Mumbai Horror: ડીએનએ ટેસ્ટ દ્વારા પાંચ મહિનાની ગર્ભાવસ્થાની પુષ્ટિ થયા પછી, મુંબઈ પોલીસે ૫૦ વર્ષીય પિતાની તેની માનસિક અને શારીરિક રીતે અક્ષમ ૨૦ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરી હોવાનો ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દક્ષિણ મુંબઈ (South Mumbai)માં આઘાત પહોંચાડનાર એક કેસ પ્રકાશમાં આવ્યો છે. એક ૫૦ વર્ષીય પુરુષની તેની અપંગ પુત્રી પર જાતીય હુમલો કરી તેનો બળાત્કાર કરવા બદલ ધરપકડ (Mumbai Horror) કરવામાં આવી છે.
તાજેતરમાં દક્ષિણ મુંબઈના એક ખૂબ જ ચિંતાજનક કેસમાં, કફ પરેડ પોલીસ (Cuffe Parade Police)એ ૫૦ વર્ષીય પિતાની પોતાની ૨૦ વર્ષની પુત્રી, જે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે, બોલવામાં અને સાંભળવામાં અક્ષમ છે, તેના પર જાતીય હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ડીએનએ પુરાવાઓથી તેની સંડોવણીની પુષ્ટિ થઈ છે.
ADVERTISEMENT
૨૦ વર્ષીય પીડિતા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે વિગતવાર તપાસ શરૂ થઈ છે જેમાં ઘણા મહિનાઓથી અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહેલ જાતીય શોષણનો પર્દાફાશ થયો છે.
તબીબી તપાસ બાદ મામલો પ્રકાશમાં આવ્યો
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રકાશમાં આવી હતી જ્યારે પીડિતાએ તેની દાદીને અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તેને તેના પેટમાં કીડા ફરતા હોવાનું અનુભવાયું હતું. પીડિતાને કામા હોસ્પિટલ (Cama Hospital)માં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં તે પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ તાત્કાલિક કફ પરેડ (Cuffe Parade) પોલીસને જાણ કરી હતી.
શરૂઆતમાં પીડિતાએ ફરિયાદ નોંધાવાની ના પાડી હતી
શરૂઆતમાં, પીડિતા પોતાની અપંગતાને કારણે પોતાનું નિવેદન નોંધવામાં અસમર્થ હતી. તેના પિતાએ દાવો કર્યો હતો કે તે બાળપણથી જ માનસિક રીતે અસ્વસ્થ હતી અને ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમને કોઈ હુમલાની કોઈ જાણકારી નહોતી. જોકે, પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ દરમિયાન, પીડિતા અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા સંમત થઈ હતી.
અનેક કલમો હેઠળ FIR નોંધાઈ
ફરિયાદના આધારે, કફ પરેડ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS)ની કલમ 64(2)(i), 64(2)(k), 64(2)(m), 74, 92 અને 238(b) હેઠળ, સંમતિ આપી ન શકે તેવી મહિલા પર બળાત્કાર અને માનસિક અથવા શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ પર જાતીય હુમલો કરવા બદલ એફઆઈઆર નોંધી હતી.
આ ગુનાઓ ૨૧ માર્ચ અને ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ની વચ્ચે થયા હોવાનું કહેવાય છે. FIR ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નોંધવામાં આવી હતી.
ડીએનએ પરીક્ષણથી પિતાનું દુષકૃત્ય ખબર પડી
પોલીસે તપાસ દરમિયાન નામ આપવામાં આવેલા ૧૭થી વધુ શંકાસ્પદોના લોહીના નમૂના લીધા હતા અને ગર્ભના નમૂના સાથે તેમને ફોરેન્સિક ડીએનએ પરીક્ષણ માટે મોકલ્યા હતા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ફોરેન્સિક લેબોરેટરી રિપોર્ટમાં પુષ્ટિ મળી હતી કે, ગર્ભનો ડીએનએ પીડિતાના પિતા સાથે મેળ ખાય છે.
રિપોર્ટ બાદ, પોલીસે તેને બોલાવીને પૂછપરછ કરી. તેની સંડોવણી સાબિત થઈ અને તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે આ ગુનો ૧૦ વર્ષથી વધુની જેલની સજાને પાત્ર છે અને તેને એક જઘન્ય ગુના તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જેના કારણે ફરાર થવાથી બચવા માટે ધરપકડ જરૂરી બને છે.
અન્ય આરોપીઓની પણ ધરપકડ, તપાસ ચાલુ
અગાઉ, કફ પરેડ પોલીસે ૩૪ વર્ષીય પરિણીત પુરુષની ધરપકડ કરી હતી, અને ૧૭ વર્ષના સગીર છોકરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અન્ય ઘણા શંકાસ્પદોની તપાસ ચાલુ છે.
પીડિતાના નિવેદન નોંધવામાં NGOની સહાય
તપાસ અધિકારી PSI અશ્વિની કોળી-પાટીલને આ કેસમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો કારણ કે પીડિતા યોગ્ય રીતે બોલી કે સાંભળી શકતી ન હતી. NGO વિધાયક ભારતીની મદદથી, કાઉન્સેલર લીલા પટાડે અને મધુરા કોડલેકરે પીડિતાના નિવેદન નોંધવા માટે પાંચ દિવસમાં ડ્રોઇંગ અને ફિંગર-ડોલ કમ્યુનિકેશન તકનીકોનો ઉપયોગ કરીને અનેક ઉપચાર-આધારિત સત્રો હાથ ધર્યા.
આ સત્રો દરમિયાન, પીડિતાએ વારંવાર ચોક્કસ વ્યક્તિઓના નામ સૂચવ્યા, જેના કારણે પોલીસ શંકાસ્પદોને ઓળખી અને અટકાયતમાં લઈ ગઈ.


