Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રામ કરે એ કરાય અને કૃષ્ણ કહે એમ કરાય : આ જન્માષ્ટમીએ આ વાતને હૃદયમાં કોતરી લેજો

રામ કરે એ કરાય અને કૃષ્ણ કહે એમ કરાય : આ જન્માષ્ટમીએ આ વાતને હૃદયમાં કોતરી લેજો

Published : 30 August, 2026 01:59 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

કૃષ્ણ માત્ર રાસ, વાંસળી અને મોરપીંછ પૂરતા સીમિત નથી. તેમના જીવનમાં પ્રેમ સાથે કર્તવ્ય, સંવેદના સાથે શૌર્ય અને શક્તિ સાથે વિનમ્રતાના અનેક પાઠ છુપાયેલા છે. જન્માષ્ટમીએ કૃષ્ણચરિત્રને નવા દૃષ્ટિકોણથી સમજવાનો સમય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કૃષ્ણ એટલે કાળમુખી સમસ્યાઓનું ઇન્સ્ટન્ટ સમાધાન. નંદકિશોર એટલે લાગણીના ધસમસતા ધોધમાં પણ સ્થિર રહેતી હોડી. માધવ એટલે મન અને હૃદયનું સંતુલન સાચવી લેવાતો અંતિમ નિર્ણય. શામળિયો એટલે સંવેદના અને વેદનાનું શ્રેષ્ઠ ત્રાજવું. દામોદર એટલે દિલનાં બંધનોને તોડ્યા વગર મુક્ત રહેવાની કળા. ગોવર્ધન એટલે વધથી અવધ સુધીનો રાજમાર્ગ કંડારતી કેડી. હરિ એટલે હારીને પણ જીતી જવાની પ્રયુક્તિ. મોહન એટલે માત્ર મોરપીંછથી સૃષ્ટિના તમામ મુગટ પર રાજ કરવાનો કસબ. વિઠ્ઠલ એટલે વૈકુંઠ સુધી પહોંચવાની માસ્ટર કી. દ્વારિકાધીશ એટલે સ્વર્ણનગરી સર્જવાનું અને સમયાંતરે સમુદ્રમાં છુપાવી દેવાનું સામર્થ્ય. મુરલીધર એટલે છેલ્લાં સાડાપાંચ હજાર વર્ષ પછી પણ સહેજેય ઓછું ન થયેલું માનવજાતનું મૅગ્નેટ. અચ્યુત એટલે સૌનો આધાર પણ કોઈના પર જરાય આધારિત નહીં. કેશવ એટલે આ બધું જ અને આમાંનું કશું જ નહીં. કૃષ્ણ એટલે કૃષ્ણ. અનંત અને અમાપ.
શ્રીહરિ એટલે હાથવગો ભગવાન. તમે નંબર ડાયલ કરો અને ૧૦ આંકડા પૂરા થાય એ પહેલાં જે આર્તનાદ સ્વીકારી લે એવો લેટેસ્ટ અને લેજન્ડ અવતાર. નાનપણથી સૌ સાંભળીએ છીએ કે ‘રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ નહીં કહે એમ કરાય!’ 
હું પણ આ અનેક વાર બોલ્યો છું. યુવા ભાગવતકાર ડૉ. મહાદેવપ્રસાદ મહેતાએ આ વાતનો સુંદર પ્રત્યુત્તર આપ્યો કે કૃષ્ણલીલાને સમજવા-સમજાવવામાં આપણે બહુ ટૂંકા પડીએ છીએ. કોઈ પણ યુવાનને ‘કાનુડા જેવો છે!’ એવું કહેતાં પહેલાં આપણે જરા વિચાર કરવાની જરૂર છે. પાંચ-પચીસ કન્યાઓ વચ્ચે ઊભા રહીને માત્ર રાસ રમવાથી કૃષ્ણ ન થવાય, રાસેશ્વર બનવા માટે જરૂર પડ્યે પોતાની સખીનાં ચીર પણ પૂરવાં પડે. માત્ર પીતાંબર પહેરી લેવાથી કૃષ્ણ ન બની શકાય, પ્રેમેશ્વર બનવા માટે અન્યની પીડાને પણ પહેરવી પડે. ગમે એ સમયે વાંસળી વગાડવી તો સાવ સહેલી છે, પરંતુ ઉચિત સમયે વાંસળીને ભેટમાં રાખીને સુદર્શન ઉપાડવાની તૈયારી કેટલા યુવાનોની છે?
‘કૃષ્ણએ કર્યું એ કરવાની આપણી ત્રેવડ નથી’ આ કદાચ યોગ્ય વિધાન હોઈ શકે. શું જન્મતાંવેંત માનું ધાવણ તમે છોડી શકો? મહાભારતની કથા ચકાસો તો કૃષ્ણ અને કર્ણ આ બન્ને પોતાની સગી માના પ્રેમથી વંચિત રહ્યા હતા. બેય ધાવણવછોયા હતા. એમ છતાં કર્ણે અધર્મનો સાથ આપ્યો અને કૃષ્ણએ ધરતી પર ધર્મની સ્થાપના કરી. પોતાની સાથે થયેલા ઘોર અન્યાયને હૈયામાં ધરબીને જે હોઠ પર મધુરી બંસરી છેડી શકે તેનાં પ્રેમગીત હજારો વર્ષ સુધી અમર પદને પામે. આપણે તો જીવનમાં થયેલાં અનેક અપમાનને આજીવન ઘંટડીની જેમ ગળે ટીંગાડીને જગતને એ પીડા સંભળાવ્યા કરીએ છીએ.
પોતાના નિર્વિકાર પ્રેમને એકઝાટકે ત્યજીને કર્તવ્યને ખાતર વતનનો અને વહાલાઓનો ત્યાગ કરીએ ત્યારે બનવારી બની શકાય. પ્રેમ માટે કે પોતાના પ્રિયપાત્ર માટે સમગ્ર પરિવારને અધમૂઆ કરીને છાપે ચડાવનારી આખી એક પેઢીને કેશવમાંથી કર્તવ્યનિષ્ઠાની શીખ લેવાનું મન કેમ નથી થતું? રાધા જેવો પ્રેમ સૌ ઇચ્છે છે, પરંતુ પ્રેમ અને કર્તવ્યમાંથી કર્તવ્યને પ્રાધાન્ય આપવાનું કેટલા પસંદ કરશે? તેથી કહું છું સમજજો સજ્જનો, કૃષ્ણ કહે એમ જ કરાય, તે કરે એવું કરવાનું આપણું ગજું નથી.
ગોવર્ધન જેવડો પર્વત ઊંચકીને એનો યશ સાથી ગોવાળોને આપવા માટે હૃદયની વિશાળતા જોઈએ. આપણે તો આપણાં સંતાનોના અભ્યાસનો ભાર ઊંચકીએ છીએ તો પણ તેને સંભળાવી દેવાનું ચૂકતા નથી, જ્યારે કૃષ્ણ બધું જ કર્યા બાદ અકર્તા ભાવમાં સ્થિતપ્રજ્ઞ મુસ્કુરાતા રહે છે.
માસી અને માનો ભેદ કૃષ્ણએ બાળવયે પારખ્યો હતો, જ્યારે આપણે તો ઢગા જેવડા થઈને પણ લોકોને ઓળખવામાં થાપ ખાઈ રહ્યા છીએ. માતૃભાષા જેવું માનું ધાવણ તરછોડીને અન્ય ભાષાની પૂતનાઓના દૂધ માટે તલપાપડ થનારા સમાજને બાલમુકુંદની આ લીલા કેમ સ્પર્શતી નથી? અધર્મના માર્ગે હોય તો સગા મામાને પણ મોક્ષદ્વારે પહોંચાડવો જ પડે. સંબંધોમાં તણાયા વગર જે સત્ય અને ન્યાયના માર્ગે આવા કઠોર નિર્ણય લઈ શકે તેની કાળિયા ઠાકર તરીકે પૂજા થાય. આજે તો કેટલાંક ઘરોમાં કુમાર્ગે ચડેલાં દીકરા-દીકરીના જામીન ખુદ પરિવારજનો જ કરાવે છે. વધની વાત તો દૂર, સંતાનોને વઢવામાં પણ જે સંકોચ અનભુવે છે તેનાં સંતાનો જીવનનું કુરુક્ષેત્ર શું ધૂળ લડવાનાં? 
ગરીબ માણસની સામે નજર કરવાનો આજના કહેવાતા શ્રીમંતોને સમય નથી. શહેરના ધનવાનો ગરીબોને જમાડવા માટે દાન અવશ્ય કરે છે, પરંતુ એકાદ શ્રમિકને ગળે લગાડીને મિત્ર બનાવનારા તવંગર કેટલા? પોતાના સખાને મદદ કરતી વખતે તેના સ્વાભિમાનનું સન્માન કરનારા ભાઈબંધ બનો તો શામળિયા થવાય. બાકી સાચી ફ્રેન્ડશિપમાં રિક્વેસ્ટની નહીં, માઇન્ડસેટની આવશ્યકતા હોય છે. 
શક્તિશાળી હોવા છતાં ભરસભામાં કોઈના ૯૯ અપશબ્દોના ઘૂંટડા પીવા કાંઈ સહેલા છે? જ્યારે આપણાથી તો આપણા સોશ્યલ મીડિયામાં લખાતી એકાદી નેગેટિવ કમેન્ટ પણ જીરવાતી નથી. ખુશામતખોરોના થોર અફીણી નશામાં દિગ્ગજોને તણાતા જોઈએ છીએ ત્યારે શ્યામસુંદર જેવી સહનશક્તિને કૉપી-પેસ્ટ કરવાનું મન કેમ નથી થતું? પોતાની સહનશક્તિની મર્યાદા સ્વયં નક્કી કર્યા બાદ એ હદ કોઈ વળોટે તો તેનું માથું વાઢતાં પણ જે ન ખચકાય તેનાથી જર્નાદન થવાય. અહિંસાના અતિરેકે આપણને સૌને એટલી હદ સુધી નિર્માલ્ય કરી દીધા છે કે યુદ્ધોના ઇતિહાસ લખાતા પણ બંધ થયા અને ચર્ચાતા પણ!
બાંકેબિહારીની બાળલીલામાંથી સંતાનોને વીરતાના પાઠ ભણાવવાનું આપણે જ ચૂકી ગયા કે શું? કાળીનાગ સામે કાળિયો ઠાકર માળા લઈને જાપ નથી કરતો, પરંતુ હિંમતથી તેને નાથી બતાવે છે. પોતાના એકના એક સંતાન પર કચકચ કરતી મમ્મીઓ કૃષ્ણચરિત્ર ફરી એક વાર આ ઍન્ગલથી વાંચશે તો કદાચ એકાદ બાળકમાં વીરતાના સંસ્કારો સ્થપાશે.
સામર્થ્યવાન હોવા છતાં સારથિ બનવું બહુ અઘરું છે. સેલ્ફ-ડ્રાઇવ કરીને કોઈ સમારંભમાં જવાથી કેટલાય લોકોને પોઝિશનમાં પંક્ચર પડી જાય એવું લાગે છે ત્યારે યોગેશ્વર યુદ્ધના મેદાનમાં સારથિ બનીને પણ સર્વશ્રેષ્ઠ પોઝિશન આપમેળે મેળવે છે. એકાદ હજાર મોટિવેશનલ સેમિનાર ભરો તોય જે જ્ઞાન ન મળે એ કૃષ્ણ પરમાત્માના જીવનમાંથી સાવ નિઃશુલ્ક પ્રાપ્ત થાય એવું છે, જો કોઈ પાસે સમય હોય તો! દ્વારિકાધીશ બન્યા પછી એ રાજસૂય યજ્ઞમાં ચરણ પખાળવાની સેવા સ્વીકારે! અહો આશ્ચર્યમ્! આટલું નિરંહકારીપણું જે જીવી બતાવે તેને જ કોઈ પણ ગર્વનું ખંડન કરવાનો અધિકાર છે.
આ જન્માષ્ટમીએ આટલું તો ચોક્કસ શરૂ કરીએ કે કોઈ પણ યુવાન માટે કાનુડો શબ્દ વાપરતાં પહેલાં જીભને હૅન્ડબ્રેક મારીએ. ‘કાનુડો કરે એમ કરાય નહીં’ એને બદલે ‘કાનુડાએ કર્યું એ આપણાથી ૭ જન્મે પણ થાય નહીં’ આ વાતને સમજીશું તો ચતુર્ભુજના ચારેય હાથ કોક દી આપણા માથે પણ પડશે. બાકી કાળી નાગનો તો કળિયુગમાં ક્યાં તોટો છે? શું ઓણ શામળિયો સહાય કરશે?
વિચારજો.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 01:59 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK