મનનો ભાર હળવો કરવો હોય કે શાંતિનો અનુભવ કરવો હોય ત્યારે આપણને બીચ પર જવાનું મન થાય છે. મનોવિજ્ઞાન કહે છે કે દરિયાની આપણા મન પર ઊંડી અસર થતી હોય છે. દરિયો મુંબઈગરાઓના દિલમાં વસેલો હોય એ સ્વાભાવિક છે, કેમ કે આપણી પાસે લાંબા દરિયાકાંઠાની સાહ્યબી છે.
પ્રતીકાત્મક તસવીર
દર વર્ષે ૮ જૂને આખી દુનિયા ‘વર્લ્ડ ઓશન્સ ડે’ ઊજવે છે. ઓશન અને માણસના ઇમોશન વચ્ચે એક અદૃશ્ય અને અતૂટ સંબંધ રહેલો છે. દરિયો માત્ર પૃથ્વીનો વિશાળ હિસ્સો નથી, દરેક વ્યક્તિના હૃદયની અંદર વહેતી લાગણીઓનું પ્રતિબિંબ છે. માણસનું મન પણ દરિયા જેવું જ છે જે ક્યારેક અંદરથી એકદમ શાંત તો ક્યારેક વિચારોનાં મોજાંઓથી ધૂંધવાતું હોય છે. દરિયાની જેમ જ આપણા જીવનમાં પણ સુખ-દુઃખની ભરતી અને ઓટ આવ્યા કરે છે. આપણી આંખમાંથી વહેતાં આંસુનો સ્વાદ પણ ખારો છે અને દરિયાના પાણીનો સ્વાદ પણ ખારો છે. કદાચ એટલે જ જ્યારે માણસ પોતાના મનનો ભાર હળવો કરવા માગતો હોય ત્યારે દોડીને દરિયાકિનારે પહોંચી જાય છે.
દરિયો યાદોનો ખજાનો
ADVERTISEMENT
કાંદિવલીમાં રહેતાં ૬૨ વર્ષનાં ચેતના ઓઝા તેમના દરિયા પ્રત્યેના અફાટ પ્રેમ વિશે કહે છે, ‘બાળપણમાં મને કોઈ એમ પૂછતું કે ઘરની સામે શું હોય તો ગમે? દરિયો કે પહાડ? તો મારો જવાબ હંમેશાં એમ જ હોય કે હું દરિયાકિનારે ઘર લેવાનું પસંદ કરું. બાળપણમાં મેં એક પિકચર જોયેલું જેમાં હીરો-હિરોઇન વચ્ચે મીઠી તકરાર થતી હોય છે. હીરો કહે છે કે તેને એવું ઘર જોઈએ છે જેની બાલ્કનીમાંથી સામે વિશાળ દરિયો દેખાતો હોય. હિરોઇનનું કહેવું હોય છે કે તેને એવું ઘર પસંદ છે જેની બારી ખોલતાં જ સામે સુંદર પહાડો અને હરિયાળી દેખાતી હોય. એ સીન જોઈને હું વિચારતી કે એવું કેવું કે ઘર સામે પર્વતો હોવા જોઈએ? ઘરની સામે તો દરિયો જ સારો લાગે. જીવનમાં મેં દરિયાકિનારાને ખૂબ માણ્યા છે. મુંબઈના ધમધમતા જુહુ બીચથી લઈને દક્ષિણમાં ગોકર્ણ, ઓડિશાના જગન્નાથપુરી અને ચેન્નઈના દેશના સૌથી લાંબા મરીના બીચ સુધીની સફર મેં ખેડી છે. બીજી તરફ ગુજરાતના ઐતિહાસિક પોરબંદર, માધવપુર અને ચોરવાડના કિનારાની લહેરોને પણ નજીકથી અનુભવી છે. કૅનેડાના સૌથી લાંબા દરિયાકિનારાઓમાંથી એક એવા ટોફિનો બીચની સુંદરતા, બૅન્ગકૉકનો જીવંત પટાયા બીચ અને દુબઈમાં બુર્જ અલ અરબ તેમ જ પામ જુમેરાહ હોટેલની બાજુમાં આવેલો આધુનિક દરિયાકિનારો મારી યાદોમાં ખાસ સ્થાન ધરાવે છે.’
દરિયા સાથે જોડાયેલી હસબન્ડની યાદો વિશે વાત કરતાં ચેતનાબહેન કહે છે, ‘મારા હસબન્ડ હેમંત ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC)ના ઑફશોર ઑઇલ ઍન્ડ ગૅસ પ્લૅટફૉર્મ પર નૉન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ (NDT) પ્રોફેશનલ તરીકે કાર્યરત હતા. તેમનું મુખ્ય કામ પ્લૅટફૉર્મ અને રિફાઇનરીના સ્ટ્રક્ચરની તેમ જ પાઇપલાઇન્સની મજબૂતાઈ અને સુરક્ષા તપાસવાનું હતું. એને કારણે તેમને વારંવાર દરિયાની વચ્ચે જવું પડતું. આપણે સામાન્ય રીતે દરિયાકિનારે ઊભા રહીને સૂર્યાસ્ત જોઈએ છીએ, પરંતુ દરિયાની અધવચ્ચે આવેલા વિશાળ ઑઇલ પ્લૅટફૉર્મ પરથી સૂર્યાસ્ત જોવાનો રોમાંચ અને મજા તદ્દન અલગ હોય છે. ત્યાંથી ક્ષિતિજ એકદમ સ્પષ્ટ દેખાય છે અને આખો સૂર્ય જાણે સીધો પાણીમાં ગરકાવ થતો હોય એવો અદ્ભુત નજારો જોવા મળે છે. તેઓ ત્યાંના જળચર જીવો વિશે ખૂબ જ રસપ્રદ વાતો કહેતા. દરિયાની વચ્ચે પ્રોડક્શન પ્લૅટફૉર્મ્સની આસપાસ બ્લુ વ્હેલ, કિલર વ્હેલ, ટાઇગર શાર્ક અને હૅમરહેડ શાર્ક જેવા વિશાળ જળચર જીવો ઘણી વાર પ્રત્યક્ષ તરતા જોવા મળતા. તેઓ એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર શિફ્ટ થતા જે સામાન્ય રીતે ચૉપર/હેલિકૉપ્ટર અથવા સ્પેશ્યલ બોટ દ્વારા થતું હોય છે ત્યારે દરિયાની એ અફાટ સુંદરતા અને રોમાંચનું જે વર્ણન કરતા એ સાંભળવું એક અનોખો અનુભવ હતો. મારા હસબન્ડ ૨૦૨૧માં ગુજરી ગયા. તેમને મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર થયું હતું. અત્યારે તે મારી સાથે નથી, પણ જ્યારે હું દરિયાકિનારે જાઉં ત્યારે મને તેમની બહુ યાદ આવે છે. ત્યાં બેઠા-બેઠા મનમાં એ ગીત પણ આવ્યા કરે છે કે ‘એક પ્યાર કા નગમા હૈ, મૌજોં કી રવાની હૈ, ઝિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ.’ બીજું એક ગીત છે કે ‘તેરી આંખોં સે સારા સંસાર મૈં દેખૂંગી...’ એવી જ રીતે મેં પણ તેમની આંખોથી દરિયાની દુનિયા જોઈ છે. મારા હસબન્ડની બહુ ઇચ્છા હતી કે અમારી દીકરી સી-ફેસિંગ ઘર લે. અત્યારે એ લોકોએ જે નવું ઘર લીધું છે એ સી-ફેસિંગ જ લીધું છે. આ રીતે દીકરી પણ તેના ફાધરની ઇચ્છા પૂરી કરીને તેમને હંમેશાં પોતાની યાદોમાં સાથે રાખે છે.’
અમારા પ્રેમનું સરનામું
ઘાટકોપરમાં રહેતાં બાવન વર્ષનાં મીના ગોરી માટે દરિયો પતિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનું સરનામું છે. પત્નીના દરિયાઈ પ્રેમ વિશે વાત હિંમતભાઈ કહે છે, ‘મીના સાથે મારી સગાઈ ૧૯૯૬માં થઈ હતી. અમે પહેલી વાર મળ્યાં ત્યારે મરીન ડ્રાઇવ પર જ મળેલાં. સગાઈ પછી અમારું જ્યારે પણ મળવાનું થાય ત્યારે તે દરિયાકિનારે જ લઈ આવે. ૧૯૯૯માં અમારાં લગ્ન થયાં હતાં. આજે લગ્નને ૨૭ વર્ષ થયાં છતાં દરિયાના સાંનિધ્યમાં સમય વિતાવવાનો આ સિલસિલો તૂટ્યો નથી. અમારે બે દીકરા છે. તેઓ પણ મોટા થઈ ગયા છે. ૨૪ વર્ષનો મોટો દીકરો શૌર્ય UPSCની તૈયારી કરે છે, જ્યારે ૧૯ વર્ષનો નાનો દીકરો વીર લૉની સ્ટડી કરે છે. દર રવિવારે અમારો પ્રોગ્રામ ફિક્સ જ હોય. અમે મરીન ડ્રાઇવ પર જઈએ. ત્યાં ત્રણ-ચાર કલાક બેસીએ. ત્યાં બેસવાની પણ અમારી જગ્યા ફિક્સ છે. એ પછી ચાલતા-ચાલતા ગિરગામ ચોપાટી સાઇડ આવીએ. અહીં અમે તેની મનપસંદ પાંઉભાજી ખાઈએ અને પછી ઘરે જવા રવાના થઈએ. હું મહારાષ્ટ્ર સ્ટેટ તરફથી થતી સ્વિમિંગ કૉમ્પિટેશન માટે માલવણના ચિવલા બીચ પર જતો હોઉં છું. ત્યાં પણ તે મને ચિયર-અપ કરવા આવે છે. હું વેપારી માણસ છું. મસ્જિદ બંદરમાં મારી ડ્રાયફ્રૂટ્સની દુકાન છે. આપણું એટલું ગજું નથી કે મુંબઈમાં સી-ફેસિંગ ઘર લઈ શકાય. મારી પત્નીની સી-ફેસિંગ ઘરમાં રહેવાની બહુ ઇચ્છા છે એટલે અમે વલસાડના ઉમરગામમાં નાર્ગોલ બીચના દરિયાકિનારે એક સરસ જગ્યા જોઈ રાખી છે. તેમને એવું છે કે પાછલી ઉંમર ત્યાં જ વિતાવીએ. દરરોજ સવાર-સાંજ એક-બે કલાક દરિયાકિનારે ફરીએ. મને ખબર નહોતી કે મારી પત્નીને આટલો બધો દરિયા પ્રત્યે પ્રેમ છે.’
દરિયો ગમવા વિશે મીનાબહેન કહે છે, ‘હું દરિયાકિનારે જાઉં એટલે મને ત્યાં બેસીને ધ્યાન કરવું ગમે, જૂનાં સંભારણાંઓ યાદ કરવાં ગમે. સાંજના સમયે સૂર્યાસ્ત વખતે જે રીતે રંગો બદલાય એ જોવાની પણ અલગ મજા છે. હવાનો એ સ્પર્શ, દરિયાનાં મોજાંને નિહાળવા, એનો ઘૂઘવાટ. આ બધું મનને શાંત કરનારું હોય છે. જીવનમાં મેં ભારતના ઘણા સુંદર અને પવિત્ર દરિયાકિનારા માણ્યા છે. દક્ષિણ ભારતમાં કેરલમના શાંત બૅકવૉટર્સ ધરાવતા કુમરાકોમ લેક અને બીચની મુલાકાત લીધી છે. કન્યાકુમારીના ત્રિવેણી સંગમના દરિયાને પણ નજીકથી જોયો છે. કર્ણાટકના ગોકર્ણ અને વિશાળ શિવપ્રતિમા ધરાવતા મુરડેશ્વર બીચથી લઈને ગોવાના જીવંત કિનારા સુધીની સફર મેં ખેડી છે. આ ઉપરાંત પૂર્વ કિનારે ઓડિશાના જગન્નાથપુરી, તામિલનાડુના રામેશ્વરમ અને આપણા ગુજરાતના ઐતિહાસિક સોમનાથ બીચ સુધીના દરિયાકિનારાના આધ્યાત્મિક અને રમણીય વાતાવરણને મેં મન ભરીને માણ્યું છે.’
દરિયો કેમ શાંતિ આપે છે?
દરિયાકિનારે શા માટે કલાકો સુધી બેસી રહેવાનું મન થાય છે? શા માટે શાંતિનો અનુભવ થાય છે? શા માટે સકારાત્મકતા અનુભવાય છે? એનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘માણસનું શરીર લગભગ ૭૦ ટકા પાણીનું બનેલું છે. આ જ કારણ છે કે પંચમહાભૂતોમાં આપણે સૌથી વધુ જળતત્ત્વ સાથે કનેક્ટેડ ફીલ કરીએ છીએ. જ્યારે પણ આપણે દરિયાકિનારે જઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદરનું પાણી અને દરિયાનું પાણી એકબીજા સાથે અલાઇન થઈ જાય છે. આ કુદરતી અલાઇનમેન્ટને કારણે જ દરિયાકિનારે આપણું મન આપોઆપ ગજબની શાંતિ અનુભવે છે. આ અલાઇનમેન્ટ એક સુરક્ષિત વાતાવરણ ઊભું કરે છે. જીવનની જે લાગણીઓ કે આઘાતો આપણે અંદર દબાવી રાખ્યાં હોય અથવા જેના કારણે આપણું મન અંદરથી સુન્ન થઈ ગયું હોય એ દરિયાના સાંનિધ્યમાં આવતાં જ અચાનક ગતિમાં આવી જાય છે અને ઊભરાઈને બહાર આવે છે. દરિયાનાં મોજાં અને આપણાં ઇમોશન્સનું ફંક્શનિંગ એકસરખું જ છે. દરિયામાં ગમે એટલું ઊંચું મોજું આવે, એ જેટલી ઝડપથી ઉપર જાય છે એટલી જ ઝડપથી એ નીચે આવીને સેટલ પણ થઈ જાય છે. માણસની લાગણીઓનું પણ આવું જ છે. જ્યારે ઓશનમાં જોશથી પાણી આવીને શાંત થઈ જાય છે ત્યારે સાઇકોલૉજિકલી આપણા મગજને એક સબકૉન્શ્યસ મેસેજ મળે છે કે આ ઇમોશન ગમે એટલું મોટું હશે, એ પણ સમય જતાં સેટલ-ડાઉન થઈ જવાનું છે. દરિયાને જોઈને મળતો આ ઑટોમેટિક મેસેજ માણસનો મૂડ ઇમ્પ્રૂવ કરે છે અને તેની અંદર માનસિક મજબૂતાઈ ઊભી કરે છે. દરિયાનું પાણી જેમ સતત મૂવમેન્ટ કરતું રહે છે એમ આપણા વિચારો અને લાગણીઓ પણ સતત ઉપર-નીચે થતાં રહે છે. દરિયો આપણને શબ્દો વગર ફક્ત પોતાનાં મોજાંથી જ જીવનનો સૌથી મોટો પાઠ શીખવે છે કે જેમ મોજું એ આખો દરિયો નથી તેમ આ ક્ષણિક લાગણીઓ આખી જિંદગી નથી. આ માત્ર એક તબક્કો છે જે અંતે પસાર થઈ જશે. જ્યારે દરિયામાં મોટી લહેર આવતી હોય ત્યારે એ બહુ વિનાશક લાગે છે. જો તમે એ મોજાની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશો તો એ મોજું તમને પોતાની અંદર ખેંચી જશે, પરંતુ જો તમે કિનારે ઊભા રહીને એને ફક્ત ઑબ્ઝર્વ કરશો તો એ તમારી સામે જ આવીને શાંત થઈ જશે. આ જ થિયરી આપણાં ઇમોશન્સને પણ લાગુ પડે છે. જો હું મારી ભાવનાઓમાં વહી ગઈ તો એ મને માનસિક રીતે ખેંચી જશે, પરંતુ જો હું એક તટસ્થ દર્શક બનીને મારી એ લાગણીને થોડી દૂરથી જોઉં તો એ થોડી વારમાં બેસી જશે. ટૂંકમાં, દરિયો આપણને લાગણીઓનો પ્રતિકાર કરવાનો નહીં પણ એને સેટલ થવા દેવાનો કુદરતી માર્ગ શીખવે છે.’
