રામ મંદિરની દાનચોરીનો મામલો ગાજી રહ્યો છે ત્યારે જાણીએ
રામ મંદિર
કરોડો રૂપિયાનું દાન મેળવતાં ભારતનાં આસ્થાનાં કેન્દ્રોમાં દાનનો હિસાબ-કિતાબ, નોંધણી, જાળવણી અને ઉપયોગની જડબેસલાક સિસ્ટમો છે જ. ઈશ્વરના દરબારમાં ભક્તે આપેલી સમર્પણરાશિમાંથી કંઈક સેરવી લેવાની માનવીય વૃત્તિને મોકળું મેદાન ન મળે એ માટે મંદિર સંસ્થાનો દ્વારા શું થઈ રહ્યું છે એ કેટલાંક મોટાં મંદિરોમાંથી શીખવા જેવું છે
વર્ષોવર્ષના યુદ્ધ, બલિદાન અને હકની લડાઈ પછી માંડ-માંડ અયોધ્યામાં સનાતન હિન્દુ ધર્મના એ મહાન પૂર્વજ શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનું સપનું સાકાર થયું હતું. મંદિર સાકાર થયાનો આનંદ હજી તો પૂર્ણપણે ઓસર્યો પણ નથી ત્યાં દાનચોરીના મામલાએ લાખો ભક્તોની આસ્થાને ડગમગાવી દીધી. ભક્તોએ ભાવથી અર્પણ કરેલી ભેટો, નાણાં અને બીજી અમૂલ્ય ચીજોની સિફતપૂર્વક થઈ રહેલી ચોરીના મામલે ચાલી રહેલી તપાસમાં મોટા માથાંઓના નામ ખરડાયાં. હજી તપાસ ચાલુ છે. દોષીઓ પકડાશે કે ખમતીધરો અને વગદારોનાં કારનામાં પર ઢાંકપિછોડો થશે એ તો ખબર નહીં, પણ આવું જાણવા મળે ત્યારે ઈશ્વરના ધામમાં છેતરાયા હોવાની જેટલી લાગણી થાય એથીયે વધુ ગુસ્સો એ વાતનો આવે કે ચોરી કરવામાં તો આપણે ઈશ્વરને પણ છોડતા નથી?
ADVERTISEMENT
ખેર, રામ મંદિરમાં દાનચોરીનો મામલો ચગ્યા પછી અનેક લોકો કહેવા લાગ્યા કે મંદિરમાં ભક્તો દ્વારા ઈશ્વરને જે કંઈ અર્પણ કરવામાં આવે એનો હિસાબ-કિતાબ અને જાળવણી તિરુમલાના તિરુપતિ મંદિર જેવાં થવાં જોઈએ. તિરુમલામાં ગણતરી, નોંધણી અને જાળવણી માટે જે સિસ્ટમ બનાવવામાં આવી છે એ ખરેખર જડબેસલાક હોવાનું કહેવાય છે. સિસ્ટમ તો જોકે શિર્ડીના સાંઈમંદિર અને મુંબઈના સિદ્ધિવિનાયક કે પુણેના દગડુશેઠ હલવાઈ મંદિરમાં પણ જડબેસલાક બનાવવામાં આવી જ છે. છતાં હમણાં થોડા સમય પહેલાં જ સિદ્ધિવિનાયક મંદિરના જ એક પૂજારીનાં ચોરીનાં કારનામાં પણ બહાર આવ્યાં જ હતાંને.
એક મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલી રાશિનું કઈ રીતે વ્યવસ્થાપન થવું જોઈએ એ માટે તિરુમલાની ડોનેશન સિસ્ટમને વિશ્વની સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા ગણવામાં આવી રહી છે ત્યારે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે અહીં કેવી વ્યવસ્થા છે જે અયોધ્યાના રામ મંદિરમાં કે પછી કોઈ પણ ધાર્મિક સંસ્થાનોએ અપનાવવી જોઈએ.

તિરુમલામાં પુુરુષો પોતડી અને સ્ત્રીઓ સાડી પહેરીને દાનની રકમની ગણતરી કરે છે.
તિરુમલાની જડબેસલાક વ્યવસ્થા
કહેવાય છે કે તિરુમલાના તિરુપતિ મંદિરમાં ઈશ્વરનાં ચરણોમાં જે કંઈ ભેટસોગાદો અને રોકડ અર્પણ કરવામાં આવ્યાં હોય એની વ્યવસ્થા અત્યંત પારદર્શક, સુરક્ષિત અને ચોક્કસ નિયમો આધારિત છે. તિરુપતિ મંદિરમાં ઈશ્વરને ભેટમાં મળેલી રોકડ રકમ, આભૂષણો કે બીજી કીમતી ચીજવસ્તુઓ, ટૂંકમાં ભક્તોએ ઈશ્વરનાં ચરણોમાં ભેટ ધરેલી એ લાગણીને ‘પરકામાણી’ તરીકે ઓળખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ મૉનિટરિંગ અને કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવે છે.
આ માટે સૌથી પહેલાં તો આપણે જાણવું પડે કે તિરુમલા, તિરુપતિ દેવસ્થાનમમાં ઈશ્વરનાં ચરણોમાં કંઈ પણ ભેટ ધરવાની વ્યવસ્થા શું છે? તો મુખ્ય બે રીતે ભક્તો ઈશ્વરને ભેટ ધરી શકે છે.
હુન્ડી દાન (દક્ષિણા) : એમાં ગર્ભગૃહની બહાર મૂકવામાં આવેલી દાનપેટીઓમાં ભક્તો રોકડ, સોનું કે ચાંદી સીધાં અર્પણ કરે છે.
ડિજિટલ કે ઑનલાઇન : એમાં ભક્તો ઑનલાઇન e-Hundi દ્વારા કે OR કોડ આધારિત ડેબિટ / ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા પણ ભેટ આપે છે.
હવે આ રીતે મંદિરને મળેલી તમામ ભેટોની ગણતરી (પરકામાણી પ્રક્રિયા) માટે તિરુમલામાં એક અલાયદું ‘પરકામાણી ભવન’ બનાવવામાં આવ્યું છે જે અત્યાધુનિક તો છે જ, સાથે ત્યાં જડબેસલાક સુરક્ષા અને નિયમો અંતર્ગત જ ગણતરીની પ્રવૃત્તિ થાય છે.
પરકામાણી પ્રક્રિયા
સૌપ્રથમ તો ભેટમાં મળેલી તમામ વસ્તુઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભક્તો દ્વારા હૂંડીમાં અર્પણ કરવામાં આવેલી રોકડ જે ભારતીય ચલણમાં તો હોય જ છે, સાથે જ વિદેશી ચલણમાં પણ હોય છે. વળી સોના-ચાંદીના દાગીના, કીમતી ઘડિયાળો જેવી અનેક મૂલ્યવાન વસ્તુઓને અલગ-અલગ તારવવામાં આવે છે.
ત્યાર બાદ વર્ગીકૃત થયેલી વસ્તુઓમાં જેટલી રોકડ રકમ હોય એટલે કે ચલણ (નોટ અને સિક્કા)ને એના મૂલ્ય પ્રમાણે છૂટું પાડી ગણતરી કરવામાં આવે છે અને એ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD)ના કોષાગારમાં જમા કરવામાં આવે છે.
ભેટમાં મળેલી એ રોકડ, ઘરેણાં વગેરે તમામની ગણતરી માટે એક ડેડિકેટેડ કાઉન્ટિંગ સ્ટાફ અપૉઇન્ટ કરવામાં આવ્યો હોય છે. અચ્છા, એવું પણ નથી કે હું ભક્ત છું અને મને મંદિરમાં સેવા આપવાનું મન થયું એટલે મને એ રોકડ, સોનું કે ચાંદીની ગણતરી કરવા બેસાડી દેશે. કાઉન્ટિંગ સ્ટાફ તરીકે વૉલન્ટિયર કરવા માટે પણ જે-તે વ્યક્તિ નિર્ધારિત નિયમો અનુસારની હોય એની સ્પષ્ટ રૂપરેખાઓ અહીં છે.

શિર્ડીમાં ગણતરીનું કામ કરતા સ્વયંસેવકો.
પરકામાણી સેવા કોણ કરી શકે?
- આ પ્રક્રિયા ઝડપી અને સચોટ બને એ માટે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા ‘પરકામાણી સેવા’ શરૂ કરવામાં આવી છે. એમાં ભક્તો સ્વયંસેવક તરીકે જોડાઈ શકે ખરા, પરંતુ જોડાવા માટેની પાત્રતા અને નિયમોનું પાલન થયું હોવું જોઈએ.
માત્ર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અર્ધસરકારી, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU), વીમા અને બૅન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા અથવા નિવૃત્ત પુરુષ કર્મચારીઓ જ આ સેવા માટે પાત્ર ગણાય છે. એમાં ઉંમર અને ધર્મનો બાધ પણ ખરો જ ખરો. સ્વયંસેવકની ઉંમર ૩૫થી ૬૫ વર્ષની વચ્ચે જ હોવી જોઈએ અને તે હિન્દુ ધર્મ પાળનારો જ હોવો જોઈએ. આટલી મૂળભૂત શરતો સંતોષાતી હોય તો જ જે-તે વ્યક્તિને મંદિરના કાઉન્ટિંગ સ્ટાફ તરીકે માન્યતા પ્રાપ્ત થાય છે.
ત્યાર બાદ બીજો નિયમ આવે છે વસ્ત્રપરિધાનનો એટલે કે ડ્રેસ-કોડ. આ સેવામાં ફરજ બજાવતો સ્વયંસેવક સેવા દરમ્યાન માત્ર સફેદ ધોતી અને સફેદ બનિયન જ પહેરી શકે. આ નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અથવા વધુમાં વધુ ખિસ્સાં કે ઝિપર વગરનાં કૉલરલેસ વાઇટ કપડાં. અચ્છા, ગણતરી થઈ રહી હોય કે થવાની હોય ત્યારે એ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને મોબાઇલ, પર્સ, પાઉચ કે અંગત કીમતી ચીજવસ્તુઓ લઈ જવાની પણ પરવાનગી નથી. એટલું જ નહીં, કાઉન્ટિંગ સ્ટાફમાં સ્વયંસેવક તરીકે ઐયપ્પા મલા અથવા અન્ય કોઈ દીક્ષા ધારણ કરેલા ભક્તો આ સેવામાં ભાગ લઈ શકતા નથી.
પરકામાણી માટે જે સ્વયંસેવકો બેસે તેમની ઉપર અને આજુબાજુ પારદર્શિતા અને દેખરેખ જળવાઈ રહે એ આશયથી સમગ્ર પ્રક્રિયા કડક CCTV કૅમેરા અને AI કૅમેરાની નજર હેઠળ રાખવામાં આવે છે. એટલું જ નહીં, દેશનાં અનેક મોટાં મંદિરોમાં થતું હોય છે એ જ રીતે તિરુપતિમાં પણ ગણતરીની આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી થાય છે અને એનો રેકૉર્ડ રાખવામાં આવે છે.
આટલા કડક નિયમો પછી જે કોઈ સ્વયંસેવક કાઉન્ટિંગ સ્ટાફ તરીકે સેવા આપે છે તેમને એ સેવા પૂરી કર્યા બાદ ભક્ત તરીકે શ્રી તિરુપતિ ભગવાનનાં ચોક્કસ દર્શનનો લાભ મળે છે અને નજીવી કિંમતે વિશેષ લડ્ડુ ટોકન પણ આપવામાં આવે છે.
એવું કહેવાય છે કે ભક્તો દ્વારા આવતી ભેટની રકમની પિન-ટુ-પિન અને પાઈ-પાઈની ગણતરી માટે તિરુમલાની વ્યવસ્થા અત્યંત સુરક્ષિત અને શિસ્તબદ્ધ છે. આધિકારિક આંકડાઓ એવું કહે છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં દૈનિક પચીસ મિલ્યનથી ૬૦ મિલ્યન જેટલી રકમ ભક્તો ઈશ્વરને ધરતા હોય છે. મંદિરની સંચાલન સમિતિ તિરુપતિની છથી ૧૨ હૂંડીઓ (દાનપેટીઓ) દરરોજ ‘પરકામાણી’ ઇમારતમાં મોકલે છે, જ્યાં CCTV કૅમેરા સહિત પોલીસના બંદોબસ્ત સાથે સ્વયંસેવકો કડક સુરક્ષા હેઠળ એ ભેટની રકમની ગણતરી કરતા હોય છે. આ આખી વ્યવસ્થાની જવાબદારી TTDની વિજિલન્સ અને સુરક્ષા શાખાને સોંપવામાં આવી છે જે આંધ્ર પ્રદેશ પોલીસના અન્ડરમાં સમર્પિત શાખા તરીકે કામ કરે છે અને એનું નેતૃત્વ IPS સ્તરના અધિકારી કરતા હોય છે જેમને ચીફ વિજિલન્સ અને સુરક્ષા અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, આ જડબેસલાક વ્યવસ્થા પછી પણ પારદર્શિતા જળવાઈ રહે અને ચોરી જેવી કોઈ અપ્રિય ઘટના ન બને એ હેતુથી કેટલાક આધુનિક સુધારાઓ પણ કરવામાં આવ્યા છે. જેમ કે સિક્કાઓની ગણતરી માટે મશીન, AI-આધારિત દેખરેખ અને સોના અને ચાંદીરૂપે મળેલી ભેટોનું માસિક મૂલ્યાંકન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ફક્ત પસંદ કરેલા કર્મચારીઓ જ આ ગણતરી વિસ્તારમાં પ્રવેશ કરી શકે અને સિક્કાઓની ગણતરી કરનારા સ્વયંસેવકોની ઓછામાં ઓછી ત્રણથી ૪ વખત તપાસ કરવામાં આવે એ વણલખ્યા નિયમ જેવું બની ચૂક્યું છે. શ્રીવરી સેવકો (સ્વયંસેવકો)એ છૂટાં પાડેલાં સિક્કા, નોટો અને ઘરેણાં અલગ કરીને પૅકિંગ કરવામાં આવે છે. ચલણી નોટોનાં બંડલ બનાવીને તથા સોના અને ચાંદીની વસ્તુઓ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે અને તિરુપતિમાં TTD ટ્રેઝરીમાં મોકલતાં પહેલાં એનું માસિક મૂલ્યાંકન કરવામાં આવે છે.
શિર્ડીનું સાંઈબાબા મંદિરમાં શું વ્યવસ્થા છે?
કહેવાય છે કે તિરુપતિ મંદિરની જેમ જ શિર્ડીના મંદિરમાં પણ ભેટ તરીકે આવતી રોકડ અને બીજી ચીજવસ્તુઓની ગણતરી અને જાળવણી કરવાની સમગ્ર પ્રક્રિયા અત્યંત સુરક્ષિત, પારદર્શક અને કડક નિયમો આધારિત છે.
શિર્ડીમાં હૂંડીઓ ખોલવા અને રકમ ગણવા માટે એક ખાસ અન્ડરગ્રાઉન્ડ હૉલ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં CCTV કૅમેરા દ્વારા સતત કડક નજર રખાતી હોય છે. તિરુપતિની જેમ જ અહીં પણ ચોક્કસ ડ્રેસ-કોડનો નિયમ બનાવવામાં આવ્યો છે. ગણતરીમાં કોઈ પણ પ્રકારની ગોબાચારી નહીં થાય અને કોઈને ચોરી કરવાનો વિચાર સુધ્ધાં ન આવે એ આશયથી શિર્ડીમાં પણ કર્મચારીઓએ ખિસ્સાં વગરનાં કપડાં અને ઇલાસ્ટિકવાળા પાયજામા પહેરીને જ અંદર પ્રવેશ કરવો પડે છે. એટલું જ નહીં, એ હૉલમાં કોઈ પણ વ્યક્તિને મોબાઇલ, પર્સ કે અન્ય કોઈ પણ અંગત સામાન લઈ જવાની અનુમતિ નથી હોતી.
ઈશ્વરને અર્પણ કરાયેલી ભેટસોગાદો, રોકડ, ઘરેણાં વગેરેની ગણતરીની પ્રક્રિયા દરમ્યાન ટ્રસ્ટના કર્મચારીઓ, શિર્ડી ગામના પ્રતિનિધિઓ અને બૅન્કના અધિકારીઓ સહિત ૨૦૦થી વધુ લોકો હાજર રહે છે. આવી મોટી હાજરીમાં સિક્કાઓ, ચલણી નોટો વગેરે આધુનિક મશીનોના ઉપયોગ દ્વારા ગણવામાં અને અલગ-અલગ તારવવામાં આવે છે. ત્યાર બાદ જબરદસ્ત સુરક્ષા વચ્ચે એ બધી રકમ તરત રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં જમા કરવામાં આવે છે. કહેવાય છે કે અલગ-અલગ બૅન્કો મળીને શિર્ડી ટ્રસ્ટની કુલ ૩૬૦૩ કરોડ ડૉલરથીયે વધુ રકમ આજે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે સુરક્ષિત રાખવામાં આવી છે. ભક્તો દ્વારા સાંઈબાબાને સાદર કરાયેલી આ રકમનો ઉપયોગ શિર્ડી ટ્રસ્ટ મંદિરના વહીવટ, હજારો યાત્રાળુઓ માટે ચાલતા નિઃશુલ્ક અન્નદાન, હૉસ્પિટલો અને સામાજિક કાર્યોમાં કરે છે.
આ જ રકમમાંથી મંદિર ટ્રસ્ટ દ્વારા બે હૉસ્પિટલ્સ ચલાવાઈ રહી છે તો વળી સાંઈબાબા પ્રસાદાલયમાં દરરોજ ૫૦,૦૦૦થીયે વધુ ભક્તોને મફત ભોજન કરાવવામાં આવે છે. એ સિવાય ટ્રસ્ટ ધોરી માર્ગો અને ઍરપોર્ટ જેવાં જાહેર બાંધકામોમાં પણ મદદ કરતું હોય છે.
શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર
પુણેમાં આવેલા શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પણ ગણપતિ મહારાજનાં ચરણોમાં અર્પણ રકમ અને કીમતી ચીજવસ્તુઓની સુરક્ષા, પારદર્શિતા અને ગણતરી માટે ચુસ્ત અને વ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં લાવવામાં આવી છે.
એ માટે એક સુરક્ષિત ગણતરી ખંડ બનાવવામાં આવ્યો છે, જ્યાં મંદિરમાં આવતી રોકડ ભેટ અને કીમતી ધાતુ કે ચીજવસ્તુઓની ગણતરી ખાસ સિક્યૉરિટી ઝોનમાં, સુરક્ષાકર્મીઓની દેખરેખ હેઠળ થાય છે. આધુનિક CCTV કૅમેરા સમગ્ર ગણતરી પ્રક્રિયા પર નજર રાખે છે. અહીં પણ મંદિર ટ્રસ્ટના વિશ્વસનીય કર્મચારીઓ અને જવાબદાર ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં જ એ તમામની ગણતરી અને વ્યવસ્થા થતી હોય છે જેની સત્તાવાર નોંધ રાખવામાં આવે છે. ગણતરી પૂરી થયા બાદ તમામ રોકડ રકમ સીધી ટ્રસ્ટ દ્વારા માન્ય બૅન્કમાં સુરક્ષિત રીતે જમા કરાવવામાં આવે છે.
દગડુશેઠ હલવાઈ મંદિર ટ્રસ્ટ આ રકમનો મોટો હિસ્સો સામાજિક કાર્યોમાં વાપરે છે જે દગડુશેઠ ગણપતિ સોશ્યલ ઇનિશ્યેટિવ તરીકે કામ કરે છે. એમાં મુખ્યત્વે સસૂન હૉસ્પિટલના દરદીઓ માટે અન્નદાન, ઍમ્બ્યુલન્સ સેવા વગેરે ગણાવી શકાય.

શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ.
રામ મંદિરમાં બદલાવ થશે, પણ શું એ અસરકારક હશે?
ગુજરાતીમાં એક ખૂબ જાણીતી કહેવત છે : રાંડ્યા પછીનું ડહાપણ॥ અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટમાં પણ હવે અક્કલની સવાર પડી છે અને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. હા, કબૂલ કે કેટલો અને કેવો અમલ થશે એ પ્રશ્ન તો રહેશે જ, પણ કમસે કમ આશા તો રાખી શકીએ કે કદાચ ક્યાંક બદલાવ થશે.
નવા બનેલા નિયમો હવે કંઈક આ પ્રમાણે છે...
કર્મચારીઓ હવે ભેટ ગણતરી ખંડમાં ખિસ્સાં વગરનાં ખાસ કપડાં પહેરીને જ પ્રવેશ કરી શકશે.
મોબાઇલ ફોન, બૅગ, પાકીટ અને કોઈ પણ પ્રકારનો પર્સનલ સામાન અંદર લઈ જઈ શકશે નહીં.
ગણતરીખંડમાં પ્રવેશતાં પહેલાં સ્ટાફની દરેક વ્યક્તિએ આકરી તપાસવ્યવસ્થામાંથી પસાર થવું પડશે. કર્મચારીઓ હવે ફક્ત ખાલી હાથે જ ગણતરી ખંડમાં પ્રવેશ કરી શકશે.
એ જ રીતે બહાર નીકળતી વખતે પણ તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, જેથી ખાતરી કરી શકાય કે સમગ્ર પ્રક્રિયા દેખરેખ હેઠળ રહી અને કોઈ પણ સંભવિત શંકા રહે નહીં.
ટ્રસ્ટે ગણતરીખંડમાં લગાડેલા CCTV કૅમેરાની સંખ્યા પણ વધારી છે. એટલું જ નહીં, આ CCTV કૅમેરાના રેકૉર્ડ્સ પણ રાખવામાં આવશે અને ભેટની ગણતરીની પ્રકિયા સંપૂર્ણ રીતે ડૉક્યુમેન્ટ આધારિત બનાવવાની તૈયારી કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ વિવાદ, ફરિયાદ કે તપાસની સ્થિતિ સર્જાય તો જરૂરી રેકૉર્ડ ઉપલબ્ધ હોય.
શ્રદ્ધાને જ્યારે શંકાનો બટ્ટો લાગે ત્યારે ઈશ્વરભક્તિમાં ગ્રહણ લાગ્યું કહેવાય. શતપ્રતિશત શુદ્ધ અને સદૈવ અનુસરવા યોગ્ય સનાતન ધર્મ એના દરેક ભક્તને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછવાની, કોઈ પણ પ્રકારની શંકા કરવાની અને ઉત્તર દ્વારા એ શંકાનું નિરાકરણ લાવવાની પરવાનગી આપે છે. આટલા દૂરંદેશીવાળા, સ્વાભાવિક અને નિર્મળ ધર્મને કેટલાંક કુપાત્રો નિર્લજ્જતાથી કલંક લગાડતાં પણ અચકાતાં નથી ત્યારે ખરેખર જ દુઃખ થાય. આપણે કેટલી શ્રદ્ધાથી યથાશક્તિ કશુંક ઈશ્વરનાં ચરણોમાં ધરતા હોઈએ અને એ જ સમર્પણને જ્યારે કોઈક આસુરી માનસિકતા લૂંટવાનું કૃત્ય આદરે ત્યારે ગુસ્સા કરતાં પણ દુઃખ અને દયા વધુ આવે.
