માસિક ધર્મ એ સ્ત્રીના જીવનનો સ્વાભાવિક અને કુદરતી ભાગ છે. એમ છતાં આજના આધુનિક યુગમાં પણ આ વિષય પર ખુલ્લેઆમ વાત કરવામાં સંકોચ અનુભવાય છે. કેટલાક પરિવારોમાં આજે પણ માસિક ધર્મને લજ્જા કે અશુદ્ધતા સાથે જોડવામાં આવે છે.
ધરતી જોશી
માસિક ધર્મ એ સ્ત્રીના જીવનનો સ્વાભાવિક અને કુદરતી ભાગ છે. એમ છતાં આજના આધુનિક યુગમાં પણ આ વિષય પર ખુલ્લેઆમ વાત કરવામાં સંકોચ અનુભવાય છે. કેટલાક પરિવારોમાં આજે પણ માસિક ધર્મને લજ્જા કે અશુદ્ધતા સાથે જોડવામાં આવે છે. આ વિશે યોગ્ય સમજ કેળવવી અને શરીરમાં થતા ફેરફારો પ્રત્યે જાગૃત રહેવું સ્ત્રી માટે જરૂરી છે.
આજની છોકરીઓ ભણતર, નોકરી અને કરીઅર બનાવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે ઘણી વાર પોતાના સ્વાસ્થ્યને જ અવગણે છે. સમયસર જમવાનું ન થવું, ઊંઘ પૂરી ન થવી, માનસિક તનાવ અને વજનમાં ફેરફાર જેવી બાબતોની અસર માસિક ચક્ર પર પણ પડી શકે છે. શરૂઆતનાં વર્ષોમાં માસિક અનિયમિત હોઈ શકે છે; પરંતુ લાંબા સમય સુધી માસિક ન આવવું, વારંવાર અનિયમિતતા રહેવી કે અસામાન્ય તકલીફો થતી હોય તો એને સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. સામાન્ય રીતે ૧૫ વર્ષની ઉંમર સુધી માસિક શરૂ ન થાય તો સ્ત્રીરોગના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. કરીઅર અને બીજી જવાબદારીઓની સાથે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સમય કાઢવો એટલો જ જરૂરી છે.
સ્ત્રીના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે. આપણા દેશમાં ઋતુ પ્રમાણે વિવિધ ફળો, શાકભાજી અને અનાજ ઉપલબ્ધ છે. એનો સંતુલિત આહારમાં સમાવેશ કરવાથી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે. યોગ અને શારીરિક પ્રવૃત્તિ પણ સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બની શકે છે. જોકે માસિક-સંબંધિત કોઈ સમસ્યા હોય તો માત્ર ખાનપાન કે જીવનશૈલીમાં ફેરફાર પર આધાર રાખવાને બદલે જરૂરિયાત મુજબ તબીબી સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે.
આજે પણ ઘણી યુવતીઓને પોતાના શરીરની રચના અને માસિક-પ્રક્રિયા વિશે પૂરતી માહિતી હોતી નથી. આ બાબતમાં માત્ર માતા જ નહીં, પિતા અને ભાઈઓએ પણ સહજતાથી વાતચીતમાં ભાગ લેવો જોઈએ. પરિવારના સભ્યો જ્યારે માસિક ધર્મને શરમ કે સંકોચનો વિષય બનાવવાને બદલે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સામાન્ય પ્રક્રિયા તરીકે સ્વીકારે છે ત્યારે છોકરીઓને પોતાની તકલીફો વિશે વાત કરવામાં સરળતા રહે છે. આવી ખુલ્લી વાતચીતથી યોગ્ય સમયે મદદ મેળવવામાં પણ સરળતા રહે છે.
માસિક ધર્મ વિશે જાગૃતિ લાવવાની જરૂરિયાત એટલા માટે પણ છે કે ઘણી યુવતીઓ માસિક ચક્રના સ્વાસ્થ્યને માત્ર માતા બનવાની ક્ષમતા સાથે જોડીને જુએ છે. કેટલીક યુવતીઓ માતા બનવા ઇચ્છતી ન હોય તો પણ પોતાના શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. માતા બનવું કે નહીં એ વ્યક્તિગત પસંદગી છે, પરંતુ પોતાના શરીરને સ્વસ્થ રાખવું દરેક સ્ત્રી માટે મહત્ત્વપૂર્ણ છે. માસિક ચક્રમાં થતા ફેરફારો શરીરમાં રહેલી કેટલીક સ્વાસ્થ્ય-સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. તેથી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાને બદલે શરીરમાં થતા ફેરફારોને સમજવા જોઈએ અને જરૂર પડે ત્યારે યોગ્ય સલાહ લેવી જોઈએ.
