Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઘરના સભ્યોની અપેક્ષા વધે ત્યારે સુપરવુમનનો ટૅગ ભાર બની જાય

ઘરના સભ્યોની અપેક્ષા વધે ત્યારે સુપરવુમનનો ટૅગ ભાર બની જાય

Published : 21 July, 2026 05:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘર અને નોકરી વચ્ચે સંતુલન સાધતી મહિલાઓ દરરોજ અનેક જવાબદારીઓ નિભાવે છે, છતાં તેમના પરિશ્રમને ઘણી વખત સ્વાભાવિક ફરજ ગણવામાં આવે છે. સાચું સ્ત્રીસશક્તીકરણ ત્યારે જ શક્ય બનશે જ્યારે ઘરની અંદર પણ મહિલાના શ્રમ, લાગણીઓ અને યોગદાનને યોગ્ય માન-સન્માન મળશે.

આરતી તુરખિયા

આરતી તુરખિયા


સવારે વહેલા ઊઠીને રસોડાના કામમાં જોતરાઈ જવું, સાથે જ બાળકના સ્કૂલના યુનિફૉર્મ પર ઇસ્ત્રી ફેરવવી, તેનું ટિફિન ભરવું, ઑફિસની ફાઇલ ગોઠવવી અને મગજમાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સને પૂરાં કરવાના ટાસ્ક વિશે વિચારતાં વિચારતાં ઘરના વડીલની દવાઓને યાદ કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકવી. આ સુપરહીરોની ફિલ્મનું દૃશ્ય નથી, ભારતનાં કરોડો ઘરોમાં રોજ સવારે જિવાતી હકીકત છે. આ હકીકતનું નામ છે મલ્ટિ-ટાસ્કિંગ વુમન. સામાન્ય રીતે પુરુષો એક સમયે એક કામ કરે છે, જ્યારે સ્ત્રીઓ એકસાથે અનેક મોરચે લડતી હોય છે. મહિલાઓ ઘરનો આધારસ્તંભ છે છતાં આજેય અનેક ભારતીય પરિવારોમાં તેમના કામની કદર થતી નથી. ગૃહિણી હોય કે નોકરિયાત મહિલા - આ કામને ફરજનું નામ આપી દેવાય છે. આજે બધાને ભણેલી-ગણેલી અને નોકરી કરતી વહુ જોઈએ છે. મોંઘવારીના સમયમાં પતિ-પત્ની બન્ને કમાય એ સમયની જરૂરિયાત છે, પણ ઘરના કામની અને સામાજિક જવાબદારીની વાત આવે ત્યારે બધા પુત્રવધૂ પાસેથી અપેક્ષા રાખે છે. તેને સુપરવુમનનો ટૅગ આપી દો છો, પણ તેના કામની કદર ન થાય ત્યારે આ ટૅગનો તેને ભાર લાગે છે અને એ ટૅગને જાળવી રાખવા તે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના કામ કર્યે જાય છે. 
આપણે સ્ત્રીસશક્તીકરણની વાતો કરીએ છીએ, જમાના પ્રમાણે બદલાવું જોઈએ એવાં બણગાં ફૂંકીએ છીએ, પતિ અને ઘરના સભ્યોને ઘરકામમાં મદદ કરવાની સલાહ આપીએ છીએ; પણ હકીકત ઘણી જુદી છે. આજે પણ અનેક ઘરોમાં સ્ત્રીની ભૂમિકા બદલાઈ નથી. નોકરિયાત મહિલાને હજીયે આપણે થોડીઘણી હેલ્પ કરીએ છીએ, જ્યારે ગૃહિણી માટેનો આપણો અભિપ્રાય ઉપર જણાવ્યો એવો જ છે. નોકરિયાત મહિલા હોય કે ગૃહિણી - તેના અથાગ પરિશ્રમને કારણે ચાર દીવાલો ઘર બને છે એ સમજવું જરૂરી છે. તે ઘરમાં નથી વસતી, તેનામાં આખું ઘર વસે છે. તેને પણ થાક લાગે છે. સતત કામ અને માનસિક બોજને લીધે અનેક મહિલાઓ અંદરથી તૂટી જાય છે, તેમના સ્વાસ્થ્ય પર અસર થાય છે. ઘણા લોકો કહે છે કે સ્ત્રીને સમજવી અઘરી છે. હકીકતમાં સ્ત્રી સાવ સરળ છે. તેને થોડી હૂંફની જરૂર છે. તેના શબ્દોને નહીં, મૌનને સમજી લો. મહિલા-કેન્દ્રિત કાર્યક્રમોમાં આત્મનિર્ભરતા પર ઘણી ચર્ચા થાય છે. હવે પારિવારિક અને દામ્પત્યજીવનને લગતા કાર્યક્રમો યોજીને સ્ત્રીની ભૂમિકા અંગે ચર્ચા અને સ્પષ્ટતા બન્ને જરૂરી છે. પરિવારના સૌથી મહત્ત્વના પાત્રને સમાજમાં જ નહીં, ઘરની અંદર પણ યોગ્ય સ્થાન મળશે ત્યારે એ સાચું સ્ત્રીસશક્તીરણ કહેવાશે. 

 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK