મારણ જેવી ફિલ્મો જોતાં પહેલાં પ્રેક્ષક તરીકે આપણે એ સમજવાનું છે કે બધી જ ફિલ્મો ગેલ કરવા માટે નથી હોતી, સમાજનો મેલ ઉજાગર કરવા માટે પણ હોય છે
જિગીષા જૈન
આમ તો કોઈ ગુજરાતી ફિલ્મને નૅશનલ અવૉર્ડ મળ્યો છે એ ન્યુઝ જ એ ફિલ્મ જોવા માટે પૂરતા છે, પણ એમ છતાં છોકરીઓનાં અપહરણ અને માનવતસ્કરીનો વિષય સાંભળીને તમને લાગે કે આ વિષય સાથે તમને જરાય લેવા-દેવા નથી તો-તો તમારે આ ફિલ્મ જોવી જ રહી. આ ફિલ્મ તમને માણસ તરીકે વધુ પરિપક્વ બનાવશે
ગુજરાતી સિનેમાની જાહોજલાલી કહી શકાય એવો સમય આવી ગયો છે, કારણ કે ‘લાલો’ જેવી ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબની મેમ્બર બની ગઈ છે તો સામે પક્ષે એક ફિલ્મ જે હજી રિલીઝ પણ નહોતી થઈ એ પહેલાં એને નૅશનલ અવૉર્ડ મળી ગયો. અહીં વાત થઈ રહી છે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મારણ’ની. આ ફિલ્મ બનાવી છે ‘બે યાર’ અને ‘રૉન્ગ સાઇડ રાજુ’ જેવી ફિલ્મો દ્વારા ગુજરાતી સિનેમાને ફરીથી બેઠું કરવાની પૂરેપૂરી ક્રેડિટ જેમને ગુજરાતીઓએ સહર્ષ આપી છે તેવા અભિષેક જૈને.
સરકારી આંકડાઓ મુજબ ભારતમાંથી ૨૦૧૯થી ૨૦૨૧ સુધીમાં ૧૩.૧૩ લાખ છોકરીઓ કે સ્ત્રીઓ ગાયબ થઈ ગઈ છે. એનો અર્થ થાય છે દરરોજની ૧૧૯૦ છોકરીઓ. આ મુદ્દાને લઈને હાલમાં જ યશરાજ ફિલ્મ્સે ‘મર્દાની’ અને ‘મર્દાની 3’ એવી બે ફિલ્મો બનાવી હતી. આ છોકરીઓને પકડીને લઈ જાય અને પછી વેચી નાખવામાં આવે છે એ માનવતસ્કરી પર ‘લવ સોનિયા’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મો પણ બની છે. આ બધી જ ફિલ્મોમાં સિનેમૅટિક લિબર્ટીના નામે ઘણી વસ્તુઓ વાસ્તવિકતાથી પરે થઈ જતી હોય છે, જેમ કે ‘દેવદાસ’ની ચંદ્રમુખી પૈસા માટે દેહવ્યાપાર કરતી વેશ્યા હતી જેનો કોઠો એક મહેલ જેવો હતો. ગુજરાતીમાં કોઠો શબ્દ વપરાતો નથી. આપણે ત્યાં કહેવાય છોકરી ‘પાટિયે બેઠી’. મારણમાં તમે જોઈ શકો છો કે અંધારામાં દેખાતી રંગબેરંગી લાઇટિંગ સાથે એક પાટિયું નાખેલી જગ્યા જ્યાં લોકો ભાવ નક્કી કરીને આ છોકરીઓને પોતાની સાથે લઈ જાય છે. આ વિષયને વાસ્તવિક રીતે ચીતર્યા પછી પણ માનવીય સંવેદનોની ઊંડાણભરી અને અતિ કૉમ્પ્લેક્સ વાત જેવી ‘મારણ’માં કરવામાં આવી છે એવી બીજી કોઈ જ કહેવાતી રીતે ચડિયાતી હિન્દી ફિલ્મોમાં પણ થઈ નથી. આ ફિલ્મનું ટીઝર જોઈને જ કંપારી છૂટી જાય એમ છે. એમાં ૧૦-૧૨ વર્ષનો છોકરો એક બંધ સૂટકેસને ૩૦ રૂપિયામાં સગેવગે કરવા માટે તૈયાર થઈ જાય છે. એ સૂટકેસમાંથી બહાર દેખાતાં હાથનાં આંગળાં લહેરાતાં જોઈને લાંબેથી આપણને ખબર પડે છે કે આ કોઈ છોકરીની લાશ છે. તે છોકરો હાથ અને વાળ બન્ને અંદર કરીને જોરથી સૂટકેસ બંધ કરી દે છે. ત્યાં અચાનક આવેલી તેની મા તેને આ બાબતે મારે છે, પણ માને રોકતાં બાપ કહે છે, ‘ધંધામાં મન લાગતું હોય તો ભલેને! પાંચ આંગળીએ પૂજો ત્યારે આવું રતન પાકે!’ આ છોકરો એટલે જ ‘રતન’ જે પાત્ર યશ સોનીએ ભજવેલાં પાત્રોમાંનું શ્રેષ્ઠ પાત્ર ગણી શકાય. ફિલ્મની બ્યુટી એ છે કે રતન એક નરાધમ માણસ છે જે સ્ત્રીઓને ઉઠાવી જાય છે, તેમના પર જુલમ કરે છે, તેમનું જીવન બદબાદ કરે છે એટલે તમને તેનાથી નફરત થવી જોઈએ, તમને લાગવું જોઈએ કે કેટલી વિકૃત વ્યક્તિ છે. એક સમયે તેનાથી ડર પણ લાગે છે, પરંતુ ફિલ્મના અંતમાં ડિરેક્ટર તમને તેના માટે પણ સહાનુભૂતિ કરાવડાવશે, કારણ કે તે પણ સિસ્ટમનો ભોગ બનેલી વ્યક્તિ છે. તે આવો છે કારણ કે જીવને તેને એ જ શીખવ્યું છે.
સમાજવિજ્ઞાન એ જ કહે છે કે જે જુલમનો શિકાર બન્યું છે તે તો બિચારું છે જ, પરંતુ જે જુલમ કરી રહ્યું છે તે પણ બિચારું જ છે, તે પણ પીડિત છે. જેમ કે પિતૃસત્તાનો ભોગ સ્ત્રીઓ બની છે એ દેખીતું છે, પણ એનો ભોગ પુરુષો પણ ખૂબ બન્યા છે. ફિલ્મમાં એક સુંદર ડાયલૉગ છે. આ ડાયલૉગ બોલી રહ્યો છે ‘લાલા’ ફિલ્મમાં કૃષ્ણ બનેલો શ્રુહૃદ ગોસ્વામી, જે આ ફિલ્મમાં ‘બાબુ’નું પાત્ર ભજવી રહ્યો છે. ‘તમને સ્ત્રીઓને જન્મતાંવેત ટ્રેઇનિંગ આપવામાં આવે છે કે આદર્શ દીકરી કઈ રીતે બનવાનું, આદર્શ બહેન કેવી રીતે બનવાનું અને અમને લોકોને ડગલે ને પગલે કહેવામાં આવે છે કે પહેલાં મરદ બન, મરદ બન. અને જો તો ખરો, અમે લોકો મર્દ કોની સામે બનીએ છીએ? અમારી બહેન, પત્ની, દીકરી સામે!’
આ ફિલ્મમાં દર્શાવાયું છે કે આવા હેવાન પુરુષોને પણ સામાન્ય પુરુષની જેમ ઇચ્છા હોય છે કે કોઈ હોય જે તેમને ભરપૂર પ્રેમ કરે. તે સ્ત્રીઓ જેમનું અપહરણ થયું છે તેમની લડાઈ અને તેમના ત્યાંથી ભાગવાના પ્રયાસો તો દર્શાવ્યા જ છે, પરંતુ તેમની અંદર આવી વરવી પરિસ્થિતિમાં પણ પોતાના જીવનને સુંદર બનાવવાની અને ખુશી પામવાની એક સાધારણ માનવી જેવી ઝંખના પણ કેટલી તીવ્ર હોય છે એ દર્શાવ્યું છે. ‘બિરવા’નું અદ્ભુત પાત્ર ભજવનાર દીક્ષા જોશી કઈ રીતે આ સમગ્ર પરિસ્થિતિમાં પણ જીવવા માગે છે અને ખુશ રહેવા માગે છે એનું ચિત્રણ હૃદયદ્રાવક છે. અપહરણ અને માનવતસ્કરીમાં ફસાતી છોકરીઓ આપણને લાગે છે કે ગરીબ ઘરની કે રસ્તે રઝડતી છોકરીઓ જ હોતી હશે; પરંતુ આ ફિલ્મમાં આ પરિસ્થિતિમાં ફસાયેલી છોકરીઓ ખૂબ જ ભણેલી, મૉડર્ન અને હોશિયાર હોય છે. ખૂબ જ ઊંડી અને તાર્કિક વાતો કરતી અને ફાંકડું અંગ્રેજી બોલતી છોકરીઓ છે, પૉશ સોસાયટીમાં રહેતી છોકરીઓ છે જે તમને અંદરથી ડરાવી દે છે કે શું આવું મારી સાથે પણ થઈ શકે?
આ ફિલ્મમાં એવો પુરુષ પણ છે જે પ્રેમ માટે પોતે અપહરણ કરેલી સ્ત્રીને ફરીથી તેના જીવનમાં પાછી મોકલવાનું સાહસ કરે છે અને એવો પણ પુરુષ છે જે પોતાના પર સમર્પિત સ્ત્રીને ઠંડા કલેજે વેચી મારે છે. આ ફિલ્મમાં એવી છોકરી છે જે કંઈ પણ થાય પણ ઝૂકવા તૈયાર નથી અને આ ફિલ્મમાં એવી છોકરી પણ છે જે પરિસ્થિતિ સામે ઝૂકી ગઈ છે, કારણ કે તેને જીવવું છે અને એ બચેલા જીવનમાં પણ ખુશીની આશાને જીવંત રાખીને બેઠી છે.
અંતે ફિલ્મ સમાજના ગાલ પર એક તમાચો બનીને સામે આવે છે. ફિલ્મ પતશે પછી એકાદ કલાક સુધી એ તમાચાનો તમતમાટ રહેશે તમારા ગાલ પર એની ચેતવણી આપી દઉં. જોકે પ્રેક્ષક તરીકે આપણે એ સમજવાનું કે બધી ફિલ્મો ગેલ કરવા માટે નથી હોતી, સમાજનો મેલ ઉજાગર કરવા માટે પણ હોય છે. દીકરીઓની ઉઠાંતરી અને માનવતસ્કરીનો વિષય સાંભળીને તમને લાગતું હોય કે આપણને એની જોડે લાગેવળગે નહીં તો-તો ચોક્કસ તમારે ફિલ્મ જોવી જ પડે. આ ફિલ્મમાં એક મા-દીકરીનો સીન છે જેને જોઈને તમારું હૃદય બરાડી ઊઠશે, પણ એના વિશે સ્પૉઇલર આપવા નહોતી માગતી એટલે જણાવ્યું નથી. એ તમે ખુદ જ અનુભવી આવો.
