Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બિઝનેસ કરવા માટે સ્ત્રીને પરિવારની પરવાનગીની નહીં, પાર્ટનરશિપની જરૂર છે

બિઝનેસ કરવા માટે સ્ત્રીને પરિવારની પરવાનગીની નહીં, પાર્ટનરશિપની જરૂર છે

Published : 23 October, 2026 10:51 PM | Modified : 24 October, 2026 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણા સમાજમાં આજે પણ મહિલાઓને બિઝનેસ કરવાની માત્ર પરવાનગી આપવામાં આવે છે, પણ એને પ્રોફેશનલ જવાબદારી તરીકે સ્વીકારવામાં નથી આવતી. ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ હોય.

લતા શાહ

What’s On My Mind?

લતા શાહ


અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે અને સ્ત્રીઓ એમાં પણ પાછળ નથી રહી. વહુ-દીકરીઓ ગૃહઉદ્યોગથી લઈને નાનાં-મોટાં સ્ટાર્ટઅપ્સ શરૂ કરતી થઈ ગઈ છે, પણ જેટલા ઉત્સાહથી તેઓ શરૂ કરે છે એટલી જ નિરાશાથી અધવચ્ચે એને છોડી દેતી હોય છે. આપણા સમાજમાં આજે પણ મહિલાઓને બિઝનેસ કરવાની માત્ર પરવાનગી આપવામાં આવે છે, પણ એને પ્રોફેશનલ જવાબદારી તરીકે સ્વીકારવામાં નથી આવતી. ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ હોય, મહેમાનોનું આગમન હોય કે કુટુંબની કોઈ પણ નાની-મોટી જવાબદારી આવે ત્યારે સૌથી પહેલો ભોગ તેની કરીઅરનો જ લેવાય છે. તેના પર એકસાથે સુપરવુમન બનવાનું સતત દબાણ અપાતું હોય છે. ફાઇનૅન્શિયલ ડિસિઝન્સ લેવાની કે બિઝનેસ વિસ્તારવાની વાત આવે ત્યારે તેને જરૂરી સ્વતંત્રતા કે સપોર્ટ મળતો નથી. ઘર અને બિઝનેસની જવાબદારીના બેવડા ભારને કારણે શારીરિક અને માનસિક રીતે થાકીને છેવટે તે બિઝનેસ છોડી દે છે, કારણ કે તેના કામને ગંભીરતાથી લેવામાં આવતું નથી.

મારો મત એવો છે કે ફક્ત પ્રશંસા કરવાથી કે તાળીઓ પાડવાથી કામ નહીં ચાલે. સૌથી પહેલો બદલાવ માનસિક સ્તરે લાવવો પડશે. પરિવારે સ્ત્રીને બિઝનેસ માટે અમે છૂટ આપી છે એ અભિગમ છોડીને તેના સાચા બિઝનેસ-પાર્ટનર બનવું પડશે. ઘરકામ અને બાળકોના ઉછેરની જવાબદારી માત્ર સ્ત્રીની જ નથી, પતિ અને પરિવારના અન્ય સભ્યોએ પણ આ જવાબદારીઓ વહેંચવી પડશે.
જે રીતે નોકરી કે બિઝનેસ માટે બહાર જતા પુરુષ માટે ઘરમાં અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવે છે એવું જ વાતાવરણ બિઝનેસ કરતી મહિલાને મળવું જોઈએ. વડીલો કે બાળકોની સંભાળ માટે જો ઘરમાં બૅકઅપ સપોર્ટ મળે તો જ મહિલા નિશ્ચિંત થઈને પોતાના કામ પર ધ્યાન આપી શકશે. તેથી દરેક સમાજ માટે સ્ત્રીઓને આ મામલે સપોર્ટ કરવો મૅન્ડેટરી બની ગયો છે. ઘણી મહિલાઓ એવી પણ હોય છે કે તેમની પાસે આઇડિયા સારા હોય છે; પણ તેઓ માર્કેટિંગ, લીગલ પ્રોસેસ કે ફાઇનૅન્સમાં અટકે છે તો સમાજના અનુભવી વ્યાપારીઓએ આગળ આવીને માર્ગદર્શક બનવું જોઈએ અને જરૂર પડ્યે વ્યાજમુક્ત કે રાહતદરે સ્ટાર્ટઅપ ફન્ડ પૂરું પાડવું જોઈએ.



આ ઉપરાંત અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે બિઝનેસ મૉડલ સતત બદલાઈ રહ્યાં છે. તેથી મહિલાઓને માત્ર ટ્રેડિશનલ બિઝનેસ પૂરતી સીમિત રાખવાને બદલે નવી ટેક્નૉલૉજી, ઈ-કૉમર્સ અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા માટે સમાજના સ્તરે સ્પેશ્યલ વર્કશૉપ અને ટ્રેઇનિંગ પ્રોગ્રામ યોજાવા જરૂરી છે. કોઈ સ્ત્રી જ્યારે બિઝનેસની દુનિયામાં સફળ થાય છે ત્યારે તે માત્ર આર્થિક રીતે આત્મનિર્ભર નથી બનતી, પોતાની સાથે આખી પેઢીને સશક્ત અને પ્રોફેશનલ વિચારસરણીવાળી બનાવે છે. સ્ત્રીઓની નિષ્ફળતા એ માત્ર તેમની વ્યક્તિગત હાર નથી, સામાજિક સપોર્ટ સિસ્ટમની મર્યાદા છે. જો પરિવાર અને સમાજ તેમને યોગ્ય પ્લૅટફૉર્મ, માનસિક આઝાદી અને સમયસરનું માર્ગદર્શન પૂરું પાડે તો આ દેશની મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં અશક્યને પણ શક્ય બનાવી શકે છે. હવે સમય માત્ર વાતો કરવાનો નથી, વાસ્તવિક પ્લૅટફૉર્મ પૂરું પાડવાનો છે.


- લતા શાહ 


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK