરંતુ પૌત્રને એ વિશે જાણકારી આપતાં-આપતાં મને પણ આ વિશે ઘણું જાણવા મળ્યું કેમ કે ગીતાના પાઠ કે શ્લોકો હોય કે બ્રહ્મસૂત્રના એક-એક સૂત્ર હોય કે ઉપનિષદ હોય કે અન્ય શાસ્ત્રો હોય; એનું ભાષાંતર કરીએ, એને સમજીએ. એક-એક શ્લોક પાકા કરવા, એક ચરણ પાંચ-પાંચ વાર બોલવા કહેતો હતો અને ઉત્તમ એ કરતો હતો. એના કારણે તેને શ્લોકો પાક્કા થઈ ગયા, મોઢે થઈ ગયા. આ બધું હું સ્વાધ્યાયના કારણે કરી શક્યો. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના વિચારો મારામાં છે અને એના કારણે આ કરી શક્યો. તેને રમવા માટે હું રેસકોર્સ પણ લઈ જતો. ચકડોળ અને હીંચકા કે લપસણીમાં પણ બેસાડતો અને તેનો ડર દૂર કરતો હતો.’
દાદા અને પૌત્ર વચ્ચે આત્મીયતા
સમાજમાં આપણે ઘણી વાર ઋણાનુબંધનની વાત સાંભળીએ છીએ ત્યારે દાદા અને પૌત્ર વચ્ચે પણ ઋણાનુબંધન છે. કુંવરજી મારુ કહે છે, ‘છેલ્લાં ૨૪ વર્ષથી હું તેની પાછળ ઊભો છું. આ બાળકને ભગવાને પ્રેમથી મોકલ્યો છે. મારો કંઈક ઉદ્ધાર કરવા મોકલ્યો હશે એટલે અમારી વચ્ચે આત્મીયતા થઈ છે. એમાં કોઈ બાધા કે વિઘ્ન નથી આવ્યું. અત્યારે માણસ પોતાનો સમય કોઈને આપવા રાજી નથી ત્યારે આમાં તો જીવન આખું અર્પણ કરી દેવું પડે. હું અને મારાં ધર્મપત્ની પુષ્પા સતત ઉત્તમ માટે તૈયાર હોઈએ છીએ. મારાં પત્ની પુષ્પા પણ પૌત્ર માટે સેવા કરે છે. ઉત્તમની નોકરી લાલપુરમાં આવી છે એટલે હું અને મારાં પત્ની તેને સાચવવા માટે લાલપુર આવ્યાં છીએ અને તેની સાથે રહીએ છીએ. હું રોજ ઉત્તમને કૉલેજ લઈ જાઉં છું. જ્યાં સુધી તેનાં લેક્ચર પૂરાં ન થાય ત્યાં સુધી કૉલેજમાં બેસું છું અને પછી તેને લઈને ઘરે પાછો આવું છું. હું તો સમાજને કહીશ કે ભગવાન પર શ્રદ્ધા ને વિશ્વાસ હોવાં જોઈએ અને કોઈ પણ કાર્ય કરવા માટે તમારા પ્રામાણિક પ્રયત્નો હોવા જોઈએ.’
દાદા મારું સર્વસ્વ
શારીરિક અક્ષમતા વચ્ચે પણ ખુશહાલ જીવન જીવી રહેલા ઉત્તમ મારુ માટે તેના દાદા સર્વસ્વ છે. તેમની આંગળી પકડીને ઉત્તમ આગળ આવ્યો અને પડછાયો બનીને દાદા સતત તેની સાથે રહ્યા. જીવનમાં ઘોર અંધકારભર્યા વાતાવરણમાંથી પોતાને એક લેવલ સુધી પહોંચાડનાર દાદા વિશે વાત કરતાં ઉત્તમ ‘મિડ-ડે’ને કહે છે, ‘મેં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાલપુરમાં આવેલી ગવર્નમેન્ટ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં નોકરી શરૂ કરી છે. ૧૧ ફેબ્રુઆરીએ કૉલેજ જૉઇન કરીને મારા જીવનની નવી શરૂઆત કરી છે. કૉલેજમાં હું સંસ્કૃત વિષય ભણાવું છું. મારા દાદા માટે શું કહું? દાદા મારું સર્વસ્વ છે. મને આ મુકામે દાદાએ પહોંચાડ્યો છે એ માટે કંઈ કહેવા મારી પાસે શબ્દો નથી. દાદા પ્રત્યેની મારી લાગણી અને ભાવ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. મારી દાદી પણ મારી સાથે રહે છે. મારાં માતા-પિતા અને મારા પરિવાર માટે પણ મને માન છે. મારા માટે દાદા-દાદીથી લઈને મારી ફૅમિલીના બધા સભ્યોએ ભોગ આપ્યો છે અને સહકાર આપ્યો છે એના કારણે હું ખુશ છું.’
ગભરાવાનું નહીં, બધું કરી શકાય છે
જોઈ નહીં શકવા ઉપરાંત શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ હિંમત હાર્યા વગર પરિવારના સભ્યોના સાથસહકારથી આગળ વધેલો ઉત્તમ મારુ દિવ્યાંગો સહિત સમાજને મેસેજ આપતાં કહે છે, ‘ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે હું બધું કરી શકું છું એવી રીતે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાઈ નહીં જવાનું. ચિંતા નહીં કરવાની. સ્વામી વિવેકાનંદ જેવું જીવન જીવવાનું. જે થાય તે, માણસ બધું કરી શકે છે. હિંમતથી આગળ વધવાનું. મેં ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (G-SET)ની, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નૅશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET)ની તેમ જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા આપી ને એમાં પાસ થયો છું. હું કૉલેજમાં અત્યારે સંસ્કૃત વિષય ભણાવું છું. પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન (PPT) તૈયાર કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવું છું.’

૨૦૧૧માં સ્મૃતિ ઈરાનીએ બાલશ્રી અવૉર્ડ આપીને ઉત્તમ મારુનું સન્માન કર્યું હતું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવની સ્પર્ધામાં વિજેતા બનેલો ઉત્તમ મારુ ટ્રોફી અને સર્ટિફિકેટ સાથે.
સંગીતમાં પણ છે નિપુણ
૨૦૧૧માં ઉત્તમને ભારત સરકાર દ્વારા બાલશ્રી અવૉર્ડથી સન્માનિત કરાયો હતો. સ્મૃતિ ઈરાનીએ આ અવૉર્ડ આપ્યો હતો. અત્યાર સુધીમાં ઉત્તમને ૧૨૨ જેટલા અવૉર્ડ મળ્યા છે. તેણે ભગવદ્ ગીતા સ્પર્ધામાં પણ અવૉર્ડ જીત્યો છે. વોકલ અને તબલામાં નિપુણતા ધરાવે છે. તેણે ગાયનમાં વિશારદ કર્યું છે. તે હાર્મોનિયમ, વાંસળી, તબલા, માઉથ ઑર્ગન, ગિટાર વગાડે છે. રાજકોટમાં તેણે સંગીતના ઘણા કાર્યક્રમ કર્યા છે જેમાં ૨૦થી વધુ વન-મૅન મ્યુઝિકલ શો કર્યા છે. ૨૫૦થી વધુ ફિલ્મી ગીતો, ૧૫૦થી વધુ ગરબા, ભજનો, ગઝલ તેને મોઢે છે.
ભગવદ્ ગીતાના બધા જ શ્લોક, ૧૦ ઉપનિષદ, પાણિનીનાં ૪૦૦૦ સૂત્ર, પતંજલિ યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, નારદ ભક્તિ સૂત્ર વગેરે ગ્રંથોને કંઠસ્થ કર્યા છે. શિવમહિમ્ન સ્તોત્ર મોઢે છે. તે રોજ સવારે યોગાસન કરે છે. ઉત્તમ ભલે જોઈ શકતો નથી પરંતુ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં તે કમ્પ્યુટર ઑપરેટ કરે છે. કૉલેજના લેક્ચર માટે કમ્પ્યુટર પર PPT તૈયાર કરે છે. જન્મ સમયથી જ અનેક શારીરિક પડકારો સામે ઝઝૂમતા ઉત્તમે ક્યારેય હાર નથી માની. જોઈ નહીં શકતો હોવા છતાં પણ ઉત્તમે શિક્ષણ, સંગીત, સાહિત્ય, ટેક્નિકલ અને અધ્યાત્મમાં મન લગાવ્યું અને બીજા માટે પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ બન્યો છે.
