તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રૂપા બિંજોલા તરીકે તેની એન્ટ્રી થઈ છે
ધરતી ભટ્ટ
લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં એક નવા પરિવારની એન્ટ્રી થઈ છે. ધરતી ભટ્ટે આ શોમાં રૂપા બિંજોલાની ભૂમિકા સાથે પ્રવેશ કર્યો છે. રૂપા એક ગૃહિણી છે જે ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટર તરીકે પણ કામ કરે છે અને આધુનિક ભારતીય મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો પતિ રતન બિંજોલા (કુલદીપ ગોર) એક સાડીની દુકાનનો માલિક છે. બાળકો વીર અને બંસરી સાથે ગોકુલધામ સોસાયટીમાં કાયમ માટે તેઓ રહેવા આવી ગયાં છે. આ શોમાં દયાભાભીનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ દિશા વાકાણીની જેમ ધરતી ભટ્ટ પણ મૂળ અમદાવાદી છે.
ધરતી ભટ્ટનો જન્મ ૧૯૯૦ની ૯ જુલાઈએ અમદાવાદમાં થયો હતો અને તે એક પરંપરાગત ગુજરાતી પરિવારમાંથી આવે છે. ધરતી બાળપણથી જ અભિનય અને નૃત્ય પ્રત્યે ઉત્સાહી હતી અને તે ઘણી નૃત્યશૈલીઓમાં નિપુણ છે. તેણે પોતાની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત ૨૦૧૨માં ટીવી-સિરિયલ ‘લવ મૅરેજ યા અરેન્જ્ડ મૅરેજ’થી કરી હતી. ૨૦૧૩-’૧૫માં ‘મહીસાગર’ નામની કૉમેડી-ડ્રામા સિરિયલમાં તેણે ‘મહી’નો લીડ રોલ કર્યો હતો અને એનાથી તેને સારીએવી સફળતા મળી હતી. એ સિવાય ધરતીએ ‘જોધા અકબર’, ‘ક્યા હાલ, મિસ્ટર પંચાલ?’, ‘વો તો હૈ અલબેલા’ તેમ જ ‘પૂર્ણિમા’ જેવા કેટલાક શોમાં પણ કામ કર્યું છે.

