Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મહિલા સશક્તીકરણની શરૂઆત સરકારી યોજનાઓથી નહીં પણ ઘરની ૪ દીવાલોથી થવી જોઈએ

મહિલા સશક્તીકરણની શરૂઆત સરકારી યોજનાઓથી નહીં પણ ઘરની ૪ દીવાલોથી થવી જોઈએ

Published : 13 October, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઝાદીના ૮૦મા વર્ષના ઉંબરે આવીને આપણે ઊભા છીએ ત્યારે પણ દેશની સામે અનેક મોટા પડકારો મોં ફાડીને ઊભા છે. દેશની ઇકૉનૉમી, વધતી જતી જનસંખ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બેરોજગારી જેવા અનેક ગંભીર પ્રશ્નો પર રોજ નવી ચર્ચાઓ થાય છે.

સોનાલી કસબવાલા

What’s On My Mind?

સોનાલી કસબવાલા


આઝાદીના ૮૦મા વર્ષના ઉંબરે આવીને આપણે ઊભા છીએ ત્યારે પણ દેશની સામે અનેક મોટા પડકારો મોં ફાડીને ઊભા છે. દેશની ઇકૉનૉમી, વધતી જતી જનસંખ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બેરોજગારી જેવા અનેક ગંભીર પ્રશ્નો પર રોજ નવી ચર્ચાઓ થાય છે. આ તમામ પ્રશ્નોની વચ્ચે એક શબ્દ ખૂબ હાઇલાઇટ કરવામાં આવી રહ્યો છે અને એ છે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તીકરણ. સરકાર પણ લાડકી બહીણ યોજના કે મહિલા સ્વરોજગાર જેવી અવનવી આર્થિક સ્કીમો લઈને આવી રહી છે. જોકે એક સ્ત્રી તરીકે મને ઘણી વાર વિચાર આવે છે કે શું માત્ર સરકારના બે-ચાર હજાર રૂપિયા કે આવી આર્થિક યોજનાઓથી સ્ત્રીઓને ખરા અર્થમાં સમાજમાં માન-સન્માન મળવા લાગશે? શું આનાથી સ્ત્રીઓ ખરેખર સશક્ત થઈ જશે?
મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે મહિલા સશક્તીકરણ એ કોઈ સરકારી ઢંઢેરો કે રાજકીય એજન્ડા નથી, આપણા બધાની સામૂહિક અને નૈતિક જવાબદારી છે. સ્ત્રીને પોતાના ઘરમાં સન્માન મળે એનાથી ઉત્તમ બીજું કંઈ હોઈ જ ન શકે. જોકે સમાજની વાસ્તવિકતા પર નજર કરીએ તો ચિત્ર કંઈક જુદું જ દેખાય છે. ઘરની અંદર સાસુ-વહુ, નણંદ-ભાભી કે 
દેરાણી-જેઠાણી વચ્ચેનો તાલમેલ કેવો છે? આ પાત્રો ‘ટૉમ ઍન્ડ જેરી’ની જેમ ૨૪ કલાક ઘરમાં એકબીજાના કટ્ટર વિરોધી બનીને રહેતાં હોય છે. કરોડો રૂપિયાના ધૂમ ખર્ચા કરીને ધામધૂમથી દીકરાનાં લગ્ન કરીએ અને છેલ્લે ઘરની અંદર ‘સાસ, બહૂ ઔર સાઝિશ’ની ફુલ ટાઇમ સિરિયલ ચાલતી હોય છે. આ ઝઘડાઓમાં ઘરનાં અન્ય પાત્રો પણ ઘી હોમવાનું કામ કરીને એકબીજાના દુશ્મન બની જાય છે. સ્ત્રીઓ વચ્ચેની આ દુશ્મનાવટની સીધી અસર પરિવારના દરેક સભ્યની પ્રોડક્ટિવિટી પર પડે છે. આવા અશાંત વાતાવરણમાં આખી ફૅમિલી માનસિક રીતે પીડાય છે. યાદ રાખજો કે પરિવારની પ્રોડક્ટિવિટી માઇનસમાં જાય છે એની સાથે-સાથે આડકતરી રીતે દેશની પ્રગતિની ગાડી પણ ખોટકાય છે, કારણ કે દેશનો વિકાસ પરિવારોની પ્રગતિ સાથે સીધો જોડાયેલો છે. આ કડવી વાસ્તવિકતા માત્ર ઘર પૂરતી સીમિત નથી, કોઈ પણ જૉબ કે પ્રોફેશનલ લાઇફમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. કાર્યસ્થળ પર એક પુરુષ બીજા પુરુષનો વિરોધી હોય એના કરતાં એક સ્ત્રી જ બીજી સ્ત્રીની પ્રગતિની કટ્ટર દુશ્મન હોય એવું વધુ જોવા મળે છે. ચાલો, મહિલા સશક્તીકરણને એક નવો ઍન્ગલ આપીએ. એકબીજાને નીચા દેખાડવાને બદલે એકબીજાની તાકાત બનીએ. સ્ત્રી જ સ્ત્રીનો ખરા અર્થમાં આદર કરવાનું શરૂ કરશે તો જ સાચા અર્થમાં દેશ સશક્ત બનશે અને એ જ સાચું સ્ત્રી-સશક્તીકરણ કહેવાશે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK