Sikkim Tunnel Tragedy: સિક્કિમના નામચી જિલ્લામાં સમરદુંગ ઝોલુંગે નજીક એક નિર્માણાધીન ટનલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ; પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દ્વારા શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે
બચાવ કામગીરી ચાલુ છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
સિક્કિમ (Sikkim)ના નામચી (Namchi) જિલ્લાના સામરદુંગ, ઝોલુંગે (Samardung, Jholungey) ખાતે એનએચપીસી (NHPC)ની નિર્માણાધીન તીસ્તા સ્ટેજ-૬ જળવિદ્યુત પરિયોજના (NHPC Teesta Stage VI Hydroelectric Project)ની સુરંગમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૦ થયો છે. જિલ્લા પ્રશાસને મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે.
આ દર્દનાક અકસ્માત (Sikkim Tunnel Tragedy) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગ (Prem Singh Tamang) સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. વડાપ્રધાને ચાલી રહેલા બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી અને રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી તમામ સંભવ સહાયતાની ખાતરી આપી હતી.
ADVERTISEMENT
કેન્દ્ર તરફથી મળશે તમામ જરૂરી સહયોગ
મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા પ્રભાવિત શ્રમિકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર (Indian Government) રાહત અને બચાવ કામગીરીમાં રાજ્ય સરકારને તમામ જરૂરી સહયોગ પૂરો પાડશે.
મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગે વડાપ્રધાન દ્વારા દાખવવામાં આવેલી સંવેદનશીલતા અને ઝડપી હસ્તક્ષેપ બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાનનું સમર્થન અને એકજૂથતા રાજ્ય માટે મોટી તાકાત છે. દુર્ઘટના બાદ સુરંગમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે શોધ અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Following the tragic incident at the under-construction tunnel of the NHPC Teesta Stage VI Hydroelectric Project at Samardung, Jholungey, in Namchi District, Hon`ble Prime Minister Shri Narendra Modi Ji spoke with me to enquire about the situation and the ongoing rescue…
— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) July 21, 2026
મુખ્યમંત્રી તમાંગે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રમિકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આ દુઃખદ ક્ષણે રાજ્યની તમામ જનતા શોકગ્રસ્ત પરિવારોની સાથે ઊભી છે. તેમણે દિવંગત શ્રમિકોની આત્માની શાંતિ અને પરિજનોને આ અફાટ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેઓ રાહત અને બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે. જિલ્લા પ્રશાસન, રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (SSDMA), સિક્કિમ પોલીસ, SDRF, અગ્નિશામક અને ઇમરજન્સી સેવાઓ, પાક્યોંગ અને સિલીગુડીની NDRF ટીમો સહિત વિવિધ નિષ્ણાત એજન્સીઓ સુરંગમાં ફસાયેલા બાકીના શ્રમિકો સુધી પહોંચવા અને તેમને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સાહસ, સમર્પણ અને અથાક પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે પડકારજનક પરિસ્થિતિઓ છતાં તેઓ સતત અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ સંબંધિત તમામ વિભાગો અને એજન્સીઓને તમામ સંભવ સહાય પૂરી પાડવા, બચાવ કામગીરી ઝડપી બનાવવા અને સમગ્ર અભિયાન દરમિયાન સુરક્ષાના ધોરણોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા, અપ્રમાણિત અને ભ્રામક માહિતી ફેલાવવાથી બચવા તથા પ્રભાવિત શ્રમિકો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર બચાવ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા અને પ્રભાવિત પરિવારોને તમામ સંભવ સહયોગ આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
કેટલા મૃતદેહોની ઓળખ થઈ?
મળી આવેલા મૃતદેહોમાં પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના રહેવાસી બોલો ઓરાંવ, ગોરા ઓરાંવ અને બાઇકેસર ઓરાંવ, પંજાબના પઠાણકોટના રહેવાસી યાસોહલ, ઉત્તરાખંડના દહેરાદૂનના રહેવાસી વિકેય રાવત, અસમના રહેવાસી બાબુલ બોરોદલઇ અને નામચી જિલ્લાના કટાંગના રહેવાસી લાક્પા દોર્જી તમાંગ સમાવિષ્ટ છે.
બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ મૃતદેહોને જિલ્લા હોસ્પિટલ સિંગતામ અને STNM હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
સતત ચલાવવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન
નામચી જિલ્લા પ્રશાસન, અધિકારીઓ, SDRF, NDRF, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સાથે મળીને સતત ઓપરેશન ચલાવી રહ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે SSDMA સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે આગળની માહિતી આપવામાં આવશે.
૨૭ મજૂરો સુરંગની અંદર ફસાયેલા હોવાની આશંકા
નામચી જિલ્લાના કલેક્ટર અનૂપા તમાંગે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, "લગભગ ૨૭ મજૂરો સુરંગની અંદર ફસાયેલા હોવાની શક્યતા છે. જોકે, સુરંગની અંદરની સ્થિતિ અંગે હજુ સુધી પૂર્ણ માહિતી મળી નથી, તેથી સાચી સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી."
તેમણે જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક ટીમ ટનલમાં દાખલ થઈ ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે NDRF ટીમ પાછી ફર્યા બાદ જ સ્પષ્ટ માહિતી મળી શકશે કે કેટલા વર્કર્સ અંદર છે અને તેમની હાલત કેવી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે બપોરે સમરડોંગમાં એક સુરંગની અંદર કથિત રીતે ગેસ લીક થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સુરંગની અંદર કામ કરી રહેલા લોકો ફસાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે સંબંધિત એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.
