મહાભારતમાં એક વાક્ય આવે છે, ‘જે ધર્મની વાતો કરતા નથી તે વૃદ્ધ નથી અને જે સભામાં વૃદ્ધ પુરુષ નથી એ સભા નથી
પ્રતીકાત્મક તસવીર
અત્યારે જીવનની પાછલી અવસ્થામાં સ્મૃતિઓના ધોધ ઊભરાય છે. સંસ્મરણોમાંથી ધીરગંભીર આનંદ મેળવતા રહીને જે દિલનું સંગીત જન્મે છે એમાંથી જીવનને માણ્યાનો ઓડકાર જન્મે છે. ઊંઘ નથી આવતી માટે નહીં પણ જીવન જીવવાની આતુરતાથી ઊગતી ઉષાની રંગભરી લીલાનાં દર્શન કરતાં ઊગતા સૂર્યનાં કિરણોને આવકારવા માટે હું વહેલો ઊઠી જાઉં છું. મારા ઘરના દરવાજા અને બારી-બારણાં ખોલીને મારા આંગણામાં અને અંતરમાં ઊગતાં સૂર્યકિરણોને હું પ્રવેશ કરાવું છું. મારું મન ગુંજારવ કરે છે, ‘Let the rays of the sun come in my heart and house.’
આજને આનંદથી જીવ્યાના સંતોષમાં અને આવતી કાલની ઉજ્જ્વળતાની શ્રદ્ધામાં ઘસઘસાટ ઊંઘી જાઉં છું અને ઊઠતાંવેંત મારા અતરમાં અને આંગણામાં પ્રવેશતાં સૂર્યકિરણોને હું આવકારું છું. સવારમાં લેવાતા નાસ્તાનો સ્વાદ તાજગીભર્યો લાગે છે. કલ્પનામાં ન આવે એવી આશ્ચર્યજનક અને હાસ્યજનક ખબરો લઈને સવારનાં અખબારો વાંચી, એમાં આવતા રાજપુરુષોના મિથ્યા હુંકારોને હસી કાઢીને અવગણું છું. આ લોકો સદાય પોતાની જ શક્તિનો વિચાર કરે છે. અદૃશ્ય એવી એક અકળ શક્તિ સંજોગોને ઘડી રહી છે એ શક્તિનો સ્વીકાર શા માટે રાજપુરુષો કરતા નથી?
ADVERTISEMENT
મહાભારતમાં એક વાક્ય આવે છે, ‘જે ધર્મની વાતો કરતા નથી તે વૃદ્ધ નથી અને જે સભામાં વૃદ્ધ પુરુષ નથી એ સભા નથી.’ વળી બીજા વાક્યમાં કહ્યું છે, ‘જેમાં સત્ય નથી એ ધર્મ નથી અને જે છળકપટથી ભરેલું હોય છે એ સત્ય નથી.’ કોઈ નિર્ણય લેવા માટે કે દોરવણી પ્રાપ્ત કરવા માટે સભા મળતી હોય છે અને એમાં જો વૃદ્ધોનું માર્ગદર્શન મળે તો સત્ય સચવાય અને ધર્મનું પાલન થઈ શકે અને છળકપટથી મુક્ત હોય એવાં કર્મ કરવા માટે માર્ગદર્શન મળે.
વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂકવાની જે પ્રથા શરૂ થઈ રહી છે એમાં ભીંત ભૂલવા જેવું થઈ રહ્યું છે. વિવેક દર્શાવવા વડીલોને ‘મુરબ્બી... મુરબ્બી’ કહ્યા કરવું અને તેમના અનુભવજ્ઞાનમાંથી કાંઈ પણ ન શીખવું એ મોંઘેરી થાપણને વેડફી નાખવા બરાબર છે. પોતાનાં જે સંતાનો થકી પોતે અજરઅમર બની રહ્યા છે, પોતાનો વંશવેલો જે સંતાનો આગળ ચલાવવાનાં છે એ સંતાનો તરફથી માબાપની અવગણના કરાય તો વડીલોનો જે અનુભવવારસો છે એના સાચા વારસદાર થવાની સંતાનોની તૈયારી નથી એમ જ માનવું રહ્યું. બીજું, ભલે વડીલો પાસેથી સંતાનો ન શીખે પણ ૮૦-૮૫ વર્ષની ઉંમરે કેડને વાંકી વાળ્યા વગર સ્થિરતાથી ઊઠતા-બેસતા અને ખોરાક તથા જીવનમાં રસ લેતા વડીલ પાસેથી તંદુરસ્તીની ચાવી અને જીવવાની કળાના પાઠ તો શીખી લેવા જોઈએ.
આજના યુવાનોને તો જન્ક ફૂડ ખાવાનું વ્યસન થઈ ગયું છે. આ જન્ક ફૂડની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ અનેક રોગોને નોતરે છે. એક ડૉક્ટરે બહુ વર્ષો પહેલાં કહ્યું હતું, ‘હવે આવતી સદીમાં માણસને રસોઈમાં અસલી ટેસ્ટની ખબર જ નહીં પડે. તે માત્ર ‘કન્વિનિયન્ટ’ ફૂડ (જન્ક ફૂડ) ખાતો હશે.’
તમે ડૉ. પ્રકાશ કોઠારીને પૂછશો તો ખબર પડશે કે તમને ખબર ન પડે એમ લાંબે ગાળે અમુક જણના પુરુષાતન પર જન્ક ફૂડને લીધે ખતરો આવી શકે છે. આ ‘કન્વિનિયન્ટ’ ફૂડને રૂપાળાં નામ અપાતાં રહ્યાં છે; ફ્રેન્ચ ફ્રાઇઝ, ચિપ્સ, ભજિયાં, કૅન્ડી બાર્સ, બટાટાવડાં, જલેબી વગેરે. તમે અઠવાડિયે એકાદ-બે વાર ખાઈ લો તો તમને નુકસાન નહીં કરે, પણ જો રોજેરોજ એની આદત પડી જાય તો આ જન્ક ફૂડને લીધે ચામડીના દર્દથી માંડીને હૃદયરોગ સુધીના દર્દ થઈ શકે છે. માટે આપના ઘરમાં રહેલા વડીલો પાસેથી, તેમના અનુભવોમાંથી શીખતા રહો, ફાયદામાં રહેશો. વતનમાંથી ૧૫થી ૫૦ જેટલી રૂપરડીની મૂડી લઈને શહેરમાં આવેલા, અગવડનો આનંદ માણતા રહીને કમાવાની શક્તિ પ્રાપ્ત કરનારા અને ઓછું ભણ્યા છતાં અને ડિગ્રી ન મેળવ્યા છતાં વ્યવહારુ શાણપણ થકી સમૃદ્ધ થયેલા વડીલો પાસેથી શું કાંઈ પણ શીખવા જેવું હોતું નથી? તેમણે વાંચેલા ગ્રંથો કે તેમની સચ્ચાઈ અને સંસ્કારિતા શું બધું જ ઉવેખવા જેવું છે? આવા માતૃ-પિતૃદ્રોહી સંતાનો ક્યાં કઈ હાલતમાં કઈ રીતે જીવશે એ વિચારવાની જરૂર છે. હજી બહુ મોડું થયું નથી. વડીલો પાસેથી યુવાનો કેવી વાતો માટે માર્ગદર્શન મેળવી શકે? કેટલાક અનુભવી વડીલોએ આપેલાં સૂચનો અમલમાં મૂકવા જેવાં છે :
તમારા શરીરના બધા અવયવો પર અંકુશ રાખીને જીવો, અવયવોના દાસ થઈને નહીં પણ શેઠ થઈને જીવો. તમારી ટેવના ગુલામ થઈને નહીં પણ ટેવને ગુલામ બનાવીને ઇન્દ્રિયવિજેતા બનીને જીવો. આને માટે તમારા મન પર સંપૂર્ણ અંકુશ ધરાવવો જરૂરી બને છે. બળજબરીથી લાદેલો કોઈ પણ અંકુશ સફળ થતો નથી. સમજદારીથી થતાં કાર્યો સફળ થાય છે. તટસ્થ બનીને મનને સમજવાનો પ્રયાસ કરો. મનને સાનુકૂળ બનાવનાર વ્યક્તિ મનની પેલે પાર આનંદમય-ચૈતન્યમય જીવંત અવસ્થા છે ત્યાં પહોંચી શકે છે. એક મનોચિકિત્સકે કહ્યું છે, ‘No one is retired from life till he is dead - મૃત્યુ પામે ત્યાં સુધી માનવી નિવૃત્ત થઈ શકતો નથી.’
પાછલી અવસ્થામાં નિવૃત્ત થવું એટલે પ્રવૃત્તિનો પ્રકાર બદલવો. નિવૃત્તિ એટલે આરામ. આરામના સમયમાં ‘રામ’માં જીવ જોડીને તમને રસ પડે એવી પ્રવૃત્તિ કરતા રહો. પૂરાં ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવનાર મોરારજી દેસાઈને જ્યારે તેમના દીર્ઘાયુષ્યનું રહસ્ય શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું, ‘મુખ્ય રહસ્ય શ્રદ્ધા છે. મનનું પણ કારણ છે. ઈશ્વર જે આપે એ આનંદથી ભોગવવું. વડા પ્રધાન તરીકે હોઉં કે જેલમાં કેદી તરીકે હોઉં, અત્યારે છું એમ હોઉં કે રસ્તા પર હોઉં, ઈશ્વર જે સંજોગોમાં મૂકે કે જેકાંઈ આપે એ તેટલા જ આનંદથી ભોગવવું, with the same joy. સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી આવો ભાવ આવી ન શકે...’
અને છેલ્લે બર્મા (બ્રહ્મ દેશમાં)માં માણસ જન્મે છે ત્યારે લોકો રડે છે અને મૃત્યુ પામે ત્યારે તેઓ હસે છે. જીવનને સુખથી કે દુ:ખથી ભોગવવું એ આપણા હાથમાં જ છે.
- હેમંત ઠક્કર
( લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)


