રાજકીય દાદાગીરી હૉસ્પિટલના દરવાજે નહીં, ICU સુધી પહોંચી ગઈ છે. દરદીની IV ખેંચી કાઢનારા નેતાઓને કાયદાનો ડર કેમ નથી?
ડૉક્ટરોની સુરક્ષા
આપણા સમાજમાં ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે, પણ કોઈ કારણસર દરદીને તે બચાવી ન શકે તો દરદીનાં સગાં-સંબંધીઓ માટે એ જ ડૉક્ટર શેતાનનું રૂપ બની જાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશભરના ડૉક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફ પર હિંસક હુમલા કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. એમાં પણ જ્યારે રાજકીય પક્ષના કાર્યકરો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને હૉસ્પિટલમાં દાદાગીરી કરે છે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આવી વૃત્તિ માત્ર કાયદો અને વ્યવસ્થાની સીમા જ ઓળંગતી નથી, સમગ્ર આરોગ્યક્ષેત્રને જોખમમાં મૂકે છે.
તાજેતરમાં જન્માષ્ટમી અને દહીહંડી ઉત્સવ દરમ્યાન બનેલી ઘટનાઓએ તબીબી જગત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એક વાર ગંભીર પ્રશ્નાર્થચિહન ઊભું કર્યું છે. દર વર્ષે
માનવ-પિરામિડ બનાવતી વખતે ગોવિંદાઓ ઘાયલ થતા હોય છે; પરંતુ ઘાયલ ગોવિંદાઓની સારવારનાં બિલ ચૂકવવાની આનાકાની, વહેલા ડિસ્ચાર્જ મેળવવાની જીદ અને ડૉક્ટરો તેમ જ મેડિકલ સ્ટાફ પર હિંસક હુમલાઓએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં બનેલી સત્તાધારી પક્ષના જ કાર્યકરોની ગુંડાગીરીની ઘટના આ વિકૃતિનું તાજું ઉદાહરણ છે.
જન્માષ્ટમીની રાત્રે ઘાયલ થયેલા કેટલાક ગોવિંદાઓને સારવાર માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર બાદ જ્યારે હૉસ્પિટલ પ્રશાસન દ્વારા મેડિકલ બિલ ચૂકવવાની વાત કરવામાં આવી ત્યારે ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવી દીધો. સત્તાના નશામાં ચૂર નેતાઓએ બિલની રકમ આપવા બાબતે આનાકાની કરી અને હૉસ્પિટલના સ્ટાફ સાથે ઉગ્ર દલીલો શરૂ કરી દીધી. આ વિવાદ એટલો વકર્યો કે ૩૦ જેટલા કાર્યકરોના ટોળાએ હૉસ્પિટલના નિયમોને નેવે મૂકીને સીધા ICU વૉર્ડમાં જબરદસ્તી પ્રવેશ કર્યો. ત્યાં હાજર ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે ગાળાગાળી કરવામાં આવી. CCTV કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક નેતાએ વચ્ચે બચાવ કરવા આવેલા રિસેપ્શનિસ્ટને જોરદાર લાફો મારી દીધો અને મહિલા કર્મચારીઓને પણ ધમકાવી એટલું જ નહીં, પરવાનગી વગર ICUમાં દાખલ થઈને દરદીને ચડાવેલી IV ડ્રિપ ખેંચી કાઢી. તેને જબરદસ્તીથી હૉસ્પિટલની બહાર લઈ જવામાં આવ્યો. આવું કૃત્ય માત્ર ડૉક્ટરોનું અપમાન નથી કરતું, ગંભીર હાલતમાં રહેલા દરદીના જીવને પણ જોખમમાં મૂકે છે.
આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ રાજકીય ગુંડાગીરીની એક ચિંતાજનક પૅટર્ન બની ગઈ છે. આ અગાઉ ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં પણ એક સ્થાનિક કૉર્પોરેટરે ડૉક્ટરો અને નર્સો પર હાથ ઉપાડ્યો હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે પણ સારવારના પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે આ કહેવાતા નેતાઓ કાયદો પોતાના હાથમાં લેવાનું જરાય ચૂકતા નથી. તેઓ સામાન્ય જનતાને મદદ કરવાનો ઢોંગ કરે છે, પણ ક્યારેય પોતાના ખિસ્સાના પૈસા ખર્ચતા નથી. વિપક્ષો અને સામાન્ય જનતાએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને એને ‘રાજકીય આશ્રય હેઠળ ચાલતી ગુંડાગીરી’ ગણાવી હતી; પણ એ જાડી ચામડીવાળાઓને કોઈ અસર થઈ નહોતી.
ડૉક્ટરોનો અનુભવ કહે છે, ‘અકસ્માતના દરદીઓની હાલત ઘણી વાર એટલી નાજુક હોય છે કે બચવાના ચાન્સિસ બહુ જ ઓછા હોય છે, પણ અભ્યાસ દરમ્યાન લીધેલી પ્રતિજ્ઞા મુજબ છેલ્લી ક્ષણ સુધી કોશિશ કરવામાં આવે છે અને ચમત્કાર થાય છે. સગાંઓને દરદીના બચવાની શક્યતા વિશે સ્પષ્ટ સમજાવવામાં આવ્યું હોય છે. છતાં ડૉક્ટરો પર હુમલા કરવામાં આવે ત્યારે સમગ્ર ચિકિત્સાક્ષેત્રમાં ભય અને અસુરક્ષાનો માહોલ વ્યાપી જાય છે. આવા ડરને કારણે જ જોખમી કેસોને હાથમાં લેતાં ડૉક્ટરો અચકાય છે. આ પરિસ્થિતિ આખરે તો સામાન્ય જનતા માટે જ નુકસાનકારક સાબિત થાય છે.’
ડૉક્ટરો અને નર્સો ૨૪ કલાક દરદીઓની સેવામાં વ્યસ્ત હોય છે. ઘણી વાર તેઓ ફક્ત સૅન્ડવિચ ખાઈને કે જૂસ પીને સતત સેવા કરતા હોય છે. કોવિડકાળ દરમ્યાન પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવનારા ડૉક્ટરો મહિનાઓ સુધી પોતાના ઘરે ગયા નહોતા. બારથી ૧૫ કલાક સુધી માસ્ક અને PPE કિટમાં તેમણે પરસેવે તરબતર થયેલાં કપડે સતત સેવાઓ આપી છે. ડૉક્ટરોને ભગવાનનું બીજું રૂપ ગણતો સમાજ આવી ઘૃણાસ્પદ હરકતો કેવી રીતે કરતો હશે એનું તેમને આશ્ચર્ય થાય છે.
પેલા પાલઘરના કેસમાં આશાનું એક કિરણ એ છે કે બૉમ્બે હાઈ કોર્ટે આ બનાવની જાતે નોંધ લઈને તપાસની ગતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવશે એવી ચેતવણી આપી, જેને કારણે મુખ્ય આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આશા રાખીએ કે જનતાને આખરે ન્યાય મળે.
બાય ધ વે
ADVERTISEMENT
તમને ખબર છે કે રાજકીય અને સામાજિક દબાણને કારણે ડૉક્ટરોની આત્મહત્યા અને હત્યાના ઘણા બનાવો પણ બન્યા છે? રાજસ્થાનની એક હૉસ્પિટલમાં પ્રસૂતિ દરમ્યાન વધુ પડતું લોહી વહી જવાને કારણે એક સગર્ભાનું મોત થયું હતું. હજી પણ કેટલાક સમાજોમાં મહિલાને છેક છેલ્લી ઘડીએ જ હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. ડૉક્ટરો શું કરી શકે? આ ઘટના બાદ સ્થાનિક રાજકીય નેતાઓએ અને પ્રદર્શનકારીઓએ ડૉ. અર્ચના શર્મા વિરુદ્ધ મોટો હંગામો કર્યો હતો. દબાણ હેઠળ પોલીસે ડૉક્ટર વિરુદ્ધ કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધી દીધો હતો. આ માનસિક પજવણી અને અપમાન સહન ન થતાં ડૉ. અર્ચનાએ આત્મહત્યા કરી લીધી. તેમણે સુસાઇડ-નોટમાં લખ્યું હતું, ‘મેં કોઈ ભૂલ કરી નથી. મારાં બાળકોને હેરાન ન કરશો.’
બીજા એક કિસ્સામાં કેરલમની સરકારી હૉસ્પિટલમાં પોલીસ દ્વારા આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અચાનક તે હિંસક બની ગયો. અને ડ્રેસિંગ માટે વપરાતી કાતર વડે ડૉ. વંદના દાસ પર ૧૧થી વધુ ઘા કર્યા. એમાં તે યુવાન ડૉક્ટરનું મોત થયું હતું. સમાજે શરમ ન અનુભવવી જોઈએ?
-યોગેશ શાહ
