રામાયણના યુદ્ધમાં રાવણે ભગવાન રામને આ શબ્દો કહ્યા, જે નરી વાસ્તવિકતા છે. આજે પણ જોવું હોય તો જોજો, આ જ કારણે અઢળક લોકો હારતા રહ્યા છે
સાઈરામ દવે
અઠવાડિયામાં આમ તો ૭ વાર હોય, પરંતુ પરિવાર વગર સાતેય વાર ફિક્કા લાગે. પરિવાર અને વહેવાર આ ક્ષિતિજોની વચ્ચે આપણું જીવન પથરાયેલું રહે છે. આ બન્ને સાચવવામાં જે-જે લોકો નિષ્ફળ ગયા છે એ પછી અન્ય ક્ષેત્રમાં સફળ થાય તો પણ નિષ્ફળ જ ગણાય છે.
જેને પરિવારનાં હૂંફ અને પ્રેમ નથી મળ્યાં તે લોકો જ શેતાન બન્યા છે એવું મારું દૃઢપણે માનવું છે. પરિવાર તમને સાંભળે છે, સંભાળે છે; ઉગાડે છે અને ઉઘાડે પણ છે. વડીલ લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ એક વાત હંમેશાં કહે કે જગતમાં રખડી-રખડીને માણસ થાકે ત્યારે ઘર તેનો થાક ઉતારે છે, પરંતુ ઘરમાં જે માણસ થાકે તેનો થાક જગતમાં કોઈ ન ઉતારી શકે!
પરિવાર એક માળો છે, જેમાં પ્રત્યેક તણખલાનું મૂલ્ય છે. દરેક ટહુકાને ટહુકવાનો અવકાશ છે. સંયુક્ત પરિવાર આપણી આદર્શ જીવનશૈલીનો અરીસો હતા. દાદીમા એ ભૂલકાંઓની વહાલસોયી નર્સરી હતી. દાદાના અનુભવો તેમ જ સિદ્ધાંતોના છાંયડે સમગ્ર પરિવાર નિરાંત અનુભવતો હતો. કાકા-કાકી જીવતા CCTV કૅમેરા હતાં.
ADVERTISEMENT
મમ્મી-પપ્પાને પોતાની જિંદગીમાં પ્રેમ જતાવવાનો બહુ અવસર પણ ન મળતો હોવા છતાં સમગ્ર પરિવારમાં ખુશાલી વર્તાતી હતી. જૉઇન્ટ ફૅમિલી તૂટ્યું એટલે સમાજવ્યવસ્થાના જૉઇન્ટ પણ ઢીલા પડ્યા. કોઈ વ્યક્તિને ગોઠણનો દુખાવો હોય તો કદાચ આર્થ્રાઇટિસની દવા લઈ શકાય, પરંતુ સંબંધોના ગોઠણ સૂજી જાય તો એને ક્યો રોગ કહેવાય?
મારા મતે તો સંયુક્ત પરિવારો તૂટ્યા ત્યારથી જ ભારતની દુર્દશા શરૂ થઈ. આપણે બધા વિકાસની રેસમાં મને-કમને એવા જોતરાઈ ગયા કે સફળતાનો ગોલ્ડ મેડલ મેળવ્યો, પરંતુ સંયુક્ત પરિવારનું ગોલ્ડ ગિરવી મુકાઈ ગયું. સંપત્તિ વધી અને સંતતિ સતત ઘટતી ગઈ. બે રૂમ-રસોડાના ઘરમાં ૮ જણ સમાઈ જતા. એ સંકડાશમાં પણ મીઠાશ હતી. ૨૮ જણમાંથી અઢી જણની ન્યુક્લિયર ફૅમિલી હવે શહેરોમાં વધી છે. હુતો-હુતી અને આઠ-દસ વર્ષે માંડ-માંડ જન્મેલું માનતાનું એકાદ ચાગલું સંતાન જાણે ન્યુક્લિયર બૉમ્બ પર બેઠું હોય એવું મને લાગે છે.
એવું સહેજ પણ નથી કે સંયુક્ત પરિવારમાં કોઈ તકલીફ જ નથી. મતભેદ તો ત્યાં પણ સર્જાય છે, પરંતુ મનભેદ થતાં પહેલાં સમસ્યાઓ સંકેલાઈ જાય છે. વડીલોની આમન્યા સતત જતું કરવાની પ્રેરણા આપતી રહે છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો જૉઇન્ટ ફૅમિલીમાં પણ થાય જ છે, પરંતુ એ શયનખંડમાંથી દીવાનખંડ કે ફળિયા સુધી લંબાતા નથી.
પરિવાર આપણને જીવતાં-જીતતાં અને જતું કરતાં શીખવે છે. કોરોનામાં પરિવારની ખરી કિંમત ઘણાને સમજાઈ, પણ પછી એ પાછી પાછળ છૂટી ગઈ. આપણે સૌ એ સમયમાં ગભરાયા, ડર્યા એમ છતાં સાવ ભાંગી ન પડ્યા, કારણ કે પરિવાર સાથે હતો. હું કદાચ ICUમાં હોઈશ તો મારો પરિવાર મને બચાવી લેશે, હું ક્રિટિકલ કન્ડિશનમાં હોઈશ તો પરિવાર દાગીના વેચીને મારી દવા કરાવશે... આ તો પરિવાર પરનો ભરોસો ઈશ્વર પછી બીજા નંબરે સ્થાન પામે છે. મારી ફૅમિલી મારી સાથે છે બસ, જગતમાં બીજું કોઈ સાથે હોય કે ન હોય બહુ પરવા નથી. આવા ભરોસાની મૂડી ગજવામાં સંઘરીને મારા જેવા કેટલાય ફરે છે.
મુંબઈમાં ઘણા એવા પરિવારો છે જેમાં મનભેદ નથી, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે માતા-પિતાથી અલગ રહે છે. વીક-એન્ડ આવતાંની સાથે જ જે પરિવારો ફાર્મહાઉસને બદલે પોતાના વડીલો તરફ ભાગે છે એવા પરિવારને લીધે હજી સમાજવ્યવસ્થા ક્યાંક ટકી ગઈ છે. સંકડાશ અને મોકળાશ એ ઘર કરતાં મનના વિષયો છે. કેટલાક લોકો અઢી હજાર વારના બંગલામાં પણ એકલતા અનુભવે તો કોઈ અઢીસો વારમાં ૧૧ જણ સાથે સુખી છે.
‘વસુધૈવ કુટુમ્બકમ્’નો જયઘોષ કરનારી ભારતીય સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ. ‘આ મારો પરિવાર છે’ એવું કહી દેવાથી નથી ચાલતું, એને નિભાવવું પણ પડે છે. પરિવારનું એક સંવિધાન છે, એક આચારસંહિતા છે. એનો જે સહર્ષ સ્વીકાર કરે એને પરિવાર ગણવો. બાકી પરિવારની સલામતી, શાંતિ અને સહિષ્ણુતામાં જે ખલેલ પહોંચાડે તે નિશ્ચિતરૂપે દંડનો અધિકારી છે.
શ્રીકૃષ્ણએ પોતાના સગા મામા કંસ અને પૂતનામાસીને સહેજ પર રંજ વગર યમદ્વાર ભેગાં કર્યાં. શૂર્પણખા અને ખર-દૂષણે પોતાના પરિવારની ગોત્રહત્યા કરાવી. સત્યની સાથે ન હોવાથી પરિવાર હોવા છતાં પાંડવોએ કૌરવોને હણી નાખ્યા. રાવણે મરતી વખતે શ્રીરામને એટલું જ કહેલું કે ‘રામ, તમે જીતો છો કારણ કે તમારો ભાઈ તમારી સાથે છે અને મારો ભાઈ મારી સાથે નથી!’
નીતિ અને નિયમ ચૂકી જાય તો હારું છું. લાલી જેવા શક્તિશાળી વાનરને સગા ભાઈ સુગ્રીવના હાથે હણવામાં રાઘવ મદદ કરે છે. પરિવારને તોડવાનો સઘન પ્રયત્ન કરનારી કૈકેયીની ભારતવર્ષ નામ પર કેવી અસર હશે કે ૧૦,૦૦૦ વર્ષથી કોઈએ પોતાની દીકરીનું નામ સુધ્ધાં કૈકેયી નથી રાખ્યું. પરિવારને જે તોડે તેની સાથે કોઈ નાતો ન જોડે. તમે ક્યાંય મંથરામાસી કે મંથરાફઈબાનું નામ પણ સાંભળ્યું ખરું? કેટલો ધિક્કાર, કેટલી નફરત મળી હશે પરિવારને તોડનારાં પાત્રોને!
પણ આ તો થઈ પુરાતન કાળની વાતો. હવે જરા લેટેસ્ટ જોઈએ તો ટીવી-સિરિયલ ‘બુનિયાદ’ કોઈને યાદ છે? ‘તમસ’, ‘નુક્કડ’ કે ‘ઘર ઘર કી કહાની’માં પરિવાર જ જીત્યો હતો. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’થી માંડીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને સુપરહિટ પરિવારની ભાવના જ બનાવે છે હોં! કોઈ સ્ટાર ભલે વહેમમાં રહે, પણ ઍક્ચ્યુઅલી ભારતીયોનાં હૈયાંમાં રહેલી પરિવારની ભાવનાઓને લીધે આ બધી ધારાવાહિકો સફળ થઈ છે. ‘હમ આપકે હૈં કોન’ કે ‘હમ સાથ-સાથ હૈં’ જેવી પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો સદાબહાર સફળતાની બુલંદીને વરે છે. પરિવારવાદ રાજકારણની એવી ઊધઈ થઈ છે જેની દવા ભારતની કોઈ ફાર્મા કંપનીઓ પાસે નથી (કારણ કે કંપનીમાં પણ સાળો-બનેવી જ પાર્ટનર હોય છે!).
પરિવાર વગરનું જીવન જીવન જ નથી. ફિલ્મમાં જેમ વલ્ગૅરિટી અને વાયોલન્સ હોય તો શરૂઆતમાં A અથવા U સર્ટિફિકેટ ફરજિયાત દર્શાવવું પડે એવું જ કંઈક આપણી સમાજવ્યવસ્થામાં પણ શરૂ થાય તો? માતા-પિતા સાથે રહેતા હોય તેને સરકારી નોકરીમાં પાંચ ટકા મેરિટ ઉમેરાય તો? માતા—પિતાને તરછોડે તેની નોકરી જ સસ્પેન્ડ કરાય તો? પ્રત્યેક પરિવારમાં કંકાસનું ઝેર પીનાર એકાદ પાત્ર નીલકંઠ થઈને ચૂપચાપ જીવતું જ હોય છે અને યાદ રાખજો પરિવારના નીલકંઠ માત્ર પુરુષો જ નથી હોતા. બસ, બીજું તો શું કહું. આ સમગ્ર લેખ ઘર સાચવીને બેઠેલા એ તમામ મૌનીઓને સાદર અર્પણ.
