Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ટીનેજ સંતાનને સોશ્યલ મીડિયા વાપરવા આપવું કે નહીં?

ટીનેજ સંતાનને સોશ્યલ મીડિયા વાપરવા આપવું કે નહીં?

Published : 17 March, 2026 04:05 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

‘મમ્મી, પ્લીઝ યાર. મારા આખા ક્લાસમાં બધા જ ઇન્સ્ટા પર છે. ફક્ત હું જ એકલો એવો છું જેની પાસે અકાઉન્ટ નથી. બધા મને લૂઝર સમજે છે.’

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટીનેજર્સ માટે સોશ્યલ મીડિયાથી દૂર રહેવું એટલે જાણે આખી દુનિયાથી કપાઈ જવું. પેરન્ટ્સની ના અને સંતાનોની હા વચ્ચેના આ સંઘર્ષમાં ઉકેલ માત્ર ખુલ્લા સંવાદમાં રહેલો છે. જાસૂસી કરવાને બદલે જો માર્ગદર્શક બનીને સંતાનને જવાબદારી સોંપવામાં આવે તો તે આ ડિજિટલ દુનિયામાં વધુ સુરક્ષિત અને મક્કમ રહી શકે છે

‘મમ્મી, પ્લીઝ યાર. મારા આખા ક્લાસમાં બધા જ ઇન્સ્ટા પર છે. ફક્ત હું જ એકલો એવો છું જેની પાસે અકાઉન્ટ નથી. બધા મને લૂઝર સમજે છે.’



આ સંવાદ આજે ૧૪-૧૬ વર્ષનાં ટીનેજ ગર્લ્સ-બૉય્ઝ અને તેમના પેરન્ટ્સ વચ્ચે ખૂબ જ કૉમન થઈ ગયો છે. એક તરફ ટીનેજરની એ જીદ છે કે જો તે સોશ્યલ મીડિયા પર નથી તો તે દુનિયાથી કટ-ઑફ છે. બીજી તરફ પેરન્ટ્સનો એ ડર છે કે સાઇબર-બુલિંગ, અજાણ્યા લોકોના મેસેજ અને પ્રાઇવસી લીક થવાના આ રસ્તા પર તેમનું સંતાન ક્યાંક ખોવાઈ ન જાય. આ સ્થિતિમાં જ્યારે પેરન્ટ્સ સ્ટ્રિક્ટ નો કહે છે ત્યારે સંતાનો બળવો કરે છે અથવા છુપાઈને અકાઉન્ટ બનાવે છે, જે વધુ જોખમી છે. જો ફ્રી હૅન્ડ આપી દેવામાં આવે તો તે આ ડિજિટલ વમળમાં ફસાઈ શકે છે. સવાલ એ નથી કે સોશ્યલ મીડિયા સારું છે કે ખરાબ, સવાલ એ છે કે ના અને હા વચ્ચેનો એ વચલો માર્ગ કયો છે? કેવી રીતે સંતાનને સેફ્ટી-બેલ્ટ બાંધીને ડિજિટલ આઝાદી આપવી?


ટીનેજરોમાં સોશ્યલ મીડિયાનો ક્રેઝ કેમ?

ટીનેજ સંતાનોને સોશ્યલ મીડિયા પ્રત્યે આટલો ઝુકાવ કેમ હોય છે સૌથી પહેલાં તો એ સમજવું પેરન્ટ્સ માટે જરૂરી છે. એ પાછળની સાઇકોલૉજી સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘જ્યારે કોઈ ટીનેજરની પોસ્ટ પર લાઇક કે કમેન્ટ આવે છે ત્યારે તેમના મગજમાં ડોપમીન નામનું ફીલગુડ કેમિકલ રિલીઝ થાય છે, જે એક પ્રકારનો રિવૉર્ડ હોવાથી તેમને વારંવાર ઍપ ખોલવા મજબૂર કરે છે. આ ઇન્સ્ટન્ટ રીઍક્શન તેમને અનુભવ કરાવે છે કે લોકો તેમને જોઈ રહ્યા છે અને તેઓ કોઈના માટે મહત્ત્વના છે. આ ઉપરાંત મિત્રો સાથે જોડાવા, કૂલ દેખાવા, એકલતા દૂર કરવા કે સેલિબ્રિટીઝ સાથે કનેક્ટ થવા માટે પણ તેઓ સોશ્યલ મીડિયા તરફ વળે છે. ૧૪-૧૬ વર્ષની ઉંમર એવી હોય છે જ્યાં સંતાનોમાં સ્વીકૃતિની ભૂખ પ્રબળ હોય છે. તેમને સતત એ જાણવું હોય છે કે મિત્રો તેમના વિશે શું વિચારે છે અને સોશ્યલ મીડિયા તેમને પૉપ્યુલર હોવાનો અહેસાસ કરાવે છે. આ ઉપરાંત ફિયર ઑફ મિસિંગ આઉટ (FOMO) એટલે કે દુનિયાથી કપાઈ જવાનો ડર તેમને સતત નવા ટ્રેન્ડ્સ ફૉલો કરવા અને કન્ટેન્ટ ક્રીએશન કરવા માટે પ્રેરિત કરે છે. આ ઉંમરે બાળકો પોતાની ઓળખની શોધ પણ કરતાં હોય છે જેમાં સોશ્યલ મીડિયા તેમને પોતાની મનગમતી વસ્તુઓ દ્વારા એક ડિજિટલ પર્સનાલિટી બનાવવાનો મંચ આપે છે. તેમના માટે આ ફક્ત ટાઇમપાસ નથી પણ મિત્રો સાથે જોડાવાનું અને સામાજિક રીતે સક્રિય રહેવાનું અનિવાર્ય માધ્યમ છે.’


કડકાઈ દાખવવાની ભૂલ શા માટે કરવી?

ટીનેજ સંતાનની સેફ્ટી માટે ઘણી વાર પેરન્ટ્સ તેમને સોશ્યલ મીડિયા યુઝ કરવાને લઈને ઘસીને ના પાડી દેતા હોય છે. આવું પેરન્ટ્સ સંતાનના ભલા માટે જ કરતા હોય છે, પણ સીધી ના ઘણી વાર ઊલટી અસર કરે છે. આ વાતને ઊંડાણપૂર્વક સમજાવતાં તેઓ કહે છે, ‘ટીનેજમાં બાળકોને લાગે છે કે તેઓ બધું જ મૅનેજ કરી શકે છે. જ્યારે પેરન્ટ્સ સ્ટ્રિક્ટ્લી ‘ના’ પાડે છે ત્યારે સંતાનને પોતાની આઝાદી છીનવાતી લાગે છે. પરિણામે તેઓ સીક્રેટ અકાઉન્ટ્સ બનાવે છે. તેમની પાસે બુદ્ધિ છે, પણ દુનિયાનો અનુભવ નથી. એટલે આ ‘આઇ વિલ મૅનેજ’વાળો ઍટિટ્યુડ તેમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. સ્ટ્રિક્ટ્લી ‘ના’ પાડવાથી બાળકને ‘લેફ્ટ આઉટ’ અથવા ‘સોશ્યલ આઇસોલેશન’નો અનુભવ થવો વાજબી છે. તેના FOMOને નજરઅંદાજ કરવાને બદલે એનો સ્વીકાર કરવો જરૂરી છે. એવામાં વચલો માર્ગ એ છે કે બાળકને ડરાવવાને બદલે તેને સંવાદમાં ઇન્વૉલ્વ કરો. સંતાનને જજ કરવાને બદલે તેની સામે તાર્કિક સવાલો મૂકો. જેમ કે શું તને લાગે છે કે તારી પાસે ખરેખર આ બધું મૅનેજ કરવાનો ટાઇમ છે? શું આ તારા ગોલ કે રિયલ ફ્રેન્ડ્સના સમયને કૉમ્પ્રોમાઇઝ તો નથી કરી રહ્યુંને? જ્યારે સંતાનને લાગશે કે તેને જજ કરવામાં નથી આવતું ત્યારે તે સામે ચાલીને અનુભવો શૅર કરશે. સંતાનને ડિજિટલ સમજ આપવી અને ‘ડિજિટલ બૅલૅન્સ’ શીખવવું એ આજના સમયની માગ છે. જો નિર્ણય બાળકનો પોતાનો હશે તો તે વધુ મક્કમ અને સુરક્ષિત હશે. મજબૂરીથી દૂરી રાખવા કરતાં સમજણથી બનાવેલી દૂરી વધુ કાયમી હોય છે. સોશ્યલ મીડિયાની આભાસી દુનિયામાંથી બહાર રાખવા માટે સંતાનને રિયલ વર્લ્ડમાં એન્ગેજ કરવું જરૂરી છે. જો તેની પાસે એવી કોઈ હૉબી હશે કે એવા મિત્રો હશે જેમની સાથે તે નીચે જઈને રમી શકે તો તેને વર્ચ્યુઅલ વર્લ્ડની જરૂર ઓછી પડશે. મારો ૧૫ વર્ષનો દીકરો આજે પોતાની ચૉઇસથી ઇન્સ્ટાગ્રામ પર નથી. અમે તેને ઘરમાં એવું સેટઅપ અને જવાબદારીઓ આપી છે જ્યાં તેને પોતાની વૅલ્યુ સમજાય છે. જ્યારે બાળક ઘરનાં કામોમાં કે નિર્ણયોમાં ઇન્વૉલ્વ થાય છે ત્યારે તેની સેલ્ફ-વર્થ વધે છે. તેને સમજાય છે કે તેની ઓળખ માત્ર ઇન્સ્ટાગ્રામની લાઇક્સ પર નિર્ભર નથી.’

ડરાવો નહીં, સમજણ આપો

ઘણી વાર પેરન્ટ્સ તેમના ટીનેજ સંતાનને સોશ્યલ મીડિયાથી દૂર રાખવા માટે ડરાવે છે અથવા તો મંજૂરી આપ્યા બાદ તેની જાસૂસી કરતા હોય છે. આવું શા માટે ન કરવું જોઈએ એ સમજાવતાં રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘ફક્ત સોશ્યલ મીડિયાનાં જોખમો ગણાવ્યે રાખવાથી સંતાન કંટાળી જાય છે. તેમના મનમાં ડર બેસાડવાને બદલે ચર્ચા દ્વારા શિક્ષણ વધુ કામ કરે છે. દર વખતે ‘આવું થઈ જશે’ એવી ચેતવણી આપવાને બદલે અઠવાડિયામાં એક વાર ફૅમિલી-ટાઇમમાં સાઇબર-બુલિંગ કે ઑનલાઇન સિક્યૉરિટી વિશે હળવી ચર્ચા કરો. તેમને સોશ્યલ મીડિયા સેફલી યુઝ કરવા સંબંધિત ટેક્નિકલ માહિતી આપો. જેમ કે પ્રોફાઇલ હંમેશાં પ્રાઇવેટ રાખવું, ફકત ઓળખીતા લોકોને ફૉલો કરવા, અજાણ્યા લોકોની ફ્રેન્ડ-રિક્વેસ્ટ કે મેસેજ ન સ્વીકારવા, પર્સનલ ડીટેલ્સ શૅર ન કરવી, સમજી-વિચારીને ફોટો-વિડિયોઝ શૅર કરવા, અયોગ્ય અકાઉન્ટને બ્લૉક/રિપોર્ટ કરવા, દરેક ટ્રેન્ડ ફૉલો ન કરવા. તેમને સમજાવો કે સોશ્યલ મીડિયા પર મળતાં લાઇક્સ, કમેન્ટ્સ અસ્થાયી છે; એ તમારી ઓળખ નથી. વાસ્તવિક સંબંધો વધારે જરૂરી છે. જ્યારે પેરન્ટ્સ આ પ્રકારની વાતચીત કરે છે ત્યારે બાળકને સમજાય છે કે વાલીઓ તેમની પાછળ નથી પડ્યા પણ તેમની સેફ્ટી માટે ચિંતિત છે. ઘણી વાર એવું બને છે કે પેરન્ટ્સ સોશ્યલ મીડિયા વાપરવાની પરમિશન તો આપી દે છે પણ પછી જાસૂસ બનીને સંતાન પર નજર રાખવાની ભૂલ કરી બેસે છે. પેરન્ટ્સે પોતે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. બાળકને વિશ્વાસ અપાવો કે જો હું મારો ફોન લૉક નથી રાખતો. તું મારો ફોન ગમે ત્યારે જોઈ શકે છે. આપણી ફૅમિલીમાં કોઈ સીક્રસી નથી. આપણે એકબીજાની સપોર્ટ સિસ્ટમ છીએ. જ્યારે ઘરમાં આવું પારદર્શક વાતાવરણ હશે ત્યારે બાળકને પણ સીક્રેટ અકાઉન્ટ્સ બનાવવાની કે ફોન છુપાવવાની જરૂર નહીં લાગે. જો તમને ક્યારેક સંતાનનો ફોન જોવાની ઇચ્છા થાય તો જાસૂસી કરવાને બદલે તેની હાજરીમાં પરમિશન માગો. તેમને કહો, શું હું તારા ફોન પર એક નજર નાખી શકું? હું બસ એ જોવા માગું છું કે કોઈ એવી વસ્તુ તો નથીને જે તને મુશ્કેલીમાં મૂકી શકે. હું તને મદદ કરવા માગું છું, તને જજ કરવા નહીં. જ્યારે બાળકને ખાતરી થાય છે કે તમે તેના પોલીસ નથી પણ પાર્ટનર છો ત્યારે તે ડિજિટલ દુનિયામાં વધુ જવાબદાર અને તમારી સાથે વધુ ઓપન બને છે.’

તમારા અને સંતાન વચ્ચેનો ખુલ્લો સંવાદ એ જ સૌથી મોટું સાઇબર સિક્યૉરિટી કવચ છે. ટેક્નૉલૉજી રોજ બદલાશે, પણ તમારા અને સંતાન વચ્ચેનો આત્મવિશ્વાસ અકબંધ રહેવો જોઈએ. જો તમે આજે તેમની સાથે પારદર્શક સંબંધ રાખશો તો ભવિષ્યમાં કોઈ પણ ડિજિટલ મુસીબત વખતે તેઓ તમારાથી ભાગવાને બદલે તમારી પાસે સલાહ લેવા આવશે. સંતાનોને ડિજિટલ આઝાદી આપો, પણ વિશ્વાસના સેફ્ટી-બેલ્ટ સાથે.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 04:05 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK