હૃતિકે પોતાના જન્મદિવસની તસવીરો શૅર કરીને મેસેજ લખ્યો છે, ‘મારી દુનિયાનો આભાર. મારા પરિવારનો આભાર. મારા મિત્રો, મારા ફૅન્સ... દરેક એ વ્યક્તિનો આભાર જેણે મને મેસેજ કરવાની, મારા વિશે પોસ્ટ કરવાની અથવા મને કૉલ કરવાની કોશિશ કરી... પછી ભલે વાત ન થઈ શકી.
હૃતિક રોશને મધદરિયે ગર્લફ્રેન્ડ અને ભૂતપૂર્વ પત્નીની કંપનીમાં ઊજવી બાવનમી વર્ષગાંઠ
૧૦ જાન્યુઆરીએ હૃતિક રોશનની બાવનમી વર્ષગાંઠ હતી. હવે તેણે પોતાના સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને એની ઝલક દર્શાવી છે. હૃતિકે તેની બાવનમી વર્ષગાંઠ સમુદ્રની લહેરો વચ્ચે વૈભવી યૉટ પર ઊજવી હતી. આ ખાસ અવસરે તેના પરિવારજનો અને નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. હૃતિકે પોસ્ટ કરેલી આ તસવીરોમાં તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદની સાથે-સાથે દીકરાઓ રેહાન અને રિદાન તેમ જ ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાન અને તેનો બૉયફ્રેન્ડ અર્સલાન ગોની પણ જોવા મળ્યાં હતાં.
હૃતિકે પોતાના જન્મદિવસની તસવીરો શૅર કરીને મેસેજ લખ્યો છે, ‘મારી દુનિયાનો આભાર. મારા પરિવારનો આભાર. મારા મિત્રો, મારા ફૅન્સ... દરેક એ વ્યક્તિનો આભાર જેણે મને મેસેજ કરવાની, મારા વિશે પોસ્ટ કરવાની અથવા મને કૉલ કરવાની કોશિશ કરી... પછી ભલે વાત ન થઈ શકી. દરેક એ વ્યક્તિનો આભાર જેણે પોતાની પ્રાર્થનામાં મારા માટે દુઆ કરી, જેણે એક ક્ષણ માટે પણ મને યાદ કર્યો અથવા થોડા સમય માટે પોતાના વિચારોમાં મને સ્થાન આપ્યું.’
હૃતિકે પોતાના સંદેશામાં આગળ લખ્યું છે, ‘હું આપ સૌને કહેવા માગું છું કે આ ધરતી પર આપ સૌની સાથે એક જ જગ્યા પર રહેવું મારા માટે કોઈ સૌભાગ્ય અને સન્માનથી ઓછું નથી. આપણે સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છીએ અને એવા તરંગો સર્જી રહ્યા છીએ જે હંમેશાં જીવંત રહેશે. આ પ્રેમ માટે આભાર.’


