Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો તમે લોન લીધી હોય કે લેવાના હો તો ૨૮-૩૬નો રૂલ સમજી લેજો

જો તમે લોન લીધી હોય કે લેવાના હો તો ૨૮-૩૬નો રૂલ સમજી લેજો

Published : 26 August, 2026 06:17 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ગમેએટલી કમાણી થતી હોય, ચોક્કસ લાઇફસ્ટાઇલ મેળવવા માટે મોટા ભાગના લોકો લોન લેતા હોય છે. કમ્ફર્ટ, ગ્રોથ અને જીવનશૈલી ત્રણેયને સંતુલિત કરી શકાય એ માટે નાણાકીય સલાહકારોએ આપેલી આ ફૉર્મ્યુલા આજે જાણી લઈએ

જો તમે લોન લીધી હોય કે લેવાના  હો તો ૨૮-૩૬નો રૂલ સમજી લેજો

જો તમે લોન લીધી હોય કે લેવાના હો તો ૨૮-૩૬નો રૂલ સમજી લેજો


મુંબઈમાં રહીને બે પાંદડે થનારી દરેક વ્યક્તિએ જીવનના કોઈક તબક્કે બૅન્ક પાસેથી લોન ન લીધી હોય એવું લગભગ અસંભવ છે. કોઈ મિડલ ક્લાસ ફૅમિલી માટે જિંદગીની તમામ બચત એકસાથે મૂકીને પણ રોકડેથી ઘર ખરીદવું લગભગ અશક્ય બાબત છે. આવા સમયે હોમલોન લેવી એ પસંદગી નહીં, જરૂરિયાત બની જાય છે. પરિવાર સાથે ફરવું હોય તો એકાદ વાહન તો હોવું જ જોઈએ. એ કાર હોય કે બાઇક, જેવી જેની સ્થિતિ. જો સંતાનો મોટાં થઈ ગયાં હોય તો તેમને ભણાવવા માટે પણ લોન લેવી પડે એવું બને. બૅન્કો દ્વારા મળતી લોનનો ઉપયોગ જો વગર વિચાર્યે કે ગણતરી વગર કરવામાં આવે તો એ જેટલી મદદરૂપ છે એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. લોન લેવી ખોટી નથી, પણ પોતાની ક્ષમતા ઓળખ્યા વગર લોન લેવી ફાઇનૅન્શિયલ સ્ટ્રેસ વધારે છે. લોન લીધા પછી પણ તમારું બજેટ ન ખોરવાય એ માટે નાણાકીય ગણિત સમજવું જરૂરી છે. મુલુંડના અનુભવી પર્સનલ ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર અને પ્લાનર વિરલ ભટ્ટ પાસેથી આ ગણિતને સરળ ભાષામાં સમજીએ.

આ ગોલ્ડન રૂલ સમજી લો



તમે જ્યારે બૅન્કમાં હોમલોન માટે અપ્લાય કરો છો ત્યારે બૅન્ક તમારી આવકના આધારે કેટલી લોન મળી શકે એમ છે એ જણાવે છે, પણ બૅન્ક કેટલી લોન આપી શકે છે અને તમે ખરેખર કેટલી લોનનો હપ્તો ચૂકવી શકો છો આ બન્ને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. એને સમજવા માટે ફાઇનૅન્શિયલ પ્લાનિંગનો ૨૮-૩૬નો ગોલ્ડન રૂલ કામ આવે છે. આ નિયમ મુજબ તમામ ટૅક્સ બાદ કર્યા પછીની તમારી દર મહિનાની નેટ આવકના ૨૮ ટકા જેટલી રકમ હોમલોનના ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)માં જવી જોઈએ. ઘર ખરીદતી વખતે આ ૨૮ ટકાની સીમાને લક્ષ્મણરેખા માનવી જોઈએ, કારણ કે આનાથી વધુ EMI ચૂકવવાથી તમારી દૈનિક જરૂરિયાતો પર કાપ મૂકવો પડી શકે છે.
આ નિયમનો બીજો ભાગ ૩૬ ટકાની સીમા દર્શાવે છે. તમારી હોમલોનનો EMI, કારલોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડના હપ્તા કે અન્ય કોઈ પણ પ્રકારનું કર્જ આ તમામનો સરવાળો મળીને તમારી નેટ માસિક આવકના ૩૬ ટકાથી વધુ ક્યારેય ન થવો જોઈએ. આ ૩૬ ટકાની સીમા એ સુનિશ્ચિત કરે છે કે લોન ચૂકવ્યા પછી પણ તમારી પાસે તમારી આવકનો ૬૪ ટકા હિસ્સો બચે છે. આ બચેલી રકમમાંથી તમે ઘરખર્ચ કરી શકો છો અને ઇમર્જન્સી ફન્ડ બનાવી શકો છો.
ધારો કે મુંબઈમાં રહેતા એક પરિવારની ટોટલ ઇન્કમ ૧,૦૦,૦૦૦ રૂપિયા છે. જો તેઓ ૨૮-૩૬ના નિયમ પ્રમાણે પ્લાનિંગ કરે તો તેમનો હોમલોનનો EMI ૨૮,૦૦૦ રૂપિયા આવશે અને જો તેમની પાસે અન્ય કોઈ કારલોન કે ક્રેડિટ કાર્ડનો EMI ચાલતી હોય તો એ હપ્તાઓ અને હોમલોનના હપ્તા મળીને કુલ EMI ૩૬,૦૦૦ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ. જો તેમનો હોમલોનનો EMI જ શરૂઆતમાં ૩૬,૦૦૦ રૂપિયાથી વધી જશે તો ભવિષ્યમાં ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લેવાની નોબત આવશે ત્યારે પરિવાર દેવાંના વિષચક્રમાં ફસાઈ જશે.


ક્રેડિટ સ્કોરનું ગણિત તપાસો

ઘણા લોકો હોમલોન લેતી વખતે માત્ર બૅન્કનો વ્યાજદર અને દર મહિનાનો EMI જોઈને જ પેપર પર સહી કરી દેતા હોય છે, પણ મુંબઈમાં ઘર લેતી વખતે EMI જ એકમાત્ર ખર્ચ નથી હોતો. ઘણા એવા ખર્ચા હોય છે જે તમારા બજેટને અચાનક ખોરવી નાખે છે. ઘર ખરીદતી વખતે સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશનનો ખર્ચ આવે છે. આ સિવાય એક વાર તમે ફ્લૅટમાં શિફ્ટ થઈ જાઓ પછી દર મહિને આવતું સોસાયટી મેઇન્ટેનન્સ પણ ધ્યાનમાં રાખવું પડે છે. આ રકમ કોઈ લોનનો હપ્તો નથી પણ એ તમારા માસિક ફિક્સ ખર્ચમાં ઉમેરાય છે એટલે બજેટ બનાવતી વખતે આ મેઇન્ટેનન્સને ગણતરીમાં લેવું જરૂરી છે.
આપણને ઘણી વાર એવું લાગે છે કે ૦.૫ ટકા કે ૦.૨૫ ટકા વ્યાજદરમાં શો ફરક પડે? જોકે જ્યારે લોન ૨૦ કે ૩૦ વર્ષ જેવી લાંબી મુદત માટેની હોય ત્યારે વ્યાજદરનો આ નાનો તફાવત લાખો રૂપિયાનો ફેરફાર લાવી શકે છે. જો તમારો CIBIL સ્કોર ૭૫૦ કે એથી વધુ સારો હશે તો બૅન્કો તમને સૌથી ઓછા વ્યાજદરે લોન ઑફર કરે છે. ઉદાહરણ તરીકે ૫૦ લાખ રૂપિયાની ૨૦ વર્ષની લોન પર જો તમને ૦.૫ ટકા ઓછું વ્યાજ મળે તો તમે લોનની આખી મુદત દરમ્યાન પાંચથી ૭ લાખ રૂપિયા વ્યાજપેટે બચાવી શકો છો. આટલી મોટી બચત તમારા ભવિષ્યના અન્ય ગોલ્સ પૂરા કરવા માટે ઉપયોગી નીવડી શકે છે એટલે લોન લેતાં પહેલાં પોતાના ક્રેડિટ સ્કોરને મજબૂત બનાવવો એ બહુ સ્માર્ટ પગલું છે.


લાંબી લોનથી મુક્ત થવા સ્માર્ટ સ્ટ્રૅટેજી

જ્યારે પણ કોઈ વ્યક્તિ પચીસ કે ૩૦ વર્ષની મુદત માટે હોમલોન લે છે ત્યારે તેને શરૂઆતમાં અહેસાસ નથી હોતો કે તે બૅન્કને મુદ્દલ રકમ કરતાં વધુ રકમ તો માત્ર વ્યાજપેટે ચૂકવવાની છે. લોનની શરૂઆતનાં સાતથી ૧૦ વર્ષ દરમ્યાન તમે દર મહિને જે EMI ભરો છો એનો ૭૦થી ૮૦ ટકા હિસ્સો માત્ર વ્યાજ જમા કરવામાં જાય છે અને તમારી મૂળ લોનની રકમ ખૂબ જ ધીમી ગતિએ ઘટે છે. ૩૦ વર્ષની લોનમાં તમે મૂળ રકમ કરતાં લગભગ બમણી કે અઢીગણી રકમ વ્યાજ સાથે બૅન્કને પાછી આપો છો, પણ જો તમે થોડી ફાઇનૅન્શિયલ ડિસિપ્લિન અને સ્માર્ટ સ્ટ્રૅટેજી અપનાવો તો આ લાંબી લોનમાંથી વર્ષો પહેલાં મુક્ત થઈ શકો છો.
આમાંથી બચવા માટે પાર્ટ પેમેન્ટ અથવા દર વર્ષે એક વધારાનો EMI ભરવાની આદત કેળવવી જરૂરી છે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ થાય અથવા પર્ફોર્મન્સ બોનસ કે દિવાળી બોનસ આવે ત્યારે એમાંથી એક ચોક્કસ રકમ લોનના પ્રી-પેમેન્ટમાં વાપરી દેવી જોઈએ. જો તમે દર વર્ષે રેગ્યુલર ૧૨ EMI ઉપરાંત એક વધારાનો EMI મૂળ રકમ ઘટાડવા માટે ભરી દો છો તો તમારી ૩૦ વર્ષની હોમલોન ઘટીને સરળતાથી વીસથી ૨૧ વર્ષમાં જ પૂરી થઈ શકે છે. તમારી લોનની મુદતમાંથી આખા આઠથી ૯ વર્ષ ઘટે છે અને લાખો રૂપિયાનું વ્યાજ બચે છે.

વીમા કવર

લાંબી મુદતની લોન શરૂ થતાં તરત જ લોનની બાકી રકમ જેટલો જ એક ટર્મ હેલ્થ ઇન્શ્યૉરન્સ એટલે કે લોન પ્રોટેક્શન ઇન્શ્યૉરન્સ કવર લેવું ખૂબ જ જરૂરી છે. જીવનનો કોઈ ભરોસો નથી. જો લોનની મુદત દરમ્યાન કમાનાર વ્યક્તિ સાથે કોઈ અણબનાવ કે અકસ્માત થાય તો બૅન્ક પોતાના પૈસા વસૂલ કરવા માટે ઘર હરાજીમાં મૂકી શકે છે, પણ જો લોનની રકમ જેટલો ટર્મ ઇન્શ્યૉરન્સ લીધેલો હશે તો વીમાકંપની બૅન્કને લોનની તમામ રકમ ચૂકવી દેશે અને તમારા પરિવારના માથા પરથી ઘરની છત છીનવાઈ જવાનું જોખમ કાયમ માટે ટળી જશે. આ એક નાનું રોકાણ તમારા પરિવારને આર્થિક અને માનસિક રીતે સુરક્ષિત બનાવે છે.

પ્રૅક્ટિકલ રસ્તો કયો?

મોંઘી રિયલ એસ્ટેટ માર્કેટમાં રહેતા સામાન્ય મધ્યમ વર્ગ માટે શરૂઆતમાં જ ૨૮ ટકાની લિમિટમાં EMI સેટ કરવો ચૅલેન્જિંગ છે. ઘણી વાર પ્રૉપર્ટીના ભાવ એટલા ઊંચા હોય છે કે મનપસંદ ઘર લેવા જતાં EMI આવકના ૩૦ કે ૩૫ ટકા સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે શું ૨૮ ટકાના નિયમ પાછળ પડી રહેવું કે પછી કોઈ બીજો વ્યવહારુ રસ્તો શોધવો? અહીં વધુ ડાઉન પેમેન્ટ આપવાની સ્ટ્રૅટેજી કામમાં આવે છે. જો જૂની કોઈ બચત કે વધારાનું સેવિંગ્સ પડ્યું હોય તો બૅન્ક જે સામાન્ય રીતે ૨૦ ટકાનું ડાઉન પેમેન્ટ માગે છે એને બદલે ૩૦ કે ૩૫ ટકા ડાઉન પેમેન્ટ આપવું જોઈએ. જ્યારે તમે ડાઉન પેમેન્ટની રકમ વધારી દો છો ત્યારે તમારે બૅન્ક પાસેથી લેવાની થતી લોનની મૂળ રકમ આપમેળે ઘટી જાય છે અને માસિક EMI પણ આપોઆપ ઘટીને ૨૮ ટકાની સેફ્ટી લિમિટમાં આવી જાય છે.

ઇમર્જન્સી ફન્ડ અલગ રાખો

ડાઉન પેમેન્ટ વધારે આપવાના ચક્કરમાં પોતાનાં તમામ સેવિંગ્સ અને ઇમર્જન્સી ફન્ડ ખાલી કરી નાખવું એ મૂર્ખામી છે. તમારી પાસે રહેલી કુલ બચતમાંથી ઇમર્જન્સી ફન્ડ અને નજીકના ભવિષ્યની જરૂરિયાતો માટેના પૈસા અલગ રાખીને જ વધારાની રકમ ડાઉન પેમેન્ટમાં વાપરવી જોઇએ. જો લોન લીધા પછી તરત જ કોઈ ઇમર્જન્સી આવે તો હાથમાં રોકડા પૈસા ન હોવાને કારણે લોનનો હપ્તો ચૂકી જવાનું જોખમ રહે છે. તેથી લોનનાં કાગળિયાં સાઇન કરતાં પહેલાં તમારી પાસે અલગથી ચોક્કસ રકમ સેવિંગ્સ તરીકે પડેલી હોવી જ જોઈએ. ઇમર્જન્સી ફન્ડ કેટલું રાખવું જોઈએ એની પણ ફૉર્મ્યુલા છે. એ વિશે ફરી ક્યારેક જાણીશું.

બજેટ મૅનેજમેન્ટ શીખો

હાલમાં જ નવું ઘર લીધું હોય અને EMI આવકના ૩૫થી ૪૦ ટકા સુધી પહોંચી ગયો હોય તો ડેઇલી રૂટીન ખર્ચમાં તાત્કાલિક અમુક ફેરફારો કરવા પડશે. EMI જ્યારે વધી જાય ત્યારે ઇચ્છાઓ પર થોડા સમય માટે કાપ મૂકવો પડે છે. બિનજરૂરી લાઇફસ્ટાઇલ ખર્ચ ઓળખો. જેમ કે વીક-એન્ડ પર હોટેલોમાં જમવા જવું, ઑનલાઇન સતત ફૂડ ઑર્ડર કરવું, મોંઘાં બ્રૅન્ડેડ કપડાંનું શૉપિંગ કરવું કે વર્ષમાં બે-ત્રણ વાર ટ્રિપ પર જવું. આ ગોલ્સને ઓછામાં ઓછાં બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દો. આ સિવાય EMIને મૅનેજ કરવા ઘરમાં સેકન્ડરી ઇન્કમ ઊભી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સાઇડ બિઝનેસ, પાર્ટ-ટાઇમ ફ્રીલાન્સિંગ કે સ્કિલ-બેઝ્ડ કામ કરીને મહિને વધારાની આવક ઊભી કરવી શક્ય છે. જો પરિવારમાં પતિ-પત્ની બન્નેમાંથી કોઈ એક જ કમાતું હોય તો બીજો પાર્ટનર પણ નાનું-મોટું કામ શરૂ કરીને ઘરમાં મદદરૂપ થઈ શકે છે.

ફાઇનૅન્સ મૅનેજમેન્ટની સ્માર્ટ ટિપ્સ

 તમારો પગાર બૅન્ક-અકાઉન્ટમાં જમા થાય એના ૨૪થી ૪૮ કલાકની અંદર જ હોમલોનનો EMI અને રોકાણ માટેના SIPનો હપ્તો ઑટો-ડેબિટ થઈ જાય એવું સેટઅપ ગોઠવી દો. બૅન્ક-અકાઉન્ટમાં જે રકમ બચે એ રકમમાં જ આખો મહિનો ચલાવો. પૈસા બચ્યા પછી રોકાણ કરવાને બદલે રોકાણ અને EMI કપાયા પછી બચેલા પૈસા વાપરો.
 માથા પર જ્યારે હોમલોન જેવી મોટી લોન ચાલતી હોય ત્યારે મોંઘાં ગૅજેટ્સ ક્રેડિટ કાર્ડ પર ખરીદવાનું ટાળો.
 પગારમાં જ્યારે વધારો થાય ત્યારે વધેલા પગારનો ૫૦ ટકા જેટલો હિસ્સો હોમલોનના પ્રી-પેમેન્ટમાં વાપરી લો. બાકીના ૫૦ ટકાથી તમે તમારું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ સુધારો.
 પોતાના ઇમર્જન્સી ફન્ડના પૈસાને ક્યારેય હોમલોનના ડાઉન પેમેન્ટમાં, ઘરના રિનોવેશનમાં કે ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ન વાપરો.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 06:17 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK