Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દરેક કામના કર્તા કે અકર્તા તમે છો એવું માની કાં તમે જશ લો છો કે પછી અપજશ આપો છો?

દરેક કામના કર્તા કે અકર્તા તમે છો એવું માની કાં તમે જશ લો છો કે પછી અપજશ આપો છો?

Published : 22 June, 2026 02:09 PM | Modified : 22 June, 2026 02:10 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આ દરેક વખતે તમે રાજી તો થાઓ છો, પણ પાછા એવું પણ કહો છો કે આ ફ્લૅટની દીવાલોનો કલર મેં આમ પસંદ કર્યો છે, મેં તેમ પસંદ કર્યો છે અને આ ફર્નિચર પણ મેં નવેસરથી ગોઠવ્યું છે. ‘વાહ ભાઈ વાહ, તમારી પસંદ ભારે ઊંચી કક્ષાની છે.’

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


તમે હમણાં એક નવો ફ્લૅટ ખરીદ્યો. હવે આ નવા ફ્લૅટમાં તમારું રહેઠાણ પણ બદલાયું. હવે આ નવી ખરીદી જોઈને કોઈકે તમને કહ્યું, ‘તમારો આ ફ્લૅટ સરસ છે.’ આટલા શબ્દો સાંભળતાંવેંત તમે રાજીના રેડ થાઈ જાઓ. તમારો શબ્દ અચાનક જ જરૂરિયાતથી વધારે ભાર દેવાઈ જાય છે.

આવું માત્ર આ ફ્લૅટ પૂરતું જ નથી. આ ફ્લૅટમાં જે ફર્નિચર વપરાયું છે એ ગોઠવણી તમે નથી કરી. તમારા એક મિત્રે આ ફર્નિચર ગોઠવ્યું છે. એનો રંગ પણ જુદો, એનો આકાર પણ જુદો અને મન ભરીને જોયા કરવાનું મન થાય એવી એની આકૃતિ પણ સરસ. લ્યો ત્યારે કોઈકે કહ્યું પણ ખરું – ‘આ ફર્નિચર પણ સરસ ગોઠવાયું છે.’



આ દરેક વખતે તમે રાજી તો થાઓ છો, પણ પાછા એવું પણ કહો છો કે આ ફ્લૅટની દીવાલોનો કલર મેં આમ પસંદ કર્યો છે, મેં તેમ પસંદ કર્યો છે અને આ ફર્નિચર પણ મેં નવેસરથી ગોઠવ્યું છે. ‘વાહ ભાઈ વાહ, તમારી પસંદ ભારે ઊંચી કક્ષાની છે.’


હવે સાંભળો. આ ફ્લૅટ તમે લોન પર લીધો છે. આ ફ્લૅટના પૈસા હજુ તમે ચૂકવ્યા નથી. પાર વિનાના દસ્તાવેજો ઉપર તમે સહીઓ કરી છે. આ બધું આમ છે અને એમાં તમારું નામ ભલે બધે જ આવતું હોય, પણ એ બધું તમારું છે એમ છાતી ઠોકીને કહી શકાશે ખરું? ઘરમાં કે બીજે ક્યાંક બહાર જે કંઈ બને છે અને જે કંઈ સરસ સરસ લાગે છે એ દરેક ઉપર કોઈકનું નામ હોય છે. બાળક ઘરમાં જન્મે છે એટલે તરત જ આપણે એના નામની શોધ કરીએ છીએ. ઘરમાં કૂતરો પાળેલો હોય કે બીજું કંઈ પણ હોય, એને નામ જોઈએ. અને આ નામનો યશ આપણે લઈએ છીએ. આ ફ્લૅટ મારો છે. આ ફર્નિચર મારું છે. ઘરમાં જ્યારે ત્રણ-ચાર માણસો હોય અને બધાને સવારે ઑફિસે જતી વખતે રૂમાલ જોઈતો હોય તો રોજેરોજ ધોવાતા રૂમાલના ખૂણા ઉપર આપણે દરેકના નામની નિશાની કરીએ છીએ. આ નિશાની પરથી રૂમાલ ઓળખાઈ જાય છે. આપણને ઓળખાણ જોઈએ છે. આ ઓળખાણ આપણને ‘હું’ બનાવે છે. આ ‘હું’ બનવું આપણને ભારે ગમે છે.

થોડાક વખત પહેલાં મારું નવું પુસ્તક પ્રગટ થયેલું. પુસ્તક પ્રકાશનના સમારંભમાં મેં એમ કહેલું કે આ પુસ્તકના પ્રકાશનમાં પહેલા જ પૃષ્ઠ પર લખાયું છે કે લેખક ફલાણા ફલાણા. તે વખતે મેં કહ્યું કે આ ફલાણા ફલાણા એક વ્યાવહારિક સગવડ છે. આ ફલાણા ફલાણા એ આ પુસ્તક લખવા માટે કોની કોની મદદ લીધી છે એ તમે નથી જાણતા, હું જાણું છું.


જે પુસ્તકનું પૃષ્ઠ તમે વાંચી રહ્યા છો, પુસ્તક અમુકતમુક જગ્યાએથી આવ્યું છે. ઘટના ક્યાંક બની, એ વાત કોઈકે ક્યાંકથી ઉપાડી લીધી પછી એમાં જાત-જાતનો અને ભાત-ભાતનો સંભાર ઉમેરાયો. પછી એમાં લખાયું અને છપાયું. આમ તમારી સુધી પહોંચતાં પહેલાં એ અનેક સહાયકોની વચ્ચેથી પસાર થયું. આમાં પુસ્તકના મુખપૃષ્ઠ પર આમાંથી કોઈનું નામ નથી. માત્ર ‘હું’નું નામ છે. હવે આ ‘હું’ એકલે હાથે જશ લઈ લે એમાં ન્યાય છે ખરો? અન્યાય જ છે એવું તો કોઈ કહી શકે નહીં. અને ન્યાય એકલા હાથે પેલા ‘હું’ને આપી શકાય નહીં. આમ, હું એ માત્ર હું રહે છે.

આ બધું કેમ થાય છે

રોજેરોજ જગતમાં કેટલું બધું બને છે. આ બધું આપણે રોજ જોઈએ છીએ. કેટલુંક આપણને ગમે છે, જોતાંવેંત રાજી થઈ જઈએ છે. કેટલુંક આપણને નથી ગમતું. આ નથી ગમતું એ શું છે એ પણ સમજી લેવા જેવી વાત છે.
આ નથી ગમતુંમાં પેલો આપણો ‘હું’ મોટે ઉપાડે દેખાતો નથી. આને આ હું નથી દેખાતો એટલે આપણને નથી ગમતું થાય છે. આ સાચું હોઈ શકે અને સાચું ન પણ હોઈ શકે, પણ આપણે જે છે એને એમ ને એમ સ્વીકારી લેવાનું હોય.

જે કંઈ બને છે એનો કર્તા કે એનો અકર્તા તમે છો એવું માનીને તમે જશ લો છો અથવા અપજશ આપો છો. ખરેખર બેમાંથી કંઈ તમારું નથી. કોઈક જશ લઈ લે છે અને કોઈકને અપજશ મળી જાય છે. શ્રી અરવિંદ એવું કહેતા કે જગતનાં પ્રત્યેક નાનાં-મોટાં કર્મ માટે તમે એકલા યશ-અપયશના અધિકારી હોતા નથી. બીજા વિશ્વયુદ્ધમાં જે કંઈ બન્યું એમાં એકલા હિટલરને જ દોષિત ઠરાવવામાં આપણી દૃષ્ટિ ઊણી ઊતરે છે. હિટલરને હિટલર સુધી પહોંચાડી દેવામાં હું અને તમે બંને કંઈ ઓછા જવાબદાર નથી. હિટલરનો ઇતિહાસ યાદ કરો. એ જે રીતે હિટલર બન્યો એ રીત આરંભકાળે કયાંય નહોતી. એને ત્યાં સુધી પહોંચાડવામાં આપણે બધા ક્યાંક ને કયાંક જવાબદાર છીએ જ.

આ કામ મારું અને આ કામ તારું

આ પુસ્તક મેં લખ્યું. એ જેવું છે એવું તમારી પાસે આવ્યું. એનો યશ વળી કોઈક બીજું જ લઈ જાય. સાંભળો અને સમજી લો. એકે કામ એકલા હાથે થતું નથી. ચાનો એક કપ જો તમારે પીવો હોય તો એના માટે બળતણનો ગૅસ, ગૅસ જગાવવા માટેનું લાઇટર, ચા-પાણીનાં વાસણો, ચા, ખાંડ, દૂધ, કપ-રકાબી એવું કેટલું બધું ભેગું થાય ત્યારે એક ચાનો કપ તમારી સામે આવે છે. ચાના એક કપ માટે શું તમે જેણે તમને ચાનો કપ આપ્યો એને જ જશ આપશો? કેટલા બધા ક્રમમાંથી કેટલા બધા માણસો, કેટલી બધી વાર પસાર થયા એ પછી આ કપ તમારા સુધી પહોંચે છે. હવે એમ કેમ કહી શકાય કે ચાનો આ કપ મેં બનાવ્યો છે. તમે માત્ર નિમિત્ત છો. એમાં રહેલો હું તમે છો. સાચેસાચ તમે છો. ખરેખર જશ તમને મળવો જ જોઈએ અને એ મળે પણ છે, પણ આટલીક અમથી વાત જો આપણે પહેલેથી સમજી લઈએ તો ચાનો આ કપ માત્ર કપ નથી રહેતો, એક વિરાટ વિશ્વનું સર્જન થઈ જાય છે. આ વિરાટ વિશ્વમાં હવે તમે નથી રહેતા કે પેલો હું પણ નથી રહેતો, બસ બધું બરાબર. શરત માત્ર એટલી જ કે થોડી સમજદારી વધારવી પડશે. આ કામ બહુ અઘરું નથી. જો નક્કી કરી શકીએ તો થઈ શકે એમ છે. બોલો તમારે કરવું છે કે નહીં કે પછી બધું બરાબર છે?

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 02:10 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK