આ શોમાં આશુતોષ રાણા ઔરંગઝેબના પાત્રમાં અને જીતીન ગુલાટી રાજા છત્રસાલના રોલમાં દેખાશે.
આશુતોષ રાણા
આશુતોષ રાણાનું કહેવું છે કે વેબ શો ‘છત્રસાલ’ દ્વારા બુંદેલખંડના રાજા છત્રસાલ વિશે લોકોને ઘણુંબધું જાણવા મળશે. આ શોમાં આશુતોષ રાણા ઔરંગઝેબના પાત્રમાં અને જીતીન ગુલાટી રાજા છત્રસાલના રોલમાં દેખાશે. MX પ્લેયર પર આ શો ૨૯ જુલાઈથી શરૂ થશે. શોને અનાદી ચતુર્વેદીએ ડિરેક્ટ કર્યો છે. શોમાં વૈભવ શાંડિલ્ય, મનીષ વાધવા, અનુષ્કા લુહાર અને રુદ્ર સોની લીડ રોલમાં જોવા મળશે. પોતાના રોલ વિશે આશુતોષ રાણાએ કહ્યું હતું કે ‘ઔરંગઝેબ ઇતિહાસમાં સૌથી વધુ ભયાનક અને શક્તિશાળી રાજા હતો. મેં ભૂતકાળમાં ખૂબ નેગેટિવ પાત્રો ભજવ્યાં છે. જોકે આ પાત્ર ભજવવું મારા માટે પડકારજનક તો હતું જ પરંતુ સાથે જ મને અલગ પ્રકારની ઍક્ટિંગ કરવાની તક મળી હતી. આશા છે કે આ વેબ-સિરીઝ દ્વારા લોકો મહારાજા છત્રસાલની બહાદુરી ફરીથી જોઈ શકશે.’
બીજી તરફ રાજા છત્રસાલનો રોલ ભજવનાર જીતીન ગુલાટીએ કહ્યું હતું કે ‘ઇતિહાસનું સૌથી અગત્યનું પાત્ર ભજવવું એ મારા માટે સન્માનની બાબત છે. કેટલીક સ્ટોરીઝને લોકો સુધી પહોંચાડવી જરૂરી હોય છે અને આ પણ એમાંની જ એક છે. ભારતના મધ્યકાલીન યુગમાં છત્રસાલ હીરો હતા. એ સમયમાં તેમણે આઝાદી માટેનું બીડું ઝડપ્યું હતું. એ વખતે કોઈ પણ મોગલ સામ્રાજ્ય અને એની વિશાળ સેના વિરુદ્ધ લડવાની હિમ્મત નહોતું કરતું. આવી સ્ટોરીઝ દ્વારા જાણ થાય છે કે આપણો ભવ્ય ઇતિહાસ અને ધરોહર કેટલાં પ્રબળ છે. આશા છે કે દર્શકો આ અનસંગ યોદ્ધાઓની સ્ટોરી જાણીને પ્રેરિત થશે.’

