Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પાંચથી ૧૫ વર્ષનાં નાનાં બાળકો ભરપૂર ગાળો બોલી રહ્યાં છે એમાં વાંક કોનો?

પાંચથી ૧૫ વર્ષનાં નાનાં બાળકો ભરપૂર ગાળો બોલી રહ્યાં છે એમાં વાંક કોનો?

Published : 17 August, 2026 09:25 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ગાળો બોલવી આ જનરેશન માટે ‘કૂલ’ માનવામાં આવે છે. તેમના ફેવરિટ હીરો, મિત્રો, રોડ પર ચાલતા લોકો અને કેટલાક કેસમાં માતા-પિતા પણ ગાળો બોલતાં થઈ ગયાં છે ત્યારે આ માહોલને કારણે તેઓ ગાળોના વિષચક્રમાં ડૂબી જાય એ પહેલાં તેમને બચાવી લઈએ

જિગીષા જૈન

જિગીષા જૈન


દેશને આઝાદ થયે ૭૯ વર્ષ પૂરાં થયાં. આ દેશ આઝાદ છે અને એના નાગરિકો સંપૂર્ણ રીતે આઝાદી ભોગવી શકે એટલે બંધારણે આપણને કેટલાક હકો આપ્યા છે જેમાં એક છે ફ્રીડમ ઑફ સ્પીચ, બોલવાની છૂટ. આ છૂટ આપ્યાનાં ૭૯ વર્ષમાં આપણે એટલા બધા ફ્રી થઈ ગયા કે ૧૫ વર્ષની એક છોકરી દેશના વડા પ્રધાનને તો ખરી, તેમની સ્વર્ગીય માને પણ ગાળો આપી શકે છે. અહીં સમસ્યા એક રુચિકા સિંહની નથી. સ્કૂલોમાં જઈને જોઈશું તો સમજાશે કે આનાથી પણ નાની ઉંમરનાં ૮૦ ટકા બાળકો ભરપૂર ગાળો બોલતાં થઈ ગયાં છે. એટલું જ નહીં, ગાળો તેમના સાધારણ બોલચાલનો ભાગ બની ગઈ છે. 
એક જનરેશન હતી જે ભગવાનના નામે જ સંબોધન કરતી. જેમ કે જય શ્રીકૃષ્ણ કે જય જિનેન્દ્ર. એના પછીની જનરેશને હાય-હેલો અપનાવ્યું હતું અને આજની જનરેશન સંબોધન પણ ગાળથી જ શરૂ કરે છે. લોકો આ જનરેશનને ખોટી કહી રહ્યા છે; પણ જો પાંચ વર્ષથી લઈને ૧૫ વર્ષનાં બાળકો ગાળો બોલતાં હોય તો બાળકોનો નહીં, તેમનાં માતા-પિતાનો જ વાંક કાઢવો પડે. પેરન્ટિંગ બાબતે પાછલી જેટલી પણ પેઢીઓ હતી એમાં આજની પેઢીનાં માતા-પિતા સૌથી વધુ જાગ્રત હોવાનો દાવો કરે છે. આજના પેરન્ટ્સ લગ્ન કર્યાં એટલે બાળકો તો કરવાનાં જ હોયને એમ વિચારીને માતા-પિતા બની નથી ગયા. તેઓ પ્લાનિંગ સાથે, પેરન્ટિંગ કેમ કરવું જોઈએ એ શીખીને, પેરન્ટિંગનો કોર્સ કરીને, એના પર અઢળક પુસ્તકો વાંચીને પેરન્ટ્સ બન્યા છે (જેમાં હું પણ આવી જ ગઈ). બાળકની ડાયટ, તેની ફિઝિકલ ઍક્ટિવિટી, માનસિક સ્વાથ્ય, ભણતર, ઇત્તર પ્રવૃત્તિઓ બધા પર આપણે ધ્યાન આપીએ છીએ; પણ તેની વાણી પર ધ્યાન કેવી રીતે ચુકાઈ ગયું? સભ્ય સમાજનું અત્યંત મહત્ત્વનું અંગ છે તેની વાણી એ આપણે કેવી રીતે ભૂલી ગયા? 
હા, માન્યું કે ગાળો તો પહેલાં પણ લોકો બોલતા અને આજે પણ બોલે છે, પરંતુ એમાં બાળક અને વયસ્કનો ભેદ હતો જે હવે રહ્યો નથી. પહેલાંના સમયમાં નીચલા વર્ગના અભણ લોકો ગાળો બોલતા. ભણેલા-ગણેલા, ઉચ્ચ વર્ગના સંસ્કારી લોકો ગાળો બોલતા નથી એમ કહીને બાળકોને સમજાવવામાં આવતું કે તું સારા ઘરનો બાળક છે, તારાથી અપશબ્દો ન બોલાય. એટલું જ નહીં, એક સમયે વ્યક્તિ પોતાનો આપો ગુમાવી બેસે ત્યારે ગાળાગાળી કરતી. આજે આ એક પણ નિયમ ગાળો પર બંધબેસતો નથી. ગાળોનાં સમીકરણો બદલાઈ ગયાં છે. 
બાળકો ગાળો એટલે બોલે છે, કારણ કે એ બોલવી ‘કૂલ’ માનવામાં આવે છે. મને આ બાબત સૌથી ગંભીર લાગે છે. સિગારેટ પણ એક સમયે લોકોને ખૂબ ‘કૂલ’ લાગતી, પણ આજે સરકાર એના પૅકેટ પર ફોટો સાથેની ચેતવણી આપે છે કે એનાથી કૅન્સર થાય છે. એનાથી એ પીતી વખતે તેમને એ અહેસાસ તો છે કે હું સિગારેટ પીને ખોટું કરી રહ્યો છું. બાળકોને તો ખબર જ નથી કે ગાળો બોલવી યોગ્ય નથી. તેમને લાગે છે કે બધા બોલે છે એટલે બોલાય. કદાચ તેમના લિબરલ પેરન્ટ્સ દ્વારા તેમને શુદ્ધ ગુજરાતીમાં ઘસીને ‘ના’ પાડવામાં નથી આવી કે આ ન બોલી શકાય અથવા તો તેમણે જે ‘ના’ પાડી છે એ ‘ના’ની અસર ફિક્કી રહી ગઈ છે. આ આજના ‘લિબરલ પેરન્ટિંગ’નું ફેલ્યર છે જે સ્વીકારવું રહ્યું. 
ઘણા લોકો આ વાત પર એવું મંતવ્ય આપશે કે ગાળો તો બધા ખાલી જ બોલતા હોય, એનો અર્થ સમજીને બોલતા નથી. એક વાર બોલવા લાગો તો આદત પડી જાય. આમ કશું બોલીએ એનો અર્થ એ જ થાય એવું નથી હોતું. એના જવાબમાં એક વાત યાદ આવી. હું નાની હતી અને કહેતી કે મમ્મી, મને લાગે છે કે એક્ઝામ વખતે જ હું માંદી પડીશ. ત્યારે મને મારી મમ્મીએ શીખવેલું કે ક્યારેય ખોટી વાત ન ઉચ્ચારીએ, કારણ કે તમારી જીભ પર ક્યારે સરસ્વતી આવીને બેસી જાય અને એ વાત સત્ય થઈ જાય એ ખબર ન પડે એટલે જે પણ બોલો એ ૧૦૦ વખત વિચાર કરીને બોલો. મમ્મીની આ શીખ નાનપણથી મનમાં એટલી બધી રેડાઈ હતી કે નાનપણથી વિચારીને બોલવું એ આદત નહીં એક સંસ્કાર બની ગયા. આ સંસ્કાર એ સમયનાં લગભગ બધાં જ માતા-પિતા તેમના બાળકને આપતાં જ. એટલે જ એ સમયે ૪૦ જણના ક્લાસમાં એક-બે બાળકો ગાળો બોલતાં. આજે ઊંધું છે. ક્લાસમાં ફક્ત એક કે બે જણ જ ગાળો બોલતા નથી. 
જો આપણે ખુદ એક માતા-પિતા તરીકે ગાળો બોલતા હોઈએ તો અત્યારની પેઢીને આપણે એ નહીં સમજાવી શકીએ કે મોટા બોલે પણ તારે નહીં બોલવાની. એટલે અહીં પહેલાં સુધરવું તમારે પડશે. બાકી જો આપણે ખુદ બોલતા નથી અને બાળક સ્કૂલે જઈને તેના મિત્રો પાસેથી ગાળો બોલતાં શીખ્યું છે તો એમાં તેના મિત્રોને કે સ્કૂલને દોષ દઈ શકાય, પણ એવું કરીને આપણે છટકી ન શકીએ. મિત્રો તો કાલે ઊઠીને ડ્રગ્સ લેશે તો બાળકને તમે એ લેવા દેશો? સ્કૂલમાં એક ટીચર ૪૦ બાળકો પર ધ્યાન કેટલું આપી શકે એ તો આપણને પણ સમજાય જ છે, કારણ કે આપણે તો આપણાં એક કે બે બાળકો પર પણ નથી આપી રહ્યા. 
સમાજ, મીડિયા, ઇન્ટરનેટ, મિત્રો બધું જ બાળક પર પ્રભાવ નાખી રહ્યું છે અને માતા-પિતા તરીકે આમાંથી કશું જ તમારા કન્ટ્રોલમાં નથી એ સત્ય સમજી લીધા પછી હથિયાર મૂકી દેવાં એ કોઈ ઑપ્શન નથી. બાળકના ઘડતર માટે કડકાઈથી, કારણો આપીને, નિયમો બેસાડીને કે છેલ્લે સમજાવટથી પણ તમારે બાળકને ગાળો બોલતાં અટકાવવું પડશે. આ વિષય પર પ્રૅક્ટિકલી બાળકો સાથે કામ કરતા સાઇકિયાટ્રિસ્ટ હરીશ શેટ્ટી જોડે જ્યારે મેં ચર્ચા કરેલી ત્યારે તેઓ આ બાબતે સ્પષ્ટ હતા કે બોલીનો વર્તન સાથે સીધો સંબંધ છે. જેમ કે કોઈ બાળકને કહો કે તું મૂર્ખ છે, તને કંઈ નથી આવડતું. સતત એ કહેતા રહો તો તે મૂર્ખ બની જાય છે. મા અને બહેનના નામની ગાળો જે બાળક વાત-વાતમાં આપે છે તે મોટું થઈને સ્ત્રીઓનું માન ક્યારેય જાળવી નહીં શકે કારણ કે આ ગાળો તેના સબ-કૉન્શ્યસ મનમાં ઘૂસીને કામ કરશે. ગાળો બોલવાને કારણે બાળકોમાં સ્ત્રીઓ પ્રત્યેનો ગ્રેટિટ્યુડ અને જીવન પ્રત્યેનો ઍટિટ્યુડ બન્ને બગડે છે. ગાળોના સમુદ્રમાં બાળકો ગોથાં ખાઈ રહ્યાં છે. તેઓ ડૂબી જાય એ પહેલાં આ માહોલમાં રહીને પણ તેમને જળવત્ કમલ બનતાં શીખવી શકાય જે શીખવવાની જવાબદારી પેરન્ટ્સ તરીકે આપણી જ છે એ સ્વીકારવું રહ્યું.

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમ્યાન રુચિકા સિંહ જેવા અનેક ટીનેજર્સ એલફેલ બોલતા જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 09:25 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK