અંગ્રેજી ફિલ્મ ‘સિસ્ટર્સ ઍક્ટ’ પરથી અમે નાટક બનાવ્યું અને ક્લબ-ડાન્સરને બદલે લીડ કૅરૅક્ટરને બાર-ડાન્સર બનાવી, પણ ડાન્સ કરતી બાર-ડાન્સરને જોઈને ઑડિયન્સ હેબતાઈ ગયું અને નાટકના ફ્યુચરની મને ખબર પડી ગઈ
‘પલ્લવી બની પાર્વતી’માં કૃતિકા દેસાઈના રોલની બે ઇમેજ હતી, પણ નાટકમાં બાર-ડાન્સરની વાત હતી જે ઑડિયન્સ પચાવી ન શકી.
આપણે વાત કરતા હતા મારા નવા નાટક ‘લાઇફ પાર્ટનર’ની. ૨૦૦૩ની ૧૭ નવેમ્બરે નાટક તેજપાલ ઑડિટોરિયમમાં ઓપન થયું અને નાટક બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ ગયું. નાટક જ્યારે ખરાબ હોય ત્યારે નાટકની સન્ડે-ટુ-સન્ડે થિયેટરની ડેટ્સ પણ પ્રૉપર ગોઠવાય નહીં. માંડ અમને રવીન્દ્ર નાટ્યમંદિરની ડેટ મળી અને અમે ત્યાં શો ગોઠવ્યો. રવિવારના એ શોનું ટોટલ બૉક્સ ઑફિસ કલેક્શન આવ્યું ૨૭,૦૦૦ રૂપિયા અને ઑડિટોરિયમનું રેન્ટ ૩૨,૦૦૦ રૂપિયા. મોટી ખોટ. ગયા સોમવારે તમને કહ્યું હતું કે બુકિંગના ફિગર્સ હું અહીં શું કામ કહી રહ્યો છું. આવું કહેવાનું મુખ્ય કારણ એ કે થિયેટરલાઇનમાં બધા પોતાનાં કલેક્શન છુપાવતા હોય છે. મને નફા-નુકસાનની બહુ અસર નથી થતી, એ બધાને હું પાર્ટ-ઑફ-ગેમ ગણું છું.
‘લાઇફ પાર્ટનર’ના કલેક્શન માટે રવીન્દ્ર નાટ્યમંદિરની બૉક્સ-ઑફિસ પર બેસતા બુકિંગ ક્લર્કે મને પૂછ્યું કે આપણે કલેક્શનના ફીગર્સ બહાર કેટલા પાડવાના છે. આ એ સમયની વાત છે જે સમયે મોટા ભાગના પ્રોડ્યુસરો કલેક્શન ફિગર્સ ખોટા લખાવતા અને મજાની વાત એ છે કે બધા પાછા એ જાણતા પણ હોય. અંદરોઅંદર વાત કરતાં કહે પણ ખરા કે આટલો ફિગર આપ્યોને, હવે આટલું ઓછું કરી નાખો એટલે જે ફિગર આવે એ જ કલેક્શન કાઉન્ટર પર આવ્યું હશે. કલેક્શન જાણવાનું એક જ કારણ, માર્કેટનો ટ્રેન્ડ શું છે અને આપણે એ મુજબ ચાલીએ છીએ કે નહીં. આ જજમેન્ટ પૂરતો જ બધાને રસ હોય અને એ પછી પણ ખોટા ફિગર્સ આપે.
મને પૂછવામાં આવ્યું એટલે મેં કહ્યું કે જે કલેક્શન છે એ જ બહાર કહેવાનું છે. ભલે લોકો કહે કે સંજય ગોરડિયાનું નાટક ઘૂસી ગયું, મને એનો વાંધો નથી.
મિત્રો, હું ક્યારેય બુકિંગ-કલેક્શન ખોટું બોલ્યો નથી. હું હંમેશાં માનું છું કે અનિવાર્ય હોય તો જ ખોટું બોલવું. આ મારો જીવન સિદ્ધાંત છે. ‘લાઇફ પાર્ટનર’ નાટક ફ્લૉપ ગયું તો ગયું, એમાં કોઈ મોટી વાત નથી. મેં તમને કહ્યું હતું એમ, નાટક ચૅરિટી શોમાં સરસ ચાલ્યું હતું, ચૅરિટીમાં ચાલ્યું અને બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ ગયું એટલે અમે ખર્ચમાં સરભર થઈ ગયા, બહુ મોટો નફો ઘરમાં નહોતો આવ્યો, પણ ઘરની મૂડી પણ તૂટી નહોતી અને મારી દૃષ્ટિએ તો મૂડી ન તૂટવી એ પણ એક પ્રકારનો પ્રૉફિટ જ છે.
‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ અને ‘લાઇફ પાર્ટનર’ નવું ઓપન કર્યું હતું તો ઝિનત અમાનવાળું હિન્દી નાટક ‘ચુપકે ચુપકે’ પણ ચાલી રહ્યું હતું અને ચોથા નાટકની હવે અમારે તૈયારી કરવાની હતી, પણ એ નવા નાટક પર આવતાં પહેલાં તમને કહું, આ એ પિરિયડ હતો જ્યારે મેં એકસાથે ત્રણ-ચાર નાટકો કરવાનું શરૂ કરી દીધું હતું, હવે જે નવું નાટક કરવાના હતા એ અમારું ચોથું નાટક થવાનું હતું તો આંકડાની દૃષ્ટિએ ‘લાઇફ પાર્ટનર’ એ મારું ૨૮મું નાટક હતું. હા, એક્ઝૅક્ટ ૨૮મું નાટક. મારી પાસે એકેક નાટક આંકડાની દૃષ્ટિએ ગોઠવેલાં છે અને મારી પાસે એનો આખો ડેટા-બેઝ છે એટલે હું આ વાતને દાવા સાથે કહી શકું છું અને વાચકોને પણ સરળતા રહે એટલે હવે આપણે દરેક નાટકને ક્રમ પણ આપતા જઈશું.
‘ચુપકે ચુપકે’ની ટૂર વખતે અમેરિકા ગયો ત્યારે અમારા ભૂતપૂર્વ નિર્માતા અને મિત્ર શિરીષ પટેલે મને હુપી ગોલ્ડબર્ગની ફિલ્મ ‘સિસ્ટર્સ ઍક્ટ’ જોવાનું સજેશન આપ્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મ પરથી ગુજરાતી નાટક બનાવી શકાય એમ છે.
ફિલ્મની વાર્તા એવી હતી કે એક ક્લબ-ડાન્સર છે, જે પોતાની જ ક્લબમાં ખૂન થતું જોઈ જાય છે અને જેણે ખૂન કર્યું છે એ સિટીનો નામચીન અને ક્રૂર ગુંડો હોય છે. હુપી ખૂનની એકમાત્ર ગવાહ છે. પોલીસને એની ખબર છે એટલે પોલીસે હુપીને બાંયધરી આપી કે તું ગવાહી આપ, અમે તને પ્રોટેક્શન આપીશું. વિટનેસ પ્રોટેક્શનનો કોઈ કાયદો આપણે ત્યાં નથી, કોઈ વિનંતી કરે અને પોલીસને મન પડે તો થોડા સમય માટે વિટનેસને પ્રોટેક્શન મળે, પણ પ્રોટેક્શન આપવું જ એવો કોઈ કાયદો આપણે ત્યાં નથી, પણ અમેરિકામાં વિટનેસ પ્રોટેક્શનનો પ્રૉપર કાયદો છે અને એ કાયદાના ભંગ બદલ પોલીસ-અધિકારીઓને પણ કડકમાં કડક સજા થાય છે એટલે કોઈ એનો ભંગ પણ નથી કરતું.
પોલીસ હુપીને સમજાવે છે કે તું જુબાની આપ, તું ગુંડાને ઓળખી બતાવ એટલે અમે તેને પકડી લઈએ, તારા પ્રોટેક્શનની પૂરેપૂરી જવાબદારી અમારી. હુપી તૈયાર થાય છે અને ક્લબ-ડાન્સરને ચર્ચમાં નન તરીકે સંતાડવામાં આવે છે. અહીંથી વાર્તામાં વળાંક આવે છે, કઈ રીતે ચર્ચમાં બધી ધમાલ થાય છે એના પર ફોકસ કરવામાં આવે છે.
ફિલ્મ જોયા પછી મને થયું કે વાર્તા સારી છે, ગુજરાતી વાતાવરણમાં ઢાળીને નાટક બનાવી શકાય. અમે કામ ચાલુ કર્યું અને ક્લબ-ડાન્સરને અમે બાર-ડાન્સર કરી તો ચર્ચમાં ઍક્ટ્રેસને નન બનાવવાને બદલે જૈન કુટુંબમાં ઇન્સ્પેક્ટર એ છોકરીને કામવાળી તરીકે રાખે છે. કઈ રીતે એ કામવાળી જૈન કુટુંબમાં ચાલતા ઝઘડા અને કજિયા સૉલ્વ કરી ઘર અને પરિવારનો ઉદ્ધાર કરે છે એ વાતને સેકન્ડ હાફમાં લઈ ગયા અને ઘરના યંગ દીકરા અને પેલી બાર-ડાન્સર વચ્ચે પ્રેમ કરાવીને બન્નેનાં લગ્ન પણ કરાવ્યાં. આખી વાર્તા સેટ થઈ ગઈ. લેખક જયેશ પાટીલ અને દિગ્દર્શક તરીકે વિપુલ મહેતા. બાર-ડાન્સરના લીડ કૅરૅક્ટરમાં અમે કૃતિકા દેસાઈને લેવાનું નક્કી કર્યું.
રિહર્સલ્સ શરૂ થયાં અને તેજપાલમાં નાટકનું ઓપનિંગ પણ નક્કી થઈ ગયું. નાટકનાં રિહર્સલ્સ દરમ્યાન જ અમને ટાઇટલ પણ મળી ગયું, ‘પલ્લવી બની પાર્વતી.’ ટાઇટલની નાનકડી પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે.
એ સમયે ટીવી પર બે ડેઇલી સોપ જોરમાં ચાલતી, જેમાંથી એકમાં પલ્લવી નામની વેમ્પ હતી તો એક સિરિયલમાં પાર્વતી હતી, જે એકદમ ડાહીડમરી, દયાની મૂર્તિ, સહનશીલતાની ચરમસીમા જેવી વહુનું કૅરૅક્ટર કરે. ઘણાને આજે પણ આ બન્ને કૅરૅક્ટર યાદ હશે. એ બન્ને કૅરૅક્ટર પરથી જ અમે નાટકનું ટાઇટલ ‘પલ્લવી બની પાર્વતી’ ફાઇનલ કર્યું.
૨૦૦૪ની ૩૦ મે, રવિવાર.
અમારા પ્રોડક્શનનું ૨૯મું નાટક તેજપાલ ઑડિટોરિયમમાં રિલીઝ થયું.
મને હજી પણ યાદ છે કે તેજપાલમાં શો હાઉસફુલ હતો. સાઇડમાં ઊભાં-ઊભાં હું નાટક જોતો હતો. પહેલો સીન બારનો હતો. ડાન્સ ચાલતો હોય અને બારમાં બેસીને બધા દારૂ-સિગારેટ પીતા હોય. બાર-ડાન્સરનો ડાન્સ ચાલતો હોય અને બધા લોકો પૈસા ઉડાડતા હોય. એકધારું ઘોંઘાટિયું મ્યુઝિક વાગતું હોય. અમે ડિટ્ટો ડાન્સબાર જેવું જ વાતાવરણ ઊભું કર્યું હતું. સીન શરૂ થયો અને પૈસા ઉછાળવાનું શરૂ થયું ત્યાં ઑડિયન્સમાંથી ડચકારા અને સિસકારા ચાલુ થયા. હું સમજી ગયો, નાટક ફ્લૉપ છે અને બન્યું પણ એવું જ.
‘પલ્લવી બની પાર્વતી’ ફક્ત ૩૪ શોમાં બંધ થઈ ગયું અને અમારે નુકસાની સહન કરવાની આવી, પણ ‘પલ્લવી બની પાર્વતી’ને
કારણે મને નવી જનરેશનનો એક એવો ઍક્ટર મળ્યો જેની સાથે મેં ત્યાર પછી અનેક નાટક કર્યાં. એ ઍક્ટર કોણ અને ૨૯મા નાટકની નિષ્ફળતા પછી બીજું શું કર્યું એની વાતો કરીશું આપણે આવતા સોમવારે.

