Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ભૌતિક સ્મૃદ્ધિ પ્રદાન કરતા આદિ શક્તિનાું મહાલક્ષ્મી સ્વરૂપ: નમામિ વિંધ્યવાસિની

ભૌતિક સ્મૃદ્ધિ પ્રદાન કરતા આદિ શક્તિનાું મહાલક્ષ્મી સ્વરૂપ: નમામિ વિંધ્યવાસિની

Published : 08 November, 2026 07:46 AM | IST | Uttar Pradesh
Alpa Nirmal

વિંધ્યાચલની યાત્રાએ આવતા ભક્તો મોટા ભાગે ‘ત્રિકોણ પરિક્રમા’ કરી આ ત્રણેય માતાજીઓનાં દર્શન કરે છે. દીપાવલીના શુભ તહેવારના અવસરે ચલો વિધ્યાંચલ...

મિર્ઝાપુરના વિંધ્યવાસિની મંદિરમાં દિવાળીની રોશની અને મા વિંધ્યવાસિની.

તીર્થાટન

મિર્ઝાપુરના વિંધ્યવાસિની મંદિરમાં દિવાળીની રોશની અને મા વિંધ્યવાસિની.


દિવાળી પર્વના સપરમા દિવસો ચાલી રહ્યા છે. આ પાંચ દિવસોમાં વાક્બારસે મા સરસ્વતી, ધનતેરસે શ્રી લક્ષ્મીદેવી અને કાળી ચૌદસે કાલીમાતાની આરાધના કરવાની પરંપરા છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પાસેના વિંધ્યાચલ ધામમાં આ ત્રણેય દિવ્ય શક્તિઓના સંયુક્ત સ્વરૂપે મા અષ્ટભુજા બિરાજે છે. એ ઉપરાંત આ તીર્થના આઠ કિલોમીટરના પરિઘમાં મા વિંધ્યવાસિની (મહાલક્ષ્મી) તથા કાલી ખોહ (મા કાલી)નાં મંદિર પણ છે. વિંધ્યાચલની યાત્રાએ આવતા ભક્તો મોટા ભાગે ‘ત્રિકોણ પરિક્રમા’ કરી આ ત્રણેય માતાજીઓનાં દર્શન કરે છે. દીપાવલીના શુભ તહેવારના અવસરે ચલો વિધ્યાંચલ...

ઓટીટી પ્લૅટફૉર્મ ઉપર સાવ અલગ જ કારણે દુનિયાભરમાં પ્રખ્યાત (કે કુખ્યાત) થઈ ગયેલું મિર્ઝાપુર હકીકતમાં હાથવણાટના યુનિક ગાલીચાઓ, પિત્તળનાં વાસણો તથા વસ્તુઓ, અસીમ પ્રાકૃતિક સુંદરતા, ખાસ પ્રકારના લોકસંગીત અને વિંધ્યવાસિનીદેવીના નિવાસસ્થાન તરીકે આપણા દેશમાં અદકેરું સ્થાન ધરાવે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારિક કેન્દ્રની રૂએ વિકસાવેલું આ ટાઉન ઉત્તર પ્રદેશ રાજ્યનાં મહત્ત્વનાં શહેરોમાંનું એક છે, જ્યાં રોજિંદા જીવનમાં સુખચેન અને શાંતિ છે, પણ સિરીઝના ડિરેક્ટર અને લેખકની કલ્પનાએ આ સિટીની છાપ ક્રાઇમ સિટીની પાડી દીધી છે.



ખેર, ટેલિવિઝન અને સિનેમામાં મિર્ઝાપુર વિશે જે બતાવાય એ, પણ એ શહેરથી સાડાઆઠ કિલોમીટરના અંતરે આવેલા વિંધ્યાવાસીમાતાના મઢનાં વાઇબ્સ તો આજે સાડાપાંચ હજાર વર્ષ પછી પણ ડિવાઇન છે, અલૌકિક છે, તેજસ્વી છે.


શક્તિપીઠ અને સિદ્ધપીઠ

આ પાવન ભૂમિનાં દર્શન કરતાં પહેલાં આપણે શક્તિપીઠ અને સિદ્ધપીઠ વિશેનો તફાવત જાણીએ. શક્તિપીઠ એટલે દેવી સતીએ આત્મદાહ કર્યો એ પછી વિલાપ કરી રહેલા શિવજીને સુધમાં લાવવા માટે વિષ્ણુજીએ શ્રી સતીના અર્ધબળેલા શરીરનો વિચ્છેદ કર્યો અને માતાનાં કુલ ૫૧ અંગો ધરતી પર જે-જે સ્થાને પડ્યાં એ બની શક્તિપીઠ. સિદ્ધપીઠ એટલે એવું સ્થાન જ્યાં સ્વયં ઈશ્વર, દેવી-દેવતાઓ, ઋષિ-મુનિઓએ સેકંડો હજારો લાખો વર્ષ સુધી સાધના, કઠિન તપસ્યા કરી હોય અને એના પ્રતાપે એ ભૂમિખંડ જાગૃત-ચેતનવંતું બન્યું હોય એ કહેવાય છે સિદ્ધપીઠ. આપણા દેશમાં સેકંડો તીર્થો, શક્તિપીઠ કે સિદ્ધપીઠ છે, પરંતુ વિંધ્ય પર્વતની હારમાળાના ઉચ્ચ પ્રદેશમાં આવેલું વિંધ્યાચલધામ શક્તિપીઠ પણ છે અને સિદ્ધપીઠ પણ છે. તપસ્યા ભૂમિ જેવું ઉપનામ ધરાવતા વિંધ્યાચલમાં ભોલેનાથને પતિસ્વરૂપે મેળવવા મા પાર્વતીએ કઠિન સાધના કરી છે. ઉપરાંત રામજી, સીતાજી, લક્ષ્મણ તેમના વનવાસ કાળ દરમ્યાન અહીં લાંબો સમય રહ્યાં છે. ઈવન, સ્વયં વિંધ્ય પર્વતે નીલકંઠની સાધના કરી સૌથી મોટા મેરુ (પર્વત) બનવાનું વરદાન મેળવ્યું છે. એ જ રીતે અગસ્ત્ય ઋષિ, મહર્ષિ માર્કંડેયે પણ અહીં રહી તપોસાધના કરી છે, એટલું જ નહીં આ પવિત્ર વિસ્તારઓ ઑરા એવો ચુંબકીય છે કે શંકર ભગવાને વિષ્ણુજીને આ જ સ્થળે સુદર્શનચક્ર આપ્યું હતું. એ સાથે જ યોગમાયા ક્રૂર કંસના સકંજામાંથી છટકી આ ધરતીમાં સમાઈ ગઈ હતી અને મહિષાસુરમર્દિનીએ રાક્ષસનો નાશ કરી આ ભૂમિમાં વિરામ કર્યો હતો. આ ન્યાયે વિંધ્યાચલ ધામ થયું સિદ્ધપીઠ... (શક્તિપીઠ કેમ કહેવાય છે એ આપણે આગળ જોઈશું.)


૩ દિવ્ય સ્ત્રીશક્તિ

આવા પવિત્ર વિંધ્યાચલ ધામની ત્રિકોણ યાત્રામાં તમારું સ્વાગત છે. હા, આપણે અહીંનાં ત્રણેય મંદિરોમાં દર્શન કરીશું. દિવાળીનું બોનસ.

આ યાત્રા ત્રણ સ્ત્રીશક્તિની દિવ્ય યાત્રા છે, જેમાં ધન (લક્ષ્મીજી), જ્ઞાન (સરસ્વતીજી) અને સુરક્ષા (કાલીમાતા) દેવીઓને વંદન-નમન કરવાનાં છે. અને આ પરિક્રમાના મંગલાચરણ થાય છે, મા વિંધ્યવાસિનીનાં દર્શનથી. પુરાણ અનુસાર બ્રહ્માંડના સંતુલનને બગાડનાર આસુરી તાકાતોને હરાવ્યા બાદ આદિશક્તિ સ્વયં વિંધ્યાચલની પર્વતમાળામાં પ્રગટ થયાં હતાં. આથી તેઓ વિંધ્યવાસિની કહેવાયાં. માતાની શ્યામ પ્રતિમા અને અત્યંત પ્રભાવશાળી નયનને જોતાં જ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ જાય છે. આદિ શક્તિનું આ સ્વરૂપ મહાલક્ષ્મી સ્વરૂપે ભૌતિક સમૃદ્ધિ તો પ્રદાન કરે છે જ, એ સાથે મનુષ્યના મનમાં રહેલો ડર, નકારાત્મકતાનો પણ નાશ કરે છે. ત્રિકોણ યાત્રાનાં ત્રણેય મંદિરની સરખામણીમાં આ મંદિર વધુ મોટું અને સગવડયુક્ત છે. ઍક્ચ્યુઅલી, ગ્રંથોમાં તો આ મંદિર અઢી સદી પહેલાંથી હોવાનું આલેખિત છે, પરંતુ એ પછી દરેક રાજાના રાજ્યકાળમાં આ દેવાલયના જીર્ણોદ્ધાર સહિત વિસ્તરણ થયાં છે. અનેક યાત્રાળુઓ તથા રેગ્યુલર અહીં આવતા દર્શનાર્થીઓ સંપૂર્ણ ત્રિકોણ યાત્રા ન કરે, પણ ફક્ત મા વિંધ્યવાસિનીનાં દર્શન કરવા જરૂર આવે છે. એમાંય ચૈત્રી તેમ જ આસો નવરાત્રિમાં અહીં વિશિષ્ટ અનુષ્ઠાનો થાય છે. અને એ સમયે માતાનાં દર્શન કરવા સમગ્ર ઉત્તર ભારતીયો તો ખરા જ, પણ દેશ-વિદેશથી હજારો માઈભક્તો ઉત્તર પ્રદેશના આ દિવ્ય ધામમાં પધારે છે. એ સમયે તો અહીં હૈયું દળાય એવી ભીડ હોય છે. અને અન્ય દિવસોમાંય ખાસ્સા બધા ભાવિકો માના આશીર્વાદ લેવા આવે છે. દૈનિક અનુષ્ઠાનમાં અહીં ૪ સમયની આરતી, બે શણગાર તથા ભોગપૂજા આદિ ધાર્મિક રસ્મો નિભાવાય છે. માતાને ચઢતી લાલ ચૂંદડી, ફૂલ, નારિયેળ, પ્રસાદ મંદિરની બહારથી તેમ જ મંદિર ટ્રસ્ટમાંથી પણ ઉપલબ્ધ થઈ જાય છે. સપ્તાહના સાતેય દિવસ આ મંદિર સવારે ૪થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

કાલી ખોહ મંદિર

ત્રિકોણ યાત્રાનું સેકન્ડ સ્ટૉપ કાલી ખોહ મંદિર છે. વિંધ્યવાસિની મંદિરથી માત્ર બે કિલોમીટર દૂર એક પહાડીની ગુફામાં આવેલું આ મંદિર એક શક્તિશાળી એનર્જી સેન્ટરસમું છે. એ દેવળનું કનેક્શન મા કાલી અને રાક્ષસ રક્તબીજ સાથે છે. રાક્ષસ રક્તબીજ અને કાલીમાતાની કથા આપણે તીર્થાટનમાં અગાઉ કરી છે, પણ ટૂંકમાં કહીએ તો, પૌરાણિક કાળમાં રક્તબીજ નામે રાક્ષસ હતો જેણે બ્રહ્માજીનું તપ કરી વરદાન મેળવ્યું હતું કે તેના શરીરમાંથી નીકળતા દરેક લોહીના એક ટીપામાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય. આવા વરદાનને કારણે એ બેફામ બની ગયો હતો અને સમગ્ર સંસારમાં હાહાકાર થઈ ગયો હતો. કોઈ દેવ કે યોદ્ધા એને હણવાનો પ્રયત્ન કરતાં ને રક્તબીજના લોહીનું ટીપું પડતું ને એમાંથી ઔર એક અસુર પેદા થઈ જતો. આ રીતે એની પાસે આવા દાનવોની મોટી ફૌજ હતી, વળી નવી ઉત્પન્ન પણ થતી જતી હતી. એ કારણે તે અજેય બની ગયો હતો. ત્યારે આદિશક્તિએ મા કાલીનું રૂપ ધારણ કરી પોતાની જીભ જમીન પર ફેલાવી, જેથી રક્તબીજના રક્તનું એક બુંદ પણ જમીન પર ન પડે. ને નવા-નવા રાક્ષસ પેદા થવાનો સિલસિલો થંભી થઈ જાય. ને એ પછી એ દાનવની તાકાત ક્ષીણ થઈ અને માતા કાલીએ રક્તબીજનો ખાતમો કર્યો હતો.

કહેવાય છે કે વિંધ્યાચલની આ ગુફામાં મા કાલી, રક્તબીજનો સંહાર કરી વિશ્રામ કરવા રોકાયાં હતાં. આ ગુફામંદિરની અન્ય એક વિશેષતા એ છે કે, મોટા ભાગનાં કાલી મંદિરમાં માતા કાલીની મૂર્તિમાં તેમની જીભ મુખની બહાર નીકળેલી હોય છે, જ્યારે અહીં માતા કાલી ખેચરી મુદ્રામાં છે. મતલબ માતાનું મોઢું આકાશ તરફ ઊંચું જોતું હોય એ રીતે છે તથા તેમનું મુખ ખુલ્લું છે. એમ પણ કહેવાય છે કે આ સ્થાન ૫,૦૦૦ વર્ષ પ્રાચીન છે અને માતાના મુખમાં ભોગરૂપે જે કોઈ ખાદ્ય સામગ્રી રાખવામાં આવે છે એ ક્યાં જાય છે એનો કોઈ પતો નથી મળતો. અહીં પણ નવરાત્રિ બહુ ધામધૂમથી મનાવાય છે. એમાંય મા કાલરાત્રિને સમર્પિત નવરાત્રિના સાતમા દિવસે અહીં સાધના કરવાનું ભારે મહત્ત્વ છે. જોકે એ સિવાય પણ તંત્રસાધનાના સાધકો માટે આ સ્થાન મુખ્ય કેન્દ્ર છે. નાના ગર્ભગૃહની બહાર વિશાળ પ્રાંગણ બનાવાયું છે, જ્યાં ભક્તગણ સહિત તંત્રની પ્રૅક્ટિસ કરતાં અનેક સાધકો પ્રાર્થના કરતા જોવા મળે છે. મંદિરમાં જૂની-નવી વાસ્તુકલાનું અનોખું મિશ્રણ છે તથા મંદિરના પરિસરમાં આવેલું તળાવ પણ પવિત્ર મનાય છે. માન્યતા છે કે એ પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી અનેક શારીરિક રોગ નાશ પામવાની સાથે સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ મંદિરનાં દ્વાર પણ સવારે ૪થી રાત્રે ૧૦ સુધી ભક્તો માટે ખુલ્લાં રહે છે તેમ જ દર શનિવારે તો ચોવીસ કલાક માની ઝાંખી કરી શકાય છે.

અષ્ટભુજા મંદિર

વિંધ્યાચલ પર્વતના સૌથી ઊંચા શિખર પર આવેલું અષ્ટભુજા મંદિર ત્રિકોણ યાત્રાનો અંતિમ અને ત્રીજો પડાવ છે. આ માતાની કથા દ્વાપરયુગ સાથે જોડાયેલી છે. મથુરાના ક્રૂર રાજા કંસને જ્યારે ખબર પડી કે તેમની પિતરાઈ બહેન દેવકીનું આઠમું સંતાન તેમનો વધ કરશે ત્યારે તેમણે બહેન અને બનેવીને રાજમહેલની જેલની કોટડીમાં બંદીવાન બનાવી દીધાં. આ દરમ્યાન વાસુદેવ અને દેવકીએ એક પછી એક ૬ સંતાનોને જન્મ આપ્યો, જે દરેકને જન્મતાંની સાથે જ મામા કંસે મારી નાખ્યાં. સાતમા દીકરા બળદેવના ભ્રૂણને દેવોએ રાણી રોહિણીની કૂખમાં શિફ્ટ કર્યો અને આઠમા સંતાન શ્રી કૃષ્ણને પિતા વાસુદેવ યુક્તિથી પોતાના મિત્ર નંદબાબાને ત્યાં મૂકી આવ્યા અને તેમની પુત્રી યોગમાયાને પોતાની સાથે જેલમાં લઈ આવ્યા. જ્યારે કંસને બહેનના આઠમા સંતાનના સમાચાર મળ્યા ને તે દીકરીને મારવા આવ્યો ત્યારે ત્યાં તો ટબૂકડી યોગમાયાએ વિરાટ સ્વરૂપ ધારણ કરી ઘોષણા કરી કે, ‘કંસ તને મારવાવાળો જન્મ લઈ ચૂક્યો છે અને ગોકુળમાં છે.’ આટલું કહી એ પવિત્ર શક્તિ ત્યાંથી અલોપ થઈ અને વિંધ્યાચલની પહાડીઓમાં આવીને પ્રગટ થઈ. આ યોગમાયા એટલે માતા અષ્ટભુજા. સતીમાતાનાં અંગ જ્યાં જ્યાં પડ્યાં એ શક્તિપીઠ તરીકે પૂજાય છે. ત્યારે અહીં તો યોગમાયાની આખેઆખી કાયા છે. એ જ કારણે આ મંદિર પણ શક્તિપીઠ ગણાય છે.

ભગવતી અષ્ટભુજા સાક્ષાત્ મહાસરસ્વતીનું સ્વરૂપ છે, જે દિવ્ય જ્ઞાન, સદ્બુદ્ધિ અને આધ્યાત્મિકતા પ્રદાન કરવા માટે પ્રસિદ્ધ છે. આ મંદિર વિંધ્યાવાસિની તથા કાલી ખોહ મંદિરથી ૩ કિલોમીટર દૂર છે. આઠ હસ્ત ધરાવતી માતાની મૂર્તિ તો મનમોહક છે જ, પણ આ શાંત અને મનોરમ જગ્યા ભાવિકોને અમાપ શાતા બક્ષે છે. અહીંથી વિંધ્યાચલના નાના-મોટા પહાડોની સાથે નાચતી કૂદતી ગંગા નદીનું પણ વિંહગાવલોકન થઈ શકે છે. એમાંય ચોમાસા દરમ્યાન તો આખોય પહાડ મહોરી ઊઠે છે. ને એની હારમાળામાંથી પડતાં નાનાં-મોટાં ધોધ, ઝરણાંઓ જોશો તો આપણું લોનાવલા ને માલશેજ વામણું લાગવા લાગશે.

માતાનું મંદિર નાનું છે, પણ સુંદર છે. હાશકારો એ વાતનો છે કે પહાડની ટોચ પર રહેલા આ દેવાલય સુધી પહોંચવા ઊડનખટોલાની સગવડ છે. સવારના ૪થી બપોરે બાર અને ત્યાર બાદ બપોરના દોઢથી રાત્રે ૮ વાગ્યા દરમ્યાન ખુલ્લું રહે છે. આ મંદિરમાં પણ દૈનિક ટાઇમટેબલ અનુસાર ભોગ, શણગાર, આરતી આદિ અનુષ્ઠાન કરાય છે.

શું આ જાણો છો? 
 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ નિર્ધારિત કરતી ૨.૫ પૂર્વી દેશાંતર રેખા મિર્ઝાપુરમાંથી પસાર થાય છે.
 ગંગા નદીને કાંઠે વસેલા મિર્ઝાપુરમાં અનેક સુંદર ઘાટ છે. વિંધ્યવાસિનીમાતાનું મંદિર પણ ગંગાતટે છે. અહીં મૈયા ઉત્તર તરફ વહે છે. સનાતન ધર્મ અનુસાર ઉત્તરવાહિની નદીમાં સ્નાન કરવાથી અધ્યાત્મિક સ્તરે શુદ્ધિ અને ઉન્નતિ થાય છે.
 વિંધ્યવાસિની મંદિર બેઉ નવરાત્રિ દરમ્યાન ૨૪ કલાક ખુલ્લું રહે છે.
 ત્રિકોણ યાત્રા કરનાર ભાવિકો માતા વિંધ્યવાસિની પાસે સંકલ્પ લઈ યાત્રા શરૂ કરે છે અને અંતમાં કૃતજ્ઞતાના ભાવ સાથે પરત અહીં દર્શન કરવા આવે છે. આ યાત્રા વાહન વડે અને પગપાળા પણ કરી શકાય છે.

કઈ રીતે જવાય?
મિર્ઝાપુર બનારસ અને પ્રયાગરાજ જેવાં બે મુખ્ય તીર્થસ્થળની મધ્યમાં આવેલું છે. આ બેઉ શહેરથી પ્રાઇવેટ તથા સરકારી પરિવહનની સુવિધાઓ મળી રહે છે. બાકી જો મુંબઈથી ડાયરેક્ટ મિર્ઝાપુર જવું હોય તો છત્રપતિ શિવાજી ટર્મિનલ કે લોકમાન્ય ટિળક ટર્મિનલથી રાજગીર, કોલકાતા, આસનસોલ એક્સપ્રેસ લેશો તો ૨૦થી ૨૪ કલાકની રેલ જર્ની બાદ મિર્ઝાપુર સ્ટેશન ઊતરશો. રહેવા માટે મિર્ઝાપુર શહેરમાં ગેસ્ટ-હાઉસ, સામાન્યથી લઈ સારી હોટેલો છે અને જમવા માટે ઉત્તર ભારતીય ખાણા સાથે બિહારી લીટ્ટીચોખા પીરસતાં ઢાબાં, રેસ્ટોરાંઓ છે. જોકે શહેરની દરેક ગલીના અંતે ચાઉમીનના ઠેલા પણ મળી જાય છે. વિંધ્યાચલ ધામ પાસે પણ કેટલીક હોટેલો છે, પણ મોટા ભાગના યાત્રાળુઓ મિર્ઝાપુર રહેવાનું પ્રિફર કરે છે અથવા કાશી કે સંગમતીર્થ પ્રયાગથી વન-ડેની ટૂર કરી માતાનાં દર્શન કરી આગળ નીકળી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 07:46 AM IST | Uttar Pradesh | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK