એક આખી જનરેશનના પેરન્ટ્સ એવા હતા જેમણે પોતાના ગલગોટાને ગુલાબ બનાવવા ખૂબ પ્રયત્નો કર્યા. એના ચક્કરમાં બિચારા ગલગોટાઓ ન ગુલાબ બની શક્યા, ન ગલગોટા રહી શક્યા.
પ્રતીકાત્મક તસવીર
એક માળીએ બે છોડ વાવ્યા. એક ગુલાબનો અને બીજો ગલગોટાનો. દરરોજ બન્નેનું જતન કરે. પાણી પાય, એની જોડે વાતો કરે, એને સમય આપે. બન્ને ધીમે-ધીમે મોટા થતા ગયા. ગુલાબમાં સુંદર લાલ ગુલાબ આવ્યાં અને માળી એ જોઈને અત્યંત ખુશ થયો. તેણે ગુલાબની ખૂબ પ્રશંસા કરી. પરંતુ જેવું તેનું ધ્યાન ગલગોટા પર ગયું, તે દુખી થઈ ગયો. આવાં નાનકડાં પીળા રંગનાં ફૂલ જેમાં રૂપ નહીં, સુગંધ નહીં, કંઈ જ નહીં? તે ગલગોટા પર વરસી પડ્યો. મેં તને પાણી આપ્યું, સમય આપ્યો, તારી બધી જરૂરિયાત સંતોષી પરંતુ તું તોય આવો પીળો, ફીકો નીકળ્યો? જો, આ ગુલાબને જો... કેટલો સુંદર લાલ રંગ છે; સુગંધ જો એની, કેટલી મધુર; એક કામ કર, ફરીથી ટ્રાય કર; થોડા દિવસ પછી હવે જે કળી આવે એમાં વધુ મહેનત કરજે; હું ઇચ્છું છું કે તું પણ ગુલાબની જેમ મોહક બને, એકદમ લાલચટક અને સુગંધી; જો તું આવું નહીં બને તો કોણ તને ગમાડશે? તું ફક્ત ચાલુ ૧૦ રૂપિયાના હારમાં પરોવાઈને રહી જઈશ; ૨૦ રૂપિયાની વેણીમાં તને જગ્યા નહીં મળે; ભાઈ ગલગોટા, મહેનત કર, મહેનત; તારે ગુલાબ બનવાનું છે.
એક આખી જનરેશનના પેરન્ટ્સ એવા હતા જેમણે પોતાના ગલગોટાને ગુલાબ બનાવવા ખૂબ પ્રયત્નો કર્યા. એના ચક્કરમાં બિચારા ગલગોટાઓ ન ગુલાબ બની શક્યા, ન ગલગોટા રહી શક્યા.
ADVERTISEMENT
મુંબઈની હવામાં જ સ્ટ્રેસ છે. શહેરની હવાનું સ્ટ્રેસ ગળીને જ્યારે માણસ ઘરે આવે ત્યારે જો તેને ઘરની હવામાં પણ સ્ટ્રેસ જ દેખાય તો સ્ટ્રેસનો આ અતિરેક નિશ્ચિત રીતે વધુ ઝેરી હોવાનો જ. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઘરની હવાનું સ્ટ્રેસ શહેરી હવા કરતાં ઘણું વધારે થઈ જતું હોય છે, કારણ કે આ એક્ઝામનો સમય છે. બાળકો જે ઘરની હવાને હંમેશાં સ્ટ્રેસમુક્ત રાખવા માટે સર્જાયેલાં છે તેમના જીવનમાં આવેલી વાર્ષિક કે બોર્ડ એક્ઝામ વિશે તેમનાં માતા-પિતા એટલું સ્ટ્રેસ લઈ લે છે કે ઘર જ નહીં, બાળકોનું જીવન પણ તાણયુક્ત બની જાય છે. એક્ઝામલક્ષી સમાજમાં આજે બાળપણ વધુપડતું ચૂપ, વાત-વાતમાં ચીડિયું, વધુપડતું ઊંઘતું કે બિલકુલ ન ઊંઘતું, વધુપડતું ખાતું કે સાવ મરેલી ભૂખ સાથે જીવતું, રૂમમાં પુરાઈ રહેતું, એકલું જ રહેવા ઇચ્છતું, વગર કોઈ કારણે માંદું પડી જતું જોવા મળે છે. કેટલાંક બાળપણ ડિપ્રેશનની ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યાં છે તો કેટલાંક ડરીને છતથી કૂદી રહ્યાં છે. તેમના ભવિષ્યની ચિંતામાં તેમનું આજનું ધબકતું જીવન જ મુરઝાઈ રહ્યું છે. આ ચિંતા તેમને ભરડી ખાય એ પહેલાં અમુક વસ્તુ લૉજિકલી સમજી લઈએ.
માર્ક્સ માટેના ગાંડપણ પાછળનું ગણિત કંઈક આવું છે. સારા માર્ક્સ આવશે તો જ સારી બ્રાન્ચ અને સારી કૉલેજમાં ઍડ્મિશન મળશે. એ સારી કૉલેજમાં ઍડ્મિશન મળશે તો સારી કંપનીમાં જૉબ મળશે અને જો સારી કંપનીમાં જૉબ મળશે તો પૈસા, નામ કમાઈ શકાશે; જીવન સધ્ધર થશે અને આજે જે જગ્યાએ બાળકનાં માતા-પિતા ઊભાં છે એ જગ્યાએથી બાળક એક કે અનેક સ્તર પર જઈ શકશે. ગણિતમાં જુદાં-જુદાં સૂત્રો (ફૉર્મ્યુલા) હોય છે. કયા દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થાય એ સમજવું જરૂરી હોય છે. મોટા ભાગનાં માતા-પિતા બાળકોની કરીઅરના દાખલાને પૉપ્યુલર અનુભવના આધારે જ સૉલ્વ કરતાં હોય છે. પણ સમય આવી ગયો છે સૂત્રને બદલવાનો. એક નવી રીતે આ દાખલાને ગણી જોઈએ.
આજે પણ સારી કવિતાઓ લખતા બાળકને કહેવામાં આવે છે કે ભાઈ, કવિતાઓ ઠીક છે; એ તું લખ પણ એન્જિનિયરિંગ તો કરવું પડશે. સુંદર ડ્રૉઇંગ બનાવતી છોકરીનાં માતા-પિતા કહે છે કે આમાં સમય ન બગાડ, તું મોટી થઈને મેંદી લગાડવા જઈશ કે? આ ડ્રૉઇંગનું ફ્યુચર શું છે? આપણને આપણી આજની પણ નથી ખબર તો ફ્યુચર ભાખવું તો અઘરું જ છે. પણ એક વાર આજુબાજુ નજર કરીને જુઓ. ડિગ્રી મળી જવાથી કે પૉપ્યુલર બ્રાન્ચમાં ભણી લેવાથી કમાણી ફિક્સ નથી થઈ જવાની. IT એન્જિનિયરિંગ જે અતિ ધીકતું ફીલ્ડ માનવામાં આવે છે આજે એની ઇન્ટર્નશિપ ૮૦૦૦-૯૦,૦૦૦ સુધીની મળતી હોય છે. કોઈ કંપની ખૂબ સારી હોય તો સવાલાખ રૂપિયાની ઇન્ટર્નશિપથી પણ શરૂ કરી શકાય. પરંતુ અહીં સમજવાનું એ છે કે કંપની કોને સવાલાખ રૂપિયા આપશે? જે ટૉપ ક્લાસ એન્જિનિયર છે, જેને મશીનો જોડે ખરેખર પ્રેમ છે, જેના મગજમાં આંકડાઓ ફરતા હોય છે તેને. મીડિયોકર અને ઍવરેજ એન્જિનિયર આગળ નહીં જ વધી શકે અને બાય ચાન્સ જો તે ખરાબ એન્જિનિયર રહ્યો તો તેની શરૂઆત આઠ હજારથી જ થવાની. તેની સામે આજની તારીખે વીણા નાગડા જેવાં સેલિબ્રિટી મેંદી-આર્ટિસ્ટ લાખો રૂપિયા એક ઇવેન્ટના લે છે. તેમના પેરન્ટ્સે તેની ડ્રૉઇંગ બુકને પસ્તીમાં નાખી દીધી હોત તો? પણ સામે આપણને એ પણ ખબર છે કે સામાન્ય મેંદી-આર્ટિસ્ટ મહિને ૧૫-૩૫ હજાર માંડ કમાય છે. પણ અહીં એ જ તો સમજવાનું છે કે તે એટલા કમાય છે એનું કારણ મેંદી નથી, એનું કારણ તેની આવડત છે. ભારતની દર બીજી સ્ત્રીને સાડી પહેરતાં આવડે છે પરંતુ એમાંથી એક ડૉલી જૈન નીકળી જે ફક્ત સાડી પહેરાવવાના બે લાખ રૂપિયા લે છે. તે ટૉપ પર પહોંચ્યાં એનું કારણ તે જે કરી રહ્યાં છે એમાં એ લોકો બેસ્ટ છે એ વાત તો સાચી; પરંતુ સાથે-સાથે તેમને પોતાના મનગમતા ફીલ્ડમાં રહીને પણ કઈ રીતે વધુ પૈસા કમાઈ શકાય, કઈ રીતે કરોડો લોકો મને ઓળખશે, મારું નામ થશે એ પણ આવડતું હતું. (અને જો નહીં આવડતું હોય તો કરતાં-કરતાં તેમણે શીખી લીધું.)
આપણે ઇચ્છીએ છીએ કે બાળક એક સફળ કરીઅર બનાવે તો એ માટે તેના માર્ક્સ પાછળ પડવાને બદલે જરૂર છે કે પહેલાં બાળકને રસ શું છે એ જાણીએ, તેની ક્વૉલિટીઝ શું છે એ સમજીએ. આજના અઢળક કરીઅર ઑપ્શનમાંથી તેને શું નક્કી કરવું છે એ કરવા દઈએ અને એ ઑપ્શનમાં કઈ રીતે ટૉપ પર પહોંચી શકાય એની તૈયારી કરીએ. એ તેની કરીઅરની સાચી તૈયારી હશે. કરીઅર આજની તારીખે કોઈ પણ પસંદ કરી શકાય, પરંતુ એમાં ટોચ પર પહોંચવું અનિવાર્ય છે. સમજદાર પેરન્ટ્સના મોઢે તેમનાં બાળકો માટે આવી કંઈક સલાહ સાંભળવા મળે છે કે તું ઝાડુ કાઢીશ તો પણ મને વાંધો નથી પણ તારા જેવું ઝાડુ કોઈ બીજું ન કાઢી શકે એવો તું બન. આપણું ગલગોટું આપણું પોતાનું છે. તેનું જતન કરીએ. તેને એટલું સારું વાતાવરણ આપીએ કે તેની ક્ષમતા પૂરી વાપરીને તે દુનિયાનું શ્રેષ્ઠ ગલગોટું બને. માતા-પિતાનું કામ આટલું જ છે. એ પછી તેની સુંદરતા જોઈને કોઈ તેને લાખ રૂપિયાની હારમાળામાં પરોવે કે કોઈ તેનામાંથી શ્રેષ્ઠ દવાનું નિર્માણ કરે. મુદ્દો ફક્ત એ છે કે તેને ગુલાબ બનાવવાની નહીં, શ્રેષ્ઠ ગલગોટો બનાવવાની પેરવી માતા-પિતાએ કરવાની છે.


