Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પૈસો હોય, સમય હોય પણ જો મન ન હોય તો કંઈ ન થાય

પૈસો હોય, સમય હોય પણ જો મન ન હોય તો કંઈ ન થાય

Published : 28 August, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમાજસેવા માટે માત્ર સમય કે સંપત્તિ હોવી પૂરતી નથી, મનમાં સેવા કરવાની સાચી ભાવના હોવી જરૂરી છે. સમય ધરાવનાર પૈસાનું બહાનું કરે છે અને સંપત્તિ ધરાવનાર સમયનું, પરંતુ સેવાની શરૂઆત હંમેશાં મનથી થાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રેમના પ્રદેશનો શબ્દકોશ જુદો હોય છે. પ્રેમની પ્યાસમાં તૃપ્તિ અને તૃપ્તિમાં પ્યાસ હોય છે. જેમ-જેમ પીઓ એમ-એમ તરસ વધતી જાય. છતાં કૃષ્ણ જેવા અનાસક્ત કોઈ નથી.
ઈશ્વરે આપણને તન આપ્યું, મન આપ્યું. આપણને સૌ કહે છે કે ‘તન, મન, ધનથી સેવા કરો.’ જોકે વિચાર કરશો તો ખ્યાલ આવશે કે જ્યાં સુધી માણસના મનમાં સેવાની વૃત્તિ નહીં હોય, સેવાની ભાવના નહીં જાગે ત્યાં સુધી તે ન મનથી સેવા કરશે, ન તનથી સેવા કરશે. પહેલાં મન. મન આપશે તો ધન પણ આપશે અને ધન નહીં હોય તો તન આપશે, પણ આ બધા માટે મન હોવું જરૂરી છે.
એક માણસની પાસે કોઈએ જઈને કહ્યું, ‘તમને ભગવાને ઘણુંબધું આપ્યું છે, તમે સુખી છો તો સમાજની સેવા કરોને? તમારે કંઈક કરવું જોઈએ સમાજ માટે.’ 
તે માણસે સરસ જવાબ આપ્યો અને કહ્યું, ‘મારે સમાજની સેવા કરવી છે, પણ શું કરું? એટલો વ્યસ્ત છું કે સમય નથી મળતો.’ 
તે માણસની પાસે નોકરી નહોતી, નકરો સમય જ સમય હતો; પણ તેનું મન નહોતું એટલે તેને લાગતું હતું કે તેની પાસે સમય નથી.
કોઈકે કહ્યું, ‘ભાઈ, આ સારું કામ છે. હમણાં તારે બીજું કામ નથી તો આમાં મદદ કર, કંઈક સેવા આપ!’ 
પેલા માણસે જવાબ આપ્યો અને કહ્યું, ‘હું તો સેવા કરત, પણ ભગવાને મને ક્યાં પૈસા આપ્યા છે? પૈસા એવા લોકોને આપ્યા છે જેમને સેવા કરવાની ઇચ્છા નથી. મને એક વાર ભગવાન પૈસા આપે, પછી જુઓ હું કેટલો ખર્ચ કરું છું. સારા માર્ગે પૂરા મનથી સેવા કરું.’
તે માણસ પર કોઈ લોન નહોતી, વ્યાજની અઢળક આવક હતી. શૅરબજારમાં પૈસા રોક્યા હતા ત્યાંથી મબલક કમાણી થતી હતી અને તેને લાગતું હતું કે તેની પાસે પૈસા નહોતા. કારણ, તેની પાસે મન નહોતું.
ટૂંકમાં, બન્નેમાં સેવાની વૃત્તિ નથી. જેની પાસે સમય છે તે કહે છે કે મારી પાસે સંપત્તિ નથી; જેની પાસે સંપત્તિ છે તે કહે છે કે સમયનો અભાવ કારણભૂત છે, નહીં તો અમે સેવા કરતા હોત. હકીકત એ છે કે સેવાની વૃત્તિ ત્યારે જ આવે જ્યારે માણસના મનમાં એનો ભાવ જાગે.
હકીકતમાં બન્ને એમ માને છે કે મારી પાસે જે નથી એનાથી સમાજસેવા થાય, પણ જેની પાસે સમય છે તે વિચારતો નથી. જેની પાસે સમય છે તે સમય આપે, જેની પાસે સંપત્તિ છે તે સંપત્તિ આપે. જોકે આ વાત તો જ શક્ય બને જો ખરેખર મનમાં સેવાની ભાવના જાગે.
મનથી માણસ સેવા કરે એનું બહુ મહત્ત્વ છે. મન હોવું જોઈએ અને મનમાં કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. માનવ દુઃખી છે પોતાના કારણે. માણસ પાસે સંતોષરૂપી મન હોવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK