અન્ડરપાસ બન્યા સ્વિમિંગ-પૂલ : પાણીમાં ફસાયેલા સ્કૂલના સ્ટુડન્ટ્સને પોલીસ-વૅન સહિતનાં વ્હીકલ્સમાં બેસાડીને સલામત રીતે ઘરે પહોંચાડ્યા : ૫૮ વૃક્ષો ઊખડી ગયાં
મહિલા પોલીસ-કર્મચારી સહિતના પોલીસના જવાનો સ્કૂલનાં બાળકોને વૅનમાં બેસાડીને ઘરે મૂકી આવ્યાં હતાં.
અમદાવાદમાં ચોમાસાની આ સીઝનમાં પહેલી વાર ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ધોધમાર ૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. એને કારણે શહેર આખું જળબંબાકાર થઈ ગયું હતું. સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં શહેરીજનોના હાલ બેહાલ થઈ ગયા હતા.
અમદાવાદમાં ગઈ કાલે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જુદા-જુદા વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે અસંખ્ય વિસ્તારોના રસ્તાઓ નદીઓ જેવા બની ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં નાગરિકો પારાવાર હાલાકીમાં મુકાઈ ગયા હતા.
શહેરમાં આવેલા અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમલ, શાહીબાગ, જલારામ અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોની સલામતી માટે બંધ કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદ વચ્ચે પોલીસની કામગીરી ઊડીને આંખે વળગી હતી. જુદા-જુદા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા સ્કૂલ-સ્ટુડન્ટ્સને પોલીસે તેમની વૅન સહિતનાં વ્હીકલ્સમાં બેસાડીને સલામત રીતે ઘરે પહોંચડ્યા હતા.
ટ્રાફિક-નિયમન માટે પોલીસ-કમિશનર અનુપમસિંહ ગેહલોત રસ્તા પર ઊતર્યા હતા.
શેલા વિસ્તારમાં સ્ટુડન્ટ્સને બુલડોઝરમાં બેસાડી બહાર કાઢ્યા હતા. ઘૂંટણ સુધી પાણી વચ્ચે પેરન્ટ્સ ચાલીને સ્કૂલ સુધી ગયા હતા અને તેમનાં બાળકોને લઈ આવવા માટે મજબૂર થયા હતા.
ભારે વરસાદ અને પવનને કારણે શહેરમાંથી ૫૮ વૃક્ષો ઊખડી ગયાં હતાં.
