Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > લાગણીઓના પાકની રક્ષા માટે વિચારોની વાડ બહુ જરૂરી છે

લાગણીઓના પાકની રક્ષા માટે વિચારોની વાડ બહુ જરૂરી છે

Published : 30 October, 2026 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમે કોઈ સારી પ્રવૃત્તિમાં સમય લગાડો છો, સત્સંગમાં સમય લગાડો છો. તમે કોઈની મદદમાં, પરમાર્થમાં સમય આપો છો. આ માટે સ્વાસ્થ્યને સારું રાખવું પણ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


ભારતીય પરંપરામાં સત્સંગનું મહત્ત્વ ઘણું વધારે છે. આપણને સમય મળે ત્યારે સત્સંગ કરવો, સદ્‍વાંચન કરવું. આવા ચિંતન-મનન સાથે આચરણ પણ સદાચરણ બની જતું હોય છે. તમે પૈસાનું દાન કરીને આર્થિક સહયોગ કરો તો એ સરાહનીય છે; પરંતુ તમે સંપત્તિ આપો, કોઈને લાખ રૂપિયા આપો, પાંચ લાખ રૂપિયા આપો એ પાછા કમાઈ લેશો. તમે કોઈ સારી પ્રવૃત્તિમાં સમય લગાડો છો, સત્સંગમાં સમય લગાડો છો. તમે કોઈની મદદમાં, પરમાર્થમાં સમય આપો છો. આ માટે સ્વાસ્થ્યને સારું રાખવું પણ જરૂરી છે.

આ દેહ છે એની પૂજા શું? 
વહેલી સવારે ઊઠીએ. પ્રાતઃ સ્મરણ કરતા હોઈએ તો કરીએ. પછી સરખી રીતે બ્રશ કરીએ ત્યાંથી પહેલાં પિંડની પૂજા શરૂ થાય. વ્યવસ્થિત રીતે એક્સરસાઇઝ થાય. જૉગિંગ કરતા હોઈએ તો એ થાય. જૉગિંગ કરતાં વૉકિંગ બેટર એક્સરસાઇઝ છે એવું મેં ક્યાંક વાંચ્યું. જૉગિંગમાં જલદી થાકી જાઓ એટલે બેસી જાઓ. વૉક કરતા હો અને જરા ફાસ્ટ કરતા હો તો તમે કલાક સુધી કરી શકો.
પછી વ્યવસ્થિત સ્નાન કરીએ, સુઘડ રહીએ, સ્વચ્છ વસ્ત્રો પહેરીએ. ભૂખ લાગે ત્યારે શરીરને ફાવે એવું ભોજન લઈએ. માત્ર રુચિકર નહીં, હિતકર આહાર લઈએ. વધારે પડતા ઉજાગરા કરવાને બદલે રાત્રે શરીરને આરામની જરૂર હોય ત્યારે સૂઈ જઈએ. આ બધી જ ભૌતિક પિંડની પૂજા છે. માંદા પડીએ તો ઔષધિ પણ લઈએ. એ પણ દેવીમાની પૂજા છે. એક સંત બીમાર હતા. કેટલાક ભક્તો તેમની પાસે ગયા. અનુયાયીઓએ દવા આપી તે મહારાજે લીધી. કોઈ કહે, ‘શું થયું બાપુ?’ 
બાપુએ માંદગી વિશે વાત કરીને જવાબ આપ્યો, ‘ડૉક્ટરે દવા લખી આપી એ દવા લઈ લીધી.’ 
પેલાને અચરજ થયું. તેણે આંખો પહોળી કરીને સવાલ કર્યો, ‘તમે સાધુ થઈને, સંત થઈને દવા લો.’ 
મહારાજને એનાથી વધારે અચરજ થયું. તેમણે સામે સવાલ કર્યો, ‘કેમ, દવા લેવી પાપ છે?’ 
‘પાપ નહીં, પણ તમે તો સંત છો. તમારે ભગવાન સાથે સીધો સંબંધ છે! ભગવાનને કહો તો તાવ મટી જાય. દવા ખાવાની શું જરૂર છે?’
સંતે બહુ સરસ જવાબ આપ્યો, ‘જે કામ પાંચ રૂપિયાની નાની ટીકડીથી થતું હોય એના માટે ભગવાનને હેરાન કરવા યોગ્ય નથી.’ 
બીજો પિંડ વૈચારિક પિંડ છે. યોગ્ય શિક્ષણ, યોગ્ય વાતાવરણ એટલે કે ઘરનું વાતાવરણ એવું હોય કે બાળકોમાં સંસ્કાર આવે, તેમના વિચારો સારા થાય અને માત્ર બૌદ્ધિક વિકાસ સ્કૂલોમાં કે વિદ્યાલયોમાં, વિદ્યાસંસ્થાઓમાં થાય એ સર્વાંગી વિકાસ નથી.
લાગણી ત્રીજો પિંડ છે. ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ) સારો હોય, પણ ઇમોશનલ ક્વૉશન્ટ (EQ) ગરબડ હોય તો પરિવારો તૂટે, સમાજ તૂટે. આપણે ઇમોશનલી સમૃદ્ધ પણ હોવા જોઈએ, સ્વસ્થ પણ હોવા જોઈએ. ઘણી વખત વ્યક્તિ ઇમોશનલી સમૃદ્ધ હોય, પણ વિચારની દૃષ્ટિએ સાવ કંગાળ હોય. તેને કોઈ ઇમોશનલી જલદીથી બહેકાવી શકે, કારણ કે લાગણીઓના પાકની રક્ષા માટે વિચારોની વાડ બહુ જરૂરી છે.        



- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK