Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મહાશિવરાત્રિ: આ ઉજવણી પાછળનો વાસ્તવિક ઇતિહાસ અને એની કથા શું છે?

મહાશિવરાત્રિ: આ ઉજવણી પાછળનો વાસ્તવિક ઇતિહાસ અને એની કથા શું છે?

Published : 15 February, 2026 02:19 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

વાસ્તવમાં શિવભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં એક વાર નહીં પણ ૧૨ વાર આવે છે. ફરક એ છે કે દરેક મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી શિવરાત્રિ તરીકે ઊજવાય છે અને મહા મહિનાની આ ​તિથિ મહાશિવરાત્રિ તરીકે ઊજવાય છે

શિવ

શિવ


આજે સનાતન ધર્મ સંસ્કૃતિનો એ મહાન દિવસ અને રાત્રિ છે જેને આપણે સૌ સનાતનીઓ મહાશિવરાત્રિ તરીકે ઊજવીએ છીએ. ભારતમાં તો મહાશિવરાત્રિ ધૂમધામથી ભક્તિભાવ સાથે ઊજવાય જ છે, પરંતુ એ સિવાય નેપાલમાં અને એમાંય પશુપતિનાથ મહાદેવ મંદિરમાં અને બંગલાદેશમાં રહેતા હિન્દુઓ દ્વારા પણ શિવરાત્રિની ઉજવણી થતી હોય છે. એક તરફ કુંવારી કન્યાઓ પોતાને અનુરૂપ ઉત્તમ જીવનસાથી મળે એ માટે તો બીજી તરફ પરિણીત સ્ત્રીઓ પોતાના જીવનસાથીના સુખમય દીર્ઘાયુષ્ય માટે શિવરાત્રિનું વ્રત કરતી હોય છે. જોકે આ બન્ને વ્રતનું કારણ તો સાંસારિક પ્રવૃત્તિઓ અને રિવાજો દ્વારા ઘટિત છે.

ખરેખર તો જિજ્ઞાસા એ થવી જોઈએ કે મહાશિવરાત્રિ મનાવાય છે એની પાછળનો વાસ્તવિક ઇતિહાસ અને એની કથા શું છે? શાસ્ત્રો અને પુરાણોમાં શું વર્ણિત છે? તો એ વિશે વાત કરતાં પહેલાં એક સામાન્ય જાણકારી મેળવી લઈએ. વાસ્તવમાં શિવની પૂજાભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં માત્ર એક વખત નથી આવતો, ૧૨ વખત આવે છે. જી હા, ફરક માત્ર એટલો છે કે ૧૧ રાત્રિઓ શિવરાત્રિ તરીકે ઊજવાય-પૂજાય છે અને વર્ષની એક રાત્રિ એવી છે જે મહાશિવરાત્રિ તરીકે ઊજવાય-પૂજાય છે. દરેક મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી એટલે કે અમાસના એક દિવસ પહેલાંની રાત્રિ શિવરાત્રિ કહેવાય છે. અને એમાં મહા મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશીની રાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઊજવવામાં આવે છે.



જે રીતે શિવરાત્રિ અને મહાશિવરાત્રિ અલગ છે એ જ રીતે શિવ અને શંકર અથવા મહેશ્વર પણ અલગ છે. તમને થશે કે આ કેવી વાત કરો છો? શિવ અને શંકર અલગ કેવી રીતે હોઈ શકે? તો કહીએ કે શિવ એટલે ભગવાન સદાશિવનું નિરાકાર સ્વરૂપ જ્યારે શંકર અથવા મહેશ્વર એટલે ભગવાન સદાશિવનું સાકાર સ્વરૂપ.


આપણે વેદોનો અભ્યાસ કરીશું તો એમાં જણાવ્યું છે કે શિવ સ્વયંભૂ તેજોમય નિરાકાર છે. આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ઊર્જા કે પ્રકાશપુંજ એ શિવ છે. શિવમાંથી જ શક્તિ એટલે કે આદિશક્તિનો પ્રાદુર્ભાવ થયો અને શિવ અને શક્તિના મિલન બાદ બ્રહ્મા અને શ્રીહરિ વિષ્ણુની ઉત્પત્તિ થઈ. ત્યાર બાદ બ્રહ્મા અને વિષ્ણુ સાથે પોતાના કર્તવ્યનું નિર્વાહન કરવા માટે સદાશિવના એક અંશનું મહાશિવરાત્રિના દિવસે (એટલે કે રાત્રિ પ્રહરમાં) શંકર સ્વરૂપે સશરીર પ્રાક્ટ્ય થયું. આ રીતે ત્રિમૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને સાથે મહેશનું વર્ણન મળે છે એ સ્વયં શિવ નહીં પરંતુ શિવના અંશ સાકાર સ્વરૂપ શંકરનું છે. હા, એ વાત સાચી કે આ વર્ણન સાથે જ એવું પણ કહેવાયું છે કે સદાશિવનું સાકાર સ્વરૂપ પણ શિવની જ સમકક્ષ છે અને કદાચ તેથી જ સામાન્ય વાતચીતમાં આપણે સદાશિવ પરબ્રહ્મના દરેક સ્વરૂપ માટે શંકર અથવા શિવ શબ્દ વાપરીએ છીએ, તેમને અલગ સમજતા નથી.

જ્યારે નંદી બન્યા મહાદેવના ગુરુ


સર્જનહાર બ્રહ્માજીની વાત નીકળી તો મહાદેવ અને નંદી મહારાજની એક અનુઠી કથા યાદ આવી ગઈ. આપણે કહ્યું એમ ‘આ તો મેં કર્યું, મેં બનાવ્યું’નો ભાવ ક્યારેક ને ક્યારેક આપણા દરેકમાં એક અભિમાન તરીકે જન્મે જ છે. આ સંદર્ભે જ બ્રહ્માજી સાથે એક કથા સંકળાયેલી છે. બન્યું એવું કે બ્રહ્માજીનું મૂળ સ્વરૂપ પંચમુખી હતું. એક તરફ મહાદેવનાં દર્શન પામી જ્યાં ચાર બ્રહ્મમુખો શિવનાં વખાણના ભાવો સાથે સદૈવ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યાં જ ઊર્ધ્વ તરફ દૃષ્ટિ રાખનારું બ્રહ્મમુખ જે મહાદેવના સાકાર સ્વરૂપને જોઈ નહોતું શક્યું તે સતત એ વિચારમાં રહેતું કે સદાશિવે શ્રીહરિ વિષ્ણુ સામે તેને જુઠ્ઠો હોવાનું કહેણ કહ્યું. આ વિચારે તે સતત મહાદેવની નિંદામાં વ્યસ્ત રહેતું હતું, જેને કારણે એક દિવસ કોપાયમાન થયેલા મહાદેવે બ્રહ્મદેવના એ પાંચમા મુખનો શિરચ્છેદ કરી નાખ્યો. બ્રહ્મદેવને આથી શિરચ્છેદથી ન માત્ર પોતાની ભૂલ સમજાઈ પરંતુ તેમને સંતોષ પણ થયો કે હવે તેમના મુખથી જે સતત થઈ રહેલું પાપ હતું એમાંથી મુક્તિ મળી. જોકે આ તરફ મહાદેવ એ વિચારે શાંત નહોતા થઈ શકતા કે આ કૃત્ય દ્વારા તેમણે બ્રહ્મહત્યાનું પાપ કરી નાખ્યું છે. ઉદ્વેગને કારણે તેઓ ધરતી પર આમથી તેમ ભટકવા માંડ્યા. સમાધિમાં લીન થવું પણ મહાદેવને યોગ્ય નહોતું લાગી રહ્યું. પોતાના ઇષ્ટની આવી હાલત જોઈ નંદી દેવ ધરતી પર મહાદેવ પાસે પહોંચ્યા અને તેમણે કહ્યું કે હે મારા આરાધ્ય, તમે ગોદાવરી નદીમાં સ્નાન કરી શ્રાદ્ધક્રિયાની પૂજા કરો તો બ્રહ્મહત્યાના પાપથી પણ મુક્ત થઈ શકશો અને તમારા મનને પણ શાતા વળશે. 

નંદી મહારાજે કહેલી વાત સ્વીકારતાં મહાદેવે કહ્યું કે હે નંદી, આજે તમે મારા ગુરુ તરીકે મારું માર્ગદર્શન કર્યું છે; હું ચાહીશ કે તમે જ મને શ્રાદ્ધની પૂજા કરાવો અને આ બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ અપાવો. એ સમયે નંદી મહારાજ સ્વયં મહાદેવના બ્રાહ્મણ ગુરુ બને છે અને મહાદેવને સ્નાન કરાવી શ્રાદ્ધપૂજા પણ કરાવે છે. આ પૂજા બાદ મહાદેવ પોતાના એ પ્રાયશ્ચિત્ત સ્થળે શિવલિંગ તરીકે બિરાજમાન થાય છે, પરંતુ નંદી મહારાજને તેમની સામે પોઠિયા તરીકે સ્થાન ગ્રહણ કરવા ના કહે છે. નંદી દેવ જ્યારે એનું કારણ પૂછે ત્યારે મહાદેવ કહે છે, ‘આજે અહીં તમારું સ્થાન મારા શિવગણ તરીકે નથી, આજે તમે મારા ગુરુ છો આથી મારી સેવામાં તમે પોઠિયા તરીકે બિરાજો તો એ બ્રાહ્મણ ગુરુનું અપમાન ગણાશે. આજે હું તમારો શિષ્ય છું.’ મહારાષ્ટ્રના નાશિકમાં પંચવટી ક્ષેત્રે આજે પણ તમે જશો તો કપાલેશ્વર મહાદેવ મંદિર મળશે જ્યાં શિવલિંગની સામે નંદી દેવ પોઠિયા તરીકે બિરાજમાન નથી. આખાય વિશ્વમાં આ એકમાત્ર મહાદેવ મંદિર એવું છે જ્યાં તેમના શિવલિંગની સામે નંદી દેવ નથી.

પરબ્રહ્મ સદાશિવમાંથી ભગવાન શંકર તરીકે સશરીર સ્વરૂપની ઉત્પત્તિ વિશે પણ આપણને શાસ્ત્રોમાં એક રોચક કથા મળે છે. બન્યું કંઈક એવું કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનું પ્રાક્ટ્ય થયું ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં પોતાને એકલા જાણી તેઓ બન્ને વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થવા માંડ્યો. આ વિવાદ અનેકો વર્ષો સુધી ચાલતો રહ્યો જેનું પરિણામ છેક યુદ્ધ સુધી વિસ્તરી ગયું. આખરે મહાશિવરાત્રિના દિવસે એ બન્નેની સમક્ષ એક અત્યંત તેજોમય અગ્નિ કરતાંય અત્યાધિક તેજરૂપ જ્યોતિર્લિંગ પ્રકટ થયું. પ્રકટ થયેલા તેજોમય સદાશિવ જ્યોતિર્લિંગમાંથી આખાય બ્રહ્માંડને ચીરતો એક ધ્વનિ ઉત્પન્ન થયો અને કહેવાયું કે તમારા બન્નેમાંથી જે પણ આ પ્રકાશપુંજનો છેડો શોધી શકશે એ શ્રેષ્ઠ ગણાશે. આ ધ્વનિના પ્રત્યુત્તર તરીકે બ્રહ્માજીએ હંસ સ્વરૂપ ધારણ કર્યું અને તેઓ તેજોમય જ્યોતિર્લિંગની ઉર્ધ્વ દિશા તરફ અગ્રેસર થયા. શ્રીહરિ વિષ્ણુ વરાહ સ્વરૂપે નીચેની દિશા તરફ ગયા અને લગભગ ૧૦૦૦ વર્ષો સુધી બન્ને પોતપોતાની દિશામાં એ જ્યોતિર્લિંગનો છેડો શોધવા આગળ જતા ગયા. તો પણ કેમેય કરી એનો અંત કે છેડો ક્યાંય જણાતો નહોતો. આખરે હારીને બન્ને પોતાની દિશાએથી ઉદ્ગમસ્થાન તરફ પાછા તો વળ્યા પરંતુ પાછા આવેલા બ્રહ્માજીએ ઉત્તરમાં ખોટું બોલતાં કહ્યું કે તેઓ આ તેજોમય જ્યોતિર્લિંગના ઉપરી છોરને સ્પર્શીને આવ્યા છે એટલું જ નહીં, બ્રહ્માજી પોતાની સાથે કેતકીનું ફૂલ લઈ આવ્યા હતા અને તેમણે કહ્યું કે આ જ્યોતિર્લિંગના ઉપરી છોર પર આ કેતકીનું પુષ્પ હતું. વળી કેતકીના પુષ્પે પણ બ્રહ્માજીએ કહેલા વિધાનનું સમર્થન કર્યું. બ્રહ્માજીના આ કહેણ બાદ શ્રીહરિ વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી લીધી અને બ્રહ્માજીનું પૂજન કરવા માંડ્યું. ત્યારે પેલા તેજોમય લિંગમાંથી ભગવાન શંકરનું સાકાર સ્વરૂપ પ્રકટ થયું અને તેમણે બ્રહ્માજીના અસત્ય વિશે ઘટસ્ફોટ કર્યો. સાથે જ શ્રીહરિ વિષ્ણુની સચ્ચાઈ અને શ્રેષ્ઠતા વિશે પણ કહ્યું. એટલું જ નહીં, તેમણે કેતકીને પણ શ્રાપ આપ્યો અને પોતાની પૂજામાં એના નિષેધ વિશે જણાવ્યું.

શિવલિંગ પર શું ચડાવવું જોઈએ?

મહાશિવરાત્રિ વિશે આપણે આટલી વિગતે વાત કરી છે તો હવે આજે એ પણ જાણી લઈએ કે મહાદેવ દાદાની પૂજા કઈ સામગ્રી દ્વારા કરવી યોગ્ય છે અને કઈ વસ્તુઓ તેમને અર્પણ ન કરવી જોઈએ.

આમ તો શિવલિંગ પર ભક્તિભાવથી આપણે અનેક ચીજવસ્તુઓ ચડવતા હોઈએ છીએ. ભગવાન ભાવનો ભૂખ્યો છે એમ જાણી આપણે કંઈકેટલુંય મહાદેવને અર્પણ કરીએ છીએ, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય મહાદેવને ન ચડાવવી જોઈએ. હા, ચોક્કસ જ એ દરેક વસ્તુ ન ચડાવવા માટેનાં તાર્કિક કારણો પણ છે જ. પરંતુ એ વિશે વાત કરતાં પહેલાં આપણે શિવજીને શું-શું ચડાવાય એ વિશે જાણી લઈએ. આ માટે આપણને શિવપુરાણમાં એક મહત્ત્વનો શ્ળોક મળે છે :

जलेन वृष्टिमाप्नोति व्याधिशांत्यै कुशोदकै।

दध्ना च पशुकामाय श्रिया इक्षुरसेन वै।।

मध्वाज्येन धनार्थी स्यान्मुमुक्षुस्तीर्थवारिणा।

पुत्रार्थी पुत्रमाप्नोति पयसा चाभिषेचनात।।

बन्ध्या वा काकबंध्या वा मृतवत्सा यांगना।

जवरप्रकोपशांत्यर्थम् जलधारा शिवप्रिया।।

घृतधारा शिवे कार्या यावन्मन्त्रसहस्त्रकम्।

तदा वंशस्यविस्तारो जायते नात्र संशय:।।

प्रमेह रोग शांत्यर्थम् प्राप्नुयात मान्सेप्सितम।

केवलं दुग्धधारा च वदा कार्या विशेषत:।।

शर्करा मिश्रिता तत्र यदा बुद्धिर्जडा भवेत्।

श्रेष्ठा बुद्धिर्भवेत्तस्य कृपया शङ्करस्य च!!

सार्षपेनैव तैलेन शत्रुनाशो भवेदिह!

पापक्षयार्थी मधुना निर्व्याधि: सर्पिषा तथा।।

जीवनार्थी तू पयसा श्रीकामीक्षुरसेन वै।

पुत्रार्थी शर्करायास्तु रसेनार्चेतिछवं तथा।।

महलिंगाभिषेकेन सुप्रीत: शंकरो मुदा।

कुर्याद्विधानं रुद्राणां यजुर्वेद्विनिर्मितम्।

અર્થાત્

  • જળ દ્વારા રુદ્રાભિષેક કરવાથી વૃષ્ટિ (વર્ષા) થાય છે.
  • કુશ જળ (દરોઈ ઘાસવાળું પાણી)નો અભિષેક કરવાથી દુઃખ અને રોગોથી મુક્તિ મળે છે.
  • દહીંનો અભિષેક કરવાથી પશુધન, ગૃહ અને વાહનની પ્રાપ્તિ થાય છે.
  • શેરડીના રસનો અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
  • મધયુક્ત જલના અભિષેકથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
  • તીર્થ જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • અત્તર મિશ્રિત સુગંધિત જળના અભિષેક દ્વારા પૂજન કરવાથી રોગો નષ્ટ થાય છે.
  • દૂધથી અભિષેક દ્વારા પૂજન એ મનોકામના પૂર્ણ કરનારું અને સદૈવ શાંતિ અર્પનારું છે.
  • ગંગાજળ દ્વારા કરવામાં આવેલો અભિષેક મનુષ્યને ભૌતિક સુખોની સાથે જ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે.
  • દૂધ અને સાકર મિશ્રિત અભિષેક સદબુદ્ધિ પ્રાપ્તિ કરાવે છે અને બાળકો દ્વારા જો આ અભિષેક કરવામાં આવે તો તેમની બુદ્ધિનો વિકાસ તેજવંત બને છે.
  • ઘી દ્વારા અભિષેક વંશ વિસ્તાર કરનારો અને શારીરિક દુર્ભળતા નષ્ટ કરનાર છે.
  • સરસવના તેલ દ્વારા અભિષેક શત્રુઓ સામે વિજય અપાવનાર અને રોગમુક્ત કરનાર કહેવાય છે.
  • શુદ્ધ મધ દ્વારા થતો રુદ્રાભિષેક પાપનો ક્ષય કરનાર ગણાયો છે.
  • આ સિવાય શિવલિંગ પર સમિધનાં પાંદડાં, જવ, આંકડાનાં ફૂલ, કાચા ચોખા, તલ અને ઘઉં ચડાવવા યોગ્ય ગણાવાયાં છે.

આ ઘટના બાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાતાં તેઓ સદાશિવ સામે નતમસ્તક થયા અને પ્રાયશ્ચિત્ત હેતુ તેમની સાધનામાં લીન થઈ ગયા. અઘોર તપસ્યા અને પ્રાયશ્ચિત્તને અંતે બ્રહ્માજી અને શ્રીહરિ વિષ્ણુએ પરબ્રહ્મ તેજોમય સદાશિવ સામે તેમના સાકાર સ્વરૂપનાં દર્શનની ઇચ્છા વ્યક્ત કરી. બન્ને મહાન દેવોની અનેક દિવ્યવર્ષ સુધીની તપસ્યા અને પ્રાર્થનાને અંતે સદાશિવ પ્રસન્ન થયા અને તેમની ઇચ્છાપૂર્તિ હેતુ મહાશિવરાત્રિ સમયે સાકાર સ્વરૂપે તેમણે દર્શન આપ્યાં. હવે બ્રહ્માંડમાં કર્તવ્યપાલન તરીકે બે મહાશક્તિ બ્રહ્મા જેઓ રચયિતા તરીકે અને શ્રીહરિ વિષ્ણુ જેઓ વહનકર્તા (પાલન-પોષણકર્તા) તરીકે જવાબદારીઓ નિભાવવાના હતા, પરંતુ તૃતીય શક્તિ સ્રોતની હજીયે ગેરહાજરી હતી જે જવાબદારી સાકાર સ્વરૂપ પ્રકટ થયેલા શંકરે સ્વીકારી અને તેમણે સંહારક (નવસર્જનના મૂળ) તરીકે ત્રિદેવને પૂર્ણતા બક્ષી.

બ્રહ્મપુરાણમાં એવું વર્ણન મળે છે કે પરમપિતા પરબ્રહ્મમાંથી જ્યારે ભગવાન શિવના રુદ્ર સ્વરૂપનું પ્રાકટ્ય થયું ત્યારે તે બાળકરૂપ શંકર સૃષ્ટિમાં આવતાની સાથે રોવા માંડ્યા, જેને કારણે તેમનું નામ રુદ્ર પડ્યું. રડી રહેલા બાળકસ્વરૂપ શંકરને શાંત કરવા માટે બ્રહ્મદેવે તેમને અલગ-અલગ ૧૦૦૮ નામોથી સંબોધ્યા જે રુદ્ર સહસ્રનામ તરીકે ઓળખાયાં.

એ તો આપણે જાણીએ જ છીએ કે સદાશિવમાંથી ભગવાન શંકરની ઉત્પત્તિ સાથે જ આ દિવસને આપણે ભગવાન શંકર અને દેવી પાર્વતીના વિવાહની રાત્રિ તરીકે પણ ઊજવીએ છીએ કારણ કે શિવરાત્રિને દિવસે જ ભગવાન શંકરનો એ અનૂઠો વરઘોડો નીકળ્યો હતો જેમાં જાનમાં મનમોહક રૂપવાન શ્રીહરિ વિષ્ણુ પણ હતા અને મૃત્યુનો આભાસ થાય એવા વિકરાળ શિવગણો પણ હતા. અને શિવરાત્રિની રાતે મહાદેવ અને પાર્વતીમાતાના વિવાહ લેવાયા હતા. તેમનો આ વિવાહપ્રસંગ જ્યાં ઊજવાયો હતો એ પવિત્ર સ્થળ એટલે ઉત્તરાખંડમાં સ્થિત ત્રિયુગી નારાયણનું મંદિર જ્યાં હજી આજે પણ શિવ-પાર્વતીના વિવાહની એ લગ્નચોરીનો અગ્નિ પ્રજ્વલિત છે.

અચ્છા, આપણી વચ્ચે એક સામાન્ય સમજ અથવા જાણકારી એ છે કે ભગવાન સદાશિવના શંકર સ્વરૂપનું પ્રાકટ્ય અને શિવ-પાર્વતી વિવાહ આ બે પ્રસંગની ઉજવણી એટલે મહાશિવરાત્રિ, પણ વાસ્તવમાં મહાશિવરાત્રિ સાથે માત્ર આ બે જ પ્રસંગો નથી સંકળાયેલા. તો ચાલો આજે જાણવાનો પ્રયત્ન કરીએ સનાતન ધર્મ સંસ્કૃતિના આ અતિપવિત્ર પ્રસંગ સાથે બીજી કઈ ઘટના-કથાઓ સંકળાયેલી છે.

સમુદ્રમંથન વિશે આપણે બધાએ જ ક્યારેક ને ક્યારેક કોઈ કથામાં સાંભળ્યું હશે અથવા વિષ્ણુપુરાણ કે શિવ મહાપુરાણમાં વાંચ્યું હશે. એ સમુદ્રમંથનમાં ફળસ્વરૂપ જ્યારે હળાહળ વિષની પ્રાપ્તિ થઈ ત્યારે એનું ધારણ આખાય બ્રહ્માંડમાં એકમાત્ર શંકર જ કરી શકે એમ હતા. અને એ પણ તેમના કંઠમાં. બ્રહ્માજી અને શ્રીહરિ વિષ્ણુ સહિત તમામ દેવ અને દાનવે જ્યારે મહાદેવને પ્રાર્થના કરી ત્યારે તેમણે એ મહાવિનાશકારી હળાહળ વિષ જે સમયે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું એ મહાશિવરાત્રિ હતી.

પુરાણોમાં વર્ણિત બીજી એક કથા આપણને જણાવે છે કે રોહિણીને જ અત્યાધિક પ્રેમ કરતા હોવાનું અનુભવી દક્ષ પ્રજાપતિની બીજી ૨૬ પુત્રીઓએ જ્યારે પિતાને ફરિયાદ કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને ક્ષય રોગ લાગુ પડવાનો શ્રાપ આપ્યો. એ સમયે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પરમપિતા બ્રહ્માએ ચંદ્રદેવને મહાદેવની તપસ્યા કરવા જણાવ્યું. ચંદ્રની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે તેમની કાન્તિ સદાને માટે સમાપ્ત નહીં થઈ જતાં તે ધીરે-ધીરે ફરી પોતાની પૂર્ણ કાન્તિને પ્રાપ્ત કરશે. ચંદ્રદેવને ભગવાન શંકરનાં દર્શન અને આ વરદાન મહાશિવરાત્રિએ જ મળ્યાં હતાં. અમાસની રાત્રે જ્યારે ચંદ્રદેવ પોતાની પૂર્ણ કાન્તિ ખોઈ દે છે એના એક દિવસ પહેલાં શિવરાત્રિ મનાવવામાં આવે છે. અર્થાત્ ભગવાન શિવ શંકર પૂર્ણ અંધકારમાં પણ પોતાની ઉપસ્થિતિ અને જ્ઞાનથી સમસ્ત બ્રહ્માંડને પ્રકાશિત કરતા હોય છે.

આપણા વેદોમાં એવો ઉલ્લેખ મળે છે કે પરમપિતા બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના અને શ્રીહરિ નારાયણ દ્વારા એના પાલનપોષણ બાદ જ્યારે સૃષ્ટિના સંહારનો સમય આવે છે ત્યારે મહાશિવરાત્રિના પ્રલયકાળ દરમિયાન જ ભગવાન રુદ્ર તેમના ત્રીજા નેત્ર દ્વારા આ સૃષ્ટિનો સંહાર કરે છે. આથી જ એને કાળરાત્રિ અથવા જળરાત્રિ પણ કહેવામાં આવે છે.

આ સિવાય મહાદેવનાં પ્રથમ પત્ની દેવી સતી અને માતા પાર્વતીની તપસ્યા પણ મહાશિવરાત્રિના દિવસે જ પૂર્ણ થઈ હતી અને દેવાધિદેવ મહાદેવે તેમને દર્શન આપી સ્વયંને પતિ તરીકે મેળવવાનું વરદાન આપ્યું હતું. એટલું જ નહીં, પ્રમુખ દેવીઓ જેમ કે મા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રાણી, ઊર્જાનાં દેવી ગાયત્રી, રતિ, તારા, દક્ષપુત્રીઓ, દસ મહાવિદ્યા અને અપ્સરાઓએ પણ મહાદેવની શિવરાત્રિએ પૂજા કરી ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરી હતી.

એથી આગળ પુરાણોમાં મળતા વર્ણન તરફ નજર કરીએ તો રામાયણ અને મહાભારત દ્વારા જણાય છે કે શ્રીહરિ વિષ્ણુના અવતાર એવા પરશુરામજી, શ્રીરામચંદ્રજી અને શ્રીહરિ કૃષ્ણ દ્વારા પણ મહાશિવરાત્રિનું વ્રત રખાયું હતું અને મહાદેવની પૂજાઅર્ચના કરી હતી.

વિષ્ણુપુરાણમાં મહાશિવરાત્રિ સાથે સંકળાયેલી એક રોચક કથા મળે છે. શ્રીહરિ નારાયણે ભગવાન મહાદેવની ૧૦૦૦ વર્ષો સુધી તપસ્યા કરી. હવે આ તપશ્ચર્યા દરમિયાન શ્રીહરિએ એવો નિર્ધાર કર્યો હતો કે તપસ્યાની પૂર્ણાહુતિ સમયે તેઓ મહાદેવની ૧૦૦૦ કમળો દ્વારા પૂજા કરશે અને મહાશિવરાત્રિનું વ્રત રાખશે. હવે જ્યારે મહાદેવે શ્રીહરિનો આ સંકલ્પ જાણ્યો ત્યારે તેમને વિષ્ણુ ભગવાનના ભક્તિભાવની પરીક્ષા કરવાની ઇચ્છા થઈ. મહાદેવે પેલાં ૧૦૦૦ કમળમાંથી એક કમળ છુપાવી દીધું. વિચાર કરો કે જ્યારે સ્વયં શ્રીહરિ સ્વમુખે મંત્રોચ્ચાર દ્વારા મહાદેવની પૂજા કરતા હોય તો ત્યારે તો કેવો માહોલ સર્જાયો હશે. આખુંય વાતાવરણ અધ્યાત્મના રંગે રંગાયેલું હતું, સૃષ્ટિ પણ જાણે ભાન ભૂલી બસ મહાદેવમય થઈ ગઈ હતી. એવામાં દરેક મંત્રોચ્ચારને અંતે શ્રીહરિ એક કમળ લઈ મહાદેવને અર્પણ કરી રહ્યા હતા. આ રીતે ૯૯૯ કમળ તો તેમણે શિવલિંગ પર અર્પણ કર્યાં પરંતુ છેલ્લા મંત્રની પૂર્ણાહુતિ પછી એક કમળ તેમને ઓછું પડ્યું. અનુષ્ઠાન દ્વારા સિદ્ધ પૂજા હતી આથી વિષ્ણુ દેવસ્થાન પરથી ચલિત પણ થઈ શકે એમ નહોતું. તો હવે કરવું શું? ત્યારે શ્રીહરિએ વિચાર્યું કે મારા ભક્તો અને દેવોએ મારાં નયનોને પણ નયનકમળની ઉપમા આપી છે. તો મારું એક નેત્ર હું શિવને અર્પણ કરું તો એ પણ કમળ ચડાવ્યા બરાબર જ ગણાશે. આ વિચારથી શ્રીહરિ પોતાની એક આંખ કાઢી શિવને અર્પણ કરવા માટે ઉદ્વત થાય છે. ત્યાં જ મહાદેવ સ્વયં પ્રકટ થયા અને તેમણે શ્રીહરિની સેવાપૂજાનો સહર્ષ સ્વીકાર કરતાં તેમને આશીર્વાદ તરીકે પોતાના ત્રીજા નેત્રથી જન્મેલા આયુધપુરુષની ભેટ ધરી. એ આયુધપુરુષ એટલે મહાદેવ દ્વારા મળેલું શ્રીહરિ વિષ્ણુનું સુદર્શન ચક્ર. આ આખોય પ્રસંગ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સાકાર થયો હતો.

મહાભારત તરફ વળીએ તો ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ પણ મહાશિવરાત્રિ વ્રતના ફળસ્વરૂપ ૧૦૦ પુત્રોનું વરદાન પ્રાપ્ત કર્યું હતું એટલું જ નહીં, દ્રૌપદીએ પણ મહાપરાક્રમી પંચગુણ પતિ મેળવવાનું વરદાન મહાશિવરાત્રિના વ્રત દ્વારા જ મેળવ્યું હતું. મહાભારતનાં કેટલાંક સંસ્કરણ તો ત્યાં સુધી કહે છે કે શ્રીકૃષ્ણએ રુક્મિણીહરણ પણ મહાશિવરાત્રિના દિવસે જ કર્યું હતું જ્યારે રુક્મિણીજી મહાદેવની પૂજા હેતુ મહેલથી બહાર નીકળ્યાં હતાં.

શિવને શું ન ચડાવાય?

શિવને શું અર્પણ કરી શકાય એ જાણ્યા બાદ હવે સ્વાભાવિક છે એવો પ્રશ્ન પણ થાય કે શિવને શું ન ચડાવવું જોઈએ? તો એના ઉત્તરમાં કેટલીક સામગ્રી છે જે શિવલિંગને કે શંકરને અર્પણ ન કરાય એવું કહેવાયું છે જેમાં શિવને હળદર ન ચડાવાય કારણ કે એનો સબંધ શ્રીહરિ વિષ્ણુ સાથે છે. હળદર માતા લક્ષ્મીની નિશાની છે અને લક્ષ્મી-નારાયણને હળદર ચડે છે. વળી પીળી વસ્તુઓ વિષ્ણુને અત્યંત પ્રિય છે. આથી જ તેમને પીતાંબર પણ કહેવાય છે. વળી હળદરનો સબંધ કંકુ સાથે પણ છે. આથી એ મહાદેવને અર્પણ નહીં કરાય.

ચંપાનું ફૂલ એટલે કે કેતકી પુષ્પ મહાદેવને ભેટ નહીં ધરાય. આપણે શિવરાત્રિની કથામાં જ જાણ્યું કે સ્વયં મહાદેવે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો. એ જ રીતે કેવડાનું ફૂલ પણ મહાદેવને નહીં ચડે.

શંખ અને તુલસી પણ મહાદેવને ચડાવવાં કે એનાથી અભિષેક કરવો યોગ્ય નથી. ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો એ કથા તો આપણે બધા જ જાણીએ છીએ જેને જાલંધર તરીકે પણ ઓળખીએ છીએ. વૃન્દા એટલે કે તુલસી એ જ જાલંધરનાં પત્ની હતાં જેમને વરદાન પ્રાપ્ત હતું કે જ્યાં સુધી તેમનું પતિવ્રત અખંડ રહેશે ત્યાં સુધી તેના પતિ જાલંધરને કોઈ મારી નહીં શકે. આ જ કારણથી મહાદેવ જાલંધરનો વધ નહોતા કરી રહ્યા જેથી વૃન્દાને મળેલા વરદાનનું અપમાન ન થાય. ત્યારે શ્રીહરિ વિષ્ણુ શંખચૂડનો વેશ ધારણ કરી વૃન્દાનું પતિવ્રત ભંગ કરવા ઉપસ્થિત થાય છે અને મહાદેવ શંખચૂડ એટલે કે જાલંધરનો વધ કરે છે.

વૃન્દાને જ્યારે આ વાસ્તવિકતાની ખબર પડી ત્યારે તેમણે શ્રીહરિ વિષ્ણુને પથ્થર થઈ જવાનો (શાલિગ્રામ વિષ્ણુ સ્વરૂપ) શ્રાપ આપ્યો અને પોતે બળીને ભસ્મ થઈ ગયાં. એ રાખમાંથી જે છોડ ઊગ્યો એ વૃન્દા એટલે કે તુલસી, જે શ્રીહરિ નારાયણનાં પત્ની બન્યાં. આથી એ મહાદેવને અર્પણ નહીં થાય.

નારિયેળ. નારિયેળનું તો નામ જ શ્રીફળ છે. અર્થાત દેવી લક્ષ્મીનું ફળ. અર્થાત્ શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરવા યોગ્ય. આથી જ મહાદેવને નારિયેળ જ નહીં, નારિયેળનું પાણી પણ નહીં ચડે. એ સિવાય ખંડિત ચોખા, વાસ્તવમાં ખંડિત ચોખા તો મહાદેવને જ નહીં કોઈ પણ દેવતાને ચડાવવા યોગ્ય નથી ગણાતા. પૂજામાં જે ચોખા ચડાવવામાં આવે છે એને અક્ષત કહેવાય છે. અર્થાત જેને કોઈ ક્ષતિ નથી થઈ એ. એ જ રીતે ખંડિત બીલીપત્ર પણ મહાદેવને અર્પણ નહીં કરાય. વળી લાલ વસ્ત્ર પણ મહાદેવને ક્યારેય નહીં ચડાવાય. અવિકારી, અવિનાશી, શાશ્વત વિરક્ત એવા મહાદેવને માયા અને ધન (લક્ષ્મી)નું પ્રતીક એવું લાલ વસ્ત્ર અર્પણ નહીં થાય. વળી લાલ વસ્ત્રનો સબંધ કંકુ સાથે પણ છે. આથી પણ એ મહાદેવને નહીં ચડે.

ઉકાળેલું દૂધ. આમ તો ઉકાળેલું દૂધ મહાદેવને જ નહીં કોઈ પણ દેવતાને ન ચડાવવું જોઈએ કારણ કે દૂધને ઉકાળતાં એમાં અગ્નિ દ્વારા ગ્રહિત અને પોષિત ભાવ સમાય છે. અર્થાત્ એ એઠું થઈ ગયું કહેવાય. લોખંડના પાત્રથી, સોનાના કે ચાંદીના પાત્રથી પણ જળ મહાદેવને અર્પણ ન કરવું જોઈએ. ભગવાન શંકરને માત્ર કાંસાના કે તાંબાના પાત્રથી જ જળ અર્પણ કરી શકાય. એની પાછળની કહાણી તેમને મળેલા ત્રિપુરારી નામ સાથે સંકળાયેલી છે. મહાદેવે ત્રિપુરનો સંહાર કર્યો હતો જે ક્રમશઃ સુવર્ણ, રજત અને લોખંડથી બનેલા હતા.

 એ જ રીતે કંકુ પણ મહાદેવને નહીં ચડે કારણ કે એ સ્વયં માતા પાર્વતી દ્વારા વર્જિત ગણાવાયું છે. કથા કંઈક એવી છે કે મહાદેવના એક પ્રખર ભક્ત ઘોર તપસ્યા દ્વારા શિવલિંગનું પૂજન કરી રહ્યા હતા. એ પૂજન દરમિયાન તેઓ પોતાની જે કંઈ સામગ્રી હાજર હતી એ બધી જ મહાદેવને અર્પણ કરી રહ્યા હતા જેમાં તેમણે મહાદેવને હળદર ચડાવી અને ત્યાર બાદ જળાભિષેક કરવાની જગ્યાએ તેમણે ભૂલવશ લીંબુના રસનો મહાદેવ પર અભિષેક કરવા માંડ્યો. એથી હળદર કંકુ સ્વરૂપે મહાદેવ પર ચડવા માંડી. હવે મહાદેવ એ સમયે સમાધિમાં લીન હતા. આથી તેમના ભક્તો તેમને જે પણ અર્પણ કરે એ બધું જ ગ્રાહ્ય થઈ રહ્યું હતું. એવામાં માતા પાર્વતીએ મહાદેવનું એ રક્તરંજિત સ્વરૂપ જોયું અને તેઓ અત્યંત ક્રોધાયમાન થયાં.

તેમને લાગ્યું કે સમાધિમાં બેઠેલા મહાદેવ પર કોઈકે પ્રહાર કરવાનું દુઃસાહસ કર્યું છે. આ વિચાર માત્રથી ક્રોધે ભરાયેલાં દેવીએ તેમના મહાકાળી સ્વરૂપનું આહવાન કર્યું અને આજ્ઞા કરી કે જે કોઈએ આ દુઃસાહસ કર્યું છે એનો સંહાર કરવામાં આવે. મહાકાળી જ્યારે તે ભક્ત પાસે પહોંચ્યાં ત્યારે માતાનું એ વિકરાળ સ્વરૂપ જોઈ ભક્ત અત્યંત ડરી ગયો. તેણે પોતાના ઇષ્ટદેવની કૃપા માટે સતત મહાદેવને બોલાવવા માંડ્યા. આખરે મહાકાળીના ખડગ અને પોતાના ભક્તના શીશ વચ્ચે મહાદેવ આવ્યા અને તેમણે દેવી પાર્વતીને વાસ્તવિકતા જણાવી. કહ્યું કે એ રક્ત નહીં પરંતુ ભક્ત દ્વારા ભેટ ધરાયેલું કંકુ છે. ત્યારે કોપાયમાન અવસ્થામાં માતા પાર્વતીએ વિધાન કર્યું કે આજથી મહાદેવને કંકુ દ્વારા પૂજન કરનારની પૂજા મહાદેવનું શક્તિસ્વરૂપ (અર્ધનારીશ્વરનું માતા પાર્વતી સ્વરૂપ) ક્યારેય નહીં સ્વીકારે અને સાધકને ક્યારેય પ્રાર્થનાનું ઇચ્છિત ફળ પ્રાપ્ત નહીં થાય, આથી મહાદેવને કંકુ નહીં ચડે.

તો વળી રામાયણમાં શ્રી રામચંદ્રજીને પતિ તરીકે મેળવવા માટે સીતામાતાએ મહાશિવરાત્રિનાં વ્રત કર્યાં હોવાનું વર્ણન તો લગભગ રામાયણના દરેક સંસ્કરણમાં મળે છે. મહાશિવરાત્રિ સાથે સંકળાયેલી બીજી કંઈકેટલીયે રોચક કથાઓ આપણા સનાતન હિન્દુ ધર્મસાહિત્યમાં જાણવા મળે છે. હવે ચિત્રભાનુની કથા જ લઈ લો. એ પણ તો શિવરાત્રિ વ્રત વિશે જ છે. વાત કંઈક એવી છે કે ચિત્રભાનુ નામનો એક શિકારી જંગલમાં જાનવરોનો શિકાર કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક સમયે જંગલ તરફ જતી વેળા તેને અચાનક જ ક્યાંકથી શિવકથા સાંભળવા મળી. શિવકથાશ્રવણ બાદ તે જંગલમાં જઈ એક ઝાડ પર બેસી કોઈ શિકાર મળવાની રાહ જોઈ રહ્યો હતો. આ સમય દરમિયાન જંગલમાં દૂર-દૂર નજર ફેરવતા રહેતાં તે સહજ પેલા ઝાડનાં પાન તોડી-તોડીને નીચે નાખી રહ્યો હતો. એ ઝાડ બીલીપત્રનું વૃક્ષ હતું. એ સમયે તેને નહોતી ખબર કે બીલીના ઝાડની નીચે ઘાસમાં એક શિવલિંગ સ્થાપિત હશે. પહેલાં શિવકથાનું શ્રવણ અને ત્યાર બાદ શિવને અનેકો બીલીપત્રનું અર્પણ. ચિત્રભાનુથી અજાણતામાં જ શિવરાત્રિનું વ્રત પૂર્ણ થયું હતું. તેના આ ભક્તિકર્મથી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ તેનું હૃદય નિર્મળ કરી નાખે છે. ચિત્રભાનુ શિકાર કે હિંસાનો વિચાર છોડી તેની નજર સામેથી ચાર-ચાર હરણોને જીવિત જવા દે છે. કહેવાય છે કે એ દિવસ પછી ચિત્રભાનુ શિકાર છોડી શિવભક્તિમાં લીન થઈ ગયો હતો.

વાસ્તવમાં આ બધી જ કથાઓના રૂપકને આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું તો મહાશિવરાત્રિનો દિવસ અને રાત્રિ એ માત્ર ઉજવણીનું પર્વ નથી, શિવમાંથી શંકરની ઉત્પત્તિ એ ઊર્જાના સ્રોતમાંથી જીવમાત્રની ઉત્પત્તિનું ઉદાહરણ છે. શિવને ક્યાંય બહાર શોધીએ એ પહેલાં ભીતર શોધવાની પ્રેરણા છે. શિવવિવાહ, તેમનો વરઘોડો એ રૂપક છે ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, સ્વરૂપ, સુખ અને વૈભવ જેવા બધા જ સવળા સંજોગો અને ગુણો સાથે કુરૂપ, દૈત્ય વૃત્તિ, દુર્ગુણો, જવાબદારીઓ, દુઃખ વગેરે તમામ સંજોગોના સમન્વયનું. અને આ બધું જ વાસ્તવિક જીવનનું અભિન્ન અંગ છે. સદૈવ માત્ર સુખ કે સદગુણ અને સદૈવ માત્ર દુઃખ કે દુર્ગુણ હોય એવું ક્યારેય બનતું નથી. આ બધા વિના જીવન શક્ય નથી. એ જ રીતે શિવમાંથી શંકરના પ્રાકટ્યની કથા, બ્રહ્મા-સર્જનકર્તા (જે આપણું જ રૂપક છે. નાની અમથી મિલકત કે સુખનું સર્જન થાય તો પણ આપણે ‘હું એનો સર્જનકર્તા છું’)ના હૃદયમાં ક્યારેક અભિમાન, જુઠ્ઠાણું અને ‘અહં બ્રહ્માસ્મિ’નો ભાવ આવવાનો જ છે. અને ત્યારે જ અંધકાર સર્જાય છે. એવા સમયે ઊર્જાનો એક અવિરત સ્રોત, જેનો કોઈ આરંભ કે અંત નથી એ આપણી મદદે આવે જ છે (શંકર), જો આપણે ચાહીએ કે ઓળખીએ તો. અર્થાત મહાશિવરાત્રિ વાસ્તવમાં મનુષ્યને અજ્ઞાનરૂપી અમાવસ્યાથી જ્ઞાનરૂપી પૂર્ણિમા તરફ લઈ જતા પવિત્ર દિવસની ઉજવણી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 02:19 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK