° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


કાયમી મેકઓવર

29 November, 2022 04:51 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ચહેરાના આકાર અને રંગને બદલી સુંદરતામાં ઉમેરો કરતી આ ટ્રીટમેન્ટ શું છે, કઈ રીતે થાય તેમ જ અમુક રોગોના દરદીઓ માટે કૉસ્મેટિક સારવાર કેમ વરદાનરૂપ છે એ સમજીએ

પ્રતીકાત્મક તસવીર બ્યુટી & સ્કિન કૅર

પ્રતીકાત્મક તસવીર

જો તમે ઇચ્છતા હો કે કોઈ મેકઅપ વિના હોઠ હંમેશાં મસ્ત ગુલાબી રહે અને ભ્રમર કાળી અને ભરાવદાર, તો એ માટે પર્મનન્ટ મેકઅપ ટ્રીટમેન્ટનું ચલણ વધી ગયું છે. ચહેરાના આકાર અને રંગને બદલી સુંદરતામાં ઉમેરો કરતી આ ટ્રીટમેન્ટ શું છે, કઈ રીતે થાય તેમ જ અમુક રોગોના દરદીઓ માટે કૉસ્મેટિક સારવાર કેમ વરદાનરૂપ છે એ સમજીએ

વિટિલિગોના દરદીઓ ચહેરા પરના દાગને છુપાવવા માટે આ પ્રકારના પર્મનન્ટ મેકઅપનો ઉપયોગ કરીને નૉર્મલ જેવી સ્કિન મેળવી શકે છે.

ફેશ્યલ બ્યુટી દરેક સ્ત્રીની કમજોરી છે. ખાસ કરીને હોઠ સુંદરતાનું પ્રતીક હોવાથી એનો ગુલાબી રંગ જળવાઈ રહે એવો આગ્રહ રાખવામાં આવે છે. જોકે, પ્રદૂષણ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, સનબર્ન, ડિહાઇડ્રેટશન વગેરે અનેક કારણોસર હોઠનો રંગ કાળો પડી જાય છે અને ચહેરા પર પિગમેન્ટેશન જોવા મળે છે. આ ખામીને છુપાવવા મેકઅપનો સહારો લેવામાં આવે છે. કૉસ્મેટિક્સના અતિરેકથી ચહેરો વધુ ખરાબ થવાની શક્યતા હોવા છતાં અનેક મહિલાઓ કાયમ મેકઅપમાં જ જોવા મળે છે. ઘણી વખત ડે ટુ ડે લાઇફમાં મેકઅપ કરવા માટે સમય પણ નથી મળતો. વિજ્ઞાને સ્ત્રીઓની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પર્મનન્ટ મેકઅપ અને લિપ ટૅટૂઇંગ જેવી મૉડર્ન કૉસ્મેટિક ટ્રીટમેન્ટે સ્ત્રીઓમાં આકર્ષણ જમાવ્યું છે. ચહેરાના આકાર અને રંગને બદલી સુંદરતામાં ઉમેરો કરતી આ સારવાર કઈ રીતે થાય છે એ જાણીએ. 

ટ્રેન્ડી ટ્રીટમેન્ટ

લિપ ટૅટૂઇંગ સારવાર નવી નથી. નેવુંના દાયકામાં ટ્રેન્ડ હતો, પરંતુ એ સમયે ૨૦૨૨ જેટલો પૉપ્યુલર નહોતો એવી માહિતી આપતાં ધ એસ્થેટિક ક્લિનિક્સના કન્સલ્ટન્ટ કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ અને ડર્મેટો-સર્જન ડૉ. રિંકી કપૂર કહે છે, ‘પ્રેઝન્ટેશન અને બાહ્ય દેખાવના જમાનામાં તમે કોઈ પણ સોશ્યલ મીડિયા સાઇટ તપાસશો તો #permanentmakeup અને #permanentmakeuplips #microbladingના ૧૦ મિલ્યનથી વધુ પરિણામો દેખાશે. વારંવાર પાર્ટીઓ અટેન્ડ કરવાની શોખીન મહિલાઓમાં, ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલા લોકો તેમ જ કૉર્પોરેટ કલ્ચરમાં પ્રેઝન્ટેબલ રહેવા પર્મનન્ટ મેકઅપ નવી વાત નથી રહી. વારંવાર આઇલાઇનર અથવા લિપ કલર લગાવવામાં સમય વેડફવા કરતાં એક વાર ટ્રીટમેન્ટ કરાવી લેવી. કૉસ્મેટિક ટૅટૂ તમને જોઈએ એવો મેકઅપ લુક આપી શકે છે. પર્મનન્ટ મેકઅપમાં હોઠ અને ભ્રમરના કલરેશન અને હાઇલાઇટની વધુ ડિમાન્ડ છે.’

કઈ રીતે થાય?

લિપ ટૅટૂઇંગમાં હોઠની કાળાશને દૂર કરી તમારી ત્વચા સાથે મૅચ થાય એવા રંગ ભરવામાં આવે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘પર્મનન્ટ મેકઅપ એક કલા છે. કેમોફ્લેજિંગ ઇફેક્ટ દ્વારા લિપ પિગમેન્ટેશન અને બ્લૅક સ્પૉટને દૂર કરી લિપને કલરેશન કરવામાં આવે છે. ત્વચાના બાહ્ય સ્તરની નીચે રંગદ્રવ્યો જમા થાય જે કાયમી ધોરણે મેકઅપના દેખાવમાં પરિણમે છે. લિપ ટૅટૂ, લિપ બ્લશિંગ અથવા લિપ ટિન્ટિંગ પ્રક્રિયા તમારા હોઠને ફિલર વિના આકર્ષક પાઉટ આપે છે.’

પર્મનન્ટ મેકઅપમાં ભ્રમર અને આઇલૅશિસને હાઇલાઇટ કરી આંખોની સુંદરતા વધારી શકાય છે. ડૉ. રિંકી કહે છે, ‘માઇક્રો-બ્લેડિંગ દ્વારા ભ્રમરને આકાર આપવામાં આવે છે. રંગદ્રવ્યો (પિગમેન્ટેશન) તમારા કુદરતી વાળની ​​દિશામાં ત્વચાની નીચે જ જમા થાય છે. આ ટેક્નિક માટે માઇક્રો-બ્લેડનો ઉપયોગ થાય છે. ભ્રમરને આકાર આપવા માટેની બીજી પ્રક્રિયા માઇક્રો-શેડિંગ છે જે સ્ટ્રોકને બદલે નાના ડૉટ્સનો ઉપયોગ કરે છે. આ ટ્રીટમેન્ટ બ્રૉ ફેધરિંગ તરીકે પણ ઓળખાય છે. આંખોની સુંદરતાને વધારવા પર્મનન્ટ આઇલાઇનર ટૅટૂની સાથે લૅશ લાઇન પર ડાર્ક લાઇન બનાવીને અથવા તમારી લૅશ લાઇનની ઉપર એક લાઇન બનાવીને આંખોને મનપસંદ દેખાવ, જેમ કે સૉફટ વિંગ્સ, કૅટ આઇ આપી લૅશ લાઇનને એન્હાન્સમેન્ટ કરી શકે છે.’

દરદીઓ માટે વરદાન

પર્મનન્ટ મેકઅપ અથવા માઇક્રો-પિગમેન્ટેશન માત્ર કૉસ્મેટિક કારણોસર કરવામાં આવતું નથી. અમુક પ્રકારના રોગમાં હોઠના ડિસકલરેશનને દૂર કરવા મેડિકલ ટ્રીટમેન્ટના ભાગરૂપે પણ સારવાર કરાવવાની ભલામણ કરવામાં આવે છે. વિટિલિગો (પાંડુરોગ), મોતિયા, સંધિવા, સ્ક્લેરોસિસ, પાર્કિન્સન રોગથી પીડિત લોકો માટે આ સારવાર વરદાન છે. દરરોજ મેકઅપ કરવામાં પડતી મુશ્કેલીઓના પડકાર વિના એનાથી તમે શ્રેષ્ઠ દેખાઈ શકો છો. માઇક્રો-પિગમેન્ટેશન પ્રક્રિયા વિટિલિગોથી પીડિત દરદી માટે ઘણી જ અસરકારક છે. સ્કાર કેમોફ્લેજ પ્રક્રિયામાં ચહેરા પરના વાઇટ પૅચને માસ્ક કરવા માટે એના પર સ્કિનના એક્ઝૅક્ટ કલર જેવું ટૅટૂ બનાવવામાં આવે છે. સારવાર બાદ તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હોય એવા અનેક કેસ સામે આવ્યા છે. મૉડર્ન ટેક્નૉલૉજીમાં સર્જરી અને ફોટોથેરપીનો વિકલ્પ પણ છે. આ પદ્ધતિનો ઉપયોગ વિવિધ પ્રકારના ડાઘ, જેવા કે સ્ટ્રેચ માર્ક્સ, ખીલ અને ઈજાગ્રસ્ત ત્વચા પર પણ થઈ શકે છે. આમ બ્યુટી અને મેડિકલ બન્ને રીતે પર્મનન્ટ મેકઅપ પ્રચલિત છે.

લિપ ફિલર સર્જરી

હોઠને આકર્ષક લુક આપવા માટેની જુદી-જુદી પદ્ધતિઓ છે. પર્મનન્ટ મેકઅપ અને લિપ ટૅટૂઇંગ અનેક રીતે ઉપયોગી છે, જ્યારે હોઠને વૉલ્યુમ આપવા માટે કરવામાં આવતી લિપ ફિલિંગ ​ટ્રીટમેન્ટ ઘેલછા છે એવું નિષ્ણાતો પણ કહે છે. હોઠનું વૉલ્યુમ વધારવાની પ્રક્રિયા ઘણી અટપટી છે, જે સર્જિકલ અને નૉન-સર્જિકલ બન્ને રીતે થાય છે. સર્જિકલ ટ્રીટમેન્ટમાં પેટ અને સાથળમાંથી વધારાની ચરબી કાઢી હોઠનું વૉલ્યુમ વધારવામાં આવે છે. સર્જિકલમાં ટેક્નિકલ બાબતો પર ધ્યાન આપવું પડે. જો શસ્ત્રક્રિયામાં ખામી રહી જાય તો પસ્તાવાનો વારો આવી શકે છે. નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટમાં હાયોલ્યુરોનિક ઍસિડને ઇન્જેક્શન વડે ત્વચામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેનાથી હોઠ ભરાવદાર દેખાય છે. અડધા કલાકમાં થઈ જતી આ સારવાર ટેમ્પરરી છે. આપણા હોઠની મૂવમેન્ટ સતત ચાલુ રહેતી હોવાથી દર છ મહિને એને ફરીથી રીફિલિંગ કરવું પડે છે.

હોઠના ડિસકલરેશનને દૂર કરવા માટેની પર્મનન્ટ મેકઅપ અથવા લિપ ટૅટૂઇંગ ટ્રીટમેન્ટ માત્ર સૌંદર્યની દૃષ્ટિએ જ નહીં, વિટિલિગો, મોતિયા, સંધિવા, સ્ક્લેરોસિસ, પાર્કિન્સન જેવા રોગથી પીડિત દરદીઓ માટે તબીબી સારવારના ભાગરૂપે પણ પ્રચલિત છે. શ્રેષ્ઠ દેખાવાની તક આપતી આ સારવારની કોઈ આડઅસર નથી. : ડૉ. રિંકી કપૂર

ફાયદાઓ

 પર્મનન્ટ મેકઅપ ત્વચાની નીચે અને બાહ્ય ત્વચાની ઉપર જમા થાય છે, જે લગભગ ત્રણ વર્ષ સુધી આરામથી મેઇન્ટેઇન રહે છે.

 મેકઅપ વડે ગુમાવેલો આત્મવિશ્વાસ પુનઃ સ્થાપિત થાય છે.

 મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં લાંબા ગાળે સસ્તું પડે છે. 

 રોજબરોજ મેકઅપ કરવાની માથાકૂટથી છુટકારો મળે છે અને સમય પણ બચે છે. 

 સંપૂર્ણપણે વૉટરપ્રૂફ હોવાથી નૅચરલ લુક આપે છે.

ગેરફાયદાઓ

 ખોટી રીતે કરવામાં આવેલી સારવારનાં ખરાબ પરિણામો આવી શકે છે.

 સારવારમાં સ્વચ્છતા રાખવામાં ન આવે તો ઍલર્જી અને ત્વચાના ચેપનું જોખમ રહે છે.

 જો પિગમેન્ટેશનમાં આયર્ન ઑક્સાઇડ હોય તો લાંબા ગાળે ત્વચા લાલ થઈ શકે છે.

 માઇક્રો-બ્લેડિંગ પ્રક્રિયામાં ચૂક થાય તો હેર ફોલિકલ્સને નુકસાન થઈ શકે છે. 

 લેસર, કેમિકલ પિલ્સ અને વૅક્સિંગ જેવી સારવાર ટૅટૂને નુકસાન પહોંચાડી શકે છે.

29 November, 2022 04:51 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

આર્ટ સર્કલથી સ્ટાર્ટ થઈ મૅજિકલ જર્ની

ડૉટ મંડલા પેઇન્ટિંગમાં રુચિ ધરાવતી દહિસરની ઊર્મિ પંડ્યાએ પ્રાયોગિક ધોરણે બનાવેલા કૉફી મગ, કોસ્ટર, કીચેઇન, બુકમાર્ક્સ, મોબાઇલ કવર જેવા જુદા-જુદા હૅન્ડમેડ આર્ટિકલ્સ લોકોને ખૂબ પસંદ પડતાં આ પૅશનેટ ગર્લ જૉબ શોધવાની જગ્યાએ અલગ જ સફરે નીકળી પડી

03 February, 2023 05:54 IST | Mumbai | Varsha Chitaliya

વૃક્ષો પણ મહિલાઓની જેમ બોલકાં હોય છે

વિશ્વાસ ન આવતો હોય તો દાદરની પારસી કૉલોનીમાં રહેતાં ૭૨ વર્ષનાં નેચર લવર કેટી બગલી સાથે ટ્રી વૉક કરી જુઓ. વૃક્ષો, વનસ્પતિઓ, જીવડાંઓ અને પક્ષીઓ સાથે ગાઢ મિત્રતા કેળવી ચૂકેલાં આ વડીલ પાસેથી આવી તો અઢળક વાતો સાંભળવા મળશે

01 February, 2023 04:21 IST | Mumbai | Varsha Chitaliya

પુરુષો જીવનસાથીમાં શું શોધે છે?

આ વાતને સાયન્ટિફિક રિસર્ચનો સપોર્ટ પણ છે કે વિશ્વના ૬૪ ટકા પુરુષો જીવનસાથીની પસંદગીમાં માતાનો પડછાયો શોધે છે. આવું શા માટે કહેવાય છે એ માટેનાં તેમનાં કારણોની ખણખોદ કરીએ

30 January, 2023 04:40 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK