Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજનો યુવાન આવતી કાલનો વૃદ્ધ છે

આજનો યુવાન આવતી કાલનો વૃદ્ધ છે

Published : 29 April, 2026 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક યુવાન એટલું સમજે કે યુવાની સદાકાળ ટકવાની નથી, એક દિવસ તેમની પણ વૃદ્ધાવસ્થા આવશે. આજે જેવું વર્તન તેઓ માતા અને પિતા સાથે કરે છે એવું વર્તન તેમનાં સંતાનો તેમની સાથે કરશે એ તેમને ગમશે? આ વિચાર તેમને ચોક્કસ સંવેદનશીલ થવા પ્રેરશે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


વૃદ્ધનો અર્થ ઘડપણ શા માટે? વૃદ્ધ એટલે જે વૃદ્ધિ પામ્યો છે તે.

માનવીના હૈયાને નંદવાતાં વાર શી? મનુષ્યના અવતારમાં વૃદ્ધાવસ્થા-ઘડપણ એ આથમતા સૂર્યની અવસ્થા ગણાવાઈ છે. એટલે જ ઉત્તરાવસ્થાને જીવનસંધ્યા કહે છે. મનુષ્ય માત્ર આયુષ્યમાં જ નહી, જ્ઞાનમાં અને અનુભવમાં વૃદ્ધ હોય છે તેથી વૃદ્ધોને જ્ઞાનવૃદ્ધ-અનુભવવૃદ્ધ એમ પણ ઓળખાવાય છે. આધ્યાત્મિક પ્રગતિમાં વૃદ્ધિ પ્રાપ્ત કરનાર વર્ધમાન કહેવાય છે. ભગવાન મહાવીર વર્ધમાન તરીકે પણ સંબોધાય છે. જેનો આત્મા વિષયોથી મુક્ત થઈને મોક્ષમાર્ગે આગળ વધે એટલે કે સામાન્ય સંસારી જીવ શ્રમથી મોક્ષના માર્ગે વળે અને એ માર્ગે જવા સતત પ્રયત્નશીલ રહે કે એમાં સફળ થાય તે વર્ધમાન જ કહેવાય. જોકે સામાન્ય માણસોને રોજબરોજના જીવનની જંજાળ, વિષમતા, સમસ્યાઓ એટલી બધી ઘેરી વળે છે કે તેમને આ આત્માથી પરમાત્મા અને મોક્ષની વાત કદાચ યાદ પણ નથી રહેતી. અંગોની શક્તિ ક્ષીણ થઈ જાય છે, શરીરથી ધ્રૂજતા હાથે લાકડી શોભે છે. વૃદ્ધાવસ્થામાં કેટલાય શારીરિક, સાંસારિક અને માનસિક પ્રશ્નો અને સમસ્યાઓ વૃદ્ધોને નડે છે. જીવતર ક્યારેક કડવું પણ લાગે છે. સંતાનોની નવી પેઢી તેમને સમજતી નથી કે વૃદ્ધો નવી પેઢીના માનસ અને ચરિત્રને ઓળખી શકતા નથી. એમાંથી ઘર્ષણો-વિસંવાદ પેદા થાય છે. જો સમાધાનના રસ્તે ન જઈ શકાય તો સંયુક્ત કુટુંબ વિભક્ત થાય છે અને સૌથી વધુ કરુણ ક્ષણ ત્યારે આવે છે જ્યારે મા-બાપને સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે.



વૃદ્ધને આયુષ્યના ઊંચા શિખર પર ગૌરવભર્યું સ્થાન આપવાને બદલે છેલ્લા પગથિયા પર ઉતારી દેવાય છે ત્યારે એ વૃદ્ધોના હૈયામાં કેવો મૌન આક્રોશ થતો હશે એની કલ્પના થઈ શકે છે. જોકે સંસ્કારી કુટુંબોમાં આવું ક્યારેય થતું નથી હોતું.


વૃદ્ધોની સમસ્યાઓ અનેક છે. એમને વિવિધ દૃષ્ટિકોણથી વિચારવી જોઈએ. જોકે સૌથી મહત્ત્વનું અંગ છે સ્નેહ અને સહાનુભૂતિ. માતા-પિતા સાથેના સંતાનોના દુર્વ્યવહારની અનેક વાતો આપણા જોવામાં આવે છે. થોડા સમય પહેલાં એક ધનાઢ્ય વિસ્તારના બહુમાળી મકાનમાંથી વૃદ્ધ દંપતીએ ઘરના ઝઘડાને કારણે કૂદીને આત્મહત્યા કરી હતી. એનાથી વધુ આઘાતજનક કહાણી કઈ હોઈ શકે? હા, કબૂલ છે કે વૃદ્ધોની ઘણી વિવશતાઓ, નિર્બળતાઓ, કુટેવો પણ હોય છે. શારીરિક રીતે પણ તેમની વિસ્મૃતિ, બોલ-બોલ કરવાની ટેવ, પોતાનું મહત્ત્વ દેખાડવાની આદત વગેરે સંતાનોને કઠે છે; પરંતુ વૃદ્ધાવસ્થામાં આ આદતો સુધારવી મુશ્કેલ હોય છે એ વાત સંતાનોએ સમજવી જરૂરી છે.

આપણાં સંસ્કારી કુટુંબોમાં મોટાઓનું ક્યારેય અપમાન કરવામાં નથી આવતું. જાણીતા કેળવણીકાર મનસુખલાલ ઉપાધ્યાયે તેમના એક પુસ્તકમાં પશ્ચિમના સંસ્કારનો દુ:ખદ પ્રસંગ લખ્યો છે...


‘લંડનના એક સમારંભમાં અમે ગયા હતા. ત્યાં એક જગ્યાએ અમે ઊભા હતા ત્યારે થોડે દૂર ઊભા રહીને એકાંતમાં વાત કરતાં બે યુવાન હૈયાંની વાત અમારાથી સંભળાઈ ગઈ. યુવતી યુવાનને પૂછી રહી હતી, તારે ત્યાં ડસ્ટબિન કેટલાં? યુવાન બોલ્યો, બે. અમને વાત સમજાઈ નહીં તેથી અમે અમારા યજમાન બહેને પૂછ્યું કે બહેન ડસ્ટબિન તો ઘરમાં એક જ હોય, બે ડસ્ટબિન કેમ હોઈ શકે? તેમણે કહ્યું, અહીં વૃદ્ધ માતા-પિતાને ડસ્ટબિન ગણવામાં આવે છે. આ સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. આ છે પાશ્ચાત્ય સંસ્કૃતિનું વરવું પ્રદર્શન. આપણે ત્યાં એક વાક્ય સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું કે આજનો યુવાન આવતી કાલનો નાગરિક છે.’

મનસુખભાઈ તેમના પુસ્તકમાં એ વાક્ય સુધારીને લખે છે, ‘આજનો યુવાન આવતી કાલનો વૃદ્ધ છે.’ આ એક સચોટ વાક્ય છે. જો દરેક યુવાન એટલું સમજે કે યુવાની સદાકાળ ટકવાની નથી, એક દિવસ તેમની પણ આવી જ દશા થશે. આજે જેવું વર્તન તેનાં માતા-પિતા સાથે તે કરે છે એવું વર્તન તેમનાં સંતાનો તેમની સાથે કરશે એ તેમને ગમશે?

બીજાની દૃષ્ટિએ જોઈને અનુભવી વર્તન રાખવાથી ઘણા ઘર્ષણો, વાદવિવાદો નિવારી શકાય છે. કાયમ જૂની પેઢીની ભૂલ કાઢવી જરૂરી નથી હોતું. એ જ રીતે વડીલોએ નવી પેઢીની નિંદા કરવાથી દૂર રહેવાની પણ જરૂર છે. યુવાનો ભૂલ કરશે તો ભૂલોમાંથી પણ બોધપાઠ લેશે. એક ઘરમાં રહેતા લોકો વચ્ચે મતભેદો થાય. અભરાઈ પર બે વાસણો હોય તો ખખડે પણ ખરાં, પણ બે વાસણો પર ગોબા ન પડે એ જોવું જરૂરી છે. ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે છે, ‘માનવીના હૈયાને નંદવાતા વાર શી?’

પણ આપણે તો વહેવારિયા માણસો. માત્ર ઊગતાને જ માન આપીએ છીએ, પૂજીએ છીએ. વૃદ્ધોની અવગણના થતી રહેતી હોવાથી વૃદ્ધાશ્રમો વધતા જાય છે. કુદરતે ઋતુચક્રમાં સર્વ ઋતુઓને માનભર્યું સ્થાન આપ્યું છે. વસંત આવે છે અને હવામાં મસ્તી લાવે છે, પણ પાનખરમાં (વૃદ્ધાવસ્થામાં) ત્યાં વિષાદ છવાઈ ગયો હોય એમ વૃક્ષો સાવ પર્ણવિહીન, સાદાં-એકલાં લાગે છે. વૃદ્ધોની હાલત પણ કંઈક આવી જ થતી હોય છે. યુવાનીમાં તેજીલા તોખાર જેવો લાગતો માણસ ઉંમર વધતાં ઘસાતો જાય છે. એજિંગ પ્રોસેસ ચાલુ થાય પછી જ વૃદ્ધોને કાળજી, સ્નેહ અને હૂંફની જરૂર પડતી હોય છે.

નવી પેઢી આ વાત ક્યારે સમજશે? 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK