આર્ટ્સ અને કૉમર્સ સહિત વિવિધ ક્ષેત્રના લાયક વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે
પ્રતીકાત્મક તસવીર
હાલમાં કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) મેળવવા માટે ઉમેદવારે બારમા ધોરણમાં મૅથ્સ અને ફિઝિક્સનો અભ્યાસ કર્યો હોવાની જરૂરિયાત છે, પણ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) આ લાયકાતને દૂર કરવા પર વિચારણા કરી રહ્યું છે. આને કારણે હવે બારમા ધોરણમાં આર્ટ્સ કે કૉમર્સનો અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સ પણ પાઇલટ બનવા માટે લાયક ઠરી શકે એવી શક્યતા છે. એક વાર આ ભલામણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે એ પછી એને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવશે અને એની મંજૂરી મળ્યા બાદ CPL ટ્રેઇનિંગ સાયન્સ સિવાય આર્ટ્સ અને કૉમર્સ સહિત વિવિધ ક્ષેત્રના લાયક વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે. જોકે સ્ટુડન્ટ મેડિકલ રીતે ફિટ હોવો જરૂરી છે.
આ સંદર્ભમાં જાણવા મળે છે કે પાઇલટ બનવા માટે બીજા દેશોમાં મૅથ્સ અને ફિઝિક્સના અભ્યાસની કોઈ પૂર્વશરત નથી. બીજી તરફ જે શ્રીમંત લોકો પર્સનલ પાઇલટ લાઇસન્સ (PPL) મેળવવા માગે છે તેમના માટે આવી કોઈ શરત નથી તો પછી CPL માટે આવી શરત મૂકવી વિરોધાભાસી છે એટલે એને દૂર કરવા માટે વિચારણા થઈ રહી છે.

