Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કેવી માણસાઈ આપણે સદીઓથી પીઠ પર લઈને ફરી રહ્યા છીએ?

કેવી માણસાઈ આપણે સદીઓથી પીઠ પર લઈને ફરી રહ્યા છીએ?

Published : 23 August, 2026 06:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માણસ આજે નાની બોલાચાલીથી લઈને યુદ્ધ અને હત્યા સુધી હિંસાનો રસ્તો અપનાવી રહ્યો છે. કુરુક્ષેત્રથી અણુબૉમ્બ અને આજની હત્યાઓ સુધીની ઘટનાઓ માણસાઈ સામે અનેક સવાલો ઊભા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ધારો કે તમારી કોઈ જોડે બોલાચાલી થાય છે. આ બોલાચાલી પહેલા તબક્કે શાબ્દિક હોય છે, પછી અવાજ ઊંચો થાય છે અને એ પછી ગાળાગાળી અને બાવડાંના બળની વાત થવા લાગે છે. આ બાવડાંનું બળ એટલે શું? સીધોસાદો શાંત કે ભલો દેખાતો માણસ અહીં અટવાઈ જાય છે. ગાળાગાળી તેના માટે હવે સહજ બની જાય છે અને ગાળાગાળી પછી જે બાવડાંનું બળ તૂટી પડે છે એમાં માણસ ખોવાઈ જાય છે. હવે તે માણસ નથી. આકાર ભલે માણસનો જ રહ્યો હોય પણ પ્રકૃતિ માણસ કરતાં સાવ જુદી છે. માણસ માટે આ નિર્ધાર નહોતો. અહીં મજાની વાત એ છે કે ધારો કે તમારા પ્રતિસ્પર્ધીએ બળાબળમાં તમને પરાસ્ત કર્યા, તમને માર પડ્યો, હાથે-પગે કે માથે લોહી નીકળ્યું. તમારા ગુસ્સાનો પાર નથી. હવે પેલા પ્રતિસ્પર્ધીને પણ તમારી જેમ જ લોહીલુહાણ કરવા તમે થનગની ઊઠો છો. લોહીલુહાણ તમે કરી શકતા નથી પણ તે લોહીલુહાણ થાય તો તમે રાજી થાઓ છો. તમારા પર થયેલા ઘા કંઈ પેલા પર પ્રહાર કરવાથી મટી નહીં જાય અને છતાં પેલો લોહીલુહાણ થાય તો તમે રાજી થાઓ છો. હવે તમને તમારા પર થયેલો ઘા મટાડવા કરતાં પેલા પર વધારે પ્રહાર થાય એના પર રસ પડે છે. 
એક માણસ બીજા માણસ પર પ્રહાર કરે એ ઘટના દેખીતી રીતે અમાનુષી લાગે છે. કોઈ પણ સમસ્યા માણસ વાત કરીને હલ કરી શકે છે. માણસ આ વાત જાણે પણ છે. સૌકોઈની વચ્ચે તે આમ બોલે પણ છે અને છતાં જ્યારે સમસ્યા આવી પડે છે ત્યારે બધું ભુલાઈ જાય છે. અણુબૉમ્બ જેવા હથિયારથી બે લાખ માણસને મારી નાખનાર અમેરિકન પ્રમુખ કે પછી અમેરિકન સેનાપતિ હોય તે માણસ તો હતા જ, પણ પેલા મરનાર બે લાખની આ અમેરિકન પ્રમુખ કે સેનાપતિ સાથે કંઈ સીધી લેવાદેવા જ નહોતી. બીજું વિશ્વયુદ્ધ આ બે લાખના મરવાથી જ નથી પૂરું થયું. છતાં આ બે લાખ જીવતા-જાગતા, હસતા-રમતા, બાળકો અને વૃદ્ધો સુધ્ધાં એક અમેરિકી અમાનુષીનો ભોગ બની ગયાં. આ બે લાખને મારનારો બીજો ગમે તે હોય પણ માણસ તો નહીં જ હોય.

પણ ગઈ કાલ ને આજ



અણુબૉમ્બ એ આજની વાત છે. આજે આ લખાઈ રહ્યું છે ત્યારે હજારો ને લાખો માણસો અકારણ પરસ્પરના રોષનો ભોગ બની રહ્યા છે. જેમને કંઈ લેવાદેવા નથી એવા નિર્દોષ માણસો ઈરાન, ઇઝરાયલ, અમેરિકા આ બધાનો ભોગ બન્યા છે. અહીં સુધી તો ઠીક છે, પણ માણસ-માણસને વાત-વાતમાં ગાડીના ડબ્બામાં સુધ્ધાં મારી નાખે ત્યારે આપણને વિચાર થાય કે શું માણસ એટલો બધો હલકી પાયરીએ ઊતરી ગયો છે કે ગાડીના ડબ્બામાં ૩ કે ૪ મિનિટ માટે આમ કે તેમ ઊભા રહેવા જેવી વાતમાં સામે કોઈની હત્યા કરી નાખે? અને આ હત્યા એટલે શું? હવે માણસ હત્યા સુધ્ધાં ભારે નવાનક્કોર બુદ્ધિગામી પ્રયોગોથી કરે છે. અખબારોમાં તમે વાંચતા જ હશો કે પતિએ પત્નીની હત્યા કરી નાખી કે પછી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. આવી હત્યા છરી-ચપ્પુથી તો થાય જ, પણ ઘરના એકાદ પથ્થર કે વિષપાનથી અથવા બીજા કોઈક બૌદ્ધિક સાધનથી થઈ જાય ત્યારે આપણને એમ થાય કે માણસ આ શું કરી રહ્યો છે? માતા-પિતા, સંતાન કે પતિ-પત્ની જેવા સ્વજનને મારી નાખ્યા પછી તેમના ટુકડાઓ કરવા અને એ ટુકડાઓ ઘરમાં જ ફ્રિઝમાં ભરી રાખવા આવી ઘટના જ્યારે વાંચીએ છીએ ત્યારે માણસાઈ આ સહન કરી શકતી નથી અને છતાં આ માણસાઈ બીજું કંઈ કરી પણ નથી શકતી. માણસે પરસ્પરને મારવા કે મરવા માટે કેવા-કેવા ઉપાયો શોધી કાઢ્યા છે એ જાણીએ છીએ ત્યારે અંતરમન હાથમાં રહેતું નથી અને છતાં કંઈ કરી શકાતું નથી.


એ દિવસે પણ આનું આ જ

માણસજાતનો ઇતિહાસ જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે ક્યારેક માણસે માણસને માર્યા વિના બીજો કોઈ છૂટકો જ હોતો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અને ભીષ્મપિતામહ જેવા પ્રચંડ પુરુષો હોવા છતાં ૧૮ અક્ષૌહિણી નિર્દોષ સૈનિકોએ પરસ્પરને મારી નાખ્યા. કર્ણ અને અર્જુન વચ્ચે કે ભીમ અને દુર્યોધન વચ્ચે વેર હતું, પરસ્પરને મારીને તેમને રાજ્ય મેળવવું હતું. ૧૮ અક્ષૌહિણીએ આમ કંઈ કરવાનું હતું જ નહીં. શ્રીકૃષ્ણ અને ભીષ્મ જોઈ રહ્યા હતા અને છતાં આ ૧૮ અક્ષૌહિણી નાશ પામી. જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું જ છે એવું શ્રીકૃષ્ણ આ તબક્કે અર્જુનને કહે છે. વાત સાચી છે. આને આપણે શ્રીમદ્ ભગવદ્ગીતા કહીએ છીએ. આપણા બધાય અવતારનો મોક્ષ થઈ જાય એવી અદ્ભુત વાતો શ્રીકૃષ્ણે ગીતામાં કરી છે અને એમ છતાંય જે કંઈ બન્યું એને ધર્મયુદ્ધ કહેવું સાવ સરળ નથી. ગઈ કાલે એક અપરાધીને આપણે ફાંસીની સજા આપતા ત્યારે આ ફાંસીની સજા એકંદરે કાયદેસરની હત્યા જ હતી અને આમ છતાં આપણે આ કાયદેસરની હત્યાને સ્વીકારી લઈ છીએ. સમાજને સુખરૂપ રાખવો હોય તો આવી સજા સ્વીકારવી પણ પડે છે. માણસે પોતે જ પોતાના સુખની આ રીતે હત્યા કરી છે. ફાંસીની સજા કઈ રીતે આપવી એ વિશે પણ માણસ માણસાઈની વાત કરે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ પાસે એવી માગણી થઈ હતી કે ફાંસીની સજા આ રીતે આપવી એ ભારે ક્રૂર કહેવાય. ૨૦-૨૫ મિનિટ સુધી અપરાધીને અર્ધજીવિત અવસ્થામાં લટકાવી રાખવો એ ક્રૂરતા છે. એને બદલે ઇન્જેક્શન કે એવા જ કોઈક ધોરણે તેને આ સજા આપવી એવી માગણી પણ થઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે એનો સ્વીકાર કર્યો નથી. 
ફાંસી વિના ચાલે નહીં, પરસ્પરની હત્યા વિના પણ ચાલે નહીં, કુરુક્ષેત્ર કે અણુબૉમ્બ વિના પણ ચાલે નહીં. આ કઈ જાતની માણસાઈ આપણે સદીઓથી પીઠ પર લઈને ફરી રહ્યા છીએ? આપણે આ બધામાંથી ક્યારેય મુક્તિ તો નહીં મેળવી શકીએ, પણ સ્વજનના દેહના ટુકડાઓ કરીને પોતાના જ ઘરના રેફ્રિજરેટરમાં સંતાડી રાખતા પેલા માણસને માણસ શી રીતે કહેવાય?


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK