વ્યુઅર તરીકે મને મર્ડર-મિસ્ટ્રી જોનર વધુ ગમે છે: અતુલ કુલકર્ણી
અતુલ કુલકર્ણી
ઓટીટી પ્લૅટફૉર્મ વૂટ સિલેક્ટ પર ‘અસુર’ અને ‘મર્ઝી’ બાદ ‘ધ રાયકર કેસ’ નામની વધુ એક મિસ્ટ્રી-થ્રિલર સિરીઝ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં નાઈક રાયકર પરિવારના એક સભ્યની હત્યા થઈ જાય છે અને એ પછી ઇન્વેસ્ટિગેશનમાં પરિવારના દરેક સભ્ય સસ્પેક્ટ બની જાય છે. શોમાં અતુલ કુલકર્ણી, અશ્વિની ભાવે, પારુલ ગુલાટી, નીલ ભૂપલામ જેવા કલાકારો છે.
‘રંગ દે બસંતી’, ‘ચાંદની બાર’, ‘દિલ્હી ૬’ જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત અનેક ભાષાની ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલો અતુલ કુલકર્ણી ‘ધ રાયકર કેસ’માં ઘરના મોભી યશવંત નાઈક રાયકરના પાત્રમાં છે. તે પોતાના રોલ બાબતે અત્યંત ચૂઝી છે એમ તેનું કહેવું છે. તે કહે છે કે ‘હું ઓવરવર્ક કરવામાં નથી માનતો, કારણ કે એમ કરવાથી તમે તમારી ફ્રેશનેસને ગુમાવી બેસો છો. હું ફક્ત એ પ્રોજેક્ટ કરવા માગું છું જેની સ્ક્રિપ્ટ મને રોમાંચિત કરે. ‘ધ રાયકર કેસ’માં કામ કરવાનું એક કારણ એ પણ હતું કે મને મર્ડર-મિસ્ટ્રી જોનર પહેલેથી જ બહુ ગમે છે. હિચકોકની ફિલ્મો જોવાની અને સિડની શેલ્ડનનાં પુસ્તકો વાંચવાની મને મજા આવે છે. એક વ્યુઅર તરીકે મને થ્રિલર જોનર પસંદ છે એથી ‘ધ રાયકર કેસ’ની સ્ક્રિપ્ટ વાંચીને જ મેં હા પાડી દીધી.’

