આપણે એ ભૂલી જઈએ છીએ કે સંસારમાં પરમાત્માએ એટલી જ સામગ્રી બનાવી છે જેને બધા હળી-મળીને ખાઈ શકે અને હસતા-હસતા જીવી શકે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મનુષ્ય પોતાની અમર્યાદિત ઇચ્છાઓનો ગુલામ છે અને એટલે જ જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રામાં તેની કોઈ ને કોઈ ઇચ્છા અધૂરી રહી જ જાય છે જેના ફળસ્વરૂપે તેણે ફરી આ પૃથ્વી પર જન્મ લેવો જ પડે છે. કેટલાક લોકોનું કહેવું એમ હોય છે કે જો ઇચ્છા નહીં હોય તો વિકાસ કેવી રીતે થશે? ઇચ્છા વિના મનુષ્ય આગળ કેવી રીતે વધશે? જોકે આવા લોકોને એ જાણ નથી હોતી કે વાસ્તવમાં વિકાસ આવશ્યકતાને કારણે થાય છે, ઇચ્છાને કારણે નહીં. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે ‘આવશ્યકતા આવિષ્કારની જનની છે’. એમ નથી કહેવામાં આવતું કે ઇચ્છા આવિષ્કારની જનની છે. એમ છતાં જો આપણે ઇચ્છાઓને મહત્ત્વ આપવું જ હોય તો એમને અગ્નિ, જળ અને હવાની જેમ નિયંત્રણમાં રાખવી આવશ્યક છે.
એ પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે ઇચ્છા અને આવશ્યકતામાં અંતર શું છે? ઇચ્છા મન સાથે અને આવશ્યકતાઓ શરીર સાથે જોડાયેલી હોય છે. જરૂર ન હોવા છતાંય મન અનાવશ્યક ઇચ્છાઓનું નિર્માણ કરી લે છે અને પછી ધ્યાન આપવા પર આપણને ખબર પડે છે કે એમનું અસ્તિત્વ ક્યારેય આવશ્યકતાના રૂપમાં હતું જ નહીં. એટલે જ ચિંતકો દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ઇચ્છાઓ તો સ્વપ્ન જેવી છે જેની ક્યાંય પણ કોઈ જડ નથી હોતી. ન પાતાળમાં કે ન આકાશમાં. તો પછી એમને તૃપ્ત કઈ રીતે કરી શકાય? એનાથી વિપરીત આવશ્યકતાઓની તૃપ્તિ તો થાય છે અને માટે જ આ કહેવત છે કે ‘પેટ તો ભરી શકાય છે પણ પટારો નહીં’. દાખલા તરીકે જ્યારે આપણને ભૂખ લાગે છે તો બેશક ભોજનની આવશ્યકતા પૂરી થતાં જ આપણે થોભી જઈએ છીએ, કારણ કે આપણું પેટ કહે છે કે ‘બસ’, પરંતુ મન કહે છે કે ‘હજી થોડું... હજી થોડું... કેટલું સ્વાદિષ્ટ જમણ છે...’ આને કહેવાય ઇચ્છા.
ADVERTISEMENT
આજે સમસ્ત માનવતા પોતાના સુંદર માર્ગેથી ભટકી ગઈ છે અને એનું મૂળ કારણ છે અતૃપ્ત ઇચ્છાઓ. આપણે એ ભૂલી જઈએ છીએ કે સંસારમાં પરમાત્માએ એટલી જ સામગ્રી બનાવી છે જેને બધા હળી-મળીને ખાઈ શકે અને હસતા-હસતા જીવી શકે. એવામાં જે વ્યક્તિ બીજાની સરખામણીમાં પોતાની જાતને વધારે સંપત્તિવાન બનાવવાની ખોટી જીદે ચડે છે તે પોતાની, ઈશ્વરની અને સમાજની નજરોમાં નીચે પડી જાય છે.
યાદ રહે, જીવન મર્યાદિત છે અને મનુષ્યની કાર્ય કરવાની ક્ષમતા પણ માર્યાદિત છે. હવે એને કઈ રીતે ખર્ચવામાં આવે એ તો દરેકની પોતાની વિચારધારા પર નિર્ભર કરે છે. કોઈ ચાહે તો વ્યર્થની ઇચ્છાઓને શૂન્ય કરીને, યથાર્થ આવશ્યકતાને પૂર્ણ કરીને, સંપન્નતાના માર્ગ પર તીવ્રતાથી આગળ વધીને પોતાની મંજિલને પ્રાપ્ત કરી શકે છે અને કોઈ ચાહે તો પોતાની અમર્યાદિત ઇચ્છાઓની પાછળ ભાગતા-ભાગતા સંપૂર્ણ જીવન બરબાદ કરી શકે છે. આપ શું કરવાનું પસંદ કરશો?
