કૂદવાનું-ફાંદવાનું, લપસવાનું, આળોટવાનું, ભાગવાનું, દોડવાનું, એક જગ્યાએ પગ વાળીને નહીં બેસવાનું. આ લાક્ષણિકતાઓ નાના છોકરાઓમાં જોવા મળે છે. છોકરીઓ પ્રમાણમાં શાંત અને સમજુ હોય છે. આ વાત આપણે જોયેલી, જાણેલી અને સ્વીકારેલી છે. એવું શું છે જે છોકરાઓને ધમાલ
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- એવું શું છે જે છોકરાઓને ધમાલિયા બનાવે છે? શું ફક્ત શારીરિક ભેદ જ છે કે કોઈ બીજાં કારણો પણ?
- જો બાળક ધમાલિયું હોય તો એનો ઉપાય શું છે?
- ચાલો, આ બધા જ પ્રશ્નોના જવાબ સમજીએ
એક જગ્યાએ પેરન્ટિંગ ક્લાસમાં દસેક કપલ બેઠાં હતાં અને પેરન્ટિંગ કોચે પૂછ્યું કે તમને છોકરો જોઈએ છે કે છોકરી? તમારી શું ઇચ્છા છે? તો બેઠેલા દસમાંથી ૮ પેરન્ટ્સે કહ્યું કે અમને છોકરી જોઈએ છે, છોકરો નહીં. તેમના આ નિર્ણય પાછળ નારીવાદી વિચારો હતા એવું નહોતું. છોકરીઓ લાગણીશીલ હોય અને માતા-પિતાનું જીવનભર ધ્યાન રાખશે એવાં ઇમોશનલ કારણો આપવાની સાથે-સાથે આઠમાંથી પાંચ પેરન્ટ્સ એવા હતા જેમણે કહ્યું કે છોકરાઓ બહુ તોફાની હોય, તેમને હૅન્ડલ કરવા ખૂબ અઘરા પડે એટલે અમને છોકરી જોઈએ છે જેનો ઉછેર સરળ હોય અને અમને અઘરો ન પડે. આ પાંચેય પેરન્ટ્સે પોતાના પાડોશીના કે સગાંવહાલાંના છોકરાઓ જોયા હતા એટલે તેમને જોઈને તેઓ વધુ ડરી ગયા છે. સોફા પર કૂદતા, ટીવી ફોડી નાખતા, એક સેકન્ડમાં હાથ છોડાવીને રોડ પર ભાગતા, પહેલા માળેથી છલાંગ લગાવતા, એક ક્ષણ પણ શાંતિથી ન બેસતા છોકરાઓને જોઈને આ ભાવિ પેરન્ટ્સ ખૂબ જ ડરી ગયા છે અને તેમને લાગે છે કે તેઓ કોઈ છોકરાને ઉછેરી શકશે નહીં. એટલે તેઓ હસતાં-હસતાં કહે છે કે છોકરી થાય તો સારું, નહીંતર અમારી હાલત ખરાબ થઈ જશે.
કૂદવાનું-ફાંદવાનું, લપસવાનું, આળોટવાનું, ભાગવાનું, દોડવાનું, એક જગ્યાએ પગ વાળીને નહીં બેસવાનું. આ લાક્ષણિકતાઓ સાથે તમે કોની કલ્પના કરી શકો છો? નક્કી છોકરાની. એક છોકરી પણ આવું બધું કરી શકે છે, પણ ક્યારેય કલ્પનામાં આપણને આવું કરતી છોકરીઓ આવી નથી. એક સમાજ તરીકે આપણે ક્યાંક ને ક્યાંક અપનાવી લીધું છે કે છોકરાઓ ભારાડી હોય, ઉત્પાત કરતા હોય, તોફાન કરતા હોય. જોકે આજકાલ સહનશીલતા ઘટતી જાય છે એ મુજબ છોકરાઓનાં આ તોફાનો માતા-પિતાથી સહન થતાં નથી.
ADVERTISEMENT
હૉર્મોન્સનો પ્રતાપ
છોકરાઓ અને છોકરીઓમાં મૂળ ભેદ હૉર્મોન્સનો હોય છે. મે ૨૦૨૫માં ડેન્માર્કમાં ભરાયેલા કનેક્ટિંગ એન્ડોક્રાઇનોલૉજી અક્રૉસ ધ લાઇફ કોર્સમાં આ વાત રજૂ કરવામાં આવી હતી કે છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું પ્રમાણ છોકરીઓ કરતાં વધારે હોય છે. અમુક છોકરાઓ જન્મ લે એ પહેલાં જ માના ગર્ભમાં તેમની ટેસ્ટોસ્ટેરોનની માત્રા ઘણી વધારે હોય છે. આ હૉર્મોન શારીરિક રચનાઓ માટે જ જવાબદાર હોય છે એવું નથી, એ બાળકના વર્તન માટે પણ એટલું જ જવાબદાર બને છે. જે બાળકોમાં જન્મ પહેલાં એટલે કે ગર્ભમાં હોય ત્યારે ટેસ્ટોસ્ટેરોન વધારે હોય છે એ બાળકોની જન્મ પછીની ફિઝિકલ ઍક્ટિવિટી પ્રમાણમાં વધારે જ રહે છે, કારણ કે આ હૉર્મોન મગજના એ ભાગ પર અસર કરે છે જે ભાગ શરીરના હલનચલન અને જોખમ લેવાની વૃત્તિ માટે જવાબદાર ગણાય છે જેને લીધે છોકરાઓ વધુ ઍક્ટિવ જણાય છે.
સ્નાયુનો ગ્રોથ
મસલ-ડેવલપમેન્ટ ગ્રોથનો એક ખૂબ જરૂરી ભાગ છે. એના પર નિર્ભર કરે છે કે બાળક ઍક્ટિવ છે કે નહીં. એ વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘છોકરાઓમાં લીન માસનું પ્રમાણ ખાસ કરીને વિકાસનાં વર્ષો દરમ્યાન છોકરીઓ કરતાં આમ પણ વધુ હોય છે. આ સ્નાયુને કારણે છોકરાઓની તાકાત છોકરીઓ કરતાં ઘણી વધારે હોય છે. મસલ-ટુ-ફૅટ રેશિયો પણ છોકરાઓનો સારો હોય છે જેને લીધે છોકરાઓ શારીરિક રીતે વધુ સક્ષમ બને છે જેને લીધે તેમનામાં મૂવમેન્ટ કે હલનચલનનું પ્રમાણ વધુ હોય છે.’
સાયન્સ
છોકરીઓ અને છોકરાઓ બન્નેમાં બ્રેઇનનું વાયરિંગ અલગ-અલગ હોય છે. સાયન્સ ઍડ્વાન્સિસ નામના જર્નલમાં છપાયેલા આર્ટિકલ અનુસાર છોકરા અને છોકરી બન્નેનાં ન્યુરલ કનેક્શન જુદાં-જુદાં હોય છે. હલનચલન અને શારીરિક ઍક્ટિવિટીનો જે ભાગ છે મગજનો એનાં ન્યુરલ કનેક્શન છોકરાઓમાં વધુ સ્ટ્રૉન્ગ હોય છે. આ વાયરિંગને કારણે તેમની મોટર-સ્કિલ જે રમવા માટે, કશે ચડવા માટે કે ભાગવા માટે જરૂરી છે એ પણ વધુ સારી હોય છે. એટલે છોકરાઓના ઉધામા શારીરિક વધુ હોય છે. આ ઉપરાંત ડેવલપમેન્ટલ સાઇકોલૉજીનું એક રિસર્ચ જણાવે છે કે છોકરાઓમાં છોકરીઓ કરતાં કૉમ્પિટિશનની ભાવના વધુ પ્રબળ હોય છે. કોઈથી આગળ વધી જઉં, કોઈને પછાડી દઉં, કોઈને હરાવી દઉં એ વાત કે વિચાર તેમનામાં એડ્રિનલિન રશ જન્માવે છે એટલે શારીરિક રમતોમાં તેઓ વધુ ઍક્ટિવ દેખાય છે.
ડોપમીન
આદિ માનવમાંથી આજના માનવ બનવાની પ્રક્રિયામાં ઉત્ક્રાન્તિવાદની બાયોલૉજીને સમજીએ તો એ સમયથી પુરુષોમાં સ્ટૅમિના અને સ્ટ્રેન્થની જરૂર ઘણી હતી. એટલે એ સમયે ડેવલપ થયેલી શક્તિ જિનેટિકલી ટ્રાન્સફર થાય છે. આ સાયન્સની સાબિત થયેલી થિયરી છે. દરેક માનવશરીરમાં એક કેમિકલ જેને ડોપમીન કહે છે એ રિલીઝ થાય તો ખુશી મળે છે. કોઈ પણ વ્યક્તિ છોકરો હોય કે છોકરી, શરીરમાં મૂવમેન્ટ એટલે કે હલનચલન કરે ત્યારે અને શારીરિક ઍક્ટિવિટી કરે ત્યારે ડોપમીન રિલીઝ થાય છે. જોકે આ કનેક્શન છોકરાઓમાં વધુ સ્ટ્રૉન્ગ છે. જેમ કે તેમને બૉલની કોઈ પણ રમત ખૂબ ગમે છે કારણ કે એ રમે ત્યારે તેમનું ડોપમીન રિલીઝ થાય છે અને તેમને ખુશી મળે છે. તેમને ખુશી મળે એટલે તેઓ વધુ મૂવમેન્ટ કરે છે. આમ એ એક સાઇકલ બની જાય છે.
સામાજિક અસર
સ્ત્રી અને પુરુષ એકબીજાથી ક્રોમોઝોમના લેવલ પર (સ્ત્રીનું XX અને પુરુષોનું XY) અલગ પડતાં હોય છે, પરંતુ તેમનું મગજ એકબીજાથી કઈ રીતે અલગ ચાલે છે એના પર અઢળક રિસર્ચ થયા કરે છે, પણ હજી સુધી કોઈ સચોટ માહિતી આપણને મળી નથી. ધારો કે મગજ બન્નેનાં અલગ હોય તો પણ આપણે પેરન્ટ્સ તરીકે કશું કરી શકવાના નથી. એ બદલાવ આપણા હાથમાં નથી. જોકે મગજ, હૉર્મોન્સ, ક્રોમોઝોમ એટલે કે શારીરિક કારણો સિવાયનાં કેટલાંક કારણો છે જેની અસર ખૂબ વધારે છે. ધ જર્નલ ઑફ ફિઝિકલ ઍક્ટિવિટી ઍન્ડ હેલ્થમાં જણાવવામાં આવ્યું છે કે સામાજિક અપેક્ષાઓ જ્યારે સહજ રીતે ખુદના રસ સાથે ભળે છે ત્યારે એ છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના ઍક્ટિવિટીના ભેદને વધુ ઊંડો બનાવે છે. એ વિશે વાત કરતાં પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, ‘છોકરાઓને નાનપણથી આપણે કહીએ છીએ બહાર જઈને રમો. છોકરીઓને રોકતા નથી બહાર જવા માટે, પરંતુ તેને બહાર ધકેલતા પણ નથી. જે રીતે છોકરાઓને રમવા માટે પ્રોત્સાહન આપીએ છીએ એ રીતે છોકરીઓને નથી આપતા. છોકરો છે ઘરમાં શું કરશે એવું આપણને લાગે છે. છોકરાઓને આપણે રખડવા, રગદોડાવા કે રમવા માટે ખૂબ પ્રોત્સાહન આપતા હોઈએ છીએ; પરંતુ છોકરીઓને માટે આવું કહેતા નથી. છોકરીઓ આવું કરે તો આપણને ચાલે પણ નહીં. આ પ્રકારનું જે સોશ્યલ કન્ડિશનિંગ છે એ પણ એટલું જ અહીં મહત્ત્વનું છે. છોકરાઓ તોફાન કરતા હોય તો છોકરાઓ તો આવા જ હોય એમ માની લેવામાં આવ્યું છે. એટલે તેમના વર્તનને સુધારવાની વાત કરતાં તેઓ જે કરે છે એને અપનાવવાની વાત વધુ આવે છે. આમ છોકરા અને છોકરીની શારીરિક ઍક્ટિવિટીમાં જે ફરક છે એ ફક્ત શારીરિક નથી, સામાજિક અને સાંસ્કૃતિક કારણો પણ એના માટે જવાબદાર છે.’
ભેદ તરીકે ન જુઓ
આ વાતને સમજાવતાં ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, ‘હું નથી માનતી કે છોકરાઓ વધુ પડતા ઍક્ટિવ હોય છે. આપણે એવું જનરલાઇઝેશન ન કરી શકીએ. જેમના ઘરનો માહોલ સારો છે એ ઘરના ડાહ્યા અને સમજદાર છોકરાઓ એ વાતની ચાડી ખાય છે કે આ કોઈ ફિઝિકલ પ્રૉબ્લેમ નથી. કદાચ હોય તો પણ આ તકલીફને જેન્ડરને ધ્યાનમાં રાખીને જોવી ન જોઈએ. જે બાળકોને વધુ પડતી એનર્જીનો કે ચંચળ રહેવાનો પ્રૉબ્લેમ છે તે બાળકોનાં માતા-પિતાનો સ્વભાવ ક્યાંક ને ક્યાંક એવો હોય તો એ બાળકમાં ઊતરેલો દેખાય છે. એટલે આ વસ્તુ જિનેટિક વધુ છે. જો ઉત્પાત વધુ હોય અને સમજાય એવો ન હોય તો ચોક્કસ પ્રોફેશનલ હેલ્પ માગો. ડેવલપમેન્ટ થતું હોય ત્યારે અમુક પ્રકારની વર્તન સંબંધિત તકલીફો આવી શકે છે.’
એ સમજાવતાં ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, ‘પહેલાં તો આ તકલીફને છોકરા અને છોકરીની તકલીફ તરીકે નહીં, બાળકની તકલીફ તરીકે જોતાં શીખો. દરેક બાળક અલગ છે, દરેક બાળકની તકલીફ અલગ છે. બાળક તોફાની હોય તો પણ ભાગ્યે જ પેરન્ટ્સ સમજી શકે છે કે તેમનું બાળક હાઇપર-ઍક્ટિવ છે કે નહીં. આ પ્રકારની શંકા હોય તો બાળકના ટીચર સાથે વાત કરો. જરૂર લાગે તો એક્સપર્ટને મળીને સમાધાન કરો.’
ઉપાય
જો તમારો છોકરો (કે છોકરી) એક જગ્યાએ પગ વાળીને બેસે નહીં, ઉત્પાત ખૂબ વધારે હોય, એનર્જી એટલી બધી હોય કે એ ક્યાં વાપરવી એ સમજી ન શકાય તો એનો ઉપાય શું છે એ જાણીએ ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ શ્વેતા ગાંધી પાસેથી.
- આવા બાળકની મૂવમેન્ટ તેનું ડિસ્ટ્રૅક્શન નથી, એ તેનું ડેવલપમેન્ટ છે. એટલે તમારે તેની મૂવમેન્ટ બંધ નથી કરવાની, એને તમારે ગાઇડ કરવાની છે.
- જ્યારે એનર્જીનો દરિયો હોય તમારું બાળક ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે તેની એનર્જીને યોગ્ય રીતે ચૅનલાઇઝ કરો.
- દિવસના એક-બે કલાક તેને કોઈ ફિઝિકલ સ્પોર્ટ રમાડો જેમાં ખૂબ મહેનત પડે, જેને લીધે તેની નર્વસ સિસ્ટમને શાંત કરી શકાય.
- જે સમયે તમારે તેને બેસાડવું છે એ સમય પહેલાં તેની પાસે શારીરિક કામ લો. તે થાકશે તો પગ વાળીને બેસશે. જેમ કે ભણવા બેસે એ પહેલાં ૧૦ ફ્રૉગ-જમ્પ કરવાનું કહો.
- તેની મૂવમેન્ટ ઍક્ટિવિટીને સૅન્ડવિચ કરો. એટલે કે પહેલાં મૂવમેન્ટ પછી ઍક્ટિવિટી અને પછી ફરી મૂવમેન્ટ કરી શકાય. જેમ કે ૫૦ સ્કિપિંગ કર્યા પછી લેગો રમ્યા અને એ પતે પછી બાસ્કેટબૉલની ડ્રિબલ કરવાની પ્રૅક્ટિસ કરી. આ તેના મગજને શીખવે છે કે ક્યારે ઍક્ટિવ બનવાનું છે અને ક્યારે સ્લો-ડાઉન થવાની જરૂર છે.
- જેનામાં ખૂબ એનર્જી છે તે બાળકને શાંતિથી બેસ કે ચૂપ બેસ જેવી સલાહ ન આપો. તેને એક જગ્યાએ બેસી રહેવાની પનિશમેન્ટ તો બિલકુલ ન આપો. જો તમે આ બાળકની મૂવમેન્ટ બંધ કરી તો તમે તેના મગજનો ગ્રોથ રોકી રહ્યા છો એ ધ્યાન રાખો.


