પાઇલટ્સ ફેડરેશનના પ્રેસિડન્ટનો આરોપ
પ્રતીકાત્મક તસવીર
ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)ના પ્રમુખ કૅપ્ટન સી. એસ. રંધાવાએ આરોપ લગાવ્યો છે કે ઇન્ડિગો ઍરલાઇન્સમાં ઊભી થયેલી કટોકટી હવામાન, ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) અથવા ક્રૂની અછતને કારણે નહોતી પણ પૂર્વઆયોજિત હતી. તેમણે ઍરલાઇનના વરિષ્ઠ મૅનેજમેન્ટ પર ઇરાદાપૂર્વક કટોકટી ઊભી કરવાનો આરોપ લગાવ્યો હતો. સરકાર પર નવા રજૂ કરાયેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL)નાં ધોરણો પાછાં ખેંચવા માટે કથિત રીતે દબાણ કરવા બદલ ટોચના નેતૃત્વ પર દંડ અને ફોજદારી કાર્યવાહી કરવાની તેમણે માગણી કરી હતી.
કૅપ્ટન સી. એસ. રંધાવાએ દાવો કર્યો હતો કે તેઓ પહેલા દિવસે એટલે કે બીજી ડિસેમ્બરથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે આ કટોકટી પૂર્વઆયોજિત છે. રંધાવાએ આરોપ લગાવ્યો હતો કે ‘ઍરલાઇને શિયાળાના સમયપત્રક પહેલાં નેટવર્ક પ્લાનિંગ અને ક્રૂ ઉપયોગ સૉફ્ટવેર એકીકરણનું આયોજન કર્યું હતું, જે હેઠળ ઇન્ડિગોને વધારાની ૧૫૦ દૈનિક ફ્લાઇટ્સ ફાળવવામાં આવી હતી. હવે વિચારો કે તમે બધાં વિમાનો જમીન પર કેવી રીતે રાખી શકો? બધા પાઇલટ્સ ઉપલબ્ધ છે, બધા કૅબિન-ક્રૂ ઉપલબ્ધ છે અને છતાં કોઈ ફ્લાઇટે ઉડાન ભરી નથી? આ પૂર્વઆયોજિત હતું.’
ADVERTISEMENT
ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓ પર કાર્યવાહી કરવાના મુદ્દે રંધાવાએ કહ્યું હતું કે ‘સરકાર દ્વારા ઇન્ડિગો ઍરલાઇનના વરિષ્ઠ મૅનેજમેન્ટ સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને તેમને હજારો કરોડનો દંડ ફટકારવો જોઈએ. તેઓ દેશના નાગરિકોને આ રીતે બાનમાં રાખી શકે નહીં. તેમને પાઇલટ્સનાં સલામતી ધોરણોનું પાલન ન કરવા માટે ક્લીન-ચિટ આપવામાં આવી છે, જાણે કે ઇન્ડિગોના ૫૮૦૦થી ૬૦૦૦ પાઇલટ્સ પર સલામતી ધોરણો લાગુ પડતાં નથી.’


