Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનનો સાચો વિકાસ ક્યાં છે એની અત્યારે કોઈને ખબર નથી

જીવનનો સાચો વિકાસ ક્યાં છે એની અત્યારે કોઈને ખબર નથી

Published : 03 August, 2026 06:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની સ્પર્ધાત્મક જીવનશૈલીમાં કરીઅર અને પૈસાની દોડ વચ્ચે માનસિક શાંતિ, પરિવાર, સંબંધો અને સંસ્કારોનું મહત્ત્વ ઘટતું જાય છે. આ લેખ જીવનમાં સંતુલન, લાગણીઓ અને મૂલ્યોને ફરીથી અપનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

રેણુકા પ્રજાપતિ

રેણુકા પ્રજાપતિ


અત્યારે જ્યાં જુઓ ત્યાં એક જ પ્રકારની વાત સંભળાય છે : કૉમ્પિટિશન, કરીઅર અને ગ્રોથ. આ આંધળી ભાગદોડમાં આપણી યુવા પેઢી એટલા બધા સ્ટ્રેસ અને ટેન્શનમાં જીવી રહી છે કે જે માનસિક શાંતિ આપણા વડીલો પાસે હતી એ આજે ઘણા અંશે ઓછી થતી જોવા મળે છે. જૂના સમયમાં ભલે શારીરિક મહેનત અને હાર્ડ વર્ક હતું, પણ સાંજે શાંતિનો શ્વાસ લેવાની અને પરિવાર સાથે બેસીને વાતો કરવાની નવરાશ હતી. ઘણા યુવાનોને એવું લાગે છે કે વિદેશ જઈને સેટલ થવાથી કે વધુ પૈસા કમાવાથી જીવનમાં શાંતિ મળી જશે; પરંતુ ત્યાં પણ કામનું દબાણ, એકલતા અને માનસિક થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે. આજે ઘણા લોકો પાસે નિરાંતે નાસ્તો કરવાનો પણ સમય રહેતો નથી. સવારે કૉફીનો મગ લઈને કામના ટેન્શનમાં દિવસ શરૂ થાય છે અને સાંજે જે મળે એ ખાઈને દિવસ પૂરો થાય છે. શું આને જ વિકાસ કહી શકાય? બિલકુલ નહીં.
લગ્નમાં વિલંબ થવો, કરીઅરને પ્રાથમિકતા આપવી અથવા ‘ડબલ ઇન્કમ, નો કિડ્સ’ જેવી જીવનશૈલી અપનાવવી એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે; પરંતુ જો સંબંધો અને પરિવારથી સંપૂર્ણપણે દૂર થઈ જઈએ તો એના લાંબા ગાળાનાં પરિણામો વિશે વિચારવાની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે શારીરિક સહારાની જરૂર પડશે ત્યારે આપણી સાથે કોણ ઊભું રહેશે એનો વિચાર પણ જરૂરી છે. પૈસાથી સંભાળ રાખવા માટે નૅની કે મેડિકલ કૅરટેકર મળી શકે; પરંતુ સ્વજનોનો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ પૈસાથી ખરીદી શકાતાં નથી. વિભક્ત કુટુંબોની સંખ્યા વધતાં ઘણા લોકોનું સામાજિક વર્તુળ સીમિત બન્યું છે અને ‘હું, મારો જીવનસાથી અને મારું બાળક’ સુધી જ દુનિયા સીમિત થઈ જતી જોવા મળે છે. લોકોમાં સંવેદનશીલતા મરી પરવારી છે. માતા-પિતા કે બાળક બીમાર પડે ત્યારે માત્ર હૉસ્પિટલમાં દાખલ કરી દેવાથી ફરજ પૂરી થતી નથી. તેમની સાથે સમય વિતાવવો, લાગણીપૂર્વક સંભાળ રાખવી અને હૂંફ આપવી પણ એટલી જ જરૂરી છે.
આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો પણ આપણી જ પાસે છે. નવી શૈક્ષણિક નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, ભારતીય જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાને મહત્ત્વ આપવાની જે દિશા દર્શાવવામાં આવી છે એ આવકારદાયક છે. બાળકોને નાનપણથી જ આપણાં ઇતિહાસ, પરંપરા, મહાકાવ્યો અને માનવીય મૂલ્યો વિશે સમજાવવાની જરૂર છે. આપણે થોડા સ્વાર્થમાંથી બહાર આવીને નિઃસ્વાર્થ બનવું પડશે. થોડું જતું કરવાની ભાવના બાળકો અને માતા-પિતા બન્ને તરફથી રાખવી પડશે. મોબાઇલમાં ફાલતુ સમય બગાડવાને બદલે કે અફવાઓ ફેલાવવાને બદલે એ જ સમય પરિવાર સાથે બેસીને, પ્રેમથી રસોઈ બનાવીને સાથે જમવામાં વિતાવીએ. ટીપે-ટીપે સરોવર ભરાય છે. જો આપણે સૌ મળીને સંબંધો, સંસ્કારો અને મૂલ્યોને ફરીથી જીવનમાં સ્થાન આપીશું તો જ પરિવાર અને સમાજનું મજબૂત ભવિષ્ય નિર્માણ કરી શકીશું.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK