સંતાનો તેમને સમય નથી આપી શકતાં એવી વડીલોની મીઠી ફરિયાદમાં જ્યારે મીઠાં સંભારણાંઓવાળી નાની-નાની ટ્રિપ્સ ભળે છે ત્યારે બન્ને પેઢીઓનું મન કેવું પ્રફુલ્લિત થઈ જાય છે એની વાતો જાણીએ પેરન્ટ્સ અને સંતાનો પાસેથી
બહુ મોડું થઈ જાય એ પહેલાં પેરન્ટ્સ સાથે સમય વિતાવી લેજો
ઝીનત અમાને આપેલી આ સલાહ આપણા સૌના માટે છે. જેમણે પણ આ સલાહ જીવનમાં ઉતારી છે તેમના પેરન્ટ્સ બહુ ખુશ હોય છે એમાં કોઈ શક નથી. સંતાનો તેમને સમય નથી આપી શકતાં એવી વડીલોની મીઠી ફરિયાદમાં જ્યારે મીઠાં સંભારણાંઓવાળી નાની-નાની ટ્રિપ્સ ભળે છે ત્યારે બન્ને પેઢીઓનું મન કેવું પ્રફુલ્લિત થઈ જાય છે એની વાતો જાણીએ પેરન્ટ્સ અને સંતાનો પાસેથી
આજકાલ આપણી લાઇફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે સવારથી સાંજ ક્યાં નીકળી જાય છે એ ખબર જ નથી પડતી. ઑફિસનું કામ, ઘરની જવાબદારીઓ અને સોશ્યલ લાઇફમાં આપણે એટલા ખોવાઈ ગયા છીએ કે જેમના કારણે આપણે આ દુનિયામાં આવ્યા એ માતા-પિતા જ ક્યાંક સાઇડમાં રહી જાય છે. હમણાં બૉલીવુડની ઍક્ટ્રેસ ઝીનત અમાને આ જ બાબતે પોતાના દિલની વાત શૅર કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યું હતું કે ‘શું હું એકલી જ એવી મા છું જેને ફરિયાદ હોય કે મારાં બાળકો મને સમય નથી આપતાં?’ ઝીનત અમાને લખ્યું હતું કે ‘ઘણી વાર હું સમય વિતાવવા માટે કહેતી, પણ જાણે કોઈ સાંભળતું જ ન હોય એવું લાગતું. જોકે પછી દીકરા ઝહાને મને એક મસ્ત સરપ્રાઇઝ આપી. તે મને લઈને ગોવા ઊપડી ગયો. મને બસ આવા જ સુકૂન અને શાંતિની જરૂર હતી. આ ટ્રિપથી મારું મન એકદમ ફ્રેશ થઈ ગયું.’
ઝીનત અમાને બે બહુ સાદી પણ મોટી વાત કરી છે. તેમણે માતા-પિતા માટે કહ્યું છે, ‘જો તમારાં બાળકો કામમાં બહુ વ્યસ્ત રહેતાં હોય તો સામેથી કહો કે મને તારો સમય જોઈએ છે. હકથી માગશો તો તેમને સમજાશે.’
બીજી બાજુ ઝીનત અમાને સંતાનોને પણ સલાહ આપતાં કહ્યું છે, ‘તમે ભલે ગમે એટલાં બિઝી હો, પણ યાદ રાખજો કે મમ્મી-પપ્પા હંમેશાં તમારી સાથે નથી રહેવાનાં. એટલે જે પણ સમય મળે એને યાદગાર બનાવો.’
ઝીનત અમાનનો આ અનુભવ અનેક લોકોની અંગત જિંદગીમાં પણ થયો હશે. આજે આપણે એવાં સંતાનો સાથે વાત કરીએ જેઓ તેમની બિઝી લાઇફસ્ટાઇલમાંથી પોતાના પેરન્ટ્સ માટે સમય કાઢીને તેમની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે અને એવા પેરન્ટ્સ સાથે પણ વાત કરીએ અને તેમની લાગણીઓ જાણીએ કે જ્યારે તેમનાં સંતાનો તેમને સમય આપે છે ત્યારે તેમને કેટલો હરખ થાય છે.
ADVERTISEMENT
સાથે રહેવું અને સાથે જીવવું એમાં ફરક છે : વિરલ ગડા
કરીઅરની ભાગદોડમાં અને ડેઇલી રૂટીનમાં આપણે એટલા ખોવાઈ જઈએ છીએ કે ફૅમિલી ટાઇમ જેવો શબ્દ ઘણી વાર બહુ ચીલાચાલુ લાગવા માંડે છે. કામના ભાર નીચે દબાયેલા હોઈએ ત્યારે પ્લાનિંગ કરવું ઇમ્પૉસિબલ લાગે, પણ મારા માટે ટર્નિંગ પૉઇન્ટ એક એવી ક્ષણ હતી જેણે મારી વિચારવાની રીત બદલી નાખી એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતા ૩૧ વર્ષના વિરલ ગડા તેમનો એક્સ્પીરિયન્સ શૅર કરતાં કહે છે, ‘મારા પિતાને ટ્રાવેલિંગનો બહુ શોખ. વર્ષો સુધી મેં તેમને ઘરની બારીમાંથી પ્લેન જતાં જોતા અને મનમાં એવું વિચારતા જોયા છે કે આકાશમાં ઊડતી વખતે કેવું લાગતું હશે? એક વાર હું ઇન્દોરથી મારી બ્રાન્ચ-વિઝિટ પતાવીને ફ્લાઇટમાં પાછો આવી રહ્યો હતો ત્યારે અચાનક મને રિયલાઇઝ થયું કે હું મારા કામ માટે આટલું રેગ્યુલર ફ્લાય કરું છું, પણ મારા પિતાનું આ એક સાવ સિમ્પલ સપનું હજી પણ અધૂરું છે. એ દિવસે મને સમજાયું કે એક જ છત નીચે રહેવું અને ખરેખર લાઇફ શૅર કરવી એ બન્નેમાં બહુ મોટો તફાવત છે. આપણે માત્ર સ્પેસ શૅર કરીએ છીએ, પળો નહીં. મેં એ જ ક્ષણે નક્કી કરી લીધું કે મારે પિતાનું આ સપનું પૂરું કરવું જ છે. જો હું એવું વિચારીને બેસી રહું કે જ્યારે મારું શેડ્યુલ થોડું હળવું થશે ત્યારે પ્લાન કરીશ તો કદાચ એ સમય ક્યારેય નહીં આવે. લાઇફમાં અમુક મોમેન્ટ્સ જાતે ક્રીએટ કરવી પડે છે, જો આપણે રાહ જોતા રહીશું તો કદાચ મોડું થઈ જશે. અમે સાથે મળીને ઘણી જગ્યાઓ ખૂંદી છે અને ખૂબ મજા કરી છે. અમે સાપુતારા, ઊટી, કુર્ગ, મુન્નાર જેવી ઘણી જગ્યાએ ગયા છીએ. મારા હૃદયને સ્પર્શી ગયેલી સૌથી ખાસ ક્ષણ એ હતી જ્યારે મેં તેમને પહેલી વાર ફ્લાઇટમાં બેઠેલાં જોયાં. આકાશમાંથી દુનિયા કેવી દેખાય છે એ જોવા માટે મમ્મી-પપ્પા જે રીતે બારીની બહાર તાકી રહ્યાં હતાં અને પહેલી વાર જ્યારે તેઓ હોટેલમાં ચેક-ઇન થયાં ત્યારે તેમના ચહેરા પર જે ખુશી હતી એ કીમતી હતી.’
હવે રોલ રિવર્સ થયો છે : ભાવિન ગાલા
આપણે બધા કરીઅર અને લાઇફની રેસમાં એટલા બિઝી હોઈએ છીએ કે ઘણી વાર એ ભૂલી જઈએ છીએ કે જેમ આપણે મોટા થઈ રહ્યા છીએ એમ આપણાં માતા-પિતા ઘરડાં થઈ રહ્યાં છે એમ જણાવીને ભાંડુપમાં રહેતા ૩૫ વર્ષના ભાવિન ગાલા પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘મમ્મી ઘણી વાર કહેતી કે જવાબદારીઓને લીધે તે ક્યારેય મન મૂકીને ફરી નથી શકી. ૨૦૧૬માં મેં પહેલી વાર જ્યારે કેરલમની ફૅમિલી ટ્રિપ પ્લાન કરી ત્યારે મને રિયલાઇઝ થયું કે આ માત્ર ફરવા જવાની વાત નહોતી. મારા જેવા વર્કિંગ પ્રોફેશનલ માટે એ કામમાંથી એક બ્રેક હતો, પણ મમ્મી માટે એ રસોડાના રોજિંદા કામમાંથી અને જવાબદારીઓમાંથી મળેલો સાચો Me Time હતો. એક સમય હતો જ્યારે માતા-પિતા આપણી આંગળી પકડીને આપણને દુનિયા બતાવતાં, આપણા વેલબીઇંગ પાછળ ખર્ચ કરતાં. આજે મને લાગે છે કે હવે રોલ રિવર્સ થયો છે. જે રીતે તેમણે આપણું ધ્યાન રાખ્યું હવે આપણો વારો છે કે આપણે તેમને તેમની રિટાયરમેન્ટ પછીની લાઇફ એન્જૉય કરવા દઈએ. તેમને રિલૅક્સ થતા જોવા એ ખરેખર એક હૅપી ફીલિંગ છે. કેરલમની એ ટ્રિપમાં ઘણી એવી ક્ષણો હતી જે સીધી દિલને સ્પર્શી ગઈ. હાઉસબોટની એ શાંતિ અને ચાના બગીચાઓમાં ગાળેલો સમય, મમ્મીનો ત્યાંના લોકલ આઉટફિટમાં ડ્રેસ-અપ કરીને ફોટો પડાવવો, સ્પાઇસ ગાર્ડનમાં સાથે કરેલી શૉપિંગ અને નાની-નાની વાતો. ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાથી બૉન્ડિંગ હંમેશાં સ્ટ્રૉન્ગ થાય છે. મેં જોયું છે કે આનાથી તેમના મૂડ અને બિહેવિયરમાં પણ ઘણો ફરક પડે છે. પપ્પાની જ વાત કરું તો તેમને ફોટો પડાવવાનો અને પોઝ આપવાનો ભારે શોખ છે. તે જે રીતે સિનરી કૅપ્ચર કરીને પોતાની યાદગીરી તરીકે વૉટ્સઍપ સ્ટોરીઝ પર મૂકે છે એ જોઈને સમજાય છે કે તેમને કેટલો આનંદ મળે છે. પેરન્ટ્સ સાથે વિતાવેલો સમય માત્ર મુસાફરી નથી, એક અહેસાસ છે કે હવે તમારો ટાઇમ છે અને અમે તમારા પડખે છીએ. મને જ્યારે સમય મળે ત્યારે અમે વૉટરપાર્ક અથવા રિસૉર્ટમાં સ્ટે માટે કે પછી હિલ-સ્ટેશન પર ફરવા ઊપડી જઈએ. હવે તો હું મૅરિડ છું એટલે પત્ની અને દીકરી સાથે અમે આખો પરિવાર ફુલ એન્જૉય કરીએ છીએ.’
જીવનનું એક સર્કલ પૂરું થયું હોય એવું લાગે : ચંદ્રકાંત મહેતા
સંતાનો તેમની બિઝી લાઇફમાંથી પેરન્ટ્સ માટે સમય કાઢીને તેમની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે ત્યારે તેમને કેવી લાગણી થાય છે એ જણાવતાં ચંદ્રકાંત મહેતા કહે છે, ‘અમારો દીકરો હર્ષિલ જ્યારે અમને મુસાફરી કરાવે છે ત્યારે એમ લાગે છે કે જાણે જીવનનું એક સર્કલ પૂરું થયું હોય. મને આજે પણ યાદ છે એ દિવસો જ્યારે અમે ડોમ્બિવલીમાં રહેતા. મને નોકરીમાંથી સોમવારે રજા મળતી. એટલે દર સોમવારે હું તેને બહાર લઈ જતો. કોઈ વાર અમે સોમવારી બજારમાં જઈએ, કોઈ વાર હોટેલમાં જમવા જઈએ તો કોઈ વાર મૂવી જોવા જઈએ. તેનું જેવું સમર વેકેશન પડે એટલે અમે તેને લઈને માથેરાન પહોંચી જતા. સમય બદલાયો છે અને હવે જવાબદારીઓનો દોર હર્ષિલે સંભાળ્યો છે. હવે અત્યારે તે કમાતો થયો છે એટલે અમને પાલિતાણા અને જૂનાગઢ જેવાં તીર્થસ્થળોએ દર્શન કરવા લઈ જાય છે. ટ્રેનની ટિકિટ બુક કરવાથી લઈને હોટેલનું બુકિંગ બધું જ હવે તે સંભાળી લે છે. તમારા દીકરાને મોટો થતો જોવો અને જે રીતે અમે ક્યારેક તેની સંભાળ રાખતા એ જ રીતે આજે તે અમારી સંભાળ રાખે છે એ જોવાનો સંતોષ સાવ અલગ જ હોય છે. મારો દીકરો અને હું બન્ને વર્કિંગ છીએ એટલે અમારી વચ્ચે કદાચ એટલું કમ્યુનિકેશન ન થાય, પણ તેની અને તેની મમ્મી વચ્ચે દરરોજ મન ભરીને વાતચીત થાય છે. તે મોબાઇલ ફોનનો ઉપયોગ બહુ ઓછો કરે છે. તેની મમ્મી સાથે નિરાંતે બેસીને દિવસભરમાં શું થયું એ એકબીજા સાથે શૅર કરે છે. આ નાની-નાની વાતો અને સાથે વિતાવેલો સમય જ સાચી મૂડી છે. ખરેખર તો સંતાનો જ્યારે મોટાં થાય ત્યારે અમારે તેમની પાસે કોઈ કીમતી ભેટસોગાદોની અપેક્ષા નથી હોતી; પણ અમને એવું લાગે છે કે તે અમને થોડો સમય આપે, અમારી વાતો સાંભળે. જ્યારે હર્ષિલ અમને કોઈ નવી જગ્યાએ લઈ જાય છે ત્યારે એ માત્ર ફરવા જવાની વાત નથી હોતી, પણ એક અહેસાસ હોય છે કે અમે હજી પણ તેના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છીએ. દરેક માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેમનું સંતાન દુનિયાના ગમે તે ખૂણે પહોંચે પણ પરિવાર સાથે જોડાયેલું રહે. તે જ્યારે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી અમારા માટે વીક-એન્ડ ફાળવે છે ત્યારે અમને લાગે છે કે અમારો ઉછેર સફળ થયો છે.’
