મને સુખ સમજતાં આવડે, જ્યારે તું મને જે કંઈ આપે એને સુખ સમજીને સ્વીકારી લેતાં આવડે એટલી સમજણ જો મળી જાય તો પછી ૨૦૨૭માં કદાચ કાંઈ માગવાનું નહીં રહે
પ્રતિકાત્મક તસવીર
૨૦૨૫ વર્ષ પહેલાં તમે એટલે કે આપણે સહુએ પરમ કૃપાળુ પરમાત્મા પાસે બે હાથ જોડીને, માથું નમાવીને માગ્યું હતું, ‘હે પ્રભુ, અમને સુખ આપજો.’ આ અમને એટલે કોણ એના વિશે થોડીક વાત કરી શકાય ખરી પણ આપણા દેશની વૈદિક સંસ્કૃતિએ આ ‘અમને’નો અર્થ બહુ સ્પષ્ટ આપ્યો છે – ‘હે પ્રભુ, અમને સહુને સુખી કરજે.’ સુખ માત્ર હું મારા માટે નથી માગતો પણ સહુ કોઈના કલ્યાણ માટે હું સુખ પ્રાર્થું છું. सर्वे भवंतु सुखिनः। અહીં વાત પૂરી થાય. આપણે સહુ કોઈ માટે સુખ માગીએ છીએ. આજે સુખ માગ્યું છે એ ૨૦૨૬મી વાર છે. ૨૦૨૫ વર્ષ પહેલાં પણ એ જ માગ્યું.
પણ આ સુખ એટલે શું? સ્વાસ્થ્ય, જાહોજલાલી, પારિવારિક સુખ આ બધું મળે એને આપણે સુખ કહીએ છીએ. આ સુખ શબ્દનો અર્થ સમજવા જેવો છે. સુખ આમ દેખીતી રીતે એક શબ્દ લાગે છે પણ એમાં બે શબ્દ રહેલા છે. સુ એટલે સારું આ અર્થ તો આપણે સહુ જાણીએ જ છીએ. અને ખ એટલે દેહની કર્મઠ ઇન્દ્રિયો. ઇન્દ્રિયો એટલે કે હાથ, પગ, નાક, કાન વગેરે સાજાં-સારાં હોય એનો આનંદ, સંતોષ એટલે સુખ. (દુઃખ આથી વિપરીત શબ્દ છે, પણ એ કહેવાની જરૂર નથી.)
सर्वे भवंतु सुखिनः।
ADVERTISEMENT
આપણે પ્રાર્થના તો કરી કે હે પ્રભુ, સહુને સુખી કરજો પણ તરત જ પ્રશ્ન થાય છે કે સહુને પ્રભુ શી રીતે સુખી કરી શકે? એની તો પરસ્પર વિરોધી ઇચ્છાઓ છે. એકને જે કરવું છે એનાથી સાવ વિપરીત બીજાને જોઈએ છે. આ સ્થિતિમાં સુખ સહુને અહીં કઈ રીતે પ્રાપ્ત થાય? પોતપોતાનાં માની લીધેલાં સુખો મેળવી લેવા માટે સહુ કોઈ યોગ્ય પણ હોય છે? આપણે એ ભૂલી જઈએ છીએ કે સુખ મેળવવા માટે સુખ આપવું પણ પડે છે. અન્યને સુખ આપવાની આપણી તત્પરતા કેટલી હોય છે? એટલું જ નહીં, પરમાત્માએ આપણને બે શબ્દો આપ્યા છે : સત્કૃત્ય અને દુષ્કૃત્ય. એ બન્ને શબ્દોને એકસરખા ગણી શકાય ખરા? પહલગામમાં ૨૬ અત્યંત નિર્દોષ માણસોની ક્રૂર હત્યા કરનારાઓ પણ શું આપણી સુખની પ્રાર્થનાના અધિકારી છે? આ સુખ તેમને મળે એવી પ્રાર્થના કરવી એનો અર્થ તો એવો થયો કે આ નિર્મમ હત્યાઓ સહન કરી લેવી. આવું તો કાંઈ થાય નહીં. તો પછી બધાને સુખ મળે એવી પ્રાર્થના આપણે શી રીતે કરી શકીએ?
અહીં બીજી પણ એક નાનકડી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. પરમાત્મા દરેક માણસની દરેક પ્રવૃત્તિનો બરાબર હિસાબ રાખે છે. તેના ચોપડામાં તમારું અને મારું ખાતું અક્ષરેઅક્ષર નોંધાયેલું છે. આમ હોવા છતાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ચોપડામાં ગમે તે લખાયેલું હોય તમે સહુને સુખ આપજો. ત્યારે ઈશ્વર સહેજ હસીને એમ જ કહેવાનો કે કોને કેટલું અને કેવું સુખ આપવું કે ન આપવું એ તેના ખાતામાં જે લખાયું છે એ પ્રમાણે જ થાય. તમારા કહેવા પ્રમાણે બધું કરી શકાય નહીં. જો એ રીતે જ બધું થઈ શકતું હોય તો ઈશ્વરની જરૂર જ શું છે?
શું સુખ જોઈએ છે?
એક ક્ષણભર અટકીને વિચારી લો કે અત્યારે જ આ ક્ષણે જ પ્રસન્ન થઈને પરમાત્મા જો તમને કહે કે શું જોઈએ છે, કોઈ પણ એક વસ્તુ માગો. પરમાત્માની આ પ્રસન્નતા આપણને ગૂંચવી નાખે એવી હોય છે. આપણને શું જોઈએ છે? સુખ જોઈએ છેને? સુખ એટલે શું એની તો તમને ખબર જ નથી. શિયાળાની ઠંડીમાં સ્વેટર અથવા શાલ મને સુખ આપે છે. ચોમાસામાં વરસતા વરસાદ વખતે આ પદાર્થો સુખ નથી આપતા. હવે આ ક્ષણે મને છત્રી કે રેઇનકોટ જોઈએ છે. આપણી સુખની વ્યાખ્યા બદલાતી રહે છે. આ બદલાવને જો સમજતાં ન આવડે તો પછી આ સુખ શબ્દ નિરર્થક થઈ જાય છે. સુખ મેળવવા માટે પહેલાં તો સુખ આપવું પડે છે એ વાત આપણે ઉપર કરી છે.
૨૦૨૫નું વર્ષ પૂરું થયું છે ૨૦૨૬નું શરૂ થયું છે ત્યારે સહેજ અટકીને વિચારી જોશો કે વીતેલા વરસમાં તમે કોને અને કેટલું સુખ આપ્યું છે. કુટુંબ પરિવારમાં હો, આડોશપાડોશમાં હો, કામધંધે ઑફિસમાં હો, સગાંસંબંધી સાથે હો. કેટકેટલા માણસો સાથે તમે પરિચયમાં આવ્યા છો? હવે યાદ કરો આ પૈકી કોને અને કેટલું સુખ તમે આપ્યું? એક નાનકડી વાત સુધ્ધાં બીજાને સુખી કરી શકે છે. આ વાત શું તમારા ખ્યાલમાં નથી? આવી નાનકડી વાત આચરી શકાય એવી હોય છે અને એનું આચરણ આપણને કષ્ટદાયી નથી હોતું છતાં અહં નામનો એક ભયાનક રાક્ષસ અંદર ઘસીને ફૂંફાડો મારે છે. આ ફૂંફાડાને કારણે આપણા આચરણ પરસ્પરને માટે સુખદાયી નહીં પણ દુઃખદાયી બની જાય છે. આ વાત નાનકડી છે પણ સમજવા જેવી છે અને પરમાત્મા પાસેથી સુખ માંગવાની આપણી ક્ષમતા આ આચરણને જ આભારી હોય છે એ ભૂલી જઈએ છીએ.
હું માગું છું ભગવંત
૨૦૨૫માં શું માગ્યું હતું એ આજે યાદ નથી. સુખ તો માગ્યું જ હશે. આજે ૨૦૨૬માં તારી પાસે માગું છું હે પરમાત્મા, ‘મને સુખ સમજતાં આવડે, જ્યારે તું મને જે કંઈ આપે એને સુખ સમજીને સ્વીકારી લેતાં આવડે એટલી સમજણ જો મળી જાય તો પછી ૨૦૨૭માં કદાચ કાંઈ માગવાનું નહીં રહે.’


