ઉડુ જેવું તાલવાદ્ય મળવું મુશ્કેલ હતું એટલે આ કલાકારે બનાવવાનું શરૂ કરી દીધું
પાર્થ સોમાણી અને ઉડુ
સંગીતમાં માસ્ટર ડિગ્રી ધરાવતા અમદાવાદના યુવાન પાર્થ સોમાણી પાસે કૉલેજના યુથ ફેસ્ટિવલ દરમ્યાન આફ્રિકન મૂળનું પ્રાચીન ઉડુ નામનું સંગીત વાદ્ય હાથમાં આવ્યું. આ વાદ્યનો અવાજ તેને એટલો પ્રભાવિત કરી ગયો કે તેણે આ વાદ્યમાં માસ્ટરી મેળવી લીધી. માટીમાંથી બનતું વાદ્ય ઍર-ટ્રાવેલ દરમ્યાન તૂટી જતાં કઈ રીતે શરૂ થઈ સંગીતકારની બિઝનેસયાત્રા એ જાણીએ
વિશ્વસંગીતના ઇતિહાસમાં કેટલાક એવા કલાકારો થયા છે જેમણે વાદ્યને માત્ર વગાડ્યું નથી પરંતુ એની ઓળખ બદલી છે. જેમ કે ભારતના વિક્કુ વિનાયકરામે માટીના ઘાટમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યું, ઝાકિર હુસેને તબલાને સોલો વાદ્યની પ્રતિષ્ઠા આપી અને આફ્રિકન લોકપરંપરામાંથી જન્મેલા ઉડુ (Udu)ને ફ્રૅન્કો જેવા કલાકારોએ નવી ભાષા આપી. આવા કલાકારોમાં એક વાત સામાન્ય હોય છે કે તેઓ વાદ્ય શોધતા નથી, વાદ્ય તેમને શોધે છે. એટલે જ પરંપરા અને પ્રયોગ જ્યાં મળે ત્યાંથી નવી ભાષા જન્મે છે. આ જ પરંપરામાં અનોખી રીતે અમદાવાદના ૨૮ વર્ષના યુવા પર્કશનિસ્ટ પાર્થ સોમાણી ઊભરી આવે છે. ઉડુ વાદ્ય સાથેનો તેમનો સંબંધ માત્ર અભ્યાસ સુધી મર્યાદિત નથી રહ્યો. માત્ર વગાડવામાં સંતોષ ન માનતા; પાર્થે ઉડુ બનાવવાની પ્રક્રિયા શીખી, પ્રયોગ કર્યો અને અંતે પોતાનું અનોખું સાઉન્ડ વર્લ્ડ ઊભું કર્યું. પાર્થે કેવી રીતે ઉડુ બનાવવાની ફરજ પડી એ સફર વિશે જાણીએ.
ADVERTISEMENT
ઉડુ વાદ્ય કઈ રીતે બન્યું?
ઉડુ વાદ્યનો ઉદ્ભવ પશ્ચિમ આફ્રિકા, ખાસ કરીને નાઇજિરિયાના ઇગ્બો સમુદાયમાં થયો હોવાનું માનવામાં આવે છે. ‘ઉડુ’ શબ્દનો અર્થ ત્યાંની સ્થાનિક ભાષામાં માટીની ઘડી અથવા પાણી ભરવાનું પાત્ર થાય છે. શરૂઆતમાં આ માટીનાં વાસણો રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતાં, પરંતુ ધીમે-ધીમે લોકો એમાંથી ઉત્પન્ન થતા અવાજ સાથે રમવા લાગ્યા અને ત્યાંથી ઉડુ એક વાદ્ય તરીકે ઓળખાયું.
અવાજ સાથે ઉત્સુકતા
પાંત્રીસ જેટલાં વાદ્યો વગાડી જાણતા પાર્થ સોમાણી કહે છે, ‘મારા પપ્પા ઉપેન્દ્ર સોમાણી નિવૃત્ત આર્ટ ટીચર છે અને મમ્મી દક્ષાબહેને નરસિંહ મહેતા પર PhD કર્યું છે. મારા પિતરાઈ ભાઈઓ ઉજ્જવલ અને નિકુંજ સિરૅમિક અને સ્ક્લ્પ્ચરનું કામ કરે છે. નાનપણથી જ મારી આસપાસ કલાનો માહોલ રહ્યો છે. મને ખાસ કરીને તબલા વાદ્ય પ્રત્યે આકર્ષણ હતું. મારો તબલા પ્રેમ જોઈને મને પપ્પાએ અહીં સપ્તક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કર્યો. મેં ૧૨ વર્ષની ઉંમરે બનારસ ઘરાનામાં તબલા વાદ્ય શીખવાની શરૂઆત કરી. એ પછી ૧૨ વર્ષ સુધી અલગ-અલગ ઘરાનામાં વિવિધ ગુરુઓ પાસે તબલાની જુદી-જુદી ટેક્નિકસ શીખતો રહ્યો. અમદાવાદમાં જ સંગીત વિષયમાં મારું ગ્રૅજ્યુએશન અને માસ્ટર્સ પૂર્ણ કર્યું. હાલમાં હું આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પર્કશનિસ્ટ ત્રિલોક ગુર્તુ પાસેથી તાલીમ લઈ રહ્યો છું. અવાજના ટેક્સચર કે ગ્રૂવ્સ કેવી રીતે વિકસાવવા એ હું તેમની પાસેથી શીખ્યો. ૨૦૧૬માં યુનિવર્સિટીના એક યુથ ફેસ્ટિવલમાં મારા પિતરાઈ ભાઈએ એક પ્રોજેક્ટ અંતર્ગત પહેલું ઉડુ બનાવ્યું હતુ અને એ મારા હાથમાં આવ્યું. મને આ વાદ્યનો અવાજ ખૂબ જ ગમ્યો અને આમાં ઘણીબધી શક્યતાઓ દેખાઈ. અમદાવાદમાં મારું ‘એકતારા’ નામે ત્રણ સભ્યોનું બૅન્ડ છે જેમાં હાર્દિક અને મિત દવે જોડાયેલા છે. અમે સૂફી સંતોની કવિતાઓ, ભજન ગાવામાં આ ઉડુના અવાજને સામેલ કર્યો છે. લોકોએ આ અવાજને વખાણ્યો એટલે મેં આ જ વાદ્યના અવાજને પારંપરિક સંગીત અને આધુનિક સંગીત બન્નેમાં વણવાની કોશિશ કરી છે અને બન્નેમાં આ અવાજ સંગીતની ગ્રેસ વધારે છે. અહીંથી ઉડુ મારા દરેક સંગીત શોનો સાથી બની ગયું અને એની સાચવણી એક પડકાર બની ગઈ.’


સ્ટુડિયોમાં ઉડુ વાદ્ય બનાવી રહેલા પાર્થ સોમાણી અને ઘાટમ
અછતથી ઇનોવેશનનો વિચાર
સંગીતનાં વાદ્યો ટ્રાવેલિંગમાં ખૂબ જ સાવધાની માગે છે. એમાંય માટીમાંથી બનતું ઉડુ જેટલું સૂરીલું છે એટલું જ નાજુક પણ. સફર દરમ્યાન જો જરાક પણ બેદરકારી થાય તો ગયું જ સમજો.
સફર દરમ્યાન અવારનવાર વાદ્યોને નુકસાન પહોંચે છે. આ અનુભવ વિશે પાર્થ કહે છે, ‘ફ્લાઇટમાં મુસાફરી દરમ્યાન ઉડુ ઘણી વાર ડૅમેજ થયું છે. એવી રીતે મારી પાસે સંગ્રહ કરેલાં ઉડુ વાદ્ય એક પછી એક તૂટતાં ગયાં અને પછી એ મળવાં જ મુશ્કેલ થઈ ગયાં. ત્યારે મને વિચાર આવ્યો કે હવે તો મારે આ વાદ્યને મારી રીતે બનાવવું જ રહ્યું. મેં આ વાદ્યની બનાવટ શીખવામાં સમય આપ્યો. નસીબજોગે મારા પિતરાઈ ભાઈઓનો સ્ટુડિયો છે એટલે મેં ત્યાં જ મારું આ કામ શરૂ કર્યું. ઘણાબધા નિષ્ફળ પ્રયોગો કર્યા અને પછી વિવિધ અવાજો ઉત્પન્ન થાય એવું ઉડુ બની ગયું. હું જ્યાં પણ આ વાદ્ય સાથે શો કરવા જતો ત્યાં લોકો ઉડુ ક્યાં મળી રહેશે એમ પૂછતા હતા. મારે લોકો સાથે આ વાદ્ય શૅર કરવું હતું. શરૂઆતમાં મેં ૩૫ જેટલા આ વાદ્યનાં વિવિધ મૉડલ્સ બનાવ્યાં. જે શહેરોમાં શો માટે ગયો ત્યાં મારી પાસેથી લોકોએ આ મૉડલ ખરીદ્યાં તો મારો ઉત્સાહ વધ્યો. એટલે જન્મ થયો મારા આ સ્ટાર્ટઅપનો. આજે આ કામને દોઢ વર્ષ થઈ ગયું છે.’
ઉડુ બનાવવા માટેના પડકારો
વાદ્યની બનાવટમાં વાતાવરણ પર ભાર આપતો પાર્થ કહે છે, ‘માટીમાંથી બનતા આ વાદ્યને એક મહિનાનો સમય લાગે છે. ઉનાળાની આકરી ગરમી માટીના વાદ્યને વધારે શુષ્ક કરી નાખે છે અને ચોમાસાનો ભેજ માટીની ગુણવત્તાને અસર કરે છે. એટલે શિયાળાનો સમય યોગ્ય રહે છે, કારણ કે વાતાવરણમાં ભેજ અને ઉષ્માની સમતુલા હોય છે. પહેલા પગથિયાથી લઈને અંતિમ પગથિયા સુધી બધું જ હાથ વડે કરવામાં આવે છે. આજ સુધી ૨૦૦ જેટલાં ઉડુ મેં કલાકારો સુધી પહોંચાડ્યાં છે. અત્યારે મારી પાસે જેટલા ઑર્ડર છે એ હું એક વર્ષ પછી ડિલિવર કરી શકીશ. અત્યારે અમદાવાદ, થાન અને મોરબી એમ ત્રણ જગ્યાએ આ વાદ્ય બનાવવા માટેનો સ્ટુડિયો શરૂ કર્યો છે અને ત્રણ જણને તાલીમ પણ આપી રહ્યો છું. એટલે જ્યારે હું શોમાં વ્યસ્ત હોઉં ત્યારે આ વાદ્ય બનાવવાનું કામ અટકે નહીં. આ વાદ્ય લેનારાનું માર્કેટ ખૂબ નાનું છે, પણ કાયમી છે.’
ઉડુ શીખવું અઘરું છે?
ઉડુ વગાડતાં શીખવું સરળ છે એમ જણાવતો પાર્થ કહે છે, ‘ભારતીય સંગીત વાદ્ય ઘાટમ સાથે ઉડુ સામ્ય ઘરાવે છે. ઘાટમ અને ઉડુ બન્ને માટીનાં તાલવાદ્યો છે, પરંતુ એમની રચના, અવાજ અને વગાડવાની પદ્ધતિમાં સ્પષ્ટ તફાવત જોવા મળે છે. ઘાટમનો ઉદ્ભવ દક્ષિણ ભારતની કર્ણાટક સંગીત પરંપરામાં થયો છે. એ જાડા માટીના પાત્ર જેવો હોય છે અને મુખ્યત્વે ઘૂંટણ પર રાખીને આંગળીઓ, હથેળી અને ક્યારેક નખથી વગાડવામાં આવે છે. ઘાટમનો અવાજ તીખો, મજબૂત અને તાલને સ્પષ્ટ કરે છે, તેથી એનો મુખ્યત્વે લયબદ્ધ સંગીતમાં ઉપયોગ થાય છે. એની સામે ઉડુનો ઉદ્ભવ પશ્ચિમ આફ્રિકામાં થયો છે અને એ હલકી માટીમાંથી બનેલું હોય છે, જેમાં એક કે વધુ છિદ્ર હોય છે. ઉડુને હાથથી વગાડતાં હવા અંદર–બહાર થવાથી ગુંજતો, ઘેરો અને શ્વાસ જેવો નરમ અવાજ ઉત્પન્ન થાય છે. જ્યાં ઘાટમ શક્તિશાળી અને તાલકેન્દ્રિત છે ત્યાં ઉડુ સંવેદનાત્મક, ધ્યાનાત્મક અને અવાજના પ્રયોગ માટે વધુ ઉપયોગી ગણાય છે.’


