Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્વતંત્રતાને પણ સીમાની જરૂર હોય છે

સ્વતંત્રતાને પણ સીમાની જરૂર હોય છે

Published : 10 May, 2026 01:14 PM | Modified : 10 May, 2026 01:17 PM | IST | Mumbai
Priyanka Acharya

સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે આપણે ગમે ત્યાં ઊડીએ. એનો અર્થ છે ઊડવું, પરંતુ ક્યારે અને કેટલું ઊડવું એના વિશે સભાનતા હોય.

પ્રતીકાત્મક તસવીર

મની મેનેજમેન્ટ

પ્રતીકાત્મક તસવીર


બૅન્ગકૉકના સફારી વર્લ્ડની મુલાકાત દરમ્યાન મને પૈસા અને જીવન વિશે એક અનોખો પાઠ શીખવા મળ્યો. ત્યાં અનેક પ્રાણીઓ હતાં જે અદ્ભુત શિસ્ત અને કળા સાથે કરતબ કરી રહ્યાં હતાં. કેટલાંક પાંજરામાં હતાં તો કેટલાંક ‘અદૃશ્ય’ મર્યાદાઓમાં. આ મર્યાદા એટલી હતી કે જે પક્ષીઓ સરળતાથી ઊડી શકે છે તેઓ પણ ઊડતાં નહોતાં, કારણ કે એમને તાલીમ આપવામાં આવી હતી. એમને એ જ પ્રમાણે રહેવા માટે કેળવવામાં આવ્યાં હતાં. એમને સ્વચ્છ જગ્યામાં સમયસર ખાવાનું મળી રહેતું અને રોજનું કામ નિર્ધારિત હતું. એમણે કોઈ જ પ્રકારનું આયોજન કે પૂર્વતૈયારી કરવાની નહોતી. પૈસા કમાવા, ખર્ચ કરવા, બજેટ બનાવવું અને બચત તથા રોકાણ કરવાં એ બધાંની કોઈ જ કડાકૂટ નહોતી. આપણા માટે જે કામ કંટાળાજનક છે એવું એમના જીવનમાં કંઈ જ નહોતું. આપણને એમ જ લાગે કે એમનું જીવન કેટલું સરળ છે. ઊલટાનું લોકો એમનાં કરતબ જોવા માટે પૈસા ચૂકવીને આવતા હોય એ જોઈને તો ઈર્ષ્યા જ ઊપજે. આપણે એને આર્થિક સ્વતંત્રતા પણ કહી શકીએ અને એ સ્વતંત્રતાનો અનુભવ કરવાનો પોતાનો દિવસ ક્યારે આવશે એવું વિચારવા લાગી જઈએ. જોકે આપણે એ જોવાનું છે કે આપણા જીવનમાં મનફાવે એ રીતે ખર્ચ કરવો, રોકાણમાં પણ કોઈ પદ્ધતિ નહીં, નિર્ણયો લેવામાં વિલંબ કરવો વગેરે-વગેરે પરિબળો હોય છે.

અહીં ખાસ કહેવું ઘટે કે આપણે ફક્ત ધન કમાવાની વૃત્તિ રાખીએ છીએ, એના મૂલ્ય તરફ લક્ષ આપતા નથી. પારિવારિક જીવન હોય કે બિઝનેસ હોય, બધે જ શિસ્ત આવશ્યક હોય છે. સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે આપણે ગમે ત્યાં ઊડીએ. એનો અર્થ છે ઊડવું, પરંતુ ક્યારે અને કેટલું ઊડવું એના વિશે સભાનતા હોય.



આજે આપણે આર્થિક સ્વતંત્રતાથી આર્થિક મૂલ્ય તરફ જવા માટેનાં ૩ સરળ પરિવર્તનોની વાત કરીશું:


૧. સીમા રાખો, અવરોધો નહીં
દૈનિક, સાપ્તાહિક અથવા માસિક બચતના નિયમો, ખર્ચની મર્યાદા અને સમયાંતરે સમીક્ષા જેવી સરળ વ્યવસ્થાઓ અપનાવો. મર્યાદાઓ કે સીમાઓ તમને રોકતી નથી, એ તો તમને સાચી દિશા બતાવે છે.
૨. પૈસાને લગતી સારી આદતો કેળવો
જે રીતે પ્રાણીઓને દરરોજ તાલીમ આપવામાં આવે છે એ જ રીતે તમારી નાણાકીય આદતોને પણ સતત અભ્યાસની જરૂર છે. બચતને ઑટોમેટ કરો, ખર્ચ પર નજર રાખો અને દરેક નિર્ણયની સમીક્ષા કરો. શિસ્ત જીવનને સરળ બનાવે છે.
૩. અધીરતા નહીં, સાતત્ય પર ધ્યાન આપો
એક જ વખતમાં મોટો લાભ મેળવવાની લાલચ છોડો. એને બદલે ધીમે-ધીમે, સ્થિર અને ગણતરીપૂર્વકની વૃદ્ધિ પર ધ્યાન આપો. સાચી સંપત્તિ શાંતિથી અને સાતત્ય રાખીને આવી જ રીતે ઊભી થાય છે.
છેલ્લે કહેવાનું કે આર્થિક સ્વતંત્રતા એટલે ઘરેડમાંથી બહાર નીકળી જવું એમ નથી. એનો સાચો અર્થ એ છે કે મર્યાદામાં રહીને પણ તમારું જીવન સુંદર રીતે આગળ વધી શકે એવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવી.

 


લેખિકા ફાઇનૅન્સ અને વીમા ક્ષેત્રે દેશભરમાં જાગ્રતિના કાર્યક્રમો કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 01:17 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK