સુઝૅન ખાને ભૂતપૂર્વ પતિ હૃતિક રોશન તેમ જ તેની ગર્લફ્રેન્ડને સોશ્યલ મીડિયા પર શુભેચ્છા અને દુઆ આપી
સુઝૅન ખાને ભૂતપૂર્વ પતિ હૃતિક રોશન તેમ જ તેની ગર્લફ્રેન્ડને સોશ્યલ મીડિયા પર શુભેચ્છા અને દુઆ આપી
હૃતિક રોશને ૧૦ જાન્યુઆરીએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે બાવનમી વર્ષગાંઠ ઊજવી હતી. આ સેલિબ્રેશનમાં હૃતિકની ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાન પણ હાજર રહી હતી. આ ઉજવણીના કેટલાક દિવસો પછી સુઝૅને હવે હૃતિક માટે સોશ્યલ મીડિયા પર એક બર્થ-ડે પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે હૃતિક અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને શુભેચ્છાઓ અને દુઆ આપી છે.
સુઝૅને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી એક વિડિયો-કોલાજ શૅર કર્યો છે જેમાં તે, તેના બન્ને દીકરાઓ રિદાન રોશન અને રેહાન રોશન, સુઝૅનનો બૉયફ્રેન્ડ અર્સલાન ગોની, હૃતિક, હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, ઝાયેદ ખાન અને અન્ય કેટલાક નજીકના મિત્રો જોવા મળે છે. આ તસવીરોમાં હૃતિકના તાજેતરના જન્મદિવસની ઉજવણીની ઝલક જોવા મળે છે.
આ પોસ્ટ સાથે સુઝૅને એક સુંદર નોટ પણ લખી છે. સુઝૅન ખાને લખ્યું છે, ‘તું હંમેશાં અમારા સૌ માટે તારાઓથી ભરેલું આકાશ રહીશ. હૅપી બર્થ-ડે રે... તને અને સબુને ઘણો પ્રેમ. તમને બન્નેને જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ મળે. આજથી લઈને હંમેશાં સુધી આપણે સૌ પરિવાર અને દિલના સંબંધોથી પણ વધારે જોડાયેલા રહીએ. આપણે સૌ ભાગ્યશાળી છીએ અને આ બ્રહ્માંડ આપણા સૌની રક્ષા કરશે.’
આ પોસ્ટ પર હૃતિક રોશને પ્રતિભાવ આપીને સુઝૅન અને તેના બૉયફ્રેન્ડ અર્સલાન ગોની માટે પણ શુભેચ્છાઓ વ્યક્ત કરીને લખ્યું છે, ‘ખુશ લોકો એકસાથે ગાઈ રહ્યા છે, કારણ કે સંગીત ક્યારેય અટકતું નથી. થૅન્ક યુ સુઝૅન. બહુબધો પ્રેમ ભાઈ અર્સલાન ગોની.’


