Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લગ્ન એક સમસ્યા કે પછી છૂટાછેડા સમસ્યા?

લગ્ન એક સમસ્યા કે પછી છૂટાછેડા સમસ્યા?

Published : 24 July, 2026 01:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં લગ્ન કરતાં વધુ પડકાર લગ્નજીવન સફળતાપૂર્વક નિભાવવાનો છે. ખુલ્લો સંવાદ, પારદર્શિતા, સહનશીલતા અને પ્રી-મેરેજ કાઉન્સેલિંગ જેવા પગલાં દાંપત્ય જીવનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

દિનેશ ગોગરી

દિનેશ ગોગરી


આજે સમાજમાં ઉંમરલાયક દીકરા-દીકરીનાં લગ્ન માબાપ માટે કોયડો છે. માબાપને જ ખબર નથી કે તેમનાં સંતાનો શું ચાહે છે. સામા પક્ષે સંતાનો માબાપ સાથે ખુલ્લા દિલે વાત નથી કરતાં. 
પહેલાં લગ્ન ન થાય એ સમસ્યા હોય અને લગ્ન થઈ જાય પછી પણ સમસ્યાનો અંત આવતો નથી. છેલ્લા થોડા સમયમાં ઘણા એવા કેસ જોવા મળ્યા છે જેમાં લગ્ન બાદ થોડા દિવસ બધું બરોબર ચાલે છે, પણ પછી નાની-નાની બાબતોમાં બોલાચાલી થાય અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય. લગ્ન પહેલાં બધું બરોબર ચાલતું હોય છે, પરંતુ લગ્ન પછી કેમ નથી ચાલતું? આ બાબતે સૌએ વિચાર કરવાનો છે. ઘણી વખત દીકરીઓ પોતે પરણ્યા બાદ જૉબ જ કરશે એવો આગ્રહ પહેલેથી કરતી હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે હું ઘરનાં કામ નહીં કરું અને જૉબ જ કરીશ. આ ઘર હવે તેનું પણ છે એવી સમજ કેળવવી પડશે અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવું પડે તો એ માટે તૈયાર રહેવું જોઈએ. પતિ-પત્નીએ જ નહીં, ઘરના બધા સદસ્યોએ સમજવામાં ક્યાં કોઈની ભૂલ થાય છે એના પર મનોમંથન કરવાની જરૂર છે. 
લગ્ન પહેલાં બન્ને પક્ષે દીકરા-દીકરી અને તેમના પરિવારની તપાસ થતી જ હોય છે. છતાં પણ ઘણા દાખલાઓમાં કોઈ પણ એક પક્ષે વાતો છુપાવવામાં આવે છે અને એ જ વાત ઝઘડાના મુખ્ય કારણ છૂટાછેડા સુધી આવી જાય છે. 
બન્ને પક્ષે થોડી સહનશીલતાની તો જરૂર છે જ. એના અભાવે પણ વાતનું વતેસર થતું હોય છે. નાની-નાની વાતો તો દરેક પરિણીત યુગલોમાં અને વડીલોમાં દરરોજ ચાલતી જ હોય જ છે, પરંતુ એનો મતલબ એ નથી કે કોઈ પણ વાતની જીદ પકડીને એને કોર્ટ સુધી લઈ જવી. અમારા શ્રી ક.વી.ઓ. જૈન સમાજમાં શ્રી ક.વી.ઓ. દેરાવાસી જૈન મહાજન, શ્રી ક.વી.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન અને શ્રી ક.વી. સેવા સમાજ નિર્મિત શ્રી ક.વી.ઓ. જૈન કેન્દ્રીય મધ્યસ્થી સમિતિની રચના કરી છે. આ સમિતિ દ્વારા સમાજમાં બનતા આવા અણબનાવોનું કે પ્રૉપર્ટીમાં થતા વાદવિવાદોનું સુખદ સમાધાન કરીને ઉકેલવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવે છે. સમાજના કાઉન્સેલર પણ આ મીટિંગમાં સાથે બેસે છે અને જો સમાધાન કદાચ ન પણ થાય તોય સમાજના ઍડ્વોકેટ મારફત નજીવા ખર્ચે કામ થાય છે. 
અમે સમગ્ર સમાજને અપીલ કરીએ છીએ કે જો તમારા ઘરે કોઈ લગ્ન નક્કી થાય તો એ પહેલાં આપ સૌ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ ફરજિયાત કરાવો જેથી આગળ કોઈ સમસ્યા ન આવે. સગાઈ અને લગ્ન વચ્ચેના સમયગાળાને ગોલ્ડન પિરિયડ કહેવામાં આવે છે. બન્ને ઉમેદવારોએ આ સમય દરમ્યાન યોગ્ય કમ્યુનિકેશન સ્કિલ કેળવવાની સાથે ભાવિ લગ્નજીવન માટે મહત્ત્વનાં પાસાંઓનું પ્લાનિંગ કરવું પણ જરૂરી છે. એમાં ફાઇનૅન્શિયલ પ્લાનિંગનો મુદ્દો પણ હોવો જોઈએ. આજના સમયમાં એ બહુ મહત્ત્વનો સાબિત થાય છે જે ભવિષ્યમાં ઘણા મતભેદને નિવારી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK