નવા કર્મચારીઓને પણ AI ટ્રેઇનિંગ આપવામાં આવશે, આ પગલું ભારતીય નોકરિયાતો માટે મોટી રાહત લાવનારું છે
પ્રતીકાત્મક તસવીર
દિગ્ગજ કન્સલ્ટન્સી કંપની ડેલૉઇટે કંપનીના વિસ્તારની યોજના અંતર્ગત ભારતમાં ૫૦,૦૦૦ પ્રોફેશનલ્સને હાયર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ત્યારે આવી છે જ્યારે દુનિયાભરની કંપનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે નોકરીઓ પર કાપ મૂકીને કર્મચારીઓને છૂટા કરી રહી છે. ડેલૉઇટનું આ પગલું ભારતીય નોકરિયાતો માટે ખૂબ મોટી રાહત લાવનારું છે.
ડેલૉઇટ સાઉથ એશિયાના CEO નીતિન કિનીએ કહ્યું હતું કે ‘કંપની AIને કર્મચારીઓની જગ્યા લેનારા ટૂલના રૂપમાં નથી જોતી. મને નથી લાગતું કે નોકરીઓ ખતમ કરવાનું ઠીક છે. અમારું ધ્યાન કર્મચારીઓને નવી ટેક્નિક શીખવવા પર છે જેથી તેઓ પણ જટિલ સમસ્યાઓનું સમાધાન કરી શકે.’
ડેલૉઇટે એના ૩૦,૦૦૦ કર્મચારીઓને પહેલેથી જ AIની ટ્રેઇનિંગ આપી છે. હવે બાકી વર્કફોર્સને પણ આતંરિક પ્લૅટફૉર્મ્સના માધ્યમથી આ બદલાવ માટે તૈયાર કરશે. ડેલૉઇટ માટે ભારત એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. કંપનીના કુલ વૈશ્વિક વર્કફોર્સમાંથી એક-તૃતીયાંશ હિસ્સો માત્ર ભારતમાં કામ કરે છે.
