શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, કોઈ પણ પ્રગતિશીલ સમાજના ગ્રોથ માટેનું સૌથી પાવરફુલ એન્જિન છે
૨૪ વિજાપુર સત્યાવીસ જૈન સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી પ્રવીણ શાહ પોતાના પારિવારિક પડેચિયા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે મદદ કરવા સાથે શિરસાડસ્થિત મહાવીરધામના ટ્રસ્ટી તરીકે પણ વર્ષોથી સક્રિય સેવા આપી રહ્યા છે.
આપણે સસ્ટેનેબિલિટી અને માઇન્ડફુલ લિવિંગ વિશે ખૂબ વાતો કરીએ છીએ. ઑર્ગેનિક ફૂડથી લઈને ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ સુધી આપણે આપણી આસપાસની દરેક વસ્તુને બહેતર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. જોકે સાચી સસ્ટેનેબિલિટી ત્યારે જ શક્ય બને જ્યારે આપણો સમાજ વૈચારિક અને શૈક્ષણિક રીતે મજબૂત હોય. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, કોઈ પણ પ્રગતિશીલ સમાજના ગ્રોથ માટેનું સૌથી પાવરફુલ એન્જિન છે. આજની યુવા પેઢી જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવીને ગ્લોબલ પ્લૅટફૉર્મ પર પોતાનાં સપનાં સાકાર કરે છે ત્યારે તે આખા સમાજને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે.
CA, CS, MBA કે ડેટા સાયન્સ જેવા હાયર એજ્યુકેશન તરફ યુવાનોનો ક્રેઝ વધ્યો છે; પરંતુ કેટલીક વાર ટૅલન્ટ અને ઇચ્છા હોવા છતાં માત્ર આર્થિક મર્યાદાઓને કારણે કોઈ હોશિયાર વિદ્યાર્થી પાછળ રહી જાય છે. કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ આપણને સમાજને કંઈક પાછું આપવાનું શીખવે છે. કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થીને જ્યારે કરીઅર ગાઇડન્સ અને આર્થિક સપોર્ટની જરૂર હોય ત્યારે સક્ષમ વર્ગે આગળ આવીને મેન્ટર બનવું જોઈએ. આજના સમયમાં ફાઇનૅન્શિયલ બૅકગ્રાઉન્ડ ક્યારેય કોઈના ગ્રોથમાં સ્પીડબ્રેકર ન બનવું જોઈએ.
ADVERTISEMENT
એક વિદ્યાર્થીને શિક્ષિત કરવો એટલે માત્ર કોઈ એક વ્યક્તિગત કારકિર્દીનું નિર્માણ કરવું નથી, એનાથી આખો પરિવાર અને આવનારી પેઢીઓ સધ્ધર બને છે. શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવો એ માત્ર એક સામાજિક સેવા કે દાન નથી, સમાજના ઉજ્જવળ ભવિષ્યમાં કરવામાં આવેલું સૌથી મોટું અને સાચું રોકાણ છે. વધુ ને વધુ યુવાનો ઉચ્ચ શિક્ષણ તરફ પ્રેરિત થાય અને એક શિક્ષિત, સક્ષમ તથા આત્મનિર્ભર પેઢી તૈયાર થાય એ દિશામાં સામૂહિક પ્રયાસો થવા ખૂબ જ અનિવાર્ય છે.
આ સામાજિક જવાબદારીને આપણે આપણા કૌટુંબિક માળખામાં બહુ સહજતાથી વણી શકીએ છીએ. અમે પડેચિયા ટ્રસ્ટ દ્વારા એક બેસ્ટ મૉડલ પૂરું પાડવાની કોશિશ કરી છે. આ ટ્રસ્ટમાં પરિવારના ભાઈઓ સાથે મળીને દર વર્ષે એક ચોક્કસ ફન્ડ જમા કરે છે જેનો સીધો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના એજ્યુકેશન અને મેડિકલ હેલ્થ માટે થાય છે. કન્ઝ્યુમરિઝમના જમાનામાં જ્યાં આપણે બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરીએ છીએ ત્યાં જો દરેક સક્ષમ ફૅમિલી આવું એક નાનું ફૅમિલી ફન્ડ બનાવીને કોઈની લાઇફ બદલવામાં મદદ કરે તો એ જ આપણી લાઇફસ્ટાઇલનું સૌથી સુંદર અને સાર્થક પાસું બનશે. ખરા અર્થમાં આ જ પ્રગતિશીલ વિચાર છે.
