દિવાળીના દિવસોમાં મુંબઈગરાના શ્વાસ રૂંધાયા : ૧૯થી ૨૧ ઑક્ટોબરના ૩ દિવસમાં શહેરની હવા અત્યંત પ્રદૂષિત રહી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ માટે ૨૦૨૫ના આખા વર્ષનો સૌથી ખરાબ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ઑક્ટોબર મહિનામાં નોંધાયો છે એટલું જ નહીં, શહેરના ૧૯ વિસ્તારોએ અત્યાર સુધીનું સૌથી ખરાબ PM2.5 લેવલ પણ નોંધાવ્યું છે. PM2.5 લેવલ એવા ઝીણા રજકણોને દર્શાવે છે જે સરળતાથી ફેફસાંમાં જઈ શકે છે અને સ્વાસ્થ્ય પર અત્યંત ગંભીર અસર છોડી શકે છે.
સેન્ટર ફૉર રિસર્ચ ઑન એનર્જી ઍન્ડ ક્લીન ઍરના અભ્યાસ પ્રમાણે શહેરના સૌથી પ્રદૂષિત દિવસો ૧૯થી ૨૧ ઑક્ટોબર સુધીના દિવાળીના ૩ દિવસ દરમ્યાન નોંધાયા હતા. આ સમયે બદલાયેલી ઋતુનું વાતાવરણ અને દિવાળીના ફટાકડાઓનું પ્રદૂષણ બન્ને કારણો ભેગાં થતાં હોવાથી ઍર ક્વૉલિટી અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચે છે. આ બગડેલા વાતાવરણની સૌથી ખરાબ અસર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, પવઈ, મુલુંડ અને ઘાટકોપર વિસ્તારમાં જોવા મળી હતી. જોકે ગઈ કાલે શહેરનો AQI ૧૫૦થી ૧૬૦ના સામાન્ય સ્તરે રહ્યો હતો.


