Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક્લાસ-વન ઑફિસર બનવા માગતો યંગસ્ટર પ૧ કિલોમીટર નાગડો-પૂગડો શું કામ ચાલે?

ક્લાસ-વન ઑફિસર બનવા માગતો યંગસ્ટર પ૧ કિલોમીટર નાગડો-પૂગડો શું કામ ચાલે?

Published : 30 August, 2026 01:02 PM | Modified : 30 August, 2026 01:16 PM | IST | Gondal
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ સાથે આ જ થયું અને તેના CCTV કૅમેરાનાં ફુટેજ પણ મળ્યાં અને પછી તેનું ડેડ-બૉડી પણ મળ્યું. ભારોભાર ભેદભરમ જેવો આ કેસ કોઈ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મથી સહેજ પણ ઊતરતો નથી

દીકરા રાજકુમારનો અકસ્માત નહીં, હત્યા થઈ છે એવો દાવો કરતા તેના પેરન્ટ્સ.

દીકરા રાજકુમારનો અકસ્માત નહીં, હત્યા થઈ છે એવો દાવો કરતા તેના પેરન્ટ્સ.


૨૦૨પની બીજી માર્ચ.
કૅલેન્ડર હવે આ દિવસને ૩ માર્ચ કહે છે. મધરાત થઈ ગયા પછીનો પહોર આકાશે ઓઢી લીધો છે અને સૌરાષ્ટ્રના એક સમયના અતિશય પ્રગતિશીલ કહેવાતા ગોંડલવાસીઓની આંખોની ભ્રમર પર શયનનું લૉક લાગી ગયું છે. રડ્યાંખડ્યાં કૂતરાંઓ વાહન નીકળે ત્યારે આગળના બે પગ વચ્ચેથી મસ્તક ઊંચું કરે છે અને પછી ફરી પાછી પોતાની શવાસનની મુદ્રામાં ગોઠવાઈ જાય છે.
ખટ... 
ઘરના બધા સૂતા છે એવા સમયે ૨૩ વર્ષનો રાજકુમાર ધીમેકથી ઘરનો દરવાજો ખોલે છે અને ઘરની બહાર પગ મૂકીને દરવાજાને ફરીથી ખેંચી લે છે. દરવાજો આમ તો અર્ધખુલ્લો છે, પણ હવે આ અર્ધખુલ્લો દરવાજો અનેક રહસ્યો સાથે આમ જ ખુલ્લો રહેવાનો છે. ઘરની બહાર નીકળનારો તે યંગસ્ટર રાજકુમાર જાટ છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ક્લિયર કરીને ક્લાસ-વન ઑફિસર બનવાનું સપનું જોતો રાજકુમાર આમ તો દિવસના ૨૪ કલાકમાંથી ૧૨ કલાક બુક્સમાં જ માથું નાખીને પડ્યો રહે. ગોંડલની એક ખાસિયત છે. ત્યાં રહેનારા મોટા ભાગનાઓને UPSC ક્લિયર કરવાનો શોખ ગોંડલ આપે છે. જાણીતા રાઇટર અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા પણ એક સમયે UPSCની તૈયારીમાં હતા તો હાસ્ય-કલાકાર અને શિક્ષણકાર સાંઈરામ દવેનું પણ સપનું હતું કે તેઓ ક્લાસ-વન ઑફિસર બને. રાજકુમાર પણ આ જ સપના સાથે પોતાના દિવસો પસાર કરતો હતો, પણ બીજી માર્ચે ઘરની બહાર નીકળેલો રાજકુમાર ક્યારેય ઘરે પાછો ન આવ્યો કે ન તો ક્યારેય તેના એ સપનાને દિશા મળી.
સ્વાભાવિક રીતે જ સવારે રાજકુમારનો કોઈ પત્તો નહોતો એટલે દોડધામ શરૂ થઈ, તપાસ શરૂ થઈ. ગોંડલ પોલીસે જાણવાજોગ નોંધ લીધી અને ૨૪ કલાક પછી તપાસ શરૂ થઈ, પણ રાજકુમારનો ક્યાંય પત્તો મળ્યો નહીં. 
પત્તો મળ્યો ઘરેથી નીકળ્યાના છેક ૭ દિવસ પછી ૯ માર્ચે. 

રાજકોટ-અમદાવાદ નૅશનલ હાઇવે પર તરઘડિયા નામના ગામ પાસે આવેલા ઓવરબ્રિજ પાસેથી ક્ષત-વિક્ષત, કચડાઈ ગયેલો તેનો મૃતદેહ મળે છે. શરીર પર એક પણ કપડું નથી. ઍક્સિડન્ટને ખાસ્સો સમય થઈ ગયો છે એટલે ચહેરો પણ કોહવાઈ ગયો છે, કૂતરાં-બિલાડાંઓએ આંખો પણ ફાડી ખાધી છે અને લાશની ઓળખ અસંભવ છે. લાશનો કબજો લઈને હાઇવે પોલીસ એક સરળ કેસ ફાઇલ કરે છે. અજાણ્યા વાહનની ટક્કરે થયેલો હિટ ઍન્ડ રન ઍક્સિડન્ટ. પણ ના, આ એટલો સરળ કેસ નહોતો. આ કેસ એટલો અટપટો બનવાનો હતો કે અનેકાનેક લોકોની આંખોમાં તાજુબ અંજાવાનું હતું.
દેખીતી રીતે ઍક્સિડન્ટ લાગતો આ કેસ સમય જતાં સસ્પેન્સ-થ્રિલર બનવાનો હતો જે અનેક રાજકીય આગેવાનોને પણ એમાં ઢસડી લાવવાનું કામ કરવાનો હતો. રાજકુમાર જાટના પપ્પા રતનલાલ જાટની ફરિયાદ પછી ગોંડલના ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ કે. જી. ઝાલા અને સિટી તથા તાલુકા પોલીસની ટીમ સ્થાનિક ઇન્ક્વાયરી પર લાગે છે, પણ કશું મળતું નથી. એક તરફ સિટીમાં રાજકુમારની તપાસ ચાલે છે તો બીજી તરફ કુવાડવા રોડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર બી. એમ. જનકાંત અને તેમની ટીમ રસ્તા પરથી મળેલી નિર્વસ્ત્ર લાશની ઓળખ માટે કામગીરી શરૂ કરે છે. 
આ બન્ને ઘટનાઓ વચ્ચે રતનલાલ જાટ મોટો ધડાકો કરે છે અને કહે છે કે તેમના દીકરા રાજકુમારને ગુમ કરવામાં ગોંડલના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમની ફૅમિલીનો હાથ છે. રાજકુમાર અને જયરાજસિંહના દીકરા જ્યોતિરાદિત્ય જાડેજા વચ્ચે મતભેદ થયા હતા. જ્યોતિરાદિત્યને ઘરમાં અને આખા ગોંડલમાં બધા ગણેશના નામે જ ઓળખે છે. દીકરા સાથે મતભેદ થતાં પપ્પાના રસ્તે ચાલીને બાહુબલી બનતા જતા ગણેશ જાડેજાએ રાજકુમારની હત્યા કરાવી છે.
મિત્રવર્તુળ અને ખાસ તો મીડિયામાં ગણેશ ગોંડલ તરીકે વધારે ઓળખાતા ગણેશ જાડેજા માટે જાટ ફૅમિલીનો દાવો હતો કે બીજી માર્ચની બપોરે રાજકુમાર અને તેના પપ્પા રતનલાલ જાટનો ગણેશ ગોંડલ અને તેના સાથીઓ વચ્ચે તેમની પાંઉભાજીની દુકાન સામે બાઇક પાર્ક કરવા બાબતમાં સામાન્ય બોલાચાલી થઈ અને બોલાચાલી છેક મારામારી સુધી પહોંચી ગઈ. એ સમયે કેટલાક લોકોની સમજાવટથી મામલો શાંત પડ્યો અને ગણેશ જાડેજા રાજકુમારને જોઈ લેવાની ધમકી આપીને ત્યાંથી રવાના થઈ ગયો. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે ગણેશ જાડેજાનું નામ ગોંડલમાં કુખ્યાત છે. મારામારીના અન્ય કિસ્સાઓમાં પણ તેનું નામ અગાઉ ઊછળી ચૂક્યું છે.
રતનલાલ જાટ ‘મિડ-ડે’ને કહે છે, ‘એ જ સાંજે એટલે કે બીજી માર્ચે મોડી રાતે રાજકુમારને ગણેશનો ફોન આવ્યો અને ગણેશે તેને મળવા માટે બોલાવ્યો. રાજકુમાર મળવા માટે ગયો અને એ પછી તે ક્યારેય પાછો આવ્યો નથી.’
આ જે આક્ષેપ છે એ આક્ષેપનો સીધો જવાબ મોબાઇલ રેકૉર્ડ પરથી મળી શકે છે, પણ ઘરે મોબાઇલ મૂકીને નીકળેલા રાજકુમારના મોબાઇલમાં એવો કોઈ શંકાસ્પદ ફોન-નંબર મળ્યો નથી કે ગણેશનો મોબાઇલ-નંબર પણ મળ્યો નથી એટલે પરિવારે એવું અનુમાન આપ્યું કે ગણેશે રાજકુમારના કોઈ મિત્રને ફોન કરીને તેને મળવા બોલાવ્યો હોય. રાજકુમારને ફોન કરનારા મિત્રો સમગ્ર ઘટના પછી કોઈ સાથે વાત કરવા રાજી નથી તો પોલીસ-સ્ટેટમેન્ટમાં પણ તેમણે એવું સ્વીકાર્યુ નથી કે રાજકુમારને તેમણે આવો કોઈ સંદેશો આપ્યો હોય. ફરી આવીએ રતનલાલ જાટની વાત પર. રતનલાલ જાટ કહે છે, ‘રાજકુમાર મળવા માટે ગયો અને એ પછી પાછો આવ્યો નથી.’

મળ્યો દીકરાનો મૃતદેહ



રતનલાલ જાટ પાંચ દિવસ સુધી ગોંડલના રસ્તાઓ અને પોલીસ-સ્ટેશનનાં પગથિયાં ઘસતા રહ્યા અને ૩ માર્ચે મળસકે ગુમ થયેલા દીકરાની ફરિયાદ છેક પાંચમી માર્ચે પોલીસે રજિસ્ટર કરી અને એ પછી ૯ માર્ચે રતનલાલ જાટને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મૉર્ચ્યુઅરીના બરફ જેવા ઠંડા ટેબલ પર રાજકુમારનું ડેડ-બૉડી પડ્યું હતું. રતનલાલ જાટની સ્પષ્ટ વાત હતી કે આ ઍક્સિડન્ટ નથી, આ મારા દીકરાનું મર્ડર છે અને પછી પુરાવા નાશ કરવા તેના પર હેવી વાહન ચલાવીને લાશને હાઇવે પર ફેંકી દેવામાં આવી છે. અલબત્ત, આંખ સામે જે ઘટના હતી એ ઘટનાને સ્થાનિક પોલીસે લક્ઝરી બસ-ઍક્સિડન્ટમાં ગણાવી અને અહીંથી આખી ઘટનાને એક નવો વળાંક મળ્યો.
સ્થાનિક પોલીસ ગોંડલના બાહુબલી જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ તપાસ નહીં કરે એવી ખાતરી થઈ જતાં રતનલાલ જાટ ગુજરાત હાઈ કોર્ટ પહોંચ્યા અને તેમણે CBI તપાસની માગણી કરી. ગુજરાત હાઈ કોર્ટે સમગ્ર કેસનો સ્ટડી કરીને સૌથી પહેલું કામ તો સ્થાનિક પોલીસને ફટકારવાનું કર્યું અને સવાલ કર્યો કે જો ઘરેથી નીકળનારો રાજકુમાર છે, જો ઍક્સિડન્ટમાં માર્યો ગયો એ રાજકુમાર છે તો એ લાશ પર એક પણ કપડું કેમ નથી; કેમ એ લાશ નિર્વસ્ત્ર છે? એ લાશનાં કપડાં કેમ હજી સુધી મળ્યાં નથી. હાઈ કોર્ટનો બીજો અણિયાળો સવાલ એ હતો કે સિવિલ સર્વિસની તૈયારી કરતો યુવાન ઘરેથી નગ્ન અવસ્થામાં ક્યારેય નીકળે નહીં, જો તે પહેરેલાં કપડે નીકળ્યો છે તો ગોંડલથી છેક તરઘડી સુધી એવી હાલતમાં ચાલતો ગયો કેવી રીતે? ઇન્ક્વાયરીનો આદેશ થયો અને ઇન્ક્વાયરી પછી જે સામે આવ્યું એ ખરેખર ધ્રુજાવી દેનારું હતું.


૨૧ કૅમેરાનું સત્ય

હાઈ કોર્ટના ઑર્ડર પછી પોલીસે દાવો કર્યો કે રાજકુમાર ગોંડલના પોતાના ઘરેથી નીકળીને રાજકોટ હાઇવે તરફ આવવા માટે નીકળ્યો. તેની લાશ જ્યાંથી મળી એ જગ્યા રાજકુમારના ઘરથી પ૧ કિલોમીટર દૂર થાય. અહીં પહોંચવામાં રાજકુમારને ૧૧ કલાક ૨૯ મિનિટની લાગી હતી. આ પ‍૧ કિલોમીટરના અંતરમાં વચ્ચે આવતાં પેટ્રોલ-પમ્પ, ધાબાં અને અલગ-અલગ હાઇવે હોટેલોના ૨૧ અલગ-અલગ CCTV કૅમેરાનાં ફુટેજ કલેક્ટ કરવામાં આવ્યાં.
ગોંડલ પોલીસે જે ફુટેજ રજૂ કર્યાં એ ૨૧ જગ્યાએ રાજકુમાર એકલો ચાલતો જોવા મળે છે. પોલીસે વધુમાં એક વિડિયો કોર્ટમાં રજૂ કર્યો જેમાં તે પોતાની પદયાત્રા શરૂ કરતાં પહેલાં શરીર પરનાં છેલ્લાં વસ્ત્રો એટલે કે ઇનર ગાર્મેન્ટ્સ સુધ્ધાં ઉતારી નાખે છે અને ચાલતો આગળ વધી જાય છે. આ સમયે રાજકુમારના મનમાં શું વિચારો ચાલતા હશે એ જ્યારે યક્ષપ્રશ્ન છે ત્યારે જ બીજો પ્રશ્ન એ પણ જન્મે છે કે રાજકુમાર આટલું ચાલી કેવી રીતે શક્યો?
ફિટનેસ-એક્સપર્ટ્‍સની સલાહ પછી પોલીસ હવે એ તારણ પર પહોંચી છે કે સામાન્ય સ્વસ્થ માણસ કલાકમાં ૪ કિલોમીટર ચાલે. જો રાજકુમાર કલાકની ૪.૪ કિલોમીટરની ઝડપે ચાલ્યો હોય તો તે ૧૧ કલાક ૨૯ મિનિટમાં ૫૧ કિલોમીટર અંતર કાપી શકે. ફિટનેસ-એક્સપર્ટ્‍સનું કહેવું છે કે બાયોલૉજિકલ રીતે આ અસંભવ નથી, પણ રાજકુમાર જાટના પપ્પા અને તેમની ફૅમિલી આ વાત માનવા તૈયાર નથી. રતનલાલ જાટ કહે છે, ‘માણસ જ્યારે કપડાં વિનાનો હોય ત્યારે તેને શરમ આવતી હોય. એવા સમયે તેની ઝડપ ઘટી જાય. બીજી વાત, વાહનોથી ભરેલા નૅશનલ હાઇવે પર મધરાતથી ધોળા દિવસ સુધી શરીર પર એક દોરો સુધ્ધાં નહીં અને સાથોસાથ પગમાં ચંપલ વગર સતત ૧૧ કલાક સુધી ૫૧ કિલોમીટર તે એકધારો ચાલી શકે એ વાતમાં માલ નથી.’ 
રતનલાલ જાટે હાઈ કોર્ટમાં પ્રશ્ન મૂક્યો છે કે ‘રાજકુમાર જો આ રીતે ચાલતો હતો તો હાઇવેની સેંકડો હોટેલો, પેટ્રોલ-પમ્પો, હજારો વાહનચાલકોએ તેને રોક્યો કેમ નહીં. અરે, હાઇવે પર પોલીસ કન્ટ્રોલ રૂમ (PCR)ની વૅન સતત અવરજવર કરતી હોય એના ધ્યાનમાં રાજકુમાર કેમ ન આવ્યો કે પછી કેમ એ વૅને પણ રાજકુમારને રોક્યો નહીં?’ 
રતનલાલ જાટ કહે છે, ‘બીજું કંઈ ન થઈ શકે તો સામાન્ય માણસ ઍમ્બ્યુલન્સ, જનરક્ષક ફોર્સ કે સીધી પોલીસને તો જાણ કરી જ શકે છે. કેમ એવી પણ કોઈ જાણ થઈ નહીં?’
રાજકુમાર જાટના સગા બનેવી અર્જુન ચૌધરી કહે છે, ‘અમને ખાતરી છે કે આ આખો પ્લાન થયેલો ઘટનાક્રમ છે. CCTV કૅમેરાનાં ફુટેજમાં રાજકુમારને આ રીતે દેખાડવા માટે ઉતારી મૂકવામાં આવતો અને એ પછી ફરીથી તેને ગાડીમાં બેસાડી દેવામાં આવતો અને આગળ લઈ જતાં રસ્તામાં તેને સતત માર મારવામાં આવતો કે પછી ડ્રગ્સના નશામાં રાખવામાં આવતો.’


ડ્રગ્સની શું વાત છે?

ગોંડલ પોલીસે આપેલા જવાબમાં તેમણે કહ્યું છે કે રાજકુમાર જાટને ગાંજો પીવાની આદત હતી એટલે બની શકે છે કે ગાંજાના ઓવરડોઝમાં તે આ રીતે ઘરેથી નીકળી ગયો હોય અને બધું છોડીને દિગંબર અવસ્થામાં નીકળી પડ્યો હોય. જોકે પરિવારનું કહેવું છે કે આ ખોટો આક્ષેપ છે. રતનલાલ જાટ કહે છે, ‘મારો દીકરો દિવસમાં ૧૬ કલાક ઘરમાં જ રહેતો. એમાંથી ૧૨ કલાક તેના ભણવામાં જતા. અમારી આંખ સામે દીકરો હોય અને અમને ખબર સુધ્ધાં ન પડે કે તે નશો કરે છે એ શક્ય જ નથી.’
રાજકુમાર જાટને ઓળખનારા લોકો પણ આ વાત સાથે સહમત થાય છે અને કહે છે કે મોટા ભાગનો સમય રાજકુમાર ઘરમાં જ રહેતો. રાજકુમાર મોબાઇલ પણ પોતાની સાથે શું કામ નહોતો લઈ ગયો એ પણ એક પ્રશ્ન છે. જોકે બન્ને પક્ષ એ મુદ્દે જુદું-જુદું અનુમાન આપે છે. પોલીસનું કહેવું છે કે રાજકુમારને ઘર છોડવું હતું, જો મોબાઇલ સાથે હોય તો મોબાઇલ દ્વારા તેને ટ્રૅક કરી શકાય જે તે ઇચ્છતો નહોતો એટલે તેણે મોબાઇલ સાથે રાખ્યો નહીં હોય. ફૅમિલી કહે છે કે મોબાઇલ અહીં છે એટલે ચેક થઈ જ શકે છે કે રાજકુમાર ડ્રગ્સ વેચનારાઓ સાથે સંપર્કમાં હતો કે નહીં, ડ્રગ્સની લેતીદેતી કરતો હતો કે નહીં; પણ પોલીસે મોબાઇલ કબજે કર્યા પછી એ ચેકિંગ કર્યું નથી.
હાઈ કોર્ટમાં રજૂ થયેલા આ તમામ મુદ્દાઓ પછી ગુજરાત હાઈ કોર્ટ એ તારણ પર પહોંચી કે તપાસમાં ક્યાંક તો આંધળે બહેરું કુટાય છે અને કાં તો પાર્શિયાલિટી રાખવામાં આવે છે. આ જ કારણે ગુજરાત હાઈ કોર્ટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ બનાવીને કેસની તપાસ ગોંડલ પોલીસ પાસેથી લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે-તે સમયના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ હરેશ દૂધાતને લીડ કરવા માટે અપૉઇન્ટ કરી દીધા અને તપાસ નવી નજરથી શરૂ થઈ. તપાસ-અધિકારી હરેશ દૂધાત કહે છે, ‘તપાસમાં કચાશ છે એ તો કોઈને પણ સમજાય એમ છે. સ્થાનિક પોલીસની સૌથી મોટી ભૂલ એ કે રાજકુમાર ઘરેથી નીકળ્યો ત્યારે તેણે બ્લુ જીન્સ અને સ્કાય બ્લુ શર્ટ પહેર્યાં હતાં, પણ કોર્ટમાં જે વિડિયો રજૂ થયા છે એમાં તે અન્ડરગાર્મેન્ટ્સમાં છે અને સમય જતાં એ પણ ઉતારી નાખે છે. ઘરેથી નીકળીને પોતાનાં કપડાં ઉતાર્યાં ત્યાં સુધીનાં ફુટેજ કેમ મળ્યાં નથી એ પ્રશ્ન છે તો એ પણ પ્રશ્ન છે કે રાજકુમારનું બ્લુ જીન્સ અને શર્ટ ક્યાં ગાયબ થયાં? એ કપડાં દોઢ વર્ષ પછી પણ સ્થાનિક પોલીસ કેમ શોધી નથી શકી?
રાજકુમારના મોબાઇલમાંથી શું મળ્યું એ રિપોર્ટ પણ શંકાસ્પદ છે. મોબાઇલમાંથી રાજકુમારના અમુક વિઅર્ડ એટલે કે એકલો ઍક્ટિંગ કરતો હોય એવા વિડિયો મળ્યા છે. ગોંડલ પોલીસે એવો દાવો કર્યો છે કે એ બધું તે નશામાં કરે છે, પણ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ વાત સ્વીકારવા તૈયાર નથી. રતનલાલ જાટના ઍડ્વોકેટ અસીમ પંડ્યાએ ગુજરાત હાઈ કોર્ટમાં કેટલાક એવા ફોટોગ્રાફ્સ મૂક્યા છે જેમાં દેખાય છે કે રાજકુમાર જે રસ્તેથી પસાર થાય છે એ રૂટ પર એક કાર જોવા મળી, જેમાંથી કોઈ રાજકુમારને ઇશારો કરીને બોલાવે છે. રતનલાલ જાટનો આક્ષેપ છે કે એ ગાડીમાં ગણેશ જાડેજા અને તેના બીજા સાથીઓ હતા જે તેને ઇશારાથી ધમકી આપતા હતા.

વાત નાર્કો ટેસ્ટની

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે હાઈ કોર્ટની પરમિશન સાથે આ કેસના મુખ્ય શંકાસ્પદ એવા ગણેશ જાડેજાની ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં નાર્કો ઍનૅલિસિસ ટેસ્ટ કરાવી અને એમાં કુલ ૩૧ સવાલો પૂછવામાં આવ્યા, પણ એ પછી જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટે સૌકોઈને શૉક્ડ કરી દીધા. ટીમનું કહેવું છે કે નાર્કો ઍનૅલિસિસ રિપોર્ટ પ્રોસિક્યુશનની તરફેણમાં નથી આવ્યો. મતલબ કે કાગળ પર ગણેશ જાડેજા સામે કોઈ સીધો ગુનાહિત પુરાવો સાબિત થઈ શક્યો નહીં. રાજકીય વગ અને કાયદાકીય ટેક્નિકલિટીની વચ્ચે સત્ય ફરી એક વાર અસ્પષ્ટ થયું અને કેસ ફરીથી એની એ જ જગ્યા પર આવીને ઊભો રહી ગયો અને અનેક પ્રશ્નોને અધ્ધર છોડી દીધા.
ક્લાસ-વન ઑફિસર બનવા માગતો રાજકુમાર શું ખરેખર ડ્રગ્સની લતમાં હતો. ડ્રગ્સના નશામાં તે ૫૧ કિલોમીટર સુધી નગ્ન હાલતમાં દોડ્યો? કે પછી અત્યંત ક્રૂર, આયોજનબદ્ધ અને વગદાર લોકો દ્વારા રચાયેલું એવું ષડ્યંત્ર હતું જેમાં રાજકુમારને પરાણે ડ્રગ્સનો નશો કરાવીને તેને માનસિક અને શારીરિક રીતે તોડી નાખવામાં આવ્યો અને પછી તેને મોતની ખાઈમાં ધકેલી દઈને આખી વાતને ઍક્સિડન્ટનું રૂપ આપી દેવામાં આવ્યું?
ગુજરાત હાઈ કોર્ટમાં અત્યારે ૨૧ CCTV કૅમેરાનાં ફુટેજ, એક્સપર્ટના ઓપિનિયન અને પાયા વિનાના આક્ષેપો છે. આ બધા પરથી હવે ધૂળ તો જ ઊતરશે જો કેસમાં CBI આવીને નિષ્પક્ષ તપાસ કરશે. બાકી જિંદગીભર એક સવાલ ઊભો રહેશે : એ રાત્રે રાજકુમાર જાટ સાથે ખરેખર બન્યું શું હતું?

કોણ છે જયરાજસિંહ જાડેજા?

BJP સાથે જોડાયેલા જયરાજસિંહ જાડેજા ઑલરેડી બે વખત ગોંડલ વિધાનસભાની બેઠક જીતી ચૂક્યા છે. તેમના પર પણ મર્ડરના આરોપ લાગ્યા અને એ પછી જયરાજસિંહનાં વાઇફ ગીતાબા જાડેજાને BJPએ વિધાનસભ્ય બનાવ્યાં. જયરાજસિંહનો દીકરો જ્યોતિરાદિત્યસિંહ એટલે કે ગણેશ ગોંડલ હવે તેમનો ઉત્તરાધિકારી ગણાય છે. ગણેશ પર પણ મર્ડર અને ઍટ્રોસિટી જેવા આરોપ લાગી ચૂક્યા છે.

સંસદમાં પણ ચમક્યો જાટ

૨૦૨૫ની ૨૭ માર્ચે રાજસ્થાનના નાગૌરના સંસદસભ્ય હનુમાન બેનીવાલે લોકસભામાં રાજસ્થાનના ભીલવાડાના મૂળ વતની અને ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના મોતનો મુદ્દો ઉઠાવ્યો અને BJP સમક્ષ આરોપ કર્યો કે રાજકુમારની હત્યા કરવામાં આવી છે અને ગુજરાત પોલીસ કોઈ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી. બેનીવાલે ગોંડલના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમની ફૅમિલી સામે CBI તપાસની માગણી કરી અને એ પછી રતનલાલ જાટે એ વાતને પકડીને હાઈ કોર્ટમાં અરજી કરી. હનુમાન બેનીવાલ રતનલાલ જાટના પરિચયમાં છે.
નેવુંના દશકમાં રતનલાલ જાટ રાજસ્થાનના ભીલવાડાથી અંદાજે ૬૦૦ કિલોમીટર દૂર ગોંડલ આવ્યા અને પછી ગોંડલમાં જ તેમણે પાંઉભાજીની લારી શરૂ કરી જે હવે દુકાન છે. રતનલાલ જાટે રાજકુમારને UPSCની તૈયારી માટે દિલ્હીની જાણીતી સંસ્થા વાજીરામ ઍન્ડ રવિમાં ઍડ્‍મિશન અપાવ્યું અને રાજકુમાર દિલ્હીમાં રહેવા માંડ્યો. લગભગ સવા વર્ષ દિલ્હી રહ્યા પછી રાજકુમાર ગોંડલ પાછો આવ્યો અને ઘરની બિલકુલ બાજુમાં આવેલી રૂમ ભાડે રાખી ત્યાં રહીને જ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.

બીજી માર્ચની એ આખી ઘટના શું હતી?

બીજી માર્ચે સાંજે રાજકુમાર અને પપ્પા રતનલાલ બાઇક પર ઘરે પાછા જતા હતા ત્યારે રાજકુમારના બિહેવિયર પરથી રતનલાલ સમજી ગયા હતા કે રાજકુમાર હજી પણ ગુસ્સામાં છે. રાજકુમારે બાઇક ગોંડલનાં વિધાનસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના બંગલા એટલે કે ગણેશ જાડેજાના ઘર ગીતાવિલા પાસે રોકી. રતનલાલના કહેવા મુજબ બંગલાની બહાર ઊભેલા લોકો રાજકુમારને તરત અંદર લઈ ગયા. ગણેશ બહાર આવ્યો અને તેણે ગંદી ગાળ આપતાં જ ગણેશના માણસો રાજકુમારને મારવા માંડ્યા. રતનલાલ વચ્ચે પડ્યા, દયાની ભીખ માગી ત્યારે ગણેશે તેમને પણ બે થપ્પડ મારી અને પછી ગણેશે એ લોકોને જવાનું કહી દીધું. રાજકુમાર અંદરથી ગિન્નાયેલો હતો જે જોઈને ગણેશે તેને રાતે રૂબરૂ મળીએ એવું કહ્યું અને પછી રતનલાલ અને રાજકુમાર ત્યાંથી નીકળી ગયા અને એ રાતે રાજકુમાર મધરાતે ઘરેથી નીકળી ગયો.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 01:16 PM IST | Gondal | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK